મિશન મંગલ : શું શીખીશું અક્ષયકુમાર પાસેથી?

11 August, 2019 02:55 PM IST  |  મુંબઈ | ભવ્ય ગાંધી - આરંભ હૈ પ્રચંડ

મિશન મંગલ : શું શીખીશું અક્ષયકુમાર પાસેથી?

મિશન મંગલ

‘મિશન મંગલ.’

આ નામ છે અક્ષયકુમારની નવી ફિલ્મનું. એનું ટ્રેલર તમે જોઈ લીધું હશે. આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થાય છે. ટ્રેલર બધાને ખૂબ ગમ્યું છે અને એ પણ ખાતરી સાથે કહું છું કે આ ફિલ્મ પણ બધાને ગમવાની છે. અક્ષયકુમારની સબ્જેક્ટ પસંદ કરવાની જે સ્ટાઇલ છે એ અદ્ભુત છે. એ આઉટ-એન-આઉટ કમર્શિયલ સબ્જેક્ટની ફિલ્મ કરશે તો સાથોસાથ એવી ફિલ્મ પણ કરશે જે સુપરફ્લૉપ થવાની હોય, પણ એને પોતાને ખૂબ સંતોષ આપવાની હોય. જોવાનું એ છે કે અક્ષયે એવી જેકોઈ ફિલ્મો કરી એ બધી ફિલ્મો પણ બૉક્સ-ઑફિસ પર ખૂબ ચાલી. આ હું લખું છું ત્યારે અક્ષયની ‘પૅડમૅન’ને નૅશનલ અવૉર્ડ અનાઉન્સ થયો છે અને મેં તેને હમણાં જ મેસેજ પણ કરી દીધો છે પણ અત્યારે આપણે એ બાબતમાં વાત નથી કરવાની. આપણે વાત કરવાની છે અક્ષયકુમાર પાસેથી શીખવા જેવી વાતોની.

ખરેખર આ માણસ પાસેથી પુષ્કળ શીખવા જેવું છે; આ માણસનું ડેડિકેશન, આ માણસની નિષ્ઠા, તેનું ફૅ‌મિલી પ્રત્યેનું દાયિત્વ અને સાથોસાથ તેની પોતાના કામ પ્રત્યેની ક્લૅરિટી. ટાઇમ મૅનેજમેન્ટથી લઈને ડાયટ. આ બધું આ માણસ પાસેથી શીખવા જેવું છે. હું તો કહીશ કે અક્ષયકુમાર પાસે એટલું શીખવા જેવું છે કે એ આઇઆઇએમ જેવી ઇન્સ્ટ્યિૂટે કૉલેજના સિલેબસમાં એનો સમાવેશ કરવો જોઈએ. અક્ષય એક આદર્શ રોલમૉડલ બનવાની બધી ક્વૉલિટી ધરાવે છે. હું તો કહીશ કે તેનામાં જેટલી ક્વૉલિટી છે એ ક્વૉલિટીમાંથી જો અડધી ક્વૉલિટી પણ માણસમાં હોય તો તે પોતાના જીવનમાં નવી ઊંચાઈઓ મેળવી લે. સૌથી પહેલી એક વાત જો આપણે બધાએ શીખવી જોઈએ તો એ છે અક્ષયકુમારનું ટાઇમ-મૅનેજમેન્ટ.

ટાઇમ-મૅનેજમેન્ટની બાબતમાં અક્ષયકુમાર ગજબનાક છે. આ ટાઇમ-ટેબલ બીજા કોઈએ નહીં, અક્ષયકુમારે પોતે ગોઠવ્યું છે. કોઈ મૅનેજર નહીં, કોઈ પ્રોડ્યુસર નહીં અને ક્યાંય કોઈ ફૅમિલી-મેમ્બરનો પણ હાથ નહીં. અક્ષયે જાતે જ એ બનાવ્યું છે અને એ બનાવવા માટે તેણે ખૂબ મહેનત કરી છે. આ ટાઇમ-ટેબલમાં કોઈ જાતનો ફેરફાર ન થાય એની ચીવટ બીજું કોઈ નહીં, પણ અક્ષયકુમાર પોતે જ રાખે છે. આ ટાઇમ-ટેબલ ડિસ્ટર્બ કરે એવું કંઈ હોય તો એને છોડી દેતાં પણતે ખચકાતો નથી. તમને તેની રોજનીશીની ખબર ન હોય તો એક વાર એ વાંચી લો.

