જેટલા પ્રેક્ષકો સભાગૃહમાં બેઠા હતા તે બધા સ્ટેજ પર આવી ગયા!!! ઓ.એમ.જી.

27 February, 2020 08:35 PM IST  |  Mumbai Desk | Latesh Shah

જેટલા પ્રેક્ષકો સભાગૃહમાં બેઠા હતા તે બધા સ્ટેજ પર આવી ગયા!!! ઓ.એમ.જી.

(ડાબેથી) ડો. પંકજ નરમ, મોટિવેશનલ લેખક જેક કેન્ફિલ્ડ અને લતેશ શાહ

ત્રીજી બેલ વાગે એ પહેલાં, સુજાતા મહેતા ધ્રૂસકે-ધ્ર‍ૂસકે રડી પડી. બધા સ્તબ્ધ થઈ ગયા. સંજય મને કહેવા આવ્યો હતો કે કરન્ટ બુકિંગ પર કોઈ પ્રેક્ષક ટિકિટ લેવા માટે નથી અને પોણાચાર વાગી ગયા હતા. અસિસ્ટન્ટ મૅનેજર ગુસ્સે થઈ ગયા છે, જલદી ત્રીજી બેલ આપો. બધા સુજાતાની આસપાસ ઊભા હતા. મેં સંજયને સમજાવીને તરત બુકિંગ પર મોકલ્યો કે પાંચ મિનિટમાં જ ત્રીજી બેલ વાગશે. ત્રીજી બેલ વાગે એ પહેલાં સ્ટેજ પર માહોલ અલગ જ હોય છે.  સ્પેશ્યલી જ્યારે પહેલો શો હોય ત્યારે, બધા નર્વસ હોય, ટેન્સ હોય, પોતાના ડાયલૉગ્સ ગોખતા હોય. ચા પીતા, મેકઅપ કરાવતા, મનમાં ને મનમાં રિહર્સલ કરતાં હોય. પોતાને સજાગ, સચેત, સતર્ક રાખવાના બધા પ્રયાસ કરતા હોય. એમાં સુજાતાનાં આંસુ અને આક્રોશ સાથેનો આર્તનાદ સાંભળીને બધા કલાકારો અટેન્શનમાં આવી ગયા. સુજાતા શાંત થઈ ગઈ અને સ્ટેજ પર, પાત્રમાં પરિવર્તિત થઈને પલંગ પાછળ છુપાઈ ગઈ. 

