ડબલ મોરચે લડી રહ્યા છે ડૉક્ટરો

16 March, 2020 12:21 PM IST  |  Mumbai Desk | Alpa Nirmal

ડબલ મોરચે લડી રહ્યા છે ડૉક્ટરો

સંસર્ગજન્ય રોગની ચપેટમાં આવવાના હાઈ રિસ્ક વચ્ચે જનરલ પ્રૅક્ટિસ કરતા તબીબો દરદીને ફિઝિકલી ટ્રીટ કરવા સાથે કોરોનાના માનસિક ભયથી મુક્ત કરવાની બેવડી જવાબદારી નિભાવી રહ્યા છે

કોરોનાના પેશન્ટની સારવાર કરતા ડૉકટરો, ક્વોરન્ટીન કરાયેલા દરદીઓની સારસંભાળમાં રહેલા હેલ્થ વર્કરો, ઍરપોર્ટ અને અન્ય જાહેર સ્થળોએ જ્યાં ચેપગ્રસ્ત લોકોના આવવાની સંભાવના વધુ છે ત્યાં દિવસ-રાત ડ્યુટી નિભાવતો મેડિકલ સ્ટાફ રિયલ લાઇફના સુપરમૅન કહેવાય. માથે જીવલેણ જોખમ તોળાતું હોવા છતાં ફરજ નિભાવનાર આ વ્યક્તિઓની સરાહના કરીએ એટલી ઓછી છે, પરંતુ આપણી આજુબાજુ રહેલા જનરલ પ્રૅક્ટિસ કરતા ડૉક્ટરો પણ હીરોથી કમ નથી. હાઈ રિસ્ક વચ્ચે આ તબીબો દરરોજના સેંકડો પેશન્ટો તપાસે છે, તેમને દવા આપે છે અને ખાસ તો કોરોનાના માનસિક ભયમાંથી બહાર કાઢવા તેમનું કાઉન્સેલિંગ કરે છે.
થાણાના નૌપાડા વિસ્તારમાં પ્રૅક્ટિસ કરતા ડૉ. કિશોર બુરીચા કહે છે, ‘કોરોનાનાં લક્ષણો સામાન્ય ફ્લુ જેવાં જ હોય છે. શરદી, કફ, તાવ. વળી આ ગરમી-ઠંડી જેવી ઋતુનો સંધિકાળ હોવાથી આવી બ‌ીમારીઓ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. અત્યાર સુધી ઘરગથ્થુ ઉપચાર કરીને કે અન્ય દવાઓ ખાઈને આ રોગ પર કાબૂ મેળવી લેતા હતા, પણ હમણાં કોરોનાને કારણે આવાં લક્ષણો ધરાવતા દરેક પેશન્ટ ડૉક્ટર પાસે જાય છે. મારી જ વાત કરું તો દર વખત કરતાં આ સમયે હું પચાસ ટકા વધુ પેશન્ટને તપાસી રહ્યો છું. ઍક્ચ્યુઅલી લોકો, રોગી હોવા કરતાં પૅનિક વધુ છે અને તેમનો એ ભય કાઢવા માટે અમારે તેમને બહુ સમજાવવું પડે છે.’
આ જ વાતની પૃષ્ટિ કરતાં સાંતાક્રુઝ અને દહિસરમાં પ્રૅક્ટિસ કરતા ડૉ. સુશીલ શાહ કહે છે, ‘જનરલી આવા સિમ્પટમ ધરાવતા એક પેશન્ટને તપાસતા, દવા આપતા ૭થી ૧૦ મિનિટ થાય. હવે ફક્ત તેમને ૧૦ મિનિટ કાઉન્સેલિંગ કરવું પડે છે કે ભાઈ, તમને કોરોનાનો રોગ નથી.’
બેઝિકલી કોરોના અન્ય વાઇરસ જેવો જ ફ્લુ ફૅમિલીનો વાઇરસ છે, એમ કહેતાં ડૉ. સુશીલ શાહ આગળ કહે છે, ‘કોરોનાનું સેલ્સ સ્ટ્રક્ચર નવું છે આથી બૉડીની ઇમ્યુનિટી એ પ્રમાણે ડેવલપ નથી થઈ અને આ જ કારણે એ પ્રમાણમાં વધુ ભયાવહ છે. જોકે જે આરોગ્યપ્રદ વ્યક્તિ છે તેને ડરવાની જરૂર નથી. વ્યસ્કો, બ્લડ પ્રેશરના, ડાયાબિટીઝના દરદી કે કેમોથેરપી ચાલતી હોય તેવા પેશન્ટને ઓછી ઇમ્યુનિટી હોવાથી ઇન્ફેક્શન લાગવાનો ચાન્સ વધુ રહે છે.’
