એક અનુત્તર પ્રશ્ન

12 January, 2020 05:30 PM IST  |  Mumbai Desk | dinkar joshi

એક અનુત્તર પ્રશ્ન

આપત્તિકાળે રાષ્ટ્રભાવના સજીવન થાય છે અને શાંતિકાળે આ ભાવના સદ્ગત થઈ જાય છે એવા મતલબનું કોઈક વાક્ય ક્યાંક વાંચ્યું હોવાનું આજે યાદ આવે છે. ૧૯૬૨માં ચીન સાથેના યુદ્ધ વખતે આપણો પરાજય થઈ રહ્યો હતો. તમામ મોરચે ચીની સૈનિકો આગળ વધી રહ્યા હતા અને પાટનગર દિલ્હી પણ જોખમમાં મુકાઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. ૧૯૬૫ અને ૧૯૭૧માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં આપણી પરિસ્થિતિ ૧૯૬૨ કરતાં ઘણી સારી હતી અને છતાં મામલો યુદ્ધનો હોય ત્યારે પરિસ્થિતિ તો તંગ જ હોય. આ યુદ્ધકાળના સમયે આખો દેશ એક અવાજે સરકાર ગમે એ પક્ષની હોય, પણ એની પાછળ મક્કમતાથી ઊભો હતો. વિજય માટે લડવું છે, પણ પરાજય થાય તો પણ એટલી જ મક્કમતાથી લડાઈ તો આપવાની જ, કારણ કે ભારત એક રાષ્ટ્ર છે અને આપણે આપણી રાષ્ટ્રીયતાનું રક્ષણ કરવાનું છે.

