ઉત્સવ અને ઉષ્મા સાથે હોય તો જ મહત્વ

27 October, 2019 03:11 PM IST  |  મુંબઈ | આરંભ હૈ પ્રચંડ - ભવ્ય ગાંધી

ઉત્સવ અને ઉષ્મા સાથે હોય તો જ મહત્વ

દિવાળી

આ દિવાળી જો સાચી રીતે ઊજવવી હોય તો બધું ભૂલીને જીવનને એક એવી દિશા આપો જે દિશા તમારી જ હતી, પણ જવાબદારી વચ્ચે તમે એને ખોઈ નાખી છે. મળો એ કાકાને જઈને, જેમણે તેમના ખભા પર બેસાડીને આખું મુંબઈ દેખાડ્યું હતું. મળો એ મિત્રોને, જેની સાથે બેસીને કક્કો લખતાં શીખ્યા છો.

દર વખતની જેમ આ વખતની દિવાળી પણ ધામધૂમથી ઊજવીશું. ફટાકડા ફોડીશું, દોસ્તો સાથે ફરવાનું, જલસા કરવાના અને નવા વર્ષની ઉજવણી ફૅમિલી સાથે કરવાની. દર વર્ષની જેમ દિવાળીનો તહેવાર આ જ રીતે બધા ઘરમાં ઊજવાશે અને આપણે પણ એમાં આ જ રીતે સામેલ હોઈશું, રાઇટ? જો જવાબ તમારો ‘હા’ હોય તો જરા અટકજો. આ વખતે આનો જવાબ આ રીતે ‘હા’ પાડીને નથી આપવાનો, કારણ કે આ વખતે દિવાળી જરા જુદી રીતે અને નવા પ્રકારે ઊજવવાનું મનમાં ચાલે છે અને એ જ વાત આ વખતે મારે તમને કહેવાની છે. આ દિવાળીએ કંઈક અલગ કરવાની ઇચ્છા થઈ છે અને કંઈક જુદું કરવાનું મન થાય છે. તમને લાગશે કે હમણાં સમાજસેવાની વાતો આવશે કે પછી હમણાં બીજાને ખુશ કરવાની વાતો કરવામાં આવશે તો તમારા આ અનુમાનમાં તમે ખોટા છો.

તમારે તમારી મસ્તીમાં, તમારી મજામાં કે પછી તમારા આનંદમાં ક્યાંય કાપ નથી મૂકવાનો, ક્યાંય પણ નહીં. તમારે તમારું એ બધું રાબેતા મુજબ જ કરવાનું છે, પણ એની સાથોસાથ તમારે આ દિવાળી તમારે માટે, તમારી જાત માટે પણ ઊજવવાની છે. દિવાળી ભવ્ય નહીં થાય તો ચાલશે, પણ આ દિવાળીથી બધું ભવ્ય થાય, ભવ્ય બને એવું કરવાનું છે. ઘણા સમયથી દિવાળી માટેના આ વિચારો મારા મનમાં ચાલતા હતા અને થતું હતું કે કશુંક એવું કરવું જેનાથી તહેવાર ભવ્ય બને. જન્માષ્ટમી આવી, નવરાત્રિ પણ આવી ગઈ અને એ પછી પણ મનમાં કંઈ સ્પષ્ટ નહોતું થઈ રહ્યું. તહેવારો જેટલી ઝડપથી આવે છે એનાથી વધારે ઝડપ સાથે એ પસાર પણ થઈ જાય છે. તહેવારોની આ જ મજા હોતી હશે. મને હજી પણ યાદ આવે છે કે હું જ્યારે નાનો હતો ત્યારે દિવાળીની રાહ કેવી રીતે જોતો? મને એ પણ યાદ છે કે મને ફટાકડા ફોડવાનું મન થતું. બીજા બધા ફ્રેન્ડ્સ ફટાકડા ફોડતા હોય અને હું તેમને ફોડતા જોતો બેસી રહેતો, કારણ કે ફટાકડા ન ફોડવા જોઈએ એવું અમને જૈન ફિલોસૉફીમાં સમજાવવામાં આવ્યું છે. હું જ્યારે મૂડ-ઑફ કરીને બેસી રહેતો ત્યારે મારી મમ્મી મને સમજાવતી કે આપણને કોઈ સળગાવીને મારી નાખે તો એ આપણને ગમે ખરું? ન ગમેને, તો પછી આપણે કેમ નાના-નાના જંતુને મારી શકીએ?