દરદીના ડર વિશે વાત કરતાં કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં આઇ.સી.યુ. ઇન્ચાર્જ તરીકે કાર્યરત ડૉ. શાહીના કડીવાલા કહે છે, ‘અનેક માધ્યમોમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા દોઢ મહિનામાં ચીન, ઇટલી, જપાન, સાઉથ કોરિયા જેવી કન્ટ્રીમાં જેમણે ટ્રાવેલ કર્યું હોય તેના સંસર્ગમાં આવ્યા હોય તો જ તેમને કોરોના થઈ શકે, પરંતુ પેશન્ટ એટલા હાઇપર થાય છે કે અમને પ્રેશરમાં નાખે છે. અમારે આ ટેસ્ટ કરાવવી જ છે. બસ, તમે અમને ચિઠ્ઠી લખી આપો. અત્યારે મુંબઈમાં આ ટેસ્ટ ફક્ત કસ્તુરબા હૉસ્પિટલ અને કે.ઈ.એમ.માં જ થાય છે. ત્યાં ઑલરેડી બહુ બધાં ટેસ્ટિંગ સૅમ્પલ્સ છે. એવામાં નૉર્મલ લોકોને જેની કોરોનાનો ચેપ લાગવાની કોઈ સંભાવના નથી તેઓ પણ જીદ કરીને બેસી જાય છે. આવા ટાઇમે અમારે તેમને સાઇકોલૉજિકલી ટ્રીટ કરવા પડે છે. જોકે કોઈ પણ દરદી ખાંસતો આવે કે સખત શરદીથી ગ્રસ્ત હોય તો અમે ઇગ્નોર કરીએ જ નહીં. તરત જ તેની સારવાર શરૂ કરી દઈએ, કારણ કે જો એ ખરેખર કોરોના પૉઝિટિવ હોય તો ઓ.પી.ડી.માં બેઠેલા દરેકને ઇવન અમને પણ તેનો ચેપ લાગે. યસ, આવા સમયે બીજા પેશન્ટ સાથે ડૉક્ટર્સને પણ એટલું જ રિસ્ક રહે, પણ અમે ત્યારે શાંતિથી કામ લઈએ. આમ તો અમારી સેફ્ટી માટે અમારે માસ્ક, ગ્લવ્ઝ પહેરવાં જોઈએ, પણ પર્સનલી હું માસ્ક પહેરતી નથી, કારણ કે મેં જો માસ્ક પહેર્યો હોય તો મને જોઈ પેશન્ટ વધુ પૅનિક થઈ જાય અને પહેલાં મેડિકલ શૉપમાં માસ્ક લેવા દોડે. માસ્કની અછત હોવાથી એ ન મળે એટલે વધુ ટેન્સ થઈ જાય. એને બદલે હું તેમને સિમ્પલ રૂમાલની અંદર ત્રણથી ચાર ટિશ્યુ પેપર નાખીને બાંધવાનું અને સમયાંતરે એને ચેન્જ કરવાનું કહું છું. નૉર્મલ શરદી-ખાંસી માટે પણ આ પ્રૅક્ટિસ હેલ્ધી છે. બીજું, આ રોગમાં કોઈ પણ પેશન્ટથી એક મીટર દૂર રહેવાની નોમ્સ અપાઈ છે, પરંતુ અમારી માટે એ શક્ય નથી. તેને સ્ટેથોસ્કોપથી ચેક કરવાનું હોય, હાર્ટ બીટ્સ, બ્લડ પ્રેશર, ગળું જોવા માટે તેને અડવું જ પડે. એ સમયે હું આવા દરેક પેશન્ટને ચેક કરી સાબુ વડે હાથ ધોઈ નાખું અને ઘરે જઈને ક્યાંય અડ્યા વગર પહેલાં નહાવાનું પછી બીજી બધી વાત.’
