કાયદાનું પાલન એ ડિસિપ્લિનની નિશાની છે

22 September, 2019 05:59 PM IST  |  મુંબઈ ડેસ્ક | આરંભ હૈ પ્રચંડ - ભવ્ય ગાંધી

કાયદાનું પાલન એ ડિસિપ્લિનની નિશાની છે

પ્રતીકાત્મક તસવીર

આરંભ હૈ પ્રચંડ

આપણને બધાને એક પરિવાર છે. બધાને ઘર છે અને એ ઘરમાં બેથી લઈને ૧૦-૧૨-૧૫ લોકોનો પરિવાર છે. આ ઘરમાં કેવી રીતે સંચાલન થતું હોય એની આપણને સૌને ખબર જ છે. ઘરમાં બાળકો હોય, તેમના પેરન્ટ્સ હોય અને દાદા-દાદી પણ હોય. જો સંયુક્ત કુટુંબ હોય તો કાકા-કાકી હોય અને તેમનાં બાળકો પણ હોય અને આમ આખી ફૅમિલી એક છત નીચે રહેતી હોય. ફૅમિલીમાં બધા પોતપોતાની જવાબદારી અને એ જવાબદારીમાં આવતાં કામો કરતા હોય. બાળકોની ડ્યુટીમાં એજ્યુકેશન છે તો તેઓ પોતાના સ્ટડી પર ધ્યાન આપશે, વડીલ જો રિટાયર થઈ ગયા હોય તો એ ઘરમાં બેસીને પરિવારની અને સંબંધોની જવાબદારી નિભાવશે. ઘરની બધી લેડી પોતાનું કામ કરશે અને પુરુષો ઇન્કમ જનરેટ કરવાનું કામ કરશે. ધારો કે નાની ફૅમિલી છે તો એમાં પણ પોતપોતાનાં કામ ડિવાઇડ કરેલાં હશે અને એ મુજબ કામ થતાં હશે. 

