'પૅનિક ઇન ધ સ્ટ્રીટ્સ' ફિલ્મમાં જ્યારે વુહાનવાળી થઈ હતી

11 