બધા પોતપોતાની એન્ટ્રી પર ગોઠવાઈ ગયા. ત્રીજી બેલ વાગી. લાઇટ સપ્લાયર જયેશ પટેલનો એક કસબી સુધાકર મને પ્રકાશ સંચાલનમાં સપોર્ટ કરવા લાઇટ કૅબિનમાં ગોઠવાયો. સેટિંગ સર્વિસવાળા પ્રદીપના કારીગરો સેટની પાછળ ગોઠવાઈ ગયા જેથી સીન પૂરો થાય એટલે સેટ બદલી શકે. સેટ ડિઝાઇનર વિજય કાપડિયા છેલ્લી ઘડી સુધી, બધું સેટમાં અને ફર્નિચરમાં, પ્રૉપર્ટીમાં કાંઈ ઘટતું-વધતું નથીને એ ચેક-રીચેક કરતા હતા. ત્રીજી બેલ વાગતાં તેમણે ફાઇનલી સ્ટેજ છોડ્યું. તેમના દરેક શ્વાસમાં સેટની તેમણે કરેલી ડિઝાઇન જ રમતી હોય. વિજય કાપડિયાની નિષ્ઠાને ૧૦૦-૧૦૦ સલામ. જો આ કસ્બી કલાકાર, અમેરિકામાં બ્રોડવે પર હોત તો ક્યાંયના  ક્યાંય પહોંચી ગયા હોત. આ હું એટલા માટે કહું છું કે હું હમણાં જ અમેરિકાના એક મહાન લેખકને મળ્યો અને તેમના હાથે મારી પહેલી અંગ્રેજી નૉવેલ ‘અફકોર્સ, આઇ એમ નોટ ફાધર’નું મુહૂર્ત કરાવ્યું (વિમોચન જૂનમાં થશે). તેમણે પુષ્કળ મોટીવેશનલ પુસ્તકો લખ્યાં છે. અત્યારે તે વિશ્વના નંબર વન, બેસ્ટ સેલર લેખકમાં ગણાય છે. તેમની ‘ચિકન સૂપ ફૉર સોલ’ બુકની ૫૦ કરોડથી વધુ કૉપીઓ વેચાઈ ગઈ છે. તેમણે મને જે વાત કહી એ વિજય કાપડિયા સાથે ફિટ બેસે છે. મિ. જેક કેન ફીલ્ડે કહ્યું, ‘મારાં પુસ્તકો દુનિયામાં વધુ વેચાવાનું કારણ મારી લગન, નિષ્ઠા, મારો ધ્યેય અને મારું ધ્યાન બસ આટલું જ, હું બુક લખું એટલે હું એમાં જ ઓતપ્રોત હોઉં. દિવસ-રાત દરેક શ્વાસમાં મારા શબ્દો, વિચારો, વિષય અને એના પ્રત્યેનું, એમાં જ સતત પરોવાયેલું ધ્યાન. આ મારી લગનને લીધે કુદરતની મારા પર મહેરબાની થઈ. જેક કેન ફીલ્ડ જેવી મહાન હસ્તીને મને મેળવવાનું સુકર્મ મારા પરમ મિત્ર ડૉ. પંકજ નરમે કર્યું. એ પણ એટલી જ મહાન હસ્તી. જેમનું ગયા સપ્તાહે જ અવસાન થયું. પંકજ નરમ, એક વર્નાક્યુલર છોકરો, બાપ સાથે મતભેદ થતાં ખિસ્સામાં ફક્ત ૨૮ રૂપિયા સાથે ઘર છોડ્યું. પુષ્કળ મહેનત, જહેમત કરી અને આયુર્વેદ ડૉક્ટર બન્યો. નાનકડી ડિસ્પેન્સરીથી શરૂઆત કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાનો સમર્થ ચિકિત્સક બન્યો. ૧૦૦થી પણ વધુ દેશોના દરદીઓ મુંબઈમાં તેની મુલાકાત લેવા માટે તડપવા લાગ્યા. દુનિયાભરમાં તેણે ૨૦૦થી વધુ ક્લિનિક ખોલ્યાં. દલાઈ લામા, મધર ટેરેસા, નેલસન મંડેલા જેવા મહાનુભાવો તેની પાસે નાડી ચેક કરાવતા, દવા લેતા. અત્યારે તેમનાં ધર્મપત્ની સ્મિતા નરમ, વિશ્વવિખ્યાત આયુશક્તિ ચલાવે છે અને તેમનો દેવનો દીધેલ દીકરો કૃષ્ણા નરમ આયુર્વેદ ભણે છે. તેમનું પણ આજ કહેવું હતું કે તમારો જે ધ્યેય હોય, જે કર્મ તમે પસંદ કર્યું હોય એમાં ઓતપ્રોત થઈ જાઓ. ધ્યાન લગાવી લગન સાથે કરો, ફળની ઇચ્છા ન રાખો. જેવી તમારી મહેનત એવું ફળ આપવા ઉપરવાળો બંધાયેલો છે. વિજય કાપડિયા એવો જ અલગારી ધ્યાનસ્થ જીવ હતો. આ મહત્ત્વના માણસોની વાત ફરી ક્યારેક દોસ્તો.
