બચ્ચનસાહેબની દિવાળી પાર્ટીમાં એક લટાર

05 November, 2019 04:49 PM IST  |  Mumbai | Sanjay Goradia

બચ્ચનસાહેબની દિવાળી પાર્ટીમાં એક લટાર

સંજય ગોરડિયા સાથે બિગ-બી

મિત્રો, આમ તો આપણે આપણી વાતોને આગળ વધારવાની હોય, પણ છેલ્લા વીકમાં એક ઘટના એવી બની કે મને થયું કે અત્યારે ભૂતકાળને બાજુ પર મૂકીને આપણે વર્તમાનને માણી લેવો જોઈએ.

ગયા અઠવાડિયે દિવાળી ગઈ. દિવાળી આવે એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ધુરંધરો અમિતાભ બચ્ચનના ઘરે થનારી દિવાળી પાર્ટીના ઇન્વિટેશનની રાહ જોવા માંડે, પણ છેલ્લાં બે વર્ષથી કોઈ ને કોઈનું ડેથ થતું હોવાથી કે પછી દેશમાં કોઈ ગોઝારી ઘટના બની હોવાથી બચ્ચનસાહેબ દિવાળીની પાર્ટી રાખતા નહોતા, પણ આ વખતે એવું કશું બન્યું નહીં અને એમણે પોતાના ઘરે અગાઉનાં વર્ષોની જેમ જ આ વર્ષે પાર્ટી રાખી અને દર વર્ષની જેમ મને પણ એનું આમંત્રણ મળ્યું. આ પાર્ટીના થોડા ફોટા મેં મારા સોશ્યલ મીડિયાના અકાઉન્ટમાં મૂક્યા ત્યારે ઘણા મિત્રો અને વાચકોના મૅસેજ આવ્યા કે તમે નસીબદાર છો. બસ, એ કમૅન્ટ અને મૅસેજ પરથી જ થયું કે ચાલો હું તમને આ પાર્ટીમાં એક લટાર મરાવું. હમણાં જ કહ્યું એમ મને નિયમિત આ પાર્ટીનું આમંત્રણ આવે છે. ૨૦૦૦થી ૨૦૦પના છ વર્ષ દરમ્યાન મેં જયા બચ્ચન સાથે બે નાટક કર્યાં. વર્ષ ૨૦૦૦માં મેં મારા જ ગુજરાતી નાટક ‘બા રિટાયર થાય છે’નું હિન્દી વર્ઝન કર્યું - ‘મા રિટાયર હોતી હૈ.’ જેમાં માનું લીડ કૅરેક્ટર જયા બચ્ચન કરતાં હતાં. આ નાટકના અમેરિકામાં બે મહિના શો થયા તો યુરોપમાં એક મહિનો એના શો થયા. દુબઈમાં પણ એની ટુર કરી અને અમે નાટક ઇન્ડિયામાં ઓપન કર્યું અને નાટક ખૂબ વખણાયું. એ નાટક પછી અમે જયાજી સાથે ‘ડૉક્ટર મુક્તા’ નામનું બીજું નાટક કર્યું, જેના પણ દેશ-વિદેશમાં ખૂબ શો થયા. આ બે નાટકોને કારણે મારો જયાજી સાથેનો ઘરોબો ગાઢ થયો.

મિત્રો, ફિલ્મલાઇન માટે કહેવાય છે કે દર શુક્રવારે અહીંયા દૂધના ભાવ બદલાતા હોય છે. તમારી ફિલ્મ હિટ થાય તો ભાવ અલગ હોય છે અને ફ્લૉપ થાય તો ભાવ ફરી જાય, પણ બચ્ચન ફૅમિલી માટે હું કહીશ કે એમને ત્યાં દૂધનો ભાવ ક્યારેય બદલાતો નથી. વન્સ અ ફ્રેન્ડ ઑલવેઝ અ ફ્રેન્ડ. ૨૦૦૦ની સાલથી બચ્ચનસાહેબને ત્યાં કોઈ પણ મોટી પાર્ટી હોય, કોઈ પણ પ્રકારની. એમની ૬૦મી વર્ષગાંઠ હોય, દિવાળી પાર્ટી હોય કે પછી મૅજર કમબૅક એવી ‘મહોબ્બતેં’નું પ્રીમિયર હોય. દરેક વખતે એમને ત્યાંથી મને આમંત્રણ આવ્યું છે. આ વખતે પણ મને દિવાળીના વીસ દિવસ પહેલાં જ જયાજીનો ફોન આવી ગયો હતો કે સંજય, તુમ્હે ઓર ચંદા કો પાર્ટીમેં જરૂર આના હૈ.

