ફિલ્મ ફિર સુબહ હોગીના રેકૉર્ડિંગમાં આશા ભોસલેએ કહેલું આ...

04 March, 2020 07:26 PM IST  |  Mumbai Desk | rajani mehta

ફિલ્મ ફિર સુબહ હોગીના રેકૉર્ડિંગમાં આશા ભોસલેએ કહેલું આ...

‘ઉમરાવ જાન’ના રેકૉર્ડિંગ વખતે ખય્યામ અને આશા ભોસલે.

લતા મંગેશકર અને આશા ભોસલે એ બન્ને બહેનોમાં ચડિયાતું કોણ? એ ડિબેટ વર્ષોથી ચાલે છે અને ચાલતી રહેશે. એમાં બહુ પડવા જેવું નથી. લગભગ ૨૦ વર્ષથી લતા મંગેશકર નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે, જ્યારે આશા ભોસલે આજે પણ રેકૉર્ડિંગ કરે છે, કૉન્સર્ટ કરે છે. આ તો સચિન તેન્ડુલકર અને વિરાટ કોહલી વચ્ચેની સરખામણી જેવું લાગે. લતા મંગેશકરના ચાહકો કહેશે કે તેમના અવાજમાં પ્યૉરિટી છે તો સામે આશા ભોસલેના ચાહકો એવી દલીલ કરશે કે તેમના અવાજની રેન્જ અનલિમિટેડ છે.

એક ઇન્ટરવ્યુમાં નિખાલસતાથી વાત કરતાં આશા ભોસલે કહે છે, ‘જ્યારે અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રૉન્ગે ચંદ્ર પર પગ મૂક્યો ત્યારે આખી દુનિયામાં તેનું નામ થઈ ગયું અને તેની પાછળ જે બીજા અવકાશયાત્રીએ ચંદ્ર પર પગ મૂક્યો તેનું નામ ભાગ્યે જ કોઈ જાણે છે (તેનું નામ હતું બઝ આલ્ડરિન, જ્યારે ત્રીજો અવકાશયાત્રી માઇક કૉલિન્સ અવકાશયાનમાં જ બેસી રહ્યો હતો. તેની સરખામણી સુમન કલ્યાણપુર સાથે કરવી જોઈએ કે નહીં એવું કોણ બોલ્યું?) મને કહો, શું તેની સિદ્ધિ જરાય ઓછી હતી? દુનિયા કેવળ નીલ આર્મસ્ટ્રૉન્ગને જ કેમ યાદ કરે છે? હું કહું છું કે આપણે બન્ને અવકાશયાત્રીઓને સરખું સન્માન આપીને યાદ કરવા જોઈએ. મારી સિદ્ધિ દીદી (લતા મંગેશકર) કરતાં ભલે વધુ ન હોય, પરંતુ ઓછી તો નથી જ. કેવળ દીદી મારાથી ઉંમરમાં મોટાં છે એ માપદંડથી હું સંગીતક્ષેત્રે તેમનાથી ઓછી સક્ષમ છું એ માનવું મને અન્યાય કરવા જેવું છે. મને લાગે છે કે હું કાયમ ‘ઑલ્સો રેન’ રહી છું.’
મને લાગે છે કે આશા ભોસલેની આ ફરિયાદમાં ઘણું તથ્ય છે. સંગીતપ્રેમીઓએ તેમને કહેવું જોઈએ કે ના રે ના, તમે ‘ઑલ્સો રેન’ નથી; તમે ‘રનર્સઅપ’ છો. આજની તારીખમાં પણ તમે ઍક્ટિવ છો. તમારા અવાજને હજી એટલોબધો કાળનો કાટ લાગ્યો નથી. ડૉન બ્રૅડમૅનની સરખામણી બીજા કોઈ સાથે ન થાય છતાં એમ ન કહેવાય કે ત્યાર બાદ કોઈ મહાન ખેલાડી થયા જ નથી. આ જ માપદંડથી લતા મંગેશકરની સરખામણી કોઈ સાથે ન થાય. અહીં શિરીષ કાણેકરનું વાક્ય યાદ આવે છે, ‘મહારાષ્ટ્રના ઇતિહાસમાં બે જ ભોસલે થયા, એક શિવાજી ભોસલે અને બીજાં આશા ભોસલે. બાકી બીજા બધા બાબાસાહેબ ભોસલે.’
