સફર CDથી MP૩ સુધીની

02 January, 2019 11:09 AM IST  |  | પંકજ ઉધાસ

સફર CDથી MP૩ સુધીની

શુભારંભ : ‘શગુફ્તા’ આપણે ત્યાં માર્કેટમાં આવેલી ઇન્ડિયન કલાકારની પહેલી CD હતી, ‘શગુફ્તા’એ CDના વેચાણના બધા રેકૉર્ડ તોડી નાખ્યા હતા.

દિલ સે દિલ તક 

LP એટલે કે લૉન્ગ પ્લે રેકૉર્ડ પછી જમાનો આવ્યો કૅસેટનો. કૅસેટ વગાડવા માટે ટેપરેકૉર્ડરની જરૂર પડે. એક સમય હતો કે આ ટેપરેકૉર્ડરની બહુ બોલબાલા હતી. સોનીથી માંડીને પૅનૅસોનિક જેવી મલ્ટિનૅશનલ કંપનીઓ લાખો રૂપિયાનાં ટેપરેકૉર્ડર બનાવતી અને લોકો એ હોંશે-હોંશે ખરીદતા. મોટાં સ્પીકર હોય અને એની બાજુમાં નાનું-નાજુક ટેપરેકૉર્ડર હોય. પછી તો બે કૅસેટ નાખી શકાય એવાં ટેપરેકૉર્ડર પણ આવ્યા.

કૅસેટોનો જમાનો ક્યારથી આવ્યો એવું એક્ઝૅક્ટ તો કહી ન શકાય, પણ 80ના દશકમાં એની બોલબાલા ખૂબ વધવા માંડી હતી અને રેકૉર્ડ બનાવવાનું ઓછું થઈ ગયું હતું. મને પાક્કું યાદ છે કે મારા આલબમની પહેલી કૅસેટ આવી ૧૯૮૫માં. ‘નાયાબ’ કૅસેટ પર આવેલું મારું પહેલું આલબમ. એ સમયે ‘નાયાબ’ ફાસ્ટેસ્ટ સેલિંગ કૅસેટમાં સૌથી ઉપર હતું. આપણે ત્યાં ટાઉનમાં ઑપેરા હાઉસ છે. એ ઑપેરા હાઉસમાં દર વીકે ફાસ્ટ સેલિંગ આલબમ એટલે કે કૅસેટની યાદી લગાડવામાં આવે. એમાં ‘નાયાબ’નો સમાવેશ થયો અને ઑપેરા હાઉસમાં કામ કરતા કેટલાક લોકોએ મને ફોન કરીને એની વાત કહી હતી. ‘નાયાબ’એ એ સમયે ઘણા રેકૉર્ડ તોડ્યા, પણ રેકૉર્ડ તોડવાની યાદીમાં મારું આલબમ ‘આફરીન’ સૌથી ઉપર રહ્યું છે અને એવું કહેવાય છે કે ‘આફરીન’ની કૅસેટ આજ સુધીમાં સૌથી વધારે વેચાઈ છે.

કૅસેટનો આ દોર ચાલતો હતો એ જ અરસામાં એટલે કે ૧૯૮૫માં હું એક કાર્યક્રમ માટે જપાન ગયો. જપાનના એક સ્ટોરમાં મેં CD જોઈ. પહેલી વાર CD જોઈને હું ખરેખર મૂંઝાઈ ગયો હતો, પણ મને તરત જ રેકૉર્ડ યાદ આવી ગઈ હતી. CD એ હકીકતમાં તો રેકૉર્ડ અને કૅસેટના જૉઇન્ટ વેન્ચર જેવું સાધન છે. જપાનમાં જ મેં પહેલી વાર CD પર રેકોર્ડ થયેલો સાઉન્ડ સાંભળ્યો અને હું કહીશ કે હું લિટરલી ચકિત થઈ ગયો. અદ્ભુત ક્લૅરિટી હતી સાઉન્ડમાં. તમને એકેએક બીટ અલગ પડતી સંભળાય અને એમાં પણ એકદમ સ્પષ્ટતા હોય. ક્લૅરિટી અને સાઉન્ડની સુંદરતા જોઈને હું આભો જ રહી ગયો. એ દિવસોમાં હું જેટલી વાર જપાન રહ્યો એટલી વાર હું દરરોજ એ CD જોવા માટે એ સ્ટોરમાં ગયો છું અને દરેક વખતે મેં ત્યાં CD સાંભળી હતી.