‘ચિત્કાર’ના પહેલા શોની પહેલી વાર ત્રીજી બેલ વાગી.
નેપથ્યના કલાકારો, પ્રૉપર્ટી બૅકસ્ટેજમાં ગોઠવી તૈયાર થઈ ગયા. ઑડિયન્સ લાઇટ બુઝાઈ ગઈ. મેં અનાઉન્સમેન્ટ હળવા ધ્રૂજતા અવાજે કર્યું. મને બૅકસ્ટેજ કલાકાર હેમાંગે ટૉર્ચલાઇટ અનાઉન્સમેન્ટના પેપર પર આપી, પણ પેપર હાથમાંથી છૂટી ગયું એટલે વગર પેપરે જે નામ યાદ આવ્યાં એ બોલતો ગયો. ફુલ એસી અને હું પસીનાથી લથપથ થઈ ગયો. નર્વસનેસમાં, એકની જગ્યાએ બીજાનું નામ બોલાઈ જતું હતું અને મને મારી હાલત પર હસવું આવતું હતું. કોણ જાણે કેમ મારી અંદરનો આત્મવિશ્વાસ ગજબનો હતો. આ નાટક સુપરહિટ છે જ એવું દિલ, દિમાગ, આત્મા બધે એકાત્મતા હતી. કુદરત, ઉપરવાળો, ભગવાન, શિવશંકરનો અજબનો જાદુ હોય છે.
જ્યારે તે આપે છે તો આપણી કલ્પના બહાર આપે છે, છપ્પર ફાડકે. અનાઉન્સમેન્ટ પૂરું થયું. મ્યુઝિકના બંગલો સાથે પરદો ખુલ્યો. મેં પહેલી સેન્ટરની મીરર લાઇટ હળવેકથી આપી. ભૈરવી વૈદ્યનો સિસ્ટર તરીકે ચહેરો દેખાયો અને તેમણે પ્રેક્ષકો સાથે સૂત્રધાર તરીકે વાત શરૂ કરી. ઑડિયન્સમાં પિન ડ્રૉપ સાઇલન્સ... શો આરામથી થશે જ... જ... જ. આજે પણ ૧૯૮૨માં કહેલી વાત તેને યાદ હશે જ. હું આનો બધો શ્રેય સુજાતા મહેતાને જ આપીશ. તેની મહેનત, ઝનૂન, મરણિયો પ્રયાસ અને મારો પ્રેમ આ બધું રંગ લાવ્યા. બીજા અંકથી જ લોકો ગણગણવા લાગ્યા હતા કે ચિત્કાર, ચિક્કાર આવકાર. સુપરહિટ. બૅકસ્ટેજમાં પ્રેક્ષકોનો ધસારો એટલો બધો થયો કે અમારે કર્ટેન ખોલવો પડ્યો. સ્ટેજ પર લોકો સમાય એમ નહોતા. અભિનંદનનો ધોધ વરસ્યો. દીપક ઘીવાલા, સંજય ગોરડિયા, ખ્યાતિ દેસાઈ, હનસુ મહેતા, માધવ પ્રધાન બધાના હાથ સૂજી ગયા હશે બધાના કૉન્ગ્રેચ્યુલેશન્સ ઝીલતા-ઝીલતા. આખીયે વાતમાં સુજાતા મહેતા ક્યાં ખોવાઈ ગઈ? બધા તેને જ શોધી રહ્યા હતા, તે સ્ટેજ પર નહોતી, બૅકસ્ટેજમાં નહોતી, ગ્રીન રૂમમાં નહોતી. પ્રેક્ષકો તેને મળ્યા વગર જવા તૈયાર નહોતા. બીજા નાટકનો સેટ લગાડવાનો હતો, પણ પ્રેક્ષકો જવા તૈયાર નહીં. સુજાતા ક્યાં છે તું? ના બાથરૂમ કે વૉશરૂમમાં પણ નહોતી. તો ગઈ ક્યાં... ધ્રાસ્કો પડ્યો...

latesh shah columnists