આ ફૅમિલીમાં તમામ મેમ્બરને પોતાની ઇચ્છા મુજબ કંઈ કરવું હોય તો પણ વડીલ કે મહત્ત્વની કે પછી મોટી વ્યક્તિએ બનાવેલા નિયમ મુજબ જ ચાલવાનું રહે અને ઘરના દરેક મેમ્બર એ માનતા પણ હોય છે. નિયમો હોવા જોઈએ, એ માનવા જ જોઈએ અને એમાં કશું ખોટું પણ નથી. હું હોઉં તો મને પણ આ જ વાત લાગુ પડે અને અમિતાભ બચ્ચન હોય તો તેમના ઘરમાં પણ આ જ વાત લાગુ પડે. તેમણે પણ બાબુજીની વાત માનવી પડે અને એમાં કોઈ આર્ગ્યુમેન્ટ ન ચાલે.
જો કોઈ નિયમ બને અને એ નિયમ ઘરના કોઈ એક મેમ્બર દ્વારા માનવામાં કે પાળવામાં ન આવે ત્યારે શું થાય એની તમને બધાને ખબર છે જ. ફૅમિલીના વડીલ કે પછી સિનિયર વ્યક્તિ કડક શબ્દોમાં સૂચના આપી દે અને એ પછી પણ માનવામાં ન આવે તો એની સજા પણ ફટકારવામાં આવે, જેથી નવેસરથી ભૂલ ન થાય અને નિયમનું પાલન થાય પણ વાત એ છે કે આવું શું કામ બને?
કારણ એક જ છે કે ઘરની જવાબદારી એ વ્યક્તિ પર છે, તેના હાથમાં ઘરનો કારભાર છે અને એ વ્યક્તિએ ઘર ચલાવવાનું છે જેને માટે અનુશાસન જરૂરી છે. જો અનુશાસન રહેવાનું ન હોય, નિયમોનું પાલન ન થવાનું હોય તો બનાવેલી સિસ્ટમની કોઈ આવશ્યકતા નથી.
સિસ્ટમનો વિરોધ હોય, કોઈ નિયમનો વિરોધ હોય તો એ નોંધાવવાની છૂટ છે, પણ જ્યારે બધાનો ફાયદો હોય કે કુટુંબના બધા સભ્યોને ધ્યાનમાં રાખીને કોઈ નિયમ બન્યો હોય ત્યારે કોઈ એક કે બે વ્યક્તિ માટે એમાં છૂટછાટ મળતી નથી. આપણા બધા સાથે પણ અત્યારે આ જ બની રહ્યું છે.
ટ્રાફિકોના નિયમોનું પાલન કરવા માટે ગવર્નમેન્ટ જે રીતે કડક બની છે એનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ ખોટો જરાય નથી. ના, નથી જ નથી. તમને ન ગમે તો તમે વિરોધ કરી જ શકો છો. વિરોધ કરવાની સત્તા લોકશાહીમાં હોય જ, દુનિયાના અનેક દેશ એવા છે જ્યાં તમે સામાન્ય વિરોધ સુધ્ધાં નથી કરી શકતા. સરકાર, પ્રશાસન વિશે તમારાથી એક પણ પ્રકારની કમેન્ટ ન થઈ શકે. ટીકા પણ ન થાય અને સરકારે લીધેલા નિર્ણય પર કોઈ જાતની ટિપ્પણી કે નુક્તેચીની પણ ન થઈ શકે. થાઇલૅન્ડ આવો જ દેશ છે અને દુબઈ એટલે કે યુનાઇટેડ આરબ અમીરાત પણ આવો જ દેશ છે. તમે સરકાર વિશે કશું બોલી ન શકો, તમારાથી એની કોઈ ટીકા પણ ન થાય. જો તમે એવી ભૂલ કરી તો તરત જ તમારી સામે ઍક્શન લેવામાં આવે. આપણે ભારતમાં રહીએ છીએ અને એટલે આપણને પૂરતી વાણીસ્વતંત્રતા મળી છે.
હું તમને દુબઈની એક વાત કહું. દુબઈમાં જુમૈરા નામનો એક એરિયા છે. આ એરિયાના સૌથી મોટા રોડને રાતોરાત વનવે જાહેર કરી દેવામાં આવ્યો. હવે જો તમારે એ વિસ્તારમાં જવું હોય તો ઓછામાં ઓછાં ૧૦ કિલોમીટરનું લાંબું ચક્કર મારવું પડે. વનવે જાહેર કર્યા પછી કોઈ માણસ પણ ત્યાં રાખવામાં નહોતો આવ્યો. એક નાનકડું સાઇન-બોર્ડ મૂકવામાં આવ્યું માત્ર અને બીજા દિવસથી નિયમનું પાલન શરૂ. ૮ કલાકમાં લાગુ કરેલા એ નિયમનું પાલન પહેલા જ દિવસે ૧૦૦ ટકા આવ્યું અને તમે માનશો, શહેરનો સૌથી મહત્ત્વનો એ રોડ, દરેક ચોથી કાર ત્યાંથી પસાર થતી હોય એ પછી પણ બધાએ એ નિયમનું પાલન શરૂ કરી દીધું અને પૂરી નિષ્ઠાથી એનું પાલન કર્યું.
