મિચ્છા મિ દુક્કડં

01 September, 2019 02:23 PM IST  |  મુંબઈ | આરંભ હૈ પ્રચંડ - ભવ્ય ગાંધી

મિચ્છા મિ દુક્કડં

માફી

માફી.

આ શબ્દ ખરેખર ખૂબ મોટો છે. આમ તો માત્ર બે અક્ષરનો સાવ નાનકડો પણ અર્થની દૃ‌ષ્ટિએ, ભાવનાની દૃષ્ટિએ ખૂબ મોટો શબ્દ છે. માફી માગવી એ નાની વાત નથી અને એવું જ ઊલટું પણ છે. માફી આપવી એ પણ નાની વાત નથી. બન્ને પાસે બહુ હિંમત જોઈએ. મારા એક ફ્રેન્ડે હમણાં બહુ સરસ વાત કહી હતી. તેણે કહ્યું હતું કે વીર હોય તે શૌર્ય દર્શાવે અને મહાવીર હોયતે માફી આપવાની ક્ષમતા દર્શાવે.

માફી માગવી એનો અર્થ એ નથી થતો કે તમે જે ભૂલ કરી છે એ માટે જ માફી માગો, પણ ઘણી વાર તમારી ભૂલ નથી છતાં તમારા માટે એ સંબંધ કે એ વ્યક્તિ મહત્વની છે એટલે તમે માફી માગી લો કે માફ કરી દેતા હો છો. માફી માગવી જેટલું મોટું કામ છે એટલું જ મોટું કામ મારા મત પ્રમાણે માફી આપવી એ પણ છે. માફી માગવા જેટલી હિંમત જોઈએ એટલી જ હિંમત માફ કરી દેવા માટે પણ જોઈએ. મને ઘણી વાર વિચાર આવતો હોય છે કે આપણે હાલતા-ચાલતા દરેક વાતમાં ‘સૉરી’ કહી દઈએ છીએ. રસ્તા પર જતાં કોઈને ધક્કો લાગ્યો તો સૉરી. લિફ્ટમાં ઊંચા અવાજે વાત થઈ ગઈ તો સૉરી. રેસ્ટોરાંમાં કોઈની જગ્યાએ બેસી ગયા તો પણ સૉરી. ઘરે મોડા આવ્યા તો પણ સૉરી.

બસ, દરેક વાતમાં સૉરી. આ એક શબ્દ બોલી લીધા પછી એ શબ્દનું કોઈ માન આપણે જાળવતા નથી. જરા પણ નહીં. બહુ સ્વાભાવિક રીતે આપણે ‘સૉરી’ કહીને જાણે કંઈ બન્યું જ નથી એવું વર્તન કરી લઈએ છીએ અને પછી જ્યારે ખરેખર આપણી ભૂલ હોય છે ત્યારે પણ આ ‘સૉરી’ કહેવાની આદત છે એ જ મુજબ સૉરી કહીએ છીએ, જાણે અત્યારે જે ‘સૉરી’ કહું છું એની પણ મારા મન કોઈ કિંમત નથી, પણ ફૉર્માલિટી તો કરવી જ રહી. બસ, આ ફૉર્માલિટીની ભાવનાને લીધે આપણે અજાણતાં જ માફી માગવાની પ્રક્રિયાને અતિશય નબળી બનાવી દીધી છે.