જપાનથી નીકળતાં પહેલાં મેં જીદ કરીને ત્યાંથી CD પ્લેયર ખરીદ્યું હતું અને હું એ મુંબઈ લઈ આવ્યો હતો. મુંબઈમાં એ સમયે તો આ CD સાવ જ નવી. કહોને, આપણે ત્યાં તો માર્કેટમાં એ મળતી પણ નહોતી. મુંબઈના મારા ઘરે આવીને મેં મારા સાઉન્ડ ઇક્વિપમેન્ટ્સ સાથે CD પ્લેયર કનેક્ટ કરીને ઇંગ્લિશ મ્યુઝિક લગાડ્યું અને પછી જે આનંદ આવ્યો છે એની વાત જ છોડી દો. મને એટલી મજા આવતી કે હું ધીમે-ધીમે આ કૅસેટના વેચાણના આંકડાઓથી પણ ખુશ થતો બંધ થઈ ગયો. મારું મન હવે માત્ર CD પર અટકેલું હતું. મને એમ જ થતું હતું કે CD જ બનાવવી જોઈએ. એક વખત નક્કી કરી લીધા પછી મારા આલબમની CD બનાવવા માટે મેં ખૂબ મહેનત કરી અને ફાઇનલી મ્યુઝિક ઇન્ડિયા કંપનીને સમજાવીને મેં પહેલું આલબમ CD માટે તૈયાર કર્યું. આલબમનું નામ હતું ‘શગુફ્તા’. મને ગર્વ છે એ કહેતાં કે ‘શગુફ્તા’ ઇન્ડિયાનું પહેલું વૉકલ આલબમ હતું જે CD પર રિલીઝ થયું હતું. ગઝલનું પણ અગાઉ કોઈ આલબમ CD પર રિલીઝ નહોતું થયું અને કોઈ કલાકારે ઇન્ડિવિજ્યુઅલી CD લૉન્ચ કરવા વિશે વિચાર્યું નહોતું. આ કામ મેં કર્યું અને એ પછી બધા આ દિશામાં આગળ વધ્યા. ‘શગુફ્તા’ આલબમ લૉન્ચ કરવા ખાસ પંડિત રવિશંકર આવ્યા હતા.

એ પછી CDનો દોર શરૂ થયો જે એ ઝડપે આગળ વધ્યો કે દરેક કારમાં CD વાગવા માંડી, દરેક ઘરમાં CD વાગવા માંડી અને લોકો હરખભેર સ્ટોરમાં જઈને CD ખરીદવા માંડ્યા, સાંભળવા માંડ્યા. તમે માનશો નહીં પણ એવો સમય હતો આ કે જેમાં ઘરમાં કૅસેટ પ્લેયર હોવું એ જુનવાણી વિચારધારાના હોઈએ એવું બધાને લાગવા માંડ્યું હતું અને એટલે પોતે જુનવાણી નથી એ દેખાડવા પણ બધા CD પ્લેયર વસાવવા લાગ્યા. એ પછી તો એવું બનવા માંડ્યું કે લોકો હોંશભેર પોતાનું CD કલેક્શન તમને બતાવે કે જુઓ, આ મારું કલેક્શન અને એ કલેક્શનમાં રૅર આલબમની CD જોઈને મારા જેવા સંગીતપ્રેમીનો જીવ કપાઈ જાય, થાય કે આ મારી પાસે કેમ નથી. હું એવું પણ કરતો કે આવી CD મને કોઈ પાસે જોવા મળે તો હું એ CD શોધવા માટે માર્કેટમાં ફરતો કે પછી ઑપેરા હાઉસના માલિકોને એ CD મગાવી આપવા માટે કહેતો.

CDનો જમાનો એ સ્તર પર આગળ વધ્યો કે એક સમયે CD ચારસો-પાંચસો રૂપિયાની મળતી અને એ પછી પણ લોકો એ ખરીદતા. અરે, અમુક લોકો તો એવા હતા જે રૅર કલેક્શનની CD હજાર-દોઢ હજાર રૂપિયાની હોય તો પણ ખરીદે. CDનો યુગ એવો હતો જેમાં નવી જનરેશન પણ આવી ગઈ હતી એટલે એ રીતે પણ CDના આ યુગમાં CDની ડિમાન્ડ થોડી વધારે ચાલે. બીજું એક કારણ એ પણ ખરું કે CDના સમયમાં એવું બન્યું વૉકમૅન પણ આવ્યાં. વૉકમૅન આવવાને કારણે CD પ્લેયર કૉમ્પૅક્ટ થયાં અને એને લીધે એવી પરિસ્થિતિ થઈ કે CDનું માર્કેટ વધારે મોટું બન્યું. અમેરિકામાં તો મેં મિની CD પણ પુષ્કળ જોઈ અને મિની વૉકમૅન પ્લેયર પણ જોયાં. તમારી હથેળીમાં આવી જાય એવડી જ સાઇઝનાં આ CD પ્લેયર હતાં જે જગ્યા રોકતાં નહોતાં. બીજું, એની બૅક સાઇડ પર એવા બેલ્ટ જૉઇન કરવામાં આવતા હતા જે તમારા હાથ પર બાવડાના ભાગ પર પહેરી લેવાનો એટલે બને એવું કે તમારે એ પ્લેયર ઉપાડીને પણ ચાલવાનું નહીં. તમે જિમમાં પણ સાથે લઈ જઈ શકો અને તમે મૉર્નિંગ વૉક કે જૉગિંગ દરમ્યાન પણ એ લઈને નીકળી શકો. તમારા મનગમતાં ગીતો સાંભળો અને સરસ રીતે એક્સરસાઇઝ પણ કરી લો.

