ડિજિવુડ : કન્ટેન્ટ પધરાવો સાવધાન

20 October, 2019 02:11 PM IST  |  મુંબઈ | આરંભ હૈ પ્રચંડ – ભવ્ય ગાંધી

ડિજિવુડ : કન્ટેન્ટ પધરાવો સાવધાન

ડિજિવુડ

હમણાં તો જાણે વેબ-સિરીઝનો રાફડો ફાટ્યો છે. મોટા ભાગની વેબ-સિરીઝ હું જોઉં છું અને મને ખબર છે કે ઑનલાઇન તમે પણ એ જોતા હશો, પણ મને એક બીજી વાત કહેવી છે અહીં. વેબ-શો જોતાં-જોતાં મને વિચિત્ર કહેવાય એવા વિચારો આવે છે. એ વિચારોમાંથી અમુક વાતો આજે મારે તમારી સાથે શૅર કરવી છે.

મને લાગે છે કે આજનું જે યુથ છે એ યુથ ટેક્નૉસૅવી વધુ છે. ઑનલાઇન સ્ટાફ માટે એ બહુ સિરિયસ છે તો તેમની પાસે લેટેસ્ટ ફોન છે, સારામાં સારું નેટવર્ક-કનેક્શન છે અને એને લીધે તે ક્યાં-ક્યાંથી કન્ટેન્ટ શોધી કાઢે છે. જે પ્રકારે ઑનલાઇન શોનું માર્કેટ વધ્યું છે એ જોતાં લાગે છે કે આવતા સમયમાં ફિલ્મો બનવાનું ઓછું થઈ જશે. અફકોર્સ આજે પણ ઓછું થઈ ગયું છે, પરંતુ આવતા સમયમાં તો એનું પ્રમાણ અતિશય વધશે અને જે ફિલ્મો બનશે એમાંથી અડધોઅડધ તો ઑનલાઇન જ રિલીઝ થઈ જશે. હવે એ બધાં મટીરિયલ માટે બહુ પૈસા ખર્ચ નહીં કરવા પડે. તમારે સબસ્ક્રિપ્શન લઈ લેવાનું, બસ. બધું તમને એ પછી ફ્રીમાં જોવા મળે. આ આખી માર્કેટ એકદમ ઊભરતી માર્કેટ છે અને એ માર્કેટમાં હજી ઉછાળો આવવાનો છે. હમણાં હું આપણું ‘મિડ-ડે’ જ વાંચતો હતો ત્યારે એક આર્ટિકલમાં મેં વાંચ્યું કે મોબાઇલ-યુઝરમાં બે વર્ષમાં ઑલમોસ્ટ ડબલ જેટલો વધારો થવાનો છે, જેને લીધે ઑનલાઇન યુઝર્સ હજી વધવાના છે અને ડિજિટલ વર્લ્ડ વધુ મોટું થવાનું છે.

ડિજિટલ વર્લ્ડ પર આજે બધું અવેલેબલ છે. રોમૅન્સ, રોમૅન્ટિક-કૉમેડી, ડ્રામા, સોશ્યલ કૉમેડી, ફિક્શન, નૉન-ફિક્શન, ઍક્શન, ટ્રૅજિક, ઇરોટિક અને ઇરોટિકથી આગળ પહોંચી જાય એવું વલ્ગર પણ. આ બધા પ્રકારની સ્ટોરીઝ ઑનલાઇન અવેલેબલ છે. કન્ટેન્ટ એટલું પાવરફુલ હોય છે કે તમે એને ના કહી જ ન શકો. ફિલ્મો કરતાં પણ એક ડગલું આ કન્ટેન્ટ આગળ છે. ઘણી વખત એવું બન્યું છે કે જે ફિલ્મો બનાવવા માટે કોઈ રાજી નથી હોતું એ જ સબ્જેક્ટ પછીથી ડિજિટલી રિલીઝ થયો હોય અને આ પ્લૅટફૉર્મ પર સુપરહિટ પણ થયો હોય. ઉદાહરણ જોવું હોય તો આંખ સામે છે ‘સેક્રેડ ગેમ્સ.’