યુદ્ધકાળનું આ દૃશ્ય આપણે જોયું છે. આ દૃશ્ય બહુ દૂરના ભૂતકાળનું નથી. સમયની દૃષ્ટિએ એ તાજું જ કહેવાય. હવે શાંતિકાળનાં થોડાં દૃશ્યો પણ જોઈ લઈએ. આસામમાં કોઈ પણ ભોગે બંગાળીઓની વસ્તી વધવા નહીં જ દઈએ. બંગાળીઓ મોટી સંખ્યામાં આસામમાં ઘૂસીને આસામી સંસ્કૃતિને ખતમ કરી નાખે છે. ભારતનું એક રાજ્ય આસામ બીજા રાજ્ય બંગાળ સામે આવો આક્રોશ કરે છે. મુંબઈમાં ઉત્તર ભારતીયો અને બિહારીઓને આવતા રોકવા જોઈએ, કેમ કે તેમના આગમનથી મરાઠી સંસ્કૃતિ પર પ્રહાર થાય છે. મરાઠી સંસ્કૃતિના રક્ષણ માટે આ સૌને મુંબઈમાં રહેવા દેવાય નહીં. કાશ્મીરમાં કોઈ બિનકાશ્મીરીને નાગરિક હક્કો પણ મળવા ન જોઈએ, કેમ કે એનાથી કાશ્મીરી પ્રજાની વિશેષતા સમાપ્ત થઈ જાય છે આવું ૭૦ વર્ષથી કાશ્મીર ભારતનો જ એક ભાગ હોવા છતાં હજી આજેય કાશ્મીરીઓ માને છે.
તો પછી રાષ્ટ્રીયતા એટલે શું? ૧૯૬૨, ૧૯૬૫ કે ૧૯૭૧માં આખો દેશ જે રાષ્ટ્રભાવનાથી ઊભરાતો હતો એ દૃશ્ય સાચું હતું કે અન્ય વર્ષોના શાંતિકાળમાં ઉપરનાં જે દૃશ્યો નજરે પડ્યાં એ સાચાં હતાં એવો સવાલ આપણને થાય. અંગ્રેજોએ હંમેશાં એવો દાવો કર્યો છે કે ભારત ક્યારેય રાષ્ટ્ર નહોતું, એ તો જુદાં-જુદાં રજવાડાંઓનો પ્રદેશ હતો જેને અમે એટલે કે અંગ્રેજોએ રાષ્ટ્રીયતા આપી.
રાષ્ટ્રીયતાની સૌપ્રથમ ઓળખ જે-તે પ્રદેશમાં વસ્તી પ્રજા વચ્ચે સાથે રહેવાની ભાવના કેટલી બળકટ છે એના પરથી થઈ શકે છે. આ કામ ભાષા, ધર્મ, ભૂગોળ જેવા ઘટકો દ્વારા થઈ શકે છે. યુરોપનાં રાજ્યો રાષ્ટ્ર ત્યારે જ બન્યાં જ્યારે લશ્કરી તાકાતે આ ઘટકોનો આશ્રય લઈને એનું નિર્માણ કર્યું. મુઠ્ઠી જેવડા જર્મનીમાં પથરાયેલાં પંદર-વીસ રાજ્યોને ભાષાને કારણે બિસ્માર્કે લોહિયાળ યુદ્ધ વડે કચડી નાખ્યાં અને જર્મનીનું નિર્માણ કર્યું. ૧૯૦૫માં જજપાને ચીનને હરાવ્યું અને ચીન આંતરવિગ્રહમાં ધકેલાઈ ગયું. આ વિજયથી બેફામ બનેલા જપાનીઓ પોતાને અજેય માનતા થયા ત્યારે જપાનની મુલાકાતે ગયેલા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે તેમને આ રાષ્ટ્રીયતા વિશે બે કડવા બોલ પણ કહ્યા. બાવડાના બળથી આસપાસ ઊભેલાઓને બે-ચાર તમાચા ઠોકી દેવાથી સંસ્કારિતા કે સંસ્કૃતિ નિર્માણ થતી નથી. રાષ્ટ્રીયતા એક છેતરામણી વિભાવના છે. સત્તા પર આરૂઢ રાજા હોય, કોઈ સેનાપતિ હોય કે પછી કોઈક પ્રકારની શાસનપદ્ધતિ હોય, આ સૌને પોતાના સ્થાન પર ટકી રહેવું હોય છે અને આ રીતે ટકવા માટે દેશ કે રાષ્ટ્રનું મનોહર ચિત્ર રચવામાં આવે છે. આ મનોહર ચિત્ર હેઠળ જેમને શાંતિથી જીવવું છે તેમના મનોભાવને ડહોળી નાખવામાં આવે છે.
દેખીતું છે કે ટાગોરની આ વાત વિજેતા જપાનીઓને ગળે ન જ ઊતરે. વિજેતાઓની માનસિકતા જુદી જ હોય છે. તેમણે ગુરુદેવ ટાગોરને જાકારો આપ્યો. ગુરુદેવ જપાનમાં અગાઉથી કાર્યક્રમ અનુસાર ફરી રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમ અટવાઈ ગયા અને ઉશ્કેરાયેલા જપાનીઓએ ઠેર-ઠેર દેખાવો કર્યા – ‘દાઢીવાળા ડોસા પાછો જા.’