આશા ભોસલે વિશે વિગતવાર લખવાની ઇચ્છા પૂરી થાય ત્યારની વાત ત્યારે. આજે તો ખય્યામને યાદ કરતાં ૨૦૦૬ના એક ઇન્ટરવ્યુમાં તેઓ શું કહે છે એ વાત અગત્યની છે. ‘૧૯૪૭ની વાત છે. એ દિવસોમાં હું બોરીવલી રહેતી હતી. એક દિવસ સવારે હું ઘરકામમાં વ્યસ્ત હતી ત્યારે એક યુવાન આવીને કહે, ‘આશા ભોસલેને મળવું છે.’ મેં કહ્યું, ‘શું કામ છે?’ તો કહે, ‘તમે તેમને બોલાવોને, તેમની સાથે મારે વાત કરવી છે.’ હું જે રીતે લઘરવઘર દશામાં હતી એ જોઈને તે મને ઓળખી ન શક્યો. હું અંદરની રૂમમાં ગઈ, વ્યવસ્થિત તૈયાર થઈને આવીને કહ્યું, ‘હું જ આશા ભોસલે છું, બોલો શું કામ છે? એ સાંભળી તેનો ચહેરો જોવા જેવો થઈ ગયો. મારી માફી માગતાં કહે, ‘સૉરી, મેં તમને ઓળખ્યાં નહીં. હું એક કમ્પોઝર છું અને મારી એક ફિલ્મનાં થોડાં ગીત તમારે ગાવાનાં છે.’ મેં તરત હા પાડી દીધી. એ હતી સંગીતકાર ખય્યામ સાથેની મારી પહેલી મુલાકાત. તેમની સાથે પહેલું ગીત મેં રેકૉર્ડ કર્યું ફિલ્મ ‘પરદા’ (૧૯૪૯) માટે જેના શબ્દો હતા ‘મેરે પ્યારે સનમ કી હૈ પ્યારી ગલી.’
મને એક કિસ્સો યાદ આવે છે. ફિલ્મ ‘ફુટપાથ’ના એક ગીતનું રિહર્સલ રણજિત સ્ટુડિયોમાં પહેલા માળે ચાલતું હતું. નીચે સ્ટુડિયોના માલિક અને સર્વેસર્વા સરદાર ચંદુલાલ શાહની ઑફિસ હતી. સૌ તેમને માનથી શેઠજી કહીને બોલાવતા. રિહર્સલ ચાલતું હતું એ દરમ્યાન ખય્યામે ઑફિસના છોકરાને કહ્યું કે દરેકને માટે ચા લઈ આવ. પેલો ધીરેથી બોલ્યો કે મારે પહેલાં શેઠજીની રજા લેવી પડશે. આ સાંભળીને ખય્યામ ગુસ્સે થઈ ગયા અને મોટા અવાજે બોલ્યા, ‘પહેલાં મને એ કહે કે અત્યારે અહીં કોણ શેઠ છે?’ અમે સૌ મનોમન ડરતાં વિચાર કરતાં હતાં કે શેઠજી આવી વાત સાંભળી જશે તો ધમાલ થશે. નસીબજોગે એવું થયું નહીં. પેલો ચૂપચાપ નીચે જઈને ચા લઈ આવ્યો અને અમે સૌએ નિરાંતનો શ્વાસ લીધો.
‘ફુટપાથ’માં હિરોઇન હતાં મીનાકુમારી. આ ફિલ્મના જુદા-જુદા પ્રકારનાં ગીતો જેવાં કે વિરહ, લોરી, કૅબરે સૉન્ગ; દરેક માટે મેં પ્લેબૅક આપ્યું. અફસોસ કે ગીતો સારાં હતાં, પરંતુ ખય્યામસા’બને ખાસ ફાયદો ન થયો. સાચું કહું તો મારા માટે પણ એ સમય સંઘર્ષનો હતો.
એ દિવસોમાં આજના જેવી સગવડ નહોતી. મોટા ભાગે અમે સેટ પર શૂટિંગ પતી જાય પછી રાતે રેકૉર્ડિંગ કરતાં. દિવસભરના શૂટિંગ બાદ સેટ પર ગંદકી રહેતી. તાજા કરેલા રંગરોગાનની બદબૂ આવતી. અમારાં કપડાં પર ડાઘ પડી જતા. આજે એ દિવસોને યાદ કરું છું ત્યારે થાય છે કે આવા વાતાવરણમાં અમે કેવાં અમર ગીતો રેકૉર્ડ કર્યાં છે. એ સમયે અમારો એક જ ગોલ હતો કે ગમે એટલા વિપરીત સંજોગો હોય, કામ બહેતરીન થવું જોઈએ.
