દર વર્ષે ક્રિસમસમાં હું બનાવું છું ઐશ્વર્યા સ્પેશ્યલ કેક

18 December, 2019 04:24 PM IST  |  Mumbai Desk | rashmin shah

દર વર્ષે ક્રિસમસમાં હું બનાવું છું ઐશ્વર્યા સ્પેશ્યલ કેક

હું અને મારું કિચન: ઐશ્વર્યા મજુમદારનો અવાજ જેટલો મીઠો છે એટલી જ સ્વીટ્સ તેને બનાવવી અને ખાવી ગમે છે.

બાર વર્ષની ઉંમરે સિન્ગિંગ શરૂ કરી દેનારી ઐશ્વર્યા મજુમદારે ૧૪મા વર્ષે તો એક સિન્ગિંગ રિયલિટી શો ‘છોટે ઉસ્તાદ’નું ટાઇટલ જીતી લીધું હતું. તેની ખ્યાતિ હવે તો ગુજરાતની દાંડિયાક્વીન તરીકે પ્રસ્થાપિત થતી જાય છે અને ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં અનેક સુપરહિટ ગીતો પણ આપી ચૂકી છે. જોકે રસોડાની કળાની વાત આવે ત્યારે ઐશ્વર્યા નિખાલસતાથી કબૂલે છે કે તેને કુકિંગમાં ખાસ દિલચસ્પી નથી પણ સાથોસાથ તે એ પણ કહે છે કે તેને જે ભાવે છે એ તેને અવ્વલ દરજ્જાનું બનાવતાં આવડે છે. રશ્મિન શાહ સાથે તેણે કરેલી કુકિંગના એક્સપરિમેન્ટ્સની વાતો તેના જ શબ્દોમાં વાંચો

મારી સિન્ગિંગ કરીઅર જે રીતે નાની ઉંમરથી શરૂ થઈ હતી એવી જ રીતે મારી કુકિંગ કરીઅર પણ નાની ઉંમરે જ શરૂ થઈ હતી. તમે માનશો નહીં પણ મેં મારી લાઇફમાં ફર્સ્ટ ટાઇમ કંઈ કુક કરવાનું કામ કર્યું હોય તો એ બાર-તેર વર્ષની ઉંમરે. આજે હું કેક, કુકીઝ, મેરિંગ, બિસ્કોટી અને બીજી ઘણી આઇટમ બનાવી લઉં છું. આ બધી અમેરિકન સ્વીટ આઇટમ્સ છે અને મને એ ભાવે છે એટલે મને જ્યારે પણ બનાવવાની તક મળી છે ત્યારે મેં એ જ બનાવવાનું કામ કર્યું છે. જો મને કિચન આપી દેવામાં આવે તો મેં ચોક્કસ આમાંથી જ કંઈક બનાવ્યું હોય.

