21 December, 2025 04:46 PM IST | Mumbai | Priyanka Acharya
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
રમેશભાઈ પટેલે ક્યારેય ધાર્યું નહોતું કે તેમણે વર્ષોની મહેનતથી ઊભા કરેલા મૅન્યુફૅક્ચરિંગ બિઝનેસમાં ૧૫ લાખની ઓચિંતી ખોટ આવી જશે. તેમની મહેનતની મૂડીમાં આ તૂટ પડી હતી. ઘરના ખર્ચ, બાળકોના શિક્ષણનો ખર્ચ, લોનની ભરપાઈ વગેરે અનેક ખર્ચ તો એમને એમ ચાલવાના હતા. ઘરમાં તેમનાં પત્ની નિર્મળાબહેનને પણ ઘરખર્ચ ચલાવવામાં મુશ્કેલી પડવા માંડી અને બન્ને ગભરાઈ ગયાં.
આ કિસ્સામાં બિઝનેસની ખોટની અસર પર્સનલ ફાઇનૅન્સ પર પડી. આવા સમયે નિર્ણય લેવાની શક્તિ પણ કુંઠિત થઈ જાય છે. તો ચાલો એમાંથી ઊગરવાના માર્ગ વિશે ચર્ચા કરીએ.
જો ઘરની દીવાલોમાં તિરાડ હોય અને છતમાંથી પાણી ટપકતું હોય તો કોઈ સમજદાર માણસ એક રાતમાં આખું ઘર તોડી નથી નાખતો. એ જ રીતે ફક્ત રંગરોગાન કરીને સમસ્યા છુપાવવાનો પણ કોઈ અર્થ નથી રહેતો. સાચો રસ્તો છે — પહેલાં ગળતર બંધ કરવું, પછી માળખું મજબૂત કરવું અને છેલ્લે એને આરામદાયક બનાવવું.
નાણાકીય પુનર્ગઠનનો માર્ગ
સૌપ્રથમ તબક્કો છે નુકસાન પર કાબૂ મેળવવાનો. આ સમયે વૃદ્ધિ વિશે વિચારવાની જરૂર નથી. ફક્ત ત્રણ બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે — પરિવારના રોજિંદા ખર્ચ, અનિવાર્ય ચુકવણીઓ અને બિઝનેસની મૂળભૂત જરૂરિયાતો. એટલું જરૂરી છે કે દર મહિનાનો રાબેતા મુજબનો ખર્ચ પૂરો થાય એ માટેનું બજેટ બનાવવું અને એમાં થાય એટલી વધુ બચત કરવી.
બીજો તબક્કો છે તાત્કાલિક સ્થિરતાનો. આ તબક્કામાં જીવનશૈલી સંબંધિત ખર્ચ થોડા સમય માટે રોકવા. લેણદારો અને સપ્લાયરો સાથે સ્પષ્ટ અને સમયસર વાત કરવી. ઘણી વાર સાચી રીતે માગવામાં આવે તો સમય મળતો હોય છે. ભલે રકમ નાની હોય, પણ નિયમિત ચુકવણી કરવામાં આવે તો સામેવાળી વ્યક્તિનો વિશ્વાસ ફરીથી સંપાદન કરી શકાય છે.
ત્રીજો તબક્કો છે ધીમે-ધીમે મજબૂતી લાવવાનો. આનો અર્થ નવી પ્રોડક્ટ બહાર પાડવી કે નવા બજારમાં પ્રવેશવું એવો નથી. બિઝનેસમૅને ભાવનિર્ધારણ યોગ્ય રીતે કરવું, મોડેથી આવતાં કલેક્શન જલદી મળતાં થાય એવું કરવું તથા વધુપડતા ખર્ચ નિવારવા. આવક, ખર્ચ અને લેણી નીકળતી રકમ બાબતે અઠવાડિયામાં ફક્ત અડધો કલાક ધ્યાન આપવાથી પણ ઘણો ફેર પડે છે.
ગભરાટની જગ્યાએ શિસ્તબદ્ધ જીવન શરૂ કરવું, એક નાનું ઇમર્જન્સી ફન્ડ ફરી ઊભું કરવું અને સ્થિરતા આવ્યા પછી જ નાની બચત ફરી શરૂ કરવી. એ સમયે લક્ષ્ય ધનસંપત્તિ બનાવવાનું નહીં, પરંતુ વિશ્વાસ અને નિયંત્રણ પાછું લાવવાનું હોય છે.
નાણાકીય ભીંસનો કોઈ જાદુઈ ઉકેલ નથી. જો તમારી આસપાસ કોઈ આવું સંઘર્ષ કરી રહ્યું હોય તો તેને સલાહ નહીં, સહારો આપો અને જો તમે પોતે આવી સ્થિતિમાં હો તો સમજી લો કે ધીમે-ધીમે ભરેલાં પગલાં જ તમને ફરી બેઠાં કરી શકે છે. ક્યારેક સર્જરીની નહીં, પણ પ્રાથમિક સારવારની જરૂર હોય છે.