મારી પાસે આર્ગ્યુમેન્ટ રહેતી. હું કહેતો કે એ બધા તો આમ પણ મરી જ જવાના છે. મારી દલીલ પછી મને સમજાવવામાં આવતું કે આવે છે એ બધા જવાના જ છે, પણ જવાની એ પ્રક્રિયામાં નિમિત્ત નહીં બનવાનું, કોઈને પીડા નહીં આપવાની. બહુ નાનો હતો હું આ બધું સમજવા માટે, પણ સાંભળવામાં સારું લાગતું અને પછી એ વાત સમજાવાનું પણ શરૂ થયું એટલે એનો સાચો ભાવાર્થ પણ સમજાયો. ભાવાર્થ સમજાયો એટલે એ પણ સમજાયું કે જો તમે તમારી સાથે રહી શકો તો અને તો જ તમને સાચા-ખોટા અને સારા-ખરાબનો ભેદભાવ સમજાઈ શકે.

બસ, આ જ આ વર્ષની દિવાળીએ કરવાનું છે. તમારી સાથે રહો, જેવા છો એવા રહો. તમારા માટે કંઈક કરો. યાદ કરો જરા કે જીવનનું કયું સપનું એવું છે જે પસ્તીની જેમ મનના કોઈ એકાદ ખૂણે એમ જ પડ્યું રહ્યું છે. યાદ કરો જરા કે કૉલેજના અને સ્કૂલના દિવસોમાં તમને શું બહુ ગમતું હતું અને એ આજની આ જવાબદારીવાળી લાઇફ વચ્ચે પાછળ રહી ગયું છે. કઈ એવી જગ્યા હતી જે તમારી ડ્રીમ-સ્પેસ બની ગઈ હતી અને એ જગ્યાએ ફરવા જવાની ઇચ્છા સાથે તમે મોટા થયા, પણ આજની ફાસ્ટ લાઇફે તમને તમારી એ ડ્રીમ-સ્પેસથી છીનવી લીધા. નાનપણમાં પાછા જવાની ઇચ્છા છે, વતનની નદીના કિનારે બેસીને ગીતો ગાવાની કે પછી દરિયાકિનારે બેસીને સનસેટ જોવાની ઇચ્છા છે?

કરો આ દિવાળીએ એ બધું જે કરવાનું મન થઈ રહ્યું હતું, પણ હવે જવાબદારીઓ વચ્ચે એ ઇચ્છાઓને તમે દબાવી દીધી છે. નહીં કરો અફસોસ, એક વખત, માત્ર એક વખત તમારે માટે પણ આ દિવાળી ઊજવી લેજો. હું આ વાત મારી એજના લોકોને જ કહેવા નથી માગતો, પણ હું એ બધાને કહેવા માગું છું જેઓ મારા કરતાં ઘણાં મોટાં છે અને જવાબદારી વચ્ચે અંકલ અને આન્ટીના રૂપમાં આવી ગયાં છે. આન્ટી ભૂલો બધું, કરો જે કરવાનું મન હતું. મોટા થઈ જવાથી કશું થવાનું નથી, પણ ઇચ્છા અધૂરી રાખી દેવાથી કે સપનાંઓને પાછળ મૂકી દેવાથી જીવનભર અફસોસ રહેશે. નહીં કરો અફસોસ, રહેવા દો એ પસ્તાવો. મન થતું હોય એ કરો અને એ કરવાનો તમારો હક છે. અંકલ, જરૂરી નથી કે મોટા થઈ ગયા એટલે હવે સફેદ વાળ સાથે રહેવું પડે. કરાવો હેર-કલર અને મસ્તમજાના કલરફુલ લાઇફ સાથે જીવવાનું શરૂ કરો. તમે જુઓ, અઢળક લોકો એવા છે જે આજે ૫૦ અને સાઠ વર્ષના થઈ ગયા પછી પણ કલરફુલ લાઇફ જીવે છે.

બહુ કરી લીધું ઘરનું અને બધાનું. આ દિવાળીએ તમે અને આન્ટી ફરવા નીકળી જાઓ. બે દિવસ તો બે દિવસ, પણ જાઓ બહાર. રહો એકબીજા સાથે અને ત્યાં પણ, મેં તમને કહ્યું એમ, તમારે તમારા માટે જીવવાનું છે. ના, આ વખતે કોઈ રેઝોલ્યુશન નહીં, આ વખતે કોઈ પ્રતિજ્ઞાઓ નહીં. જિમ જાઓ, યોગ કરો, એક્સરસાઇઝ કરો, સિગારેટ કે લિકર છોડી દો એવું કશું કહેવા નથી માગતો. છોડી દેશો તો સારું જ છે, પણ ધારો કે છોડી ન શકવાના હો તો પણ જાત સાથે રહો. કંઈક એવું કરો જે તમારી અંદર કશુંક બદલી નાખે. જેની ખુશી બીજા કોઈને મળે કે નહીં, પણ તમને તો મળે જ મળે અને એ ખુશીના આધારે આખું વર્ષ તમે ખુશી સાથે પસાર કરી શકો.