મારા પતિ ગણપતરાવ ભોસલે ખૂબ સ્ટ્રિક્ટ હતા. ફિલ્મી દુનિયાના લોકો સાથે હું બહુ હળુંમળું એ તેમને ગમતું નહોતું, પરંતુ ખય્યામસા’બ માટે તેમનો અભિપ્રાય ઊંચો હતો. બન્ને વચ્ચે સારી દોસ્તી હતી. ફેમસ સ્ટુડિયોમાં અમે ખય્યામસા’બ સાથે ઘણી વાર લંચ લેતાં. એ દિવસોમાં તેમની સાથે મેં બે સુંદર ગીતો રેકૉર્ડ કર્યાં. ‘પત્તિયાં લિખ લિખ હારી’ અને ‘ભોર ભઈ અબ આજા રે સાંવરિયા’ એ બન્ને ગીત વિવિધ ભારતી પર ખૂબ લોકપ્રિય થયાં હતાં.
ખય્યામસા’બની ધૂન ખૂબ મીઠી અને કર્ણપ્રિય હોય છે, પરંતુ જ્યારે તેઓ સિંગરને શીખવાડે ત્યારે તમારા ધૈર્યની કસોટી થાય. દરેક લાઇન, દરેક એક્સપ્રેશન, દરેક તાન તેમણે સમજાવી હોય એ પ્રમાણે જ હોવી જોઈએ. તેઓ પોતે એક સારા સિંગર હતા એટલે સરસ રીતે ગાઈને સમજાવતા. આને કારણે મારું કામ બહુ મુશ્કેલ બની જતું. તેમની સ્ટાઇલ, તેમના જેવા એક બીજા પર્ફેક્શનિસ્ટ સુધીર ફડકે જેવી હતી. બન્ને સંગીતકાર સિંગર્સ સાથે જરાય બાંધછોડ ન કરે. અમને ખબર હોય કે ઘણાં રિહર્સલ્સ કરવાં પડશે. એ પણ નક્કી હોય કે ગાતી વખતે જરાસરખું ઇમ્પ્રૂવાઇઝેશન નહીં ચાલે. આ બાબતમાં તેઓ જરા પણ બાંધછોડ ન કરે. એક બ્લોટિંગ પેપરની જેમ, તેમણે જે શીખવાડ્યું હોય એ ચૂસી લેવું પડે. પ્રામાણિકતાથી કહું કે આ બધાથી હું બહુ ઇરિટેટ થઈ જતી, પરંતુ એક પ્રોફેશનલને નાતે હું એક-એક નોટ, તેમના કહ્યા પ્રમાણે ગાવાનો ભરપૂર પ્રયાસ કરતી. કદાચ મારા આ ડેડિકેશનને કારણે તેઓ મારાથી ખુશ હતા. મને લાગે છે કે એટલા માટે જ તેઓ વારંવાર મને પ્લેબૅક માટે બોલાવતા. આજે જ્યારે પાછું વળીને જોઉં છું ત્યારે અહેસાસ થાય છે કે ગુસ્સો અને ઇરિટેશન બાવજૂદ, ખય્યામસા’બની ધૂનોને કારણે જ મારી સિન્ગિંગની સ્ટાઇલ અને ગાયકીમાં નિખાર આવ્યો છે.
શરૂઆતની આ મથામણ બાદ હું અને ખય્યામસા’બ એકમેકની સ્ટાઇલને ઍડ્જસ્ટ થઈ ગયાં. ૧૯૫૬માં તેમને ‘ફુટપાથ’ જેવી મોટા બૅનરની ફિલ્મ મળી. એના સંગીત માટે તેમણે જીવ લગાવી દીધો. એ દિવસોમાં મને લાગતું કે કંઈક એક્સ્ટ્રાઑર્ડિનરી કામ થઈ રહ્યું છે. જ્યારે અમે ફિલ્મનું પહેલું ગીત ‘વો સુબહ કભી તો આયેંગી’ રેકૉર્ડ કર્યું ત્યારે જ મેં તેમને કહ્યું કે ખય્યામસા’બ, આપકી સુબહ હો ચૂકી હૈ. આ ફિલ્મના સંગીતે સાબિત કર્યું કે Khayyam has arrived.