માફી માગવા માટે મોટું દિલ જોઈએ અને આપવા માટે મોટું મન જોઈએ. આ વાતને જ્યારે સમજવાનો પ્રત્યન કરું ત્યારે મને ખ્યાલ આવે છે કે શા માટે માફી માગવા માટે બહુ મોટું દિલ જોઈએ. તમારે જ્યારે માફી માગવી હોય છે ત્યારે સૌથી પહેલાં તો એ રિયલાઇઝ થવું બહુ જરૂરી છે કે હા, મારી ભૂલ છે. હા, મેં ભૂલ કરી છે અને એને કારણે કોઈને ઠેસ પહોંચી છે અને જો હું માફી માગીશ તો સંબંધો, વ્યક્તિ અને મારી ભૂલ એ બધું સચવાઈ જશે એટલે માફી મગાવી જરૂરી છે. મારા હૃદય પરથી એ ભાર ઊતરવો જરૂરી છે જે આ ભૂલને કારણે આવ્યો છે અને જો એ ભાર નહીં ઊતરે તો કાયમી મારા સંબંધો અને એ વ્યક્તિ બન્નેને ગુમાવી બેસવાનો વારો આવશે.

તમે એક વાર માફી માગી એનો મતલબ એ નથી કે બીજી વાર ફરી પાછી ભૂલ નહીં થાય પણ એનો મતલબ એ છે કે તમારા ઈગો કરતાં અને તમે સાચા છો એ વાતના ભ્રમ કરતાં તમને એ સંબંધ અને એ વ્યક્તિની વધારે પરવા છે. માફી માગવા માટે મોટું દિલ એટલા માટે જોઈએ જેથી તમે એ ભાર ઉતારતી વખતે એ સહન કરી શકો અને માફી આપતી વખતે મોટું મન એટલા માટે જોઈએ કે તમને પણ ખબર છે કે સામે ઊભેલી વ્યક્તિ મારી છે, એ કદાચ ગમે એટલી મોટી ભૂલ કરે પણ મારે તેની સાથે રહેવાનું છે અને મારે તેની સાથે આમ જ રહેવાનું છે અને કાયમી રહેવાનું છે. મારી વ્યક્તિ ભૂલ કરે ત્યારે મારે એનો ભાર મન પર નહીં રાખવાનો અને તેને માફ કરી દેવાનો, કારણ કે એ ભારને કારણે અંતર વધશે અને એ ભારને કારણે જો અંતર વધશે તો કાલે કદાચ એવું બને કે એ વ્યક્તિ દૂર જતી રહે. એમ ન થાય એ માટે પણ માફી આપવી એ બહુ મોટી વાત છે અને એટલા માટે મોટું મન રાખવું જરૂરી છે. મન ભવિષ્યના પણ વિચાર કરી લેતું હોય છે. આ વ્યક્તિ આજે માફી માગે છે, કાલે કદાચ પાછી ભૂલ કરશે એ મનને ખબર છે, પણ મન એ માટે તૈયાર છે કે વ્યક્તિ મારી છે અને ભૂલ કરવાનો તો સૌને હક છે. ચાહે તે કદાચ માફી માગનાર હોય કે માફી આપનાર હોય. એટલા માટે મોટું દિલ હોય એ માફી માગી શકે છે અને જેનું મન મોટું હોય તે માફી આપી શકે છે.

મેં જોયું છે કે માફી માગી લેવાથી અને માફી આપવાથી વર્ષોના અબોલા પછી પાછા બોલવા લાગ્યા હોય. બાપ-દીકરા કે બાપ-દીકરી વચ્ચેના સંબંધો વર્ષો પછી ફરી પાછા જોડાયા હોય. ભાઈ-ભાઈ વર્ષો પછી એકબીજા સામે આવી શક્યા હોય. મને લાગે છે કે આ સિવાયના સંબંધો એટલે કે લોહીના સંબંધો સિવાય પણ ઘણા સંબંધો છે જ્યાં આપણે આ ભાર રાખવો ન જોઈએ. જો માફી માગવાની વાત હોય તો હું કહીશ કે સૌથી પહેલી માફી હંમેશાં માતાની માગવી જોઈએ. માએ કયારેય કાંઈ માગ્યું નથી, બસ આપ્યું જ છે. ક્યારેય કોઈ અપેક્ષા નહીં, પણ બસ તેનાં સંતાનોની અપેક્ષા પૂરી થાય એવું જ કર્યું છે. મા પાસે માફી માગીએ ત્યારે મા તો માફ કરવાની નથી, કારણ કે તે તો તમને હંમેશાં પહેલેથી જ માફ કરી ચૂકી હોય છે, પણ મા પાસે માફી માગવી એટલે જરૂરી છે કે ક્યારેક કે ક્યાંક તો આપણા કામને લીધે, આપણી ઉતાવળને લીધે કે પછી આપણા બીજા રિલેશનને લીધે માને ઠેસ પહોંચાડી હશે અને માને યાદ નથી, પણ આપણે યાદ રાખીને માફી માગવી બહુ જરૂરી છે. બીજી માફી પિતા પાસે માગવી જોઈએ. પપ્પાએ જે આપ્યું છે એ કોઈ આપી શકવાનું નથી, દુનિયામાં કોઈ નહીં. રાતની આરામની ઊંઘ, સવારની પહેલી ચાથી લઈને સ્કૂલ, કૉલેજ અને પ્રોફેશનલ લાઇફ.