કપડાં પહેરવાની બાબતમાં હું થોડો બેફિકરો છું. બહુ ફૅશનેબલ માણસ નથી હું. મારા શરીરને જે માફક આવે અને મને જે પહેરવામાં મજા આવે એ હું પહેરું છું. જૂના કપડાં મને વધારે માફક આવે છે. એની પાછળનું કારણ કહું, નવા કપડાં જેવા હું પહેરું કે મને પરસેવો થવા લાગે. મેં તો નક્કી કર્યું કે હું કોઈ જૂનો ઇન્ડિયન ટ્રેડિશનલ ડ્રેસ જ પહેરીશ, પણ મારી વાઇફ ચંદાએ તો પાર્ટી માટે ખાસ નવી સાડી ખરીદી.

દિવસ આવી ગયો અને અમે બન્ને સજીધજીને તૈયાર થઈ ગયાં. નૉર્મલી પાર્ટી દસ વાગ્યા પછી જામતી હોય છે એટલે આ વખતે અમે અગિયાર વાગ્યે પહોંચ્યા તેમના બંગલા પર. બહાર દસહજારથી પણ વધુ લોકોની ભીડ હતી. બધા ફિલ્મ સ્ટાર્સને જોવા આવ્યા હતા, પ્રેસ ફોટોગ્રાફર્સ અને ટીવી ચૅનલના કૅમેરામૅન પણ હતા. ખૂબ ટ્રાફિક અને ટાઇટ સિક્યૉરિટી હતી. બચ્ચનસાહેબનો બંગલો જુહુમાં છે એ બધાને ખબર છે, પણ એમના જુહુમાં ચાર બંગલા છે. ચારની મને ખબર છે, બીજા કેટલા છે એની મને જાણ નથી. પહેલો બંગલો ‘પ્રતિક્ષા’, જ્યાં હવે તેઓ રહેતા નથી, બીજો બંગલો જલસા. પાર્લા સ્ટેશનની બહાર નીકળીને મીઠીબાઈ તરફ જવા માટે રાઇટ લઈએ છીએ, એ ન લેતા સીધા જઈએ તો જમણી બાજુએ ‘જલસા’ આવે. આ ‘જલસા’માં જ બધી પાર્ટી થતી હોય છે. મને એ દિવસે ખબર પડી કે ‘જલસા’ની બાજુનો બંગલો છે એ પણ તેમણે ખરીદી લીધો છે. ગાડી ઊભી રહી ત્યારે મને પણ નવાઈ લાગી કે કેમ અહીંયા કાર ઊભી રહી, કારણ કે ‘જલસા’ તો એના પછીનો છે. અમે પહોંચ્યા ત્યારે જયાજીની સેક્રેટરી બાર્બરા અને બચ્ચનસાહેબની સેક્રેટરી રોઝી સ્વાગત કરવા ઊભી હતી. મેં તો પૂછી લીધું કે આ બંગલો ક્યારે લીધો? એમણે કહ્યું કે આજે ગેસ્ટ વધારે છે એટલે આ બંગલો ખોલ્યો છે.

એ બંગલામાં અંદર દાખલ થતાં બહુ મોટું ગાર્ડન હતું, જેમાં મોટો શામિયાણો બાંધવામાં આવ્યો હતો, સુંદર શણગારેલો એ શામિયાણો આખો વાતાનુકૂલિત હતો. જરા અંદર ગયા તો ત્યાં ખુદ બચ્ચનસાહેબ ઊભા હતા, બધાનું સ્વાગત કરતા. દિવાળીની પાર્ટી અને બચ્ચનસાહેબની પાર્ટી એટલે અમે તો ગિફ્ટ લઈને ગયા હતા. ખાલી હાથે ન જવાય એ આપણી ગુજરાતીઓની સૌજન્યશીલતા છે. તેમને હાથમાં ગિફ્ટ આપી એટલે એમણે વિનમ્રતા સાથે કહ્યું કે ઇસકી કોઈ ઝરૂરત નહીં થી.