ફિલ્મ ‘લાલારુખ’ (૧૯૫૮)નું ગીત ‘પ્યાસ કુછ ઔર ભી ભડકા દી ઝલક દિખલા કે’ (આશા ભોસલે–તલત મેહમૂદ) જ્યારે રેકૉર્ડ કરતાં હતાં ત્યારે મેં જોયું કે કેવળ ચાર–પાંચ મ્યુઝિશ્યન્સ હતા. મેં તેમને પૂછ્યું કે બાકીના મ્યુઝિશ્યન્સ ક્યાં છે? તો હસતાં-હસતાં કહે કે આપણે કેવળ ત્રણ મ્યુઝિશ્યન્સ સાથે ગીત રેકૉર્ડ કરવાનું છે. મને અને તલતસા’બને ચિંતા થઈ. અમે રેકૉર્ડિંગ શરૂ કર્યું અને જ્યારે ટેક સાંભળ્યો ત્યારે થયું કે આટલાં ઓછાં વાદ્યો સાથે પણ ગીત અદ્ભુત બન્યું છે. આ જ તો તેમના કમ્પોઝિશનની કમાલ હતી.
૧૯૮૦માં સંગીતકાર જયદેવ મને કહે કે હું ફિલ્મ ‘ઉમરાવ જાન’ માટે એક ગીત રેકૉર્ડ કરવા માગું છું. મેં હા પાડી. થોડા દિવસ પછી હું ખય્યામસા’બને મળી ત્યારે મેં તેમને આ વાત કરી તો કહે, ‘આ ફિલ્મ હવે હું કરું છું અને એનાં એક નહીં, દરેક ગીત તમારે ગાવાનાં છે. હું મનોમન વિચાર કરતી હતી કે જયદેવ મને એક ગીત માટે કહેતા હતા, જ્યારે અહીં ખય્યામસા’બ દરેક ગીતની વાત કરે છે. ત્યારે મને ખબર નહોતી કે ‘ઉમરાવ જાન’ એક હિસ્ટોરિકલ મ્યુઝિકલ ફિલ્મ બનવાની છે.
‘ઉમરાવ જાન’ માટે મુઝફ્ફર અલી અને ખય્યામસા’બ સાથે મારે ઘણી મીટિંગ થઈ. ૧૯મી સદીની કવયિત્રી અને ગાયિકા ઉમરાવ જાનના કૅરૅક્ટરને સમજવા માટે તેના વિશેનું ઘણું સાહિત્ય મેં વાંચ્યું. ખય્યામસા’બનું પર્ફેક્શન માટેનું જે ઑબ્ઝર્વેશન હતું એ હું સારી રીતે જાણતી હતી. એ દિવસોમાં હું ખૂબ બિઝી હતી છતાં તેમના ઘરે રિહર્સલ માટે જેટલી વાર બોલાવે એટલી વાર સમયસર પહોંચી જતી. આ ફિલ્મમાં મારી ગાયકીની આખી સ્ટાઇલ તેમણે બદલાવી નાખી. મારો સ્કેલ નીચો રખાવીને મારી પાસે ગીતો ગવડાવ્યાં.
બે-ત્રણ ગીતો રેકૉર્ડ થયા બાદ મારી મુલાકાત રેખા સાથે થઈ. મેં કહ્યું, ‘ફિલ્મ ‘પાકીઝા’ પછી મીનાકુમારીને જે શોહરત અને વાહવાહી મળી છે એવી જ શોહરત તમને ‘ઉમરાવ જાન’ પછી મળશે. દુનિયા તમને એક ઊંચા દરજ્જાના કલાકાર તરીકે માન આપશે એની મને ખાતરી છે.
કમનસીબે શરૂઆતના અઠવાડિયામાં ‘ઉમરાવ જાન’ને બહુ સારો રિસ્પૉન્સ ન મળ્યો. રાજ કપૂરની એક પાર્ટીમાં રેખા મને કહે, ‘આશાજી, તમે તો કહેતાં હતાં કે ‘ઉમરાવ જાન’ની રિલીઝ પછી મીનાકુમારી સાથે મારી સરખામણી થશે, પરંતુ ઑડિયન્સનો જે રિસ્પૉન્સ છે એ જોઈને મને એવું લાગતું નથી.’ મેં તેને આશ્વાસન આપતાં કહ્યું, ‘થોડી ધીરજ રાખો. જેવાં ફિલ્મનાં ગીતો પૉપ્યુલર થશે એટલે ઑડિયન્સનો અભિપ્રાય બદલાશે. મને પૂરી ખાતરી છે કે જે રીતે આપણે સૌએ મન લગાવીને કામ કર્યું છે એ મહેનત એળે નહીં જાય.’ જોકે એમ છતાં તેને બહુ વિશ્વાસ નહોતો. તે એટલું જ બોલી ‘ચાલો જોઈએ છે શું થાય છે.’
