સિંગલ્સના સમયમાં મેં જ્યારે આખું આલબમ બનાવવાનું કહ્યું ત્યારે...

16 January, 2019 11:10 AM IST  | 

સિંગલ્સના સમયમાં મેં જ્યારે આખું આલબમ બનાવવાનું કહ્યું ત્યારે...

પડાપડી : આ જે લાવ-લાવ ઊભી થઈ છે એ લાવ-લાવ બૅન્ગલોરના એક ઑડિટોરિયમની છે અને માથે પડતાં આ સૌ ‘નાયાબ લમ્હેં’ની CD ખરીદવા માગે છે. માત્ર ત્રણ મિનિટમાં અમે બધી CD વેચી નાખી જે દેખાડે છે કે આજે પણ એ સાંભળનારો વર્ગ છે, છે અને છે જ.

દિલ સે દિલ તક

અંગ્રેજીમાં એક કહેવત બહુ જાણીતી છે.

લાસ્ટ નેઇલ ઑન ધ કૉફિન.

ગુજરાતીમાં કહેવાય, કબરને છેલ્લો ખીલો. આ છેલ્લા ખીલાનું બહુ મોટું મહત્વ છે. મ્યુઝિક-ઇન્ડસ્ટ્રી સાથે પણ એવું જ બન્યું અને ઇન્ડિયન મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીનું લૅન્ડમાર્ક,

મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીનું કાશી એવું રિધમ હાઉસ બંધ થયું. રિધમ હાઉસ બંધ થવા પાછળનું જો કોઈ સૌથી મોટું કારણ હોય તો એ ડિજિટલ યુગ. ડિજિટલ યુગે બિલકુલ મ્યુઝિક ખરીદવાની આદત સાવ છોડાવી જ દીધી અને અધૂરામાં પૂરું ઇન્ટરનેટનો વ્યાપ પણ વધવા માંડ્યો. શરૂઆતમાં ઇન્ટરનેટ પ્રમાણમાં સામાન્ય લોકોને મોંઘું લાગતું, પણ પછી ધીમે-ધીમે એ પણ સસ્તા પૅકેજમાં આવવા માંડ્યું અને એટલે મ્યુઝિક ડાઉનલોડ કરવાની પ્રક્રિયા પણ ફુલ સ્પીડમાં આવી ગઈ અને ડિજિટલ યુગે મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીની ઘોર ખોદવાની શરૂ કરી દીધી. ડિજિટલ યુગે CD અને DVDની વૅલ્યુ સાવ ખતમ કરી દીધી. થોડા દિવસો માટે પેનડ્રાઇવ પર મ્યુઝિક આવવાનું શરૂ થયું, પણ એના પછી તો એ પણ સાવ જ ભુલાઈ ગયું. પેનડ્રાઇવ પર આવતા મ્યુઝિકને નાના સેન્ટરમાં તો કોઈએ જોયું પણ નથી, સાંભળ્યું નથી.

DVD, CD કે પછી પ્ભ્૩ના યુગને પાછો લાવવા માટે પ્રયાસો આ ડિજિટલ યુગમાં પણ થયા; જેમાં ડિજિટલ યુગને પણ પૂરું સન્માન મળેલું રહે અને મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીનો સિતારો ફરી બુલંદ બને. આ માટે સિંગલ્સનો એક દોર આવ્યો, જેમાં માત્ર એક જ ગીત તૈયાર કરવાનું અને એને રિલીઝ કરવાનું. આ સિંગલ્સની શરૂઆત પહેલાં તો નૉન-ફિલ્મી સૉન્ગ્સથી જ થઈ અને પછી એમાં ગઝલ પણ આવી અને એ પછી તો ફિલ્મી ઍક્ટરો સાથેનાં સિંગલ્સ પણ આવ્યાં, પણ એ બધાની મજા લાંબો સમય સુધી અકબંધ રહેતી હોય એવું કોઈને લાગ્યું નહીં. પંજાબી, રૉક અને રીમિક્સ સૉન્ગ્સ એમાં વધારે આવ્યાં અને એ સિંગલ્સ ટીનેજર્સ અને યંગસ્ટર્સને આકર્ષવાનું કામ કરી શક્યાં, પણ બાકીનાં સિંગલ્સ ખાસ લાંબો સમય જીવી શક્યાં હોય એવું મેં નોટિસ નથી કર્યું.