મેં એમને ફોટો માટે વિનંતી કરી તો એમણે ખુશી-ખુશી હા પાડી. અમે ફોટો પડાવ્યો એટલે બચ્ચનસાહેબે કહ્યું કે આઈયે, અબ અૅન્જોય કીજીએ. અમે અંદર એન્ટર થયા અને સામે આખું બૉલીવુડ અને આખી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ ઊભરાતા હતા. મિત્રો, સાવ સાચું કહું, આ પ્રકારની પાર્ટીમાં મને ખૂબ એકલું-એકલું લાગે, ભલે મારી થોડી ફિલ્મો રિલીઝ થઈ હોય પણ નમ્રતા સાથે કબૂલ કરવાનું મન થાય કે હજી ફિલ્મોમાં મેં ખાસ કંઈ ઉકાળ્યું નથી અને માટે જ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મને બહુ કોઈ ઓળખતું નથી. આવી પાર્ટીમાં જઈએ એટલે મોટાભાગે હું અને ચંદા એકલાં જ ફરતાં હોઈએ.

અમે અંદર દાખલ થઈને નક્કી કર્યું કે જયાજીને મળીને તેમને દિવાળીની શુભેચ્છાઓ આપવી. અંદર દાખલ થયા તો થોડીવારમાં અભિષેક બચ્ચન ત્યાં ઊભો હતો. તેમને વિશ કર્યું, તેની સાથે પણ ફોટો પડાવ્યો. ‘૧૦૨ નૉટ આઉટ’ના ડિરેક્ટર ઉમેશ શુક્લ અને એ જ ફિલ્મનો ઍક્ટર જીમિત ત્રિવેદી પણ હતો, એમને પણ વિશ કર્યું અને ત્યાંથી આગળ વધીને અમે જયાજી પાસે આવ્યા. જયાજી વાઇટ કલરની ઝરીવાળી સાડીમાં ખૂબ સુંદર લાગતા હતા, એમણે ઘણું વેઇટ ઓછું કર્યું છે. ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા ઉમેશ શુક્લ અને જીમિત ત્રિવેદી ઉપરાંત વિપુલ શાહ અને તેની વાઇફ શેફાલી શાહ ત્યાં હતાં. અમે તેમને મળ્યા અને વિશ કર્યું. ‘મિર્ચ-મસાલા’ અને ‘માંઝી-ધી માઉન્ટમૅન’વાળા આપણા કેતન મહેતા પણ હતા. કહોને, ઑલમોસ્ટ આખી ઇન્ડસ્ટ્રી ત્યાં હાજર હતી. મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી, ટીના અંબાણી, શાહરુખ ખાન, કરણ જોહર, અક્ષયકુમાર, જેકી શ્રોફ. જેકી સાથે મેં હમણાં જ ‘વેન્ટિલેટર’માં કામ કર્યું હતું, જેકી તરત જ મને ઓળખી ગયો, એમની સાથે પણ સેલ્ફી લીધી, ટાઇગર શ્રોફ, વરુણ ધવન, નિતેશ તિવારી, અયાન મુખરજી, સારા અલી ખાન, શક્તિ કપૂર, રિશી કપૂર, શ્રદ્ધા કપૂર, કાજોલ, સુનીલ શેટ્ટી હતાં. અનુષ્કા શર્મા હસબન્ડ વિરાટ કોહલી સાથે આવી હતી, માધુરી દીક્ષિત પણ ડૉક્ટર હસબન્ડ સાથે હતી, દીપ્તિ નવલ, રાજકુમાર હીરાની, પ્રીતિ ઝિન્ટા, સિદ્ધાર્થ મલ્હોત્રા હતાં. રાજકુમાર રાવ પણ મળ્યો. રાજકુમાર સાથે હમણાં જ મારી ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’ આવી. રાજકુમારે મને ખૂબ બધા કૉમ્પ્લિમેન્ટ્સ આપ્યા. મારું પરફૉર્મન્સ એમને ખૂબ ગમ્યું હતું. રાજકુમાર તો મારા એ કૅરેક્ટરના નામે જ એટલે કે ‘નટુકાકા’ કહીને જ બોલાવે છે. અનુપમ ખેર અને સંસદસભ્ય વાઇફ કિરણ ખેર પણ હતાં. નંદિતા દાસ, બમન ઇરાની, હરભજનસિંહ, હેમા માલિની, ક્રિતી સૅનન, આશુતોષ ગોવારિકર, દિવ્યા દત્તા, અબ્બાસ-મસ્તાન, રવિના ટંડન, સુનીલ ગાવસ્કર હતાં તો શિવસેનાના નવા સુપ્રીમો આદિત્ય ઠાકરે પણ હતા. જીતેન્દ્ર એમની ટીવીક્વીન દીકરી એકતા અને દીકરા તુષાર કપૂર સાથે હતાં. એ સિવાય પણ અનેક લોકો હતા પણ આ બધાને મેં જોયા એટલે હું તમને એમના નામ કહું છું.