હા, નેટફ્લિક્સ પર આવેલી આ વેબ-સિરીઝના વિષય પર અનુરાગ કશ્યપને ફિલ્મ બનાવવી હતી. નૉવેલના રાઇટ્સ પણ લેવાઈ ગયા હતા અને સ્ટારકાસ્ટથી લઈને બજેટ સુધ્ધાં બધું ફાઇનલ હતું. પ્રી-પ્રોડક્શન કામ પણ થઈ ગયું હતું. અનુરાગ કશ્યપની ઇચ્છા હતી કે એ સમયે તેની ફિલ્મ ‘બૉમ્બે વેલ્વેટ’નું શૂટિંગ પૂરું થાય એટલે તે આ સબ્જેક્ટ પર કામ ચાલુ કરે. બન્યું એવું કે ‘બૉમ્બે વેલ્વેટ’ રિલીઝ થઈ અને બહુ ખરાબ રીતે પિટાઈ ગઈ. જો ‘બૉમ્બે વેલ્વેટ’ બૉક્સ-ઑફિસ પર વર્ક કરી ગઈ હોત તો ચોક્કસ અનુરાગને ફાઇનૅન્સર મળી ગયો હોત અને અનુરાગે બજેટની ચિંતા કર્યા વિના આ ફિલ્મ બનાવી હોત, પણ તમને ખબર છે એમ, ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં દર શુક્રવારે નસીબ લખાતું હોય છે. નસીબમાં નહોતું એટલે અનુરાગ કશ્યપની આ ફિલ્મ અભેરાઈએ ચડી ગઈ. અનુરાગ કશ્યપની આ આખી યોજનાની મને ખબર છે. તેનું પ્લાનિંગ પર્ફેક્ટ હતું. તેની ઇચ્છા હતી કે ‘સેક્રેડ ગેમ્સ’ પર એક નહીં, ત્રણ ફિલ્મ બને. ત્રણેત્રણ ફિલ્મનું શૂટ સાથે જ કરી લેવાનું અને એક પછી એક, ત્રણ-ત્રણ મહિનાના અંતરે આ ફિલ્મો રિલીઝ થાય. આ અગાઉ અનુરાગે ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ને આ જ રીતે બનાવી હતી. બે ભાગમાં બનેલી આ ફિલ્મ તેણે બે ઇન્સ્ટૉલમેન્ટમાં રિલીઝ કરી હતી. અનુરાગ બહુ લાંબું પ્લાનિંગ કરીને બેઠો હતો. તેના મનમાં હતું કે ત્રણ ફિલ્મ શૂટ કરવામાં મિનિમમ બે વર્ષ જશે એટલે તેણે અગાઉથી પ્લાનિંગ મુજબ જ કોઈ ફિલ્મ સાઇન પણ નહોતી કરી અને એ બધાની વચ્ચે ‘બૉમ્બે વેલ્વેટ’ બૉક્સ-ઑફિસ પર ઊભી પણ ન રહી શકે.

‘સેક્રેડ ગેમ્સ’નો આખો પ્લાન ફ્લૉપ થયો અને પ્રોજેક્ટ અભેરાઈએ ચડી ગયો. વાત ભુલાઈ પણ ગઈ અને એ પછી આવ્યું નેટફ્લિક્સ. નેટફ્લિક્સ આવતાં જ તેણે ઑફિશ્યલ અનાઉન્સમેન્ટ કર્યું કે તેના પ્લૅટફૉર્મને એસ્ટૅબ્લિશ કરવા માટે તે ઇન્ડિયામાં ‘નાર્કોસ’ જેવી એક સિરીઝ બનાવશે. અલગ-અલગ પ્રોડ્યુસર-ડિરેક્ટર અને પ્રોડક્શન-હાઉસ સાથે મીટિંગ ચાલુ થઈ અને એમાં અનુરાગ કશ્યપનો પણ કૉન્ટૅક્ટ કરવામાં આવ્યો. મીટિંગ ત્રણ વખત થઈ, અલગ-અલગ સબ્જેક્ટ પર પણ કોઈ વાત બનતી નહોતી. ચોથી મીટિંગમાં અનુરાગને અચાનક ‘સેક્રેડ ગેમ્સ’નો પ્રોજેક્ટ યાદ આવ્યો અને તેણે વનલાઇન સંભળાવી, જે સાંભળીને નેટફ્લિક્સ રેડી થઈ ગયું અને વેબ-સિરીઝ બનવાનું શરૂ થયું.