સત્તાસ્થાને રશિયાનો ઝાર હોય, તુર્કસ્તાનનો ખલીફા હોય, વેટિકનનો પોપ હોય કે ઇંગ્લૅન્ડની રાણી હોય એ સૌને પોતે જે સ્થાન પર હોય એ સ્થાન પરથી ખસવું નથી અને પોતાના આ સ્થાનના રક્ષણ માટે પોતાની આસપાસ જે લોકો રહ્યા છે એ નિર્દોષ લોકોમાં ધર્મ, ભાષા કે ભૂમિ પ્રદેશના નામે એક વિશેષ માનસિકતાનું નિર્માણ કરવામાં આવે છે. આ વિશેષ માનસિકતાને તમે દેશ, રાષ્ટ્ર, સંસ્કૃતિ આવા તેવા શબ્દોથી મઢીને આગળ ધરી શકો છો. સત્તાસ્થાને રહેલા આવા થોડા માણસો પોતાના સત્તાસ્થાનને દેશ કે રાષ્ટ્ર જેવા રૂપાળા શબ્દો સાથે સાંકળીને એક નવી જ વિભાવનાની રચના કરે છે. આ વિભાવના મોહક છે. સરેરાશ માણસ આ વિભાવનાથી આકર્ષિત થાય છે. આ સત્તાધારીઓના રક્ષણ માટે જે યુદ્ધ થાય છે એમાં આપણા પક્ષે મૃત્યુ પામેલાને આપણે શહીદ કહીએ છીએ અને વિપક્ષે મૃત્યુ પામેલાઓને આપણે આક્રમકો, દુષ્ટો વગેરે વગેરે શબ્દોથી ઓળખીએ છીએ. એ જ રીતે વિપક્ષ આપણા શહીદોને પણ આ જ રીતે ઓળખતો હોય છે એ ભૂલી જઈએ છીએ.
રવીન્દ્રનાથ ટાગોરે જપાનને જે કહ્યું હતું એ જ વાત કાઉન્ટ લિયો ટૉલ્સટૉયે રશિયાના ઝારને, યુરોપના દેશોને અને ખલીફાના શાસન હેઠળના મુસ્લિમોને કહી હતી. તુર્કસ્તાન અને રશિયા વચ્ચે એટલે કે ખલીફા અને ઝાર વચ્ચે ક્રિમિયાના પ્રદેશ માટે યુદ્ધ થઈ રહ્યું હતું. ક્રિમિયા આ બન્ને વચ્ચે જુદી જ પ્રજાથી વસેલો પ્રદેશ હતો. ઝારને અને ખલીફાને આનું સ્વામીત્વ મેળવવું હતું. આ સ્વામીત્વ મેળવવા માટે નિર્દોષ રશિયનો અને તુર્કસ્તાનના હજારો શાંતિપ્રિય નાગરિકો દેશ અને રાષ્ટ્રના નામે મરી રહ્યા હતા. યુરોપના દેશો બ્રિટન, ફ્રાન્સ, ડેન્માર્ક વગેરે યુરોપમાં રશિયાની વગ ન વધે એ માટે આ યુદ્ધમાં તુર્કસ્તાનને મદદ કરી રહ્યા હતા. ટૉલ્સટૉયે આ ઘટનાનો ભારે વિરોધ કર્યો અને કહ્યું, ‘દેશના નામે મરી રહેલા આ લાખો સૈનિકો ખરેખર તો શાંતિપ્રિય નાગરિકો છે. યુરોપના સામા છેડે વસેલા આ નાગરિકો પોતાના કુટુંબ સાથે શાંતિથી રહેતા હોય છે તેમને ઝાર કે ખલીફા સાથે સ્નાનસૂતકનોય સંબંધ હોતો નથી અને નાહક મૃત્યુવશ થતા હોય છે. દેશ કે રાષ્ટ્રની આ વિભાવના વિશે આ સંદર્ભમાં ફેરવિચારણા કરવી જોઈએ.’ દેખીતું જ છે કે ટૉલ્સટૉયનું આ દર્શન ન ઝારને ગમે કે ન ખલીફાને ગમે. પોતાનાં રાજકીય હિતો જળવાય એ માટે ખલીફાને મદદ કરતા યુરોપિયન દેશોના શાસકોને મન પણ ટૉલ્સટૉય અળખામણા થઈ ગયા.
રાષ્ટ્ર શબ્દ છેક ઋગ્વેદ કાળમાં પણ વપરાયો છે. અહીં આ શબ્દ દેશના અર્થમાં વપરાયો હોય એમ લાગતું નથી. અમુક ચોક્કસ વિસ્તારમાં વસતી પ્રજા વચ્ચે એક ચોક્કસ પ્રકારની માનસિકતા વિકસે અને આ વિકાસ પરસ્પર સાથે રહેવા પ્રેરે એ સમજી શકાય એવું છે, પણ સમયાંતરે જુદા-જુદા પ્રદેશોમાં વસતી આ પ્રજાઓએ પોતાના આ નિવાસને ચોક્કસ નામ આપ્યું હોય એ સંભવિત છે. આજે પરિસ્થિતિ એવી છે કે ગાંધીજીએ મોહમ્મદ અલી ઝીણાને જે પ્રશ્ન કર્યો હતો એ હજી અનુત્તર છે અને એનો ઉત્તર પણ શોધવો જોઈએ. સ્વાતંત્ર્ય સંઘર્ષ વખતે ગાંધી-ઝીણા મંત્રણા થઈ ત્યારે ઝીણાએ મુસ્લિમો ભિન્ન રાષ્ટ્ર છે એવો મત આગળ ધર્યો ત્યારે ગાંધીજીએ પોતાના પુત્ર હરિલાલના ધર્મપરિવર્તન વિશે વળતો પ્રશ્ન કર્યો હતો, ‘હરિલાલ મુસ્લિમ થઈ ગયા છે એનાથી શું હિન્દુસ્તાનનો નાગરિક મટી જાય છે? ગંગા-જમના કે હિમાલયની સંસ્કૃતિથી શું એ દૂર થઈ જાય છે?’
આ પ્રશ્નનો જવાબ હજી મળ્યો નથી, શોધવાનો બાકી છે. ૧૯૪૫માં ઢાકામાં વસતો અબ્દુલ ઇન્ડિયન હતો. ૧૯૪૭માં એ પાકિસ્તાની થઈ ગયો અને ૧૯૭૧માં એ બંગલાદેશી બની ગયો હતો એને શી રીતે સમજાવીશું?

dinkar joshi columnists weekend guide