કોઈ વિરોધ નહીં અને એની કોઈ ચર્ચા પણ નહીં. કરવાનું મતલબ કરવાનું, પણ આપણને વિરોધની સત્તા પણ છે અને એ આપણે જોરશોરથી કરીએ પણ છીએ, પણ એક વાત છે કે આપણે આ વાતને સાચી રીતે કેટલી સમજીએ છીએ? ખરેખર આ બધા જે નિયમો છે, જેનું પાલન થાય એ માટે સરકાર કડક હાથે કામ લે છે એ નિયમો ખરેખર સારા, સાચા છે અને ઉપયોગી છે.
નવા નિયમ મુજબ જે ટ્રાફિક-રૂલ તોડશે તેણે બહુ મોટી રકમ દંડ તરીકે ભરવાની રહેશે. દોસ્તો, નિયમ તૂટે ત્યારે જ દંડ હોય છે અને જો નિયમો ન તોડીએ તો કોઈ દંડ આપવાનો હોતો નથી. એનો મતલબ એ થયો કે આ જે કોઈ પણ દંડ છે એ નિયમોનું પાલન ન કરીએ તો જ ભરવાનો આવે છે.
આના પરથી મારા મનમાં બે વાત આવે છે. એક કે જે નિયમો છે એનું પાલન કરવા માટે આપણને વર્ષોથી કહેવાતું હતું. વર્ષોથી આપણને સમજાવવામાં આવતું હતું કે હેલ્મેટ પહેરો, સીટ-બેલ્ટ બાંધો, લાઇસન્સ અને પીયુસી જેવા અગત્યના ડૉક્યુમેન્ટ્સ સાથે રાખો, પણ આપણે એ નિયમોનું પાલન તો ન જ કર્યું, પણ સાથોસાથ એને ગંભીરતા સાથે સ્વીકાર્યા પણ નહીં. આ આપણી જવાબદારી છે. હેલ્મેટ પહેરીશું અને જો કોઈ દુર્ઘટના બનશે તો હેલ્મેટને કારણે આપણને જ રક્ષણ મળવાનું છે. સીટ-બેલ્ટ બાંધ્યો હશે અને ઍક્સિડન્ટ થશે તો આપણો જ બચાવ થવાનો છે. નિયમ મુજબ ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે રાખવું જરૂરી છે, પણ ના, આપણને એ કોઈ ગંભીરતા હતી જ નહીં. કાં તો ઓળખાણ હતી એટલે આપણને ફાંકો હતો અને કાં તો આપણને કાયદાની બીક નહોતી.
વર્ષો સુધી આપણને કહેવામાં આવ્યું, ટોકીને કહ્યું, પણ આપણે ક્યારેય એ બાબતે ધ્યાન જ આપ્યું નથી. ધ્યાન તો ઠીક, આપણામાંના કેટલાકને તો આવા નિયમો હોય એની ખબર પણ નહોતી. હવે જ્યારે ગવર્નમેન્ટ કડક થઈને કહે છે ત્યારે આપણે વિરોધ કરવા માટે આગળ આવીએ છીએ કે આ અન્યાય છે. આટલી મોટી રકમનો દંડ ન હોવો જોઈએ. અરે, તમે કંઈ માણસ છો. તમને કહેવામાં આવ્યું હતું ત્યારે તમે માન્યા નહીં અને હવે જ્યારે મોટી રકમ લેવાનું ચાલુ કર્યું ત્યારે પેટમાં દુખાવો થવા માંડ્યો. આજ સુધી આપણને જે કહેવામાં આવ્યું એ બધું આપણે ટેકન-ફૉર ગ્રાન્ટેડ લીધું અને ક્યારેય એ બાબતે વિચાર જ કર્યો નહીં એટલે અત્યારે ફરજિયાત અમલ કરવાનો વારો આવે છે. જે આપણા ફાયદા માટે છે એનો વિરોધ થવો જોઈએ કે નહીં એ પણ એક પ્રશ્ન છે, પણ એ પ્રશ્નની વાત આપણે ભવિષ્‍યમાં કરીશું, અત્યારે વાત કરીએ મારા મનમાં આવેલા બીજા વિચારની.
મને એ નથી સમજાતું કે જો દરેક નિયમોનું પાલન થવાનું હોય, તમે કરવાના હો તો પછી દંડ ભરવાનો વારો જ નથી આવવાનો અને જો એવું જ હોય તો પછી આ વિરોધનો કોઈ અર્થ નીકળતો નથી. યાદ રાખજો કે સરકાર ભાઈગીરી કરીને કોઈ હપ્તો નથી માગતી. હેલ્મેટ પહેરવાની છે અને નહીં તો તમારે દંડ આપવાનો છે. પીયુસી સાથે રાખવાનું છે, નહીં તો દંડ આપવાનો છે. ભલા માણસ, સીધી રીતે કાયદાનું પાલન કરોને, એ કરશો તો બીજી કોઈ આવશ્યકતા રહેવાની જ નથી. મુંબઈ જેવા સિટીમાં તો હેલ્મેટ અને બીજા નિયમોનું પાલન નિયમિત થતું હોય છે, પણ તમે નાના શહેરમાં જઈને જોશો તો તમને ખબર પડશે કે નિયમોનું, કાયદાનું કેવું ઉલ્લંઘન થાય છે. કાયદાનું પાલન એ ડિસિપ્લિનની નિશાની છે અને જો ડિસિપ્લિન આવશે તો જ આપણે આપણા દેશને અમેરિકા, કૅનેડાના સ્તર પર લઈ જઈ શકીશું.

Bhavya Gandhi columnists