CDનો આ દોર સરસ રીતે ચાલ્યો અને લાંબો ચાલ્યો. હા, એ સાચું કે લૉન્ગ પ્લે રેકૉર્ડ જેટલો લાંબો એનો સમયગાળો નહોતો, પણ ટેક્નૉલૉજીએ મ્યુઝિકના ક્ષેત્રમાં પદાપર્ણ કરી લીધું હતું અને એને લીધે મ્યુઝિકની ક્લૅરિટીમાં એટલું સરસ રિઝલ્ટ આવવા માંડ્યું હતું કે ન પૂછો વાત. સાંભળનારા ખુશ હતા, મ્યુઝિક આપનારા અને ગીતો ગાનારા મારા જેવા પણ આ બધાથી ખુશ હતા. મિની CDનો સમય લાંબો સમય ન ચાલ્યો એવું કહીએ તો ચાલે, કારણ કે એમાં ગીતો સમાવવાની માત્રા ઘટી જતી હતી. અહીંથી એ ગડમથલ શરૂ થઈ કે મિની સીડીમાં વધારેમાં વધારે ગીતો કેવી રીતે સંઘરી શકાય અને કેવી રીતે એમાં પણ ચાર કે છ ગીતને બદલે વધારે મ્યુઝિક આપી શકાય.

મને લાગે છે કે આ જે ગડમથલ હતી એમાંથી જ નવા સંશોધનની મથામણ શરૂ થઈ અને એ મથામણ વચ્ચે નવો સમય આવવાનો શરૂ થયો. આ નવો સમય ડિજિટલનો હતો, પણ એ પહેલાં CD કાળમાં બે યુગ બીજા આવી ગયા. એક હતો એ DVDનો અને બીજો હતો એ MP૩નો. DVDની સ્ટોરેજ કૅપેસિટી મોટી હતી એટલે એની પૉપ્યુલરિટી વધી તો બીજો ફાયદો એ પણ હતો કે DVDની ક્લૅરિટી CD કરતાં વધારે સારી હતી. જોકે એ જે વધારે સ્પષ્ટતા હતી એ બહુ જૂજ લોકો જ સમજી શક્યા હતા. બાકી મોટા ભાગનાઓને તો એમાં જ રસ હતો કે DVDમાં કન્ટેન્ટ વધારે આવે છે અને એ કન્ટેન્ટને જ કારણે આ DVD લોકોમાં વધારે પૉપ્યુલર થઈ. કન્ટેન્ટને કારણે DVD ચાલી એટલે નવેસરથી પ્રયાસો શરૂ થયા કે કેવી રીતે વધારેમાં વધારે કન્ટેન્ટ આ નાનકડી કચકડાની પ્લેટમાં ભરી શકાય.

- અને એમાંથી જ MP૩નો આવિષ્કાર થયો.

આ પણ વાંચો : પોસ્ટ-હૅપી ન્યુ યર : પૂછો તમારી જાતને, તમને તમારી કંપની ગમે છે કે નહીં?

MP૩ આવવાથી એવી અવસ્થા આવી કે જેણે ડિજિટલ દુનિયાને છૂટો દોર આપી દીધો. યાદ રાખજો, મ્યુઝિક પ્રોડ્યુસ કરતી અનેક કંપનીઓ છે, પણ એ કંપનીઓએ એ ઑફિશ્યિલી MP૩ બનાવી હોય અને માર્કેટિંગ કર્યું હોય એવા જૂજ દાખલાઓ છે. MP૩એ આવીને પાઇરસીની બજારને બહુ મોટી હવા આપી દીધી અને એ હવાએ મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીને ખૂબ જ ખરાબ રીતે પછડાટ આપવાનું કામ પણ કર્યું.

pankaj udhas columnists