આવી જ વાત છે નેટફ્લિક્સ પર હમણાં રિલીઝ થયેલી ‘બાર્ડ ઑફ બ્લડ’ની પણ. ઇમરાન હાશ્મીએ ટોની ડિસોઝાની એક ફિલ્મ ‘કૅપ્ટન નવાબ’ સાઇન કરી હતી. આ ‘કૅપ્ટન નવાબ’ ઇમરાન ખાન પોતાના હોમ-પ્રોડક્શનમાં કરવાનો હતો. બધું ફાઇનલ હતું અને ફિલ્મના પ્રી-પ્રોડક્શનનું કામ પણ શરૂ થઈ ગયું. લુક અને પોસ્ટર પણ બન્યાં અને એ જ દિવસોમાં ઇમરાનના દીકરાને કૅન્સર ડિટેક્ટ થયું અને ઇમરાનની દિશા બદલાઈ ગઈ. નૅચરલી એ પછી ‘કૅપ્ટન નવાબ’ અભેરાઈએ ચડી ગઈ અને ઇમરાન બધી મુસીબતમાંથી બહાર આવ્યો એટલે ફરીથી ‘કૅપ્ટન નવાબ’ની વાત નીકળી, પણ હવે ઇમરાન ખાન સામે ઑનલાઇન કન્ટેન્ટની માર્કેટ ખૂલી ગઈ હતી એટલે તેણે ફ્રેન્ડ અને રાઇટર એવા બિલાલ સિદ્દીકીનો કૉન્ટૅક્ટ કરીને એ જ નૉવેલ પર વેબ-સિરીઝ બનાવવા માટે વાત કરી અને વાત ફાઇનલ થઈ ગઈ. શાહરુખ ખાન પ્રોડ્યુસર બન્યો, ઇમરાન હાશ્મી ઍક્ટર અને નૉવેલના ટાઇટલ સાથે જ વેબ-સિરીઝ બની.

વાત હવે તો એનાથી પણ આગળ વધી છે અને એવો સિનારિયો છે કે જે કન્ટેન્ટમાં પ્રોડ્યુસર શ્યૉર નથી તેને સીધું જ ઑનલાઇન રિલીઝ કરે છે, જેમ કે ‘ડ્રાઇવ’ અને ‘લૂંટકેસ’. તરુણ મનસુખાણી વર્ષોથી કરણ જોહર સાથે ‘ડ્રાઇવ’ બનાવતો હતો. આ ફિલ્મની લગભગ ત્રણ રિલીઝ-ડેટ પણ અનાઉન્સ થઈ અને એ પછી પણ ફિલ્મ રિલીઝ કરવામાં ન આવી. હવે આ ફિલ્મ નેટફ્લિક્સ પર ડાયરેક્ટ રિલીઝ કરવામાં આવશે. આ જ રીતે ‘લૂટકેસ’ નામની કુણાલ ખેમુની ફિલ્મ પણ ડિજિટલી રિલીઝ કરવામાં આવશે.