મારા હાથે બનેલી કેક બધાને બહુ ભાવે છે. નજીકના ફ્રેન્ડ્સ કે ફૅમિલીમાં કોઈનો બર્થ-ડે હોય એટલે મેં જ કેક બનાવી હોય. અમદાવાદ ગઈ હોઉં અને ફ્રેન્ડ્સ મને મળવા આવે તો તેમની સાથે એક લિસ્ટ પણ હોય કે અમદાવાદમાં રહું એટલા દિવસમાં મારે તેમને શું બનાવીને ખવડાવવાનું. પણ બનાવવાનું શું? મેં કહ્યું એ જ. અમેરિકન સ્વીટ્સ. આપણું ગુજરાતી કે બીજું નૉર્મલ કહેવાય એવું ફૂડ હું આજે પણ નથી બનાવતી અને સાચું કહું તો મને એ બનાવતાં પણ નથી આવડતું. અમારા ઘરે રસોઈ મહારાજ બનાવે છે એટલે આમ પણ મને કુક કરવાનો ચાન્સ નથી મળતો અને ધારો કે એવો કોઈ ચાન્સ મળી જાય તો હું આપણું ટિપિકલ ફૂડ બનાવવાની ટ્રાય પણ નથી કરતી. એકલી હોઉં તો ફૂડ બહારથી ઑર્ડર કરવાનું પ્રિફર કરું પણ જાતે જમવાનું બનાવવાનું કામ ક્યારેય કર્યું નથી અને કદાચ કરીશ પણ નહીં. બહારથી ઑર્ડર કરવાનું આવે તો મોટા ભાગે મેં ઑર્ડરમાં સૅલડ અને જૂસ મગાવ્યાં હોય.
મને જે કંઈ બનાવતાં આવડે છે એ બનાવતાં હું કોઈ પાસે શીખી નથી. હા, મેં બધું મારી જાતે ઇન્ટરનેટ અને બુક્સના સપોર્ટથી જ શીખ્યું છે. મેં ક્યારેય કોઈ કુકિંગ ક્લાસ પણ નથી કર્યા કે પછી ક્યારેય કોઈ બાજુમાં ઊભા રહીને શીખવે એવું પણ નથી કર્યું. કાં તો જાતે જોઈને અને કાં તો વાંચી-વાંચીને બધું શીખી અને એ પછી જે કોઈ એક્સપરિમેન્ટ્સ કર્યા એ બધા બેસ્ટ જ થયા.
મને યાદ છે કે મેં મારી લાઇફમાં પહેલી વાર જ્યારે કેક બનાવી ત્યારે એ કેક વિડિયો જોઈને બનાવી હતી. કોઈ ફૂડ ટિપ્સ નહીં. શું, કેવી રીતે અને કેટલું ઍડ કરવાનું એની કોઈ ઇન્સ્ટ્રક્શન આપવા માટે મારી બાજુમાં મમ્મી પણ નહોતી. બધું વિડિયો પર જોઈને જાતે કર્યું અને કેક એકદમ સરસ બની. એ સમયે એવું કોઈ હતું નહીં કે હું મારી પહેલી કેક બીજા કોઈને ટેસ્ટ કરાવું એટલે મેં મારી એ પહેલી કેક સૌથી પહેલાં મમ્મી-ડૅડને ટેસ્ટ કરાવ્યો હતો, બન્નેને બહુ ભાવી હતી. અફકોર્સ મને પણ ભાવી હતી. એ પછી બીજી વખત કેક બનાવી એ બીજા ટેસ્ટની બનાવી અને એ પણ અમને બધાંને બહુ ભાવી. થોડા વખત પછી ત્રીજી વખત કેક બનાવી, જે ઓવર-કૉન્ફિડન્સમાં મેં બાળી નાખી હતી. આ મારું ફર્સ્ટ અને લાસ્ટ બ્લન્ડર. એ પછી મને સમજાઈ ગયું કે ઓવર-કૉન્ફિડન્સ જરા પણ નહીં રાખવાનો.
નાની હતી ત્યારથી મને વાંચવાનો અને જોવાનો બહુ શોખ, જેનો મને સીધો ફાયદો કુકિંગમાં થયો. કોઈ કંઈ બનાવતું હોય તો હું એ કલાકો સુધી બેસીને જોઈ શકું. વાંચવામાં પણ જો મને કુકિંગ રિલેટેડ કંઈ વાંચવા મળી જાય તો મજા પડી જાય. બહુ ઓછા લોકોને ખબર છે કે મારી પાસે કુકિંગ રિલેટેડ અઢળક બુક્સ છે. ફૉરેનમાં હું જ્યાં પણ ફરવા ગઈ હોઉં ત્યાંથી કે પછી ફૉરેનના ઍરપોર્ટ પરથી હું કુકિંગની બેચાર બુક્સ તો લઉં જ લઉં. આ બુક્સ મેં માત્ર ખરીદી નથી, એ વાંચી પણ છે.
નાની હતી ત્યારથી મને ગળ્યું બહુ ભાવે. સ્વીટ્સ ખાવાથી અવાજ બેસી જાય એવું મને કહેવામાં આવતું તો પણ હું એ પરાણે ખાતી. અફકોર્સ હવે એવું નથી કરતી પણ નાની હતી ત્યારે એવું કરી લેતી. મને જે બધું ભાવતું એ બધું હું બનાવતાં જાતે શીખી, મને લાગે છે કે મારો એ આઇટમ માટેનો જે ઇન્ટરેસ્ટ હતો એ જ કારણે હું એ બનાવતાં શીખી શકી હોઈશ. કેકનું મેં તમને કહ્યું પણ કેક સિવાય હું મેરિંગ કુકિઝ પણ બહુ ફાઇન બનાવું છું. મેરિંગની એક મોટી વીકનેસ છે; એની રેસિપી લેન્ગ્ધી, અઘરી અને બહુ ટાઇમ કન્ઝ્યુમિંગ છે.
બેકિંગ પાઉડર, સિનેમન પાઉડર, ઘઉંનો લોટ, જાયફળનો પાઉડર, સ્પાઇસિસ, બ્રાઉન શુગર, વૅનિલા સિરપ, ઑઇલ અને બટર હોય તો મેરિંગ રેડી થઈ જાય. પહેલાં કુકીઝ બનાવવાનાં. આ કુકીઝની રેસિપી એ જ છે જે મુજબ નૉર્મલ કુકીઝ બનતાં હોય. એ બનતાં હોય ત્યારે માર્શેમેલો અડધા કાપીને રાખી દેવાના. જેવા પેલા કુકીઝ એ હાફ બેક થાય એટલે એને માઇક્રોવેવમાંથી બહાર કાઢી એના પર અડધા કાપીને તૈયાર રાખેલાં માર્શમેલો હાફ બેક કુકીઝ પર મૂકી એના પર વૅનિલા સિરપ કે પછી ચૉકલેટ સૉસ, સ્ટ્રૉબેરી સૉસ કે બીજા ટૉપિંગ મૂકીને ફરી બેક કરવાના. બીજી વખત બેક કરતી વખતે પણ થોડી વાર પછી માઇક્રોવેવમાંથી એ કુકીઝને કાઢી એના પર જે માર્શમેલો મૂક્યા છે એ બ્રાઉન થઈ ગયા હોય તો એને ફરીથી ઊલટાવીને મૂકો અને નવેસરથી તમારા ફેવરિટ સૉસ ઍડ કરો.
મેરિંગ કુકીઝ બનાવવાની રીત લેન્ધી અને ટાઇમ કન્ઝ્યુમિંગ છે તો એની સાથોસાથ એમાં અઢળક કૅલરી પણ છે. તમે એમ જ કહો કે એ કૅલરીનો ન્યુક્લિયર બૉમ્બ છે. વીકમાં એક દિવસના ચીટ ડેના દિવસે જો તમે બેથી ત્રણ મેરિંગ કુકીઝ ખાઈ લો તો આખા વીકનું વર્કઆઉટ માથે પડે. પણ હા, મારે એ પણ કહેવું છે કે મેરિંગ કુકીઝ એટલાં સરસ દેખાય કે તમારાથી જાત પર કન્ટ્રોલ જ ન થાય.
મેં તમને કહ્યું એમ મને માત્ર અમેરિકન સ્વીટ્સ બનાવતાં આવડે છે, પણ એ બધી વરાઇટી વચ્ચે મને એક પંજાબી આઇટમ પણ બનાવતાં આવડે છે. અચારી દહીં ભિંડી. એ મને જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે હું એ બનાવવા કિચનમાં જાઉં પણ કિચનમાં જઈને બનાવવાની માત્ર અચારી દહીં ભિંડી. એની સાથે ખાવાની રોટલી કે પરાઠાં હું ન જ બનાવું કે પછી મને એ શીખવામાં ઇન્ટરેસ્ટ પણ નથી. પંજાબ અને દિલ્હીમાં આ સબ્ઝી એકદમ ઑથેન્ટિક ટેસ્ટ સાથે મળે છે. અમદાવાદ અને મુંબઈમાં મેં એની ટ્રાય કરી છે, પણ મને કોઈની અચારી દહીં ભિંડીમાં હજી સુધી મજા નથી આવી.