સિંગલ્સનો આ દોર આજે પણ અકબંધ છે, પણ હા, એનું પ્રમાણ થોડું ઘટ્યું છે એ પણ એટલું જ સાચું છે. સિંગલ્સ ખરીદવા માટે કોઈ તૈયાર નથી અને એનું કોઈ માર્કેટ પણ નથી એટલે એ ફ્રીમાં ડાઉનલોડ કરવા સિવાય બીજી કોઈ રીતે કલાકારોને લાભદાયી નથી બનતું. હા, એનાથી સેલ્ફ-માર્કેટિંગ થાય છે, પણ એ ન્યુકમર કે ફ્રેશરને જરૂર હોય, એસ્ટાબ્લિશ થયેલા કલાકારોને કે આર્ટિસ્ટને એનાથી લાભ થતો હોય એવું મારા ધ્યાનમાં નથી આવ્યું. ફિલ્મસ્ટાર્સને પણ એનાથી ખાસ લાભ થતો નથી દેખાયો.

વર્ષે-દોઢ વર્ષે જે સ્ટારની ફિલ્મ આવતી હોય એ સ્ટાર આ પ્રકારનાં સિંગલ્સ કરીને લાઇમલાઇટમાં રહેતા હશે અને પોતાના ફૅન્સને ખુશ કરતા હશે એવું તેમનું ગણિત હોય શકે, પણ એનાથી મૉનિટરી બેનિફિટ શું થાય છે એ હજી સ્પષ્ટ નથી થયું. ઍટ લીસ્ટ મને તો સ્પષ્ટ નથી જ થયું. એ લોકો આ કરે છે એટલે કોઈ તો લાભ થતો હશે એવું ધારી શકાય, પણ એ લાભ શું છે અને કેટલો છે અને એનાથી મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીને શું ફાયદો થાય છે એના વિશે વાત કરવાને બદલે અત્યારે આપણે આપણા ટૉપિક પર આવી જઈએ.

મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીમાં આવેલો ચેન્જ અને એ ચેન્જ વચ્ચે મ્યુઝિકની શું પરિસ્થિતિ થઈ એની આપણે વાત કરતા હતા.

સિંગલ્સના આ દોર વચ્ચે મને કુદરતી રીતે એવી સ્ફુરણા થઈ કે હું સિંગલ બનાવવાને બદલે શું કામ ગઝલનું આખું આલબમ જ ન બનાવું. આમ જોઈએ તો આ પૂરની સામે તરવા જેવી વાત હતી. તમે કોઈને વાત કરો તો પણ સામેવાળાને બે ઘડી માટે એવો વિચાર આવે ખરો કે આ જોખમ ખોટું લેવાઈ રહ્યું છે, પણ ખરું કહું તો મને એવો કોઈ વિચાર નહોતો આવ્યો અને આવી નકારાત્મક વાત કરનાર પણ મને કોઈ મળ્યું નહોતું. મેં મારા મનની વાત ગુલઝારસાહેબ સામે રજૂ કરી અને તેમણે મારી આ વાત હોંશભેર સ્વીકારી લીધી. અમે નક્કી કર્યું કે હવે ગુલઝારસાહેબ સાથે જે કરીશું એ સિંગલ નહીં હોય પણ એ આલબમ જ હશે અને આમ છ ગઝલ-નઝ્મનું આલબમ ‘નાયાબ લમ્હેં’ તૈયાર કરવાનું કામ શરૂ થયું.