ડૉક્ટર્સના રિસ્ક ફેક્ટર્સ વિશે વાત કરતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘ત્રણ દિવસ પહેલાં એક કોરોના પૉઝિટિવ દરદી ડાયરેક્ટ હિન્દુજા હૉસ્પિટલમાં પહોંચી ગયો અને અનેક ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફના ટચમાં આવ્યો જેથી ૫૦ જેટલી વ્યક્તિને ક્વોરન્ટીનમાં રાખવા પડ્યા છે. જો આવું ઠેર-ઠેર થાય તો આખી હેલ્થ કૅર સિસ્ટમ ભાંગી પડે. આવા સમયે સસ્પેક્ટેડ પેશન્ટે પોતે સંયમ રાખવો જોઈએ. દરેક વ્યક્તિનું સ્ક્રીનિંગ કરવું પણ શક્ય નથી. ત્યારે એવી કોઈ સુવિધા થવી જોઈએ કે અનકન્ફર્ડ વ્યક્તિ પહેલાં ડૉક્ટર્સ સાથે ટેલિફોન પર વાત કરે. ડૉક્ટર તેની બીમારી ઉપરાંત ટ્રાવેલ હીસ્ટ્રી અને અન્ય વિગતો જાણે પછી તે પેશન્ટને કાંઈ પણ રેક્મન્ડ કરે. હું માનું છું કે લોકો કોરોના વિશે મિસ એજ્યુકેટેડ વધુ છે. આનો કોઈ ઇલાજ નથી એમ જાણી વધુ પૅનિક છે, પરંતુ કોરોનાની સારવાર સમયસર મળે, બીજા કોઈ મોટા રોગ ન હોય, પેશન્ટ સ્પેસિફિક સમય માટે આઇસોલેટેડ રહે તો ચોક્કસ તે કોરોના મુક્ત થઈ જાય.’
આ જ વાતની પુષ્ટિ કરતાં ડૉ. શાહીના કડીવાલા કહે છે, ‘અમુક દવાઓના કૉમ્બિનેશનથી દરદીને સાજો કરી શકાય છે. વળી તે રિકવર થવાના ચાન્સિસ પણ નથી. હા, ફરી કોરોના ગ્રસિત વ્યક્તિના સંસર્ગમાં આવે તો ફરી ઊથલો મારે અન્યથા નહીં. આ વાઇરસ હવામાં નથી રહેતો કે તમે ક્યાંક જાવ ને તમને લાગી જાય અને મુંબઈના ભેજવાળા અને ગરમ વાતાવરણમાં એ વધુ વકરે એની સંભાવના ઓછી છે છતાં ઈચ ઍન્ડ એવરી પર્સને સાવચેત રહેવાની જરૂર છે જ. ભીડમાં જવાનું ટાળો, કોઈને સ્પર્શ કરવાનું અવોઇડ કરો. શરદી-ખાંસી વખતે રૂમાલ કે ટિશ્યુ આડો રાખો, વારે-વારે સાબુથી હાથ ધુઓ.’
ડૉ. કિશોર બુરીચા કહે છે, ‘સૅનિટાઇઝર ન મળે તો કોઈ પણ આલ્કોહૉલ બેઝ્ડ પ્રોડક્ટ બૉડી સ્પ્રે, આફ્ટર શેવ લોશનથી હાથ ડિસઇન્ફેક્ટ કરો અને ખાસ તો, વધુ લોકો હોય ત્યાં જાવ જ નહીં. મુંબઈ જેવા શહેરમાં એક જ જગ્યાએ પુરાઈને રહેવું પોસિબલ નથી, પરંતુ લગ્નપ્રસંગ કે મેળાવડા ને પ્રાર્થનાસભા કે બધુ હાલના તબક્કે અવોઇડ કરવું જોઈએ.’
હા, ભેગા થવાનું ટાળવું જ જોઈએ એમ કહેતાં ડૉ. સુશીલ શાહ ઉમેરે છે, ‘કારણ કે અત્યારે કન્ફર્મ્ડ કરતાં અનકન્ફર્મ્ડ કેસીસ વધુ છે માટે સ્ટે અલર્ટ. ચીનના વુહાન જ્યાંથી આ વાઇરસનો ઉદ્ભવ થયો ત્યાંની પરિસ્થિતિ ઘણી સુધરી છે એ આખા વિસ્તારને લૉક-ડાઉન કરવાને કારણે. બધુ બંધ હોય, લોકો હળે-મળે નહીં, જેથી વાઇરસને કન્ટ્રોલ કરવામાં તેમને ઘણી સફળતા મળી છે.’