કોઈ જૂના મિત્રને મળવા જાઓ, સાવ અણધારી રીતે જૂના ફ્રેન્ડને ફોન કરો. તેણે કલ્પના પણ નહીં કરી હોય અને તમારી પણ કલ્પના નહીં હોય કે એ જૂનો ચાઇલ્ડહૂડ ફ્રેન્ડ તમને કેવી સરસમજાની મેમરીલેન પર લઈ જશે. લાઇબ્રેરીમાં જઈને એ બુક્સ વાંચો જે બુક્સ તમારી જૂની યાદો સાથે જોડાયેલી હોય. એ સ્કૂલ, એ કૉલેજ અને એ પહેલી ઑફિસ. જઈને એક વાર જુઓ. એ જગ્યા પર તમે તમારો મહત્વનો સમય પસાર કર્યો છે. એ જગ્યાની એકેક ઈંટ તમને યાદ કરે છે. ત્યાં ખૂણામાં પડેલી ધૂળમાં આજે પણ તમારો પરસેવો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ્સને ભૂલીને રિયલ ફ્રેન્ડ પાસે પહોંચો. ફેસબુકના ફ્રેન્ડ્સને વિશ કરો, પણ એ વિશિઝને જીવનભરનું ભાથું નથી બનાવી શકાવાનું. જે પાસે છે એ સાથે છે. આ બહુ જૂનું એક વાક્ય છે, જે મેં મારા મામા પાસેથી સાંભળ્યું હતું અને એને જ પછી જીવનમાં પણ ઉતાર્યું. જરા યાદ કરો અંકલ તમે, કે તમે તમારાં ભાઈ-ભાભી કે કઝિનને છેલ્લે ક્યારે મળ્યા હતા? તમારા ફ્રેન્ડમાંથી હવે કોણ છે જેને મળી શકાય એમ છે. યાદ રાખજો કે એ મુલાકાત તમને ‘મેઇડ ઇન ચાઇના’ કે ‘હાઉસફુલ 4’ કરતાં વધારે આનંદ અને ખુશી આપશે. મારી ઉંમરના ફ્રેન્ડ્સને હું કહીશ કે જાઓ એક વખત એ કાકા પાસે જેમણે તમને તેડીને આખી સોસાયટી દેખાડી હતી, જેણે તમને ખભા પર બેસાડીને નૅશનલ પાર્ક દેખાડ્યું છે. આજે તમારી સ્માર્ટવૉચમાં તેમની પાસે જવાનો સમય નથી રહ્યો પણ એ ભૂલતા નહીં કે કાકા પાસે પણ હવે એવો સમય નથી રહ્યો. કાકાની યાદ તમને સતાવે એના કરતાં એ યાદોમાં નવો ઉમેરો કરીને આજના સમયને વધારે મજબૂત બનાવી લો, જીવો તમારે માટે, કરો એ જે તમારે માટે મહત્વનું છે.

મોટા ભાગના ફ્રેન્ડ્સ પાસેથી સાંભળ્યું છે એ જ વાત મને અત્યારે કહેવી છે. કાકા અને કાકીને પપ્પા-મમ્મી સાથે બનતું નથી. ભાઈને નાના ભાઈ સાથે બનતું નથી. પપ્પા જુદા થયા ત્યારથી મોટા પપ્પા તેમની સાથે બોલતા નથી અને એને લીધે તમારા રિલેશન પણ ઓછા થઈ ગયા છે. ભૂલો એ બધું, તમે જાઓ. યાદ રાખજો મારી એક વાત કે તમારી સાઇડથી દરવાજો ક્યારેય બંધ નહીં કરવાનો. જો તમે સંબંધોમાં બહારની બાજુએ ઊભા હો તો એ દરવાજો બહારથી બંધ નહીં કરવાનો, કારણ કે એ દરવાજો તમારો છે જ નહીં અને ધારો કે તમે અંદરની બાજુએ છો તો સ્ટૉપર અંદરથી ક્યારેય મારવાની નહીં, ક્યારેય નહીં. દરવાજો બંધ નહીં કરવાનો. દરવાજો બંધ કરશો તો સંબંધો બંધ થશે અને સંબંધો બંધ થશે તો ઉષ્મા બંધ થશે. ઉષ્મા અને ઉત્સવ એક સિક્કાની બે બાજુ છે. બન્ને સાથે હશે તો જ બધું સચવાશે, તમે સાચવો અને એનો આનંદ લો. જેવા છો એવા જ રહો અને જેવું રહેવાનું હોય એવું જ રહેવાનો નિયમ લો. મોટા પાસે મોટા નથી થવાનું, ત્યાં નાના જ રહેવાનું છે અને નાના પાસે તમે મોટા છો એટલે મોટા બનીને જ રહેવાનું છે. જો એવું કરી શક્યા તો આ દિવાળી સાચી રીતે ઊજવી લેખાશે.

Bhavya Gandhi columnists