વર્ષ દરમ્યાન મારે બે વખત કેક બનાવવાની તો આવે જ આવે. એક ક્રિસમસમાં અને બીજી કેક મારાં વૈશાલીકાકીના બર્થ-ડે પર. આ બન્ને કેકને મારા ફૅમિલી મેમ્બર ઐશ્વર્યા સ્પેશ્યલ કેક કહે છે. ક્રિસમસ કેકની વાત કરું તો આ કેક નૉર્મલ નથી હોતી. આ એક કિલો કેકમાં બીજા એક કિલો જેટલાં ડ્રાયફ્રૂટ્સ હું યુઝ કરું છું, જેને લીધે કેકની સાઇઝ અને એનો ટેસ્ટ બન્ને બદલાઈ જાય છે. કેક બનાવવાની તૈયારી એક વીક પહેલાં જ મારે કરવી પડે છે, કારણ કે એની માટે મેં ખાસ કેટલાંક સિરપ ડેવલપ કર્યાં છે જેમાં હની અને નૉન-આલ્કોહૉલિક રમ પણ ઍડ કરવામાં આવે છે. આ સિરપને તૈયાર થવામાં અને એ તૈયાર થયા પછી એમાં કેકના બેઝની કણક પલાળી રાખીને કેકનો બેઝ તૈયાર કરવામાં આવે છે. કેક બનાવવાની બાકીની પ્રોસેસ નૉર્મલ ફ્રૂટ કેક જેવી છે.
મારે એક વાત બધાને કહેવી છે. જો તમને કુકિંગ ન ગમતું હોય તો વાંધો નહીં પણ તમને જે ખાવાનું ભાવતું હોય કે જે તમારી ફેવરિટ ડિશ હોય એ તો તમારે શીખવી જ જોઈએ પછી તે છોકરો હોય કે છોકરી. તમને તમારી જ વરાઇટી કેમ બને એની ખબર ન હોય ત્યાં સુધી એ તમારી ફેવરિટ આઇટમના લિસ્ટમાં ક્યારેય આવતી નથી.

ક્રિસમસ કેકની વાત કરું તો આ કેક નૉર્મલ નથી હોતી. આ એક કિલો કેકમાં બીજા એક કિલો જેટલાં ડ્રાયફ્રૂટ્સ હું યુઝ કરું છું, જેને લીધે કેકની સાઇઝ અને એનો ટેસ્ટ બન્ને બદલાઈ જાય છે. કેક બનાવવાની તૈયારી એક વીક પહેલાં જ મારે કરવી પડે છે, કારણ કે એની માટે મેં ખાસ કેટલાંક સિરપ ડેવલપ કર્યાં છે જેમાં હની અને નૉન-આલ્કોહૉલિક રમ પણ ઍડ કરવામાં આવે છે.

Rashmin Shah Aishwarya Majmudar columnists Gujarati food mumbai food indian food christmas