એકથી એક ચડિયાતો શરાબ પાર્ટીમાં પીરસવામાં આવતો હતો. રેડ વાઇન અને વાઇટ વાઇનની મોટી રેન્જ હતી, સારામાં સારી સ્કૉચ વ્હિસ્કી હતી, વોડકા હતી અને ગુજરાતીઓનું મન જ્યાં લલચાય એવાં બત્રીસ જાતના ભોજન પણ હતાં. મારે ખાસ કહેવું છે કે બચ્ચનસાહેબની પાર્ટીના ફૂડમાં ટ્રેડિશનલ આઇટમો પણ રાખવામાં આવે છે. આ વખતે અપ્પમ હતાં, અપ્પમ એકદમ સ્વાદિષ્ટ હતાં તો સાથે વેજિટેબલ કુરમા પણ હતા. આ ટ્રેડિશનલ આઇટમ સાથે અનયુઝ્વલ આઇટમ કહેવાય એવી આઇટમ પણ હોય. સ્વીટ ડિશની વાત કરું તો કુલફી હતી. આપણી દેશી, સળીવાળી કુલફી. દૂધીનો ગરમાગરમ હલવો હતો. ગરમાગરમ જલેબી અને ઠંડીગાર લચ્છા રબડી પણ હતી. લગભગ રાત્રે બે વાગ્યે અમે પાર્ટીમાંથી નીકળ્યા, પાર્ટી તો હજી ચાલુ જ હતી, મને લાગે છે કે સવારે પાંચ સુધી એ ચાલી હશે.

મિત્રો, બીજી ખાસ વાત કે નૉર્થ ઇન્ડિયન સાઇડમાં એવું હોય છે કે દિવાળી પર શુકન માટે તીનપત્તી રમે. ગુજરાતીઓ દિવાળીના દિવસે તીનપત્તી રમવાનું ટાળે, એવું માને કે લક્ષ્મી જાય તો અપશુકન કહેવાય. આપણે સાતમ-આઠમ પર તીનપત્તી રમીએ, પણ નૉર્થ ઇન્ડિયન દિવાળી પર રમે. એમના બંગલામાં કાર્ડ રૂમ બનાવ્યો હતો. મોટા-મોટા ટેબલો ગોઠવ્યા હતા. ટેબલની બરાબર વચ્ચે પૈસા મૂકવા માટેનો થાળ હતો અને પત્તાંની જોડ હતી. તમારે તમારી ટીમ બનાવીને બેસી જવાનું રમવા. હું પોતે તીનપત્તીનો શોખીન છું, પણ હું કોઈને ઓળખતો નહોતો એટલે જયાજી મને લઈ ગયા પોતાની સાથે અને એમના વેવાણ રીતુ નંદા અને બીજા મહેમાનો રમતાં હતાં ત્યાં બેસાડ્યો. થોડીવાર હું તેમની સાથે તીનપત્તી રમ્યો અને પછી અમે વિદાય લીધી.

આ પ્રકારની પાર્ટીમાં મને નિમંત્રણ મળે છે એ માટે હું મારી જાતને સદ્નસીબ માનું છું. જયાજી જેવા કલાકાર જેમણે મારા નાટકમાં કામ કર્યું છે એ મારા અહોભાગ્ય અને બીજી વાત, તેમણે હંમેશાં મને એક નિર્માતા તરીકે રિસ્પેક્ટ આપી છે એ પણ કહેવું ઘટે.

Sanjay Goradia columnists