ખૂબ મહેનત કરીને અમે આ આલબમ તૈયાર કર્યું અને પછી મને અચાનક જ વિચાર આવ્યો કે આ આલબમને માત્ર ડિજિટલમાં રહેવા દેવાને બદલે આપણે એની CD બનાવીએ. મને ઘણા એવા મળ્યા જેમણે કહ્યું કે આજે ડિજિટલ યુગમાં તમને CD બનાવીને શું લાભ થવાનો. એવું કહેનારા પણ મળ્યા કે CD હવે કોઈ ખરીદતું નથી, કોઈ સાંભળતું નથી ત્યારે શું કામ આવું કામ કરવું છે, પણ મારું મન નહોતું માનતું, મને થતું હતું કે આજે પણ CDના ચાહકો અકબંધ છે, આજે પણ CDને ચાહનારાઓ છે અને હજી પણ એવા લોકો છે જે ગઝલ અને નઝ્મ સાંભળવાનું કામ ઘરે, શાંતિથી પોતાના CD-પ્લેયર પર જ કરે છે.

મારી જીદને મેં નક્કર નિર્ણયમાં ફેરવવાનું નક્કી કર્યું અને CD બનાવવાની દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું. CD બનાવવાનું કામ પૂરું થયું અને CD રેડી થઈ ગઈ. હવે એનું કરવું શું, કારણ કે હવે CD સ્ટોરમાં તો વેચાતી નથી એટલે એને ઑનલાઇન પ્લૅટફૉર્મ પર વેચવા મૂકી અને અમને ખૂબ સારો રિસ્પૉન્સ મળ્યો, પણ મોટી આનંદની વાત તો હવે આવે છે.

‘નાયાબ લમ્હેં’નું એક લૉન્ચિંગ ફંક્શન અમે બૅન્ગલોરમાં રાખ્યું હતું, જેના હૉલમાં અમે CD વેચવાની અરેન્જમેન્ટ કરી હતી. સાવ એમ જ તુક્કો ફેંક્યો હતો અમે, પણ તમે માનશો નહીં, માત્ર ત્રણ મિનિટમાં બધી, બધી એટલે બધી CD વેચાઈ ગઈ. લોકોની ડિમાન્ડ હજી પણ અકબંધ હતી અને અમારી પાસે CD નહોતી. મારો કહેવાનો મતલબ એ છે કે જે એક આખું પ્લૅટફૉર્મ જેને આપણે ભૂલી ગયા એ પ્લૅટફૉર્મને ટેક્નૉલૉજી ખાઈ ગઈ કે પછી આપણે જ એને મહત્વ આપવાનું છોડી દીધું, જરા વિચારો? વિનાઇલ પર બનતી લૉન્ગ-પ્લે રેકૉર્ડ, કૅસેટ અને CDને ભૂલી ગયા અને હવે ફક્ત ને ફક્ત ડિજિટલ આધારિત થઈ ગયા એ શું સાચી વાત છે?

વિશ્વમાં આજે પણ સંગીતના એવા પ્રેમીઓ છે જેને આજે પણ એ જ સંગીત માણવું છે જે પ્યૉર સંગીત છે અને એ જ કારણ છે કે મને ઇચ્છા થાય છે કે હું લોકો માટે લૉન્ગ-પ્લે રેકૉર્ડ બનાવીશ. ઘણી વાર એવો વિચાર આવે છે કે શું આપણે એ યુગ તરફ જઈ રહ્યા છીએ કે પછી આપણે ડિજિટલના ગુલામ થઈ ગયા છીએ? એક વાત તો ચોક્કસ છે કે એક લૉન્ગ-પ્લે રેકૉર્ડ કે CD સાથે સાંજ વિતાવવાની જે અદ્ભુત ક્ષણ હતી એને આજે પણ લોકો મિસ કરી રહ્યા છે. પછી મ્યુઝિક કોઈ પણ પ્રકારનું ભલેને હોય. લતાજીનાં ભજનો હોય કે મુકેશજીનાં ગીતો હોય કે પછી પંડિત શિવકુમાર શર્માને સાંભળવાનો લહાવો હોય, પણ આજે પણ, એ સમય લોકો મિસ કરી રહ્યા છે. આ લખવાનું કારણ પણ એ જ છે કે જે લોકો આ સમય મિસ કરે છે તેમની સાથે મળીને આપણે બધા એક એવી ઝુંબેશ શરૂ કરીએ કે લૉન્ગ-પ્લે અને CDનો યુગ ફરી પાછો આવે અને આપણે ઘરમાં શાંતિથી બેસીને કલાકારને સાંભળવાનો પૂરો આનંદ ઉઠાવી શકીએ.

pankaj udhas columnists