આ બધામાં જો કોઈ સતત તમારું બૅકબોન બનીને ઊભું રહ્યું હોય તો એ છે પપ્પા. હિંમતથી જીવતાં અને હિંમતથી આગળ વધતાં પપ્પાએ શીખવાડ્યું છે. અંધકારમાં ડર લાગતો ત્યારે આંગળી પકડીને પપ્પાએ કહ્યું હતું, ડરતો નહીં, હું તારી સાથે છું. પપ્પાની માફી માગવી જોઈએ, કારણ કે આપણે જેમ મોટા થયા એમ ક્યાંક ને ક્યાંક મનથી પપ્પા કરતાં મોટા અને સવાયા થવાની કોશિશ કરી. પપ્પા કરતાં મોટા અને સવાયા આપણે ક્યારેય થઈ જ નહીં શકીએ. કારણ કે આપણી આંગળી તેમણે પકડી ત્યારે આપણે દોડતાં શીખ્યા છીએ. માબાપ અને લોહીના સંબંધો પછી જો કોઈની માફી માગવી જ હોય કે માફી આપવી હોય તો એ છે દોસ્ત, જેને તમે બધું કહી શકતા હો, જેની સાથે દરેક વાત શૅર કરી હોય અને જેની સાથે હસ્યા-રડ્યા હોય એ દોસ્તને ક્યારેય ભૂલવો નહીં. ક્યારેય તેને માટે હૃદયમાં ભાર રાખવો નહીં, નાનીથી લઈને મોટી વાતમાં પણ માફી માગીને કે પછી માફી આપીને એ દોસ્તીને સાચવી લેવી. 

આ પણ વાંચો : બૅન્કોનું વિલીનીકરણઃ અપના દેશ સુધર રહા હૈ, અપના દેશ બદલ રહા હૈ

આ બધું કહેવાનું કારણ એ છે કે આપણે જે ‘સૉરી’ બોલીએ છીએ એનો અર્થ હવે આપણે સમજવો જોઈએ અને એ સમજીને પછી જ હવે કોઈને સૉરી કહેવું જોઈએ, જ્યારે એ ‘સૉરી’ને ખરેખર માનતા હોઈએ. ફરી પાછું મારા દરેક દોસ્તોને, મારા દરેક વાચકોને, મને ઓળખનાર કે ન ઓળખનાર દરેકને મારા અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડં. મન, વચન કે કાયાથી મેં ક્યારેય તમને દુઃખ પહોચાડ્યું હોય તો એ માટે પૂરી શ્રદ્ધા સાથે, સાચા મનથી અને ખરા દિલથી માફી માગું છું. લાગણી, પ્રેમ અને ઉષ્માનો આ વ્યવહાર આમ જ અકબંધ રહે એવી ઇચ્છા સાથે આજનો વિરામ અહીં જ લઈએ.

Bhavya Gandhi columnists