એ દિવસોમાં ફિલ્મોની આજના જેટલી પબ્લિસિટી નહોતી થતી. રેડિયો અને વત્તેઓછે અંશે દૂર‍દર્શન પર મીડિયા પબ્લિસિટી થતી. આજે તો દિવસ-રાત, ટીવી અને રેડિયો પર ગીતો વાગે છે. સાચું કહું તો આપણા માથે મારવામાં આવે છે. ગીત સારું હોય તો એ વધારે પબ્લિસિટી વગર પણ સફળ થાય. ‘ઉમરાવ જાન’ની ક્વૉલિટી અને કસબ ઉત્તમ કક્ષાનાં હતાં એટલે ધીમે-ધીમે લોકોના દિલોદિમાગ પર એનો નશો છવાતો ગયો અને ફિલ્મ ઊંચકાઈ ગઈ.’
ત્રણ મહિનામાં તો ધડાકો થયો. ‘ઉમરાવ જાન’ને ચાર અવૉર્ડ મળ્યા; ખય્યામસા’બ (સંગીત), રેખા (અભિનય), આશા ભોસલે (ગાયકી) અને બંસી ચંદ્રગુપ્ત (આર્ટ ડિરેક્શન). આજ સુધી સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્નમેન્ટે મને લગભગ ઇગ્નોર કરી હતી. હવે મારા કામની નોંધ લેવાઈ એનો મને આનંદ હતો. અવૉર્ડ લેવા દિલ્હી ગઈ ત્યારે રેખાએ કહ્યું, ‘તમારી ભવિષ્યવાણી સાચી પડી.’ મેં કશું કહ્યા વિના તેને એક સ્માઇલ આપી.
એ દિવસોમાં ખય્યામસા’બ મને એક વાર મળ્યા ત્યારે તેમણે કહ્યું, ‘કોઈ પણ જાતનો સંદેશો મોકલાવ્યા વિના લતાજી મારા ઘેર આવ્યાં અને ‘ઉમરાવ જાન’ના સંગીત બદલ મને ખૂબ ખૂબ અભિનંદન આપ્યાં. તમે જે રીતે ગીતોને નિભાવ્યાં એ બદલ તમારી ગાયકીની પણ ખૂબ પ્રશંસા કરી.’ તેમના જેવાં મહાન કલાકાર તરફથી મળેલી આ સરાહના અમારા સૌ માટે એક મોટી ભેટ હતી.
‘ઉમરાવ જાન’ની સફળતા પછી કમાલ અમરોહીએ નિખાલસતાથી એક કબૂલાત કરતાં મને કહ્યું કે ‘હું માની જ નથી શકતો કે આટલી સુંદર રીતે તમે ગઝલ ગાઈ શકો છો.’ રાજ ખોસલા અનેક વાર ફોન કરીને મારી તારીફ કરતા. ત્યાર બાદ ગુલામ અલી અને હરિહરન સાથેનાં મારાં આલબમ રિલીઝ થયાં એ અત્યંત લોકપ્રિય બન્યાં. મારી આ સફળતાનું સંપૂર્ણ શ્રેય હું ખય્યામસા’બને આપું છું.
થોડા સમય પહેલાં ગૌતમ ઘોષની ‘યાત્રાઃ ધ જર્ની’માં ૨૫ વર્ષો બાદ ફરી એક વાર હું, ખય્યામસા’બ અને રેખા ભેગાં થયાં. ૭૨ વર્ષની ઉંમરે હું પહેલાં જેવું તો ન જ ગાઈ શકું, પરંતુ ૮૦ વર્ષના ખય્યામસા’બની વર્કિંગ-સ્ટાઇલમાં જરાય ફેર નથી પડ્યો. આજે પણ અનેક રિહર્સલ કરાવીને જ ગીત રેકૉર્ડ કરે છે. હજી તેઓ ફિટ અને ઍક્ટિવ છે. તેમનાં પત્ની જગજિત કૌરનો સ્વભાવ ખૂબ જ મિલનસાર છે. ઈશ્વરને તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરું છું કે લાંબા સમય સુધી તેઓ સ્વસ્થ રહે અને સંગીતની સેવા કરે.

weekend guide columnists asha bhosle