ઑનલાઇન રિલીઝ થઈ રહેલી આ ફિલ્મથી એક નવો ટ્રેન્ડ શરૂ થવાનો છે. થિયેટરમાં હવે એવી જ ફિલ્મો બનશે જે લાર્જર ધેન લાઇફ હોય. ‘બાહુબલી’, ‘સેરા’, ‘સાહો’ અને ‘વૉર’ જેવી જૉઇન્ટ બજેટની, અદ્ભુત લોકેશનવાળી અને બૉક્સ-ઑફિસ કરતાં પણ મોટા કહેવાય એવા સ્ટાર્સવાળી. આવી ફિલ્મો માટે ૨૦૦-૩૦૦ કરોડ રૂપિયાના ભારેખમ બજેટ ફાળવાય એ વાજબી છે. બાકીની બધી ફિલ્મો ખરેખર ઑનલાઇન રિલીઝ કરવી જોઈએ. જેમ બૉલીવુડ-હૉલીવુડ અને બધાં રીજનલ વુડ છે એમ હવે ‘ડિજિવુડ’નો જમાનો આવ્યો છે. ડિજિવુડમાં ફિલ્મો રિલીઝ થવાની હોય તો એનાં બજેટ સૌથી પહેલાં કન્ટ્રોલમાં આવે તો જ લાર્જર ધેન લાઇફ ફિલ્મો માટે બજેટ ફાળવી શકાય. બીજું એ કે આ બધી ફિલ્મો ડિજિવુડમાં રિલીઝ થાય અને લોકો ધારે ત્યારે અને ધારે એમ જોઈ શકે. નાના બજેટની ફિલ્મો માટે ટિકિટના પૈસા ખર્ચવા કરતાં ઑનલાઇન પ્લૅટફૉર્મનું સબસ્ક્રિપ્શન લઈને લોકો વધુ જોઈ શકશે અને એ વધુ ને વધુ લોકો સુધી પહોંચશે પણ ખરું. લોકોને પહેલેથી ખબર છે કે જો આ ફિલ્મ હું જોવાનું શરૂ કરીશ તો મારા પૈસા બગડવાના નથી. મારે બીજી મિનિટે જ ફિલ્મ છોડી દેવી હશે તો એ હું કરી શકીશ, પણ થિયેટરમાં જ્યારે તમે ટિકિટ લઈને ફિલ્મ જોવા જાઓ છો અને ફિલ્મ બકવાશ હોય છે ત્યારે એ શક્ય નથી બનતું કે તમે એ ફિલ્મ છોડીને બહાર નીકળી જાઓ.

તમે વિચાર કરો કે પ૦૦ રૂપિયામાં તમને ૧પ૦ ફિલ્મો અને વેબ-સિરીઝની ચૉઇસ મળે તો તમે શા માટે એ પસંદ ન કરો. આટલા બજેટમાં મને માંડ એક ફિલ્મ થિયેટરમાં જોવા મળવાની છે. બીજું એ કે મારી પાસે દર વીકના ૫૦૦ રૂપિયાનું બજેટ હોવાનું પણ નથી એટલે એમ પણ હું થિયેટરમાં ક્યારેય જઈશ એ મારા હાથમાં રહેવાનું છે તો પછી પ્રોડ્યુસરે ફિલ્મ બનાવીને થિયેટરમાં રિલીઝ કરવાનો આગ્રહ છોડીને ડિજિવુડ પર આવી જવું જોઈએ. એનો ફાયદો મોટા બજેટની ફિલ્મને દેખીતી રીતે થશે. એ લાંબો સમય થિયેટરમાં ચાલશે અને એને ઑડિયન્સ પણ મોટું મળશે.

આ પણ વાંચો : ગૌ પરિવાર યોજના : ગાય આધારિત અર્થતંત્ર દેશને બીજી શ્વેતક્રાન્તિ અપાવશે

કહેવાનો ભાવાર્થ એ જ કે ભવિષ્ય ડિજિવુડનું છે. આવું કરવાનો લાભ એ થશે કે ફિલ્મો પિટાશે તો પણ કોઈને એની નાલલેશી સહન નહીં કરવી પડે અને બીજું એ કે ફિલ્મો સારી હશે તો એનો લાભ ઑડિયન્સને ઘરબેઠાં મળશે.

Bhavya Gandhi columnists