સવારે ચાર વાગ્યે જાગી જવાનું અને એ પછી એક્સરસાઇઝ શરૂ કરવાની. વૉકિંગ, જૅગ‌િંગ, રનિંગ અને માર્શલ આર્ટ એમાં ડેઇલી હોય જ. કોઈ ફેરફારને અવકાશ નથી. સવારે જાગીને સૌથી પહેલું કામ બૉડીને રીચાર્જ કરવાનું હોય. અત્યારે બધા આ વાત માનશે, પણ પછી, પછી બે જ દિવસમાં વાત ભૂલી જશે. નવું-નવું જિમ જૉઇન કરનારા પહેલા બે દિવસ ઉત્સાહથી જિમમાં જાય છે, પણ પછી ત્રીજા દિવસે જિમમાં જવાનું ટાળવાનું બહાનું આગલી રાતથી શોધવા માંડતા હોય છે. ટાઇમ-ટેબલ પાળવું એ માનવીય ધર્મ છે. એક વાત યાદ રાખજો કે નિયમો બનાવવા અને એનું પાલન કરવું એ માત્ર માણસ જ સમજે છે. જો તમે નિયમ બનાવતા ન હો અને જો તમે એનું પાલન ન કરતા હો તો તમારે તમારી જાતને માણસમાં ન ગણવી જોઈએ.

સૉરી, થોડા આકરા શબ્દ છે, પણ આ હકીકત છે. અક્ષયકુમારને જોશો તો તમે પણ આ વાત સ્વીકારી લેશો અને માનશો કે નિયમોનું પાલન કરવું એ આપણી પહેલી ફરજ છે. ટાઇમ-ટેબલ એક નિયમ છે અને આ નિયમને સાચવવો એ આપણો ધર્મ છે. પોતાના ટાઇ-ટેબલમાં અક્ષયે એક બીજી વાત નક્કી રાખી છે...

કામના ફિક્સ કલાક.

બહુ, બહુ અને બહુ જરૂરી છે આ અને એ પણ ખાસ કરીને આજના સમયમાં. આજે ચારે બાજુએ હરીફાઈ છે અને એ હરીફાઈમાં ટકવાનું કામ ખૂબ અઘરું છે, પણ એનો અર્થ એવો પણ નથી થતો કે તમે બધું ભૂલીને, તમારી ફૅમિલી સુધ્ધાંને ભૂલીને તમે માત્ર કામ જ કર્યા કરો. કામ કરવાનું છે અને કરવાનું જ છે, પણ બધું ભૂલીને નહીં, એના ચોક્કસ કલાક નક્કી કરીને. જો તમારી ઇચ્છા હોય તો તમે એ ચોક્કસ કલાકોમાં પૂરતું કામ કરી શકો છો અને એ કામ કરીને તમે તમારે માટે કે તમારી ફૅમિલી માટે પૂરતો સમય પણ ખર્ચી શકો છો. મારી દૃષ્ટિએ એ કરવું પણ જોઈએ.

એક નાનકડી વાત કરીએ. ૮ કલાક કામ કરવામાં પણ આપણે એટલા ઠાગાઠૈયા કરતા હોઈએ છીએ કે હકીકતમાં એ ૮ કલાકમાંથી આપણે માંડ ૩ કલાક કામ કરતા હોઈએ છીએ અને એટલે બનતું એવું હોય છે કે કામ ખેંચાયા જ કરે છે અને મન પર કામનો ભાર રહ્યા કરે છે. ના, નહીં કરો એવું. અક્ષયકુમાર ક્યારેય સેટ પર ગપ્પાં હાંકતો દેખાતો નથી. સર્ફિંગ કરતો દેખાતો નથી. ચૅટ કરતો પણ જોવા ન મળે. તે પોતાનું કામ કરે અને જેવું એ કામ પૂરું થાય કે તરત જ બીજી મીટ‌િંગ ચાલુ કરી દે. કામના સમયને માત્ર કામમાં જ ખર્ચવાના. આ ભાઈબંધને મળી લીધું અને વચ્ચે અડધો કલાક ગપાટા હાંકી લીધા એવું તેનામાં નથી આવતું અને એ નથી આવતું એટલે તો તે બધી જગ્યાએ પોતાની હાજરી આપી શકે છે.