કોરોનાથી બચવા અને એને ફેલાતો અટકાવવા તમે શું કરી શકો?

સૌપ્રથમ તો રોગ હોય તો છુપાવો નહીં, રિસન્ટલી ટ્રાવેલ કર્યું હોય, પ્રાથમિક લક્ષણો હોય તો ડૉક્ટર પાસે જાઓ અને પૂરી તપાસ કરાવો.
પૅનિક ન થાવ, પ્રેશરમાં ન આવો. તમે ટ્રાવેલ નથી કર્યું, કોઈએ ટ્રાવેલ કર્યું હોય તેના સંસર્ગમાં નથી આવ્યા તો ફ્લુ ટાઇપ લક્ષણો હોવાં છતાં પૅનિક ન થાઓ. હા, છીંક કે ખાંસી વખતે રૂમાલ જરૂર આડો રાખો ને જ્યાં ત્યાં થૂંકો નહીં.
ફૅમિલી મેમ્બર્સ સિવાય, બીજા લોકોને બહુ હળો-મળે નહીં. રજા જેવું વાતાવરણ છે, ચાલ મેળાવડો કરીએ એ બધું ટાળો. હૉસ્પિટલમાં બીજા દરદીઓના ખબર કાઢવા જવાનું ટાળો. લગ્ન, મરણ જેવા પ્રસંગોમાં પણ ન જાઓ કે કોઈ આફ્રિકાથી આવ્યું છે કે અમેરિકાથી આવ્યું છે ત્યાં ક્યાં કોરોનાનો કેર છે એમ સમજી મળવા જવાનું ટાળો. ઍટ લીસ્ટ એ આવ્યાના પ્રથમ ૧૫ દિવસ તો નહીં જ.
ટ્રાવેલ કરવાનું ટાળો, ખાસ કરીને વિદેશમાં. તમે જ્યાં જવાના હો ત્યાં કોરોનાનો ભય ન હોય, પરંતુ વાયા ફ્લાઇટના લે-ઓવર ટાઇમમાં અન્ય સહઉતારુનો સંસર્ગ તમને સંકટમાં નાખી શકે છે.

જનરલી આવા સિમ્પટમ ધરાવતા એક પેશન્ટને તપાસતા, દવા આપતા ૭થી ૧૦ મિનિટ થાય. હવે ફક્ત તેમને ૧૦ મિનિટ કાઉન્સેલિંગ કરવું પડે છે કે ભાઈ, તમને કોરોનાનો રોગ નથી. - ડૉ. સુશીલ શાહ

પેશન્ટ એટલા હાઇપર થાય છે કે અમને પ્રેશરમાં નાખે છે. અમારે આ ટેસ્ટ કરાવવી જ છે. બસ, તમે અમને ચિઠ્ઠી લખી આપો. આવા ટાઇમે અમારે તેમને સાઇકોલૉજિકલી ટ્રીટ કરવા પડે છે. - ડૉ. શાહીના કડીવાલા

હાલમાં દરેક નાના-મોટા લક્ષણો માટે લોકો ડૉક્ટર પાસે દોડી જાય છે. રોગ હોવા કરતાં પૅનિક વધુ છે અને તેમનો એ ભય કાઢવા માટે અમારે તેમને બહુ સમજાવવું પડે છે. - ડૉ. કિશોર બુરીચા

alpa nirmal columnists