કામના કલાક નક્કી છે તો એની સાથોસાથ એ પણ નક્કી છે કે એ મોડે સુધી કામ નહીં કરે. તમે માનશો નહીં, અક્ષયકુમાર પહેલાં જ ક્લિયર કરી નાખે કે તારી સ્ક્ર‌િપ્ટમાં ક્યાંય રાત છે નહીં એટલે હું નાઇટ નહીં ફાળવું. ધારો કે નાઇટ સીક્વન્સ હોય તો એ પણ તે જોઈ લે કે આ સીક્વન્સ દિવસે થઈ શકે એમ છે કે નહીં. એવું નથી કે એ રાતે કામ નથી કરતો એટલે રાતનો સમય પોતાને ફાળવે છે. ના, જરા પણ નહીં. રાતે કામ નથી કરતો એટલે તે રાતની કોઈ જાતની પાર્ટીમાં પણ નથી જતો. મોટા ભાગના સ્ટાર્સ તમને રાતના સમયે બહાર ફરતા કે ભટકતા જોવા મળે, પણ અક્ષય તમને ક્યાંય જોવા નહીં મળે. એક બહુ જાણીતી વાત કહી દઉં. કરણ જોહર અક્ષયકુમારને પોતાના ચૅટ-શો ‘કૉફી વિથ કરણ’માં લાવવા માગતો હતો. અક્ષયે શરત મૂકી કે મને આવવામાં વાંધો નથી, પણ જો એ સવારે ૭ વાગ્યે શૂટ કરે તો. ‘કૉફી વિથ કરણ’નું શૂટ જ રાતે શરૂ થતું, પણ અક્ષય આવવાનો હતો એટલે એ દિવસે સવારે શૂટ ગોઠવાયું અને એ શૂટ માટે કરણ જોહરે બે દિવસ સવારે વહેલા જાગવાની પ્રૅક્ટિસ કરી હતી.

એવું નથી કે અક્ષય સંબંધો રાખવા પાર્ટીમાં જતો નથી. તે જાય પણ કમ્પલ્સરી હોય તો અને જો એવું બને તો રાતે ૮ વાગ્યે ઘરે પાછો આવી જાય. હા, બીજી એક ખાસ વાત, અક્ષયકુમાર ફૂડની બાબતમાં જૈન છે. તે સાંજે ૬ વાગ્યા પછી ફૂડ નથી લેતો. એ પછી ભૂખ લાગે તો પણ સિલેક્ટેડ વેજિટેબલ્સ અને કાં તો સિલેક્ટેડ ફ્રૂટ્સ અને કાં તો દૂધ. તમે માનશો નહીં, અક્ષયકુમારે સાકર ખાવાનું લગભગ ૧૦ વર્ષથી છોડી દીધું છે. તે બિલકુલ સાકર ખાતો નથી. તેના ઘરે ચા બને છે એ પણ ઑર્ગેનિક ગોળમાંથી બને છે અને એનો હું સાક્ષી છું. અક્ષયકુમારની એક બીજી બહુ સરસ વાત હોય તો એ કે હું કોઈની રાહ જોઈશ નહીં અને કોઈને રાહ જોવડાવીશ નહીં. આ નિયમે પણ અક્ષયકુમારને એક નવી ઊંચાઈ આપી છે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર અને લદ્દાખઃ બોલવું એનો અર્થ એ નથી કે જાણકારીનો દુરુપયોગ કરવો

જીવનમાં એક વખત આ નિયમ પાળવાની કોશિશ કરજો. તમને ગૅરન્ટી સાથે કહું છું કે તમારું માન વધશે અને તમે પણ કોઈને માન આપો છો એ સ્પષ્ટ દેખાઈ આવશે. અક્ષયકુમારની બીજી પણ અનેક ક્વૉલિટી છે અને એની ચર્ચા આપણે આવતા વીકમાં કરીશું પણ ઍટ લીસ્ટ, આ કે આવી કોઈ એક ક્વૉલિટી સ્વીકારીને રાખશો તો ખરેખર લાઇફ સારી અને સાચી રીતે જીવવા જેવી લાગશે. તમારી આજુબાજુના કોઈને એવું પણ નહીં લાગે કે તમે તેની સાથે રહીને ઉપકાર કરી રહ્યા છો. બીજા કોઈને નહીં લાગે અને તમને પણ લાઇફ ભારરૂપ નહીં લાગે.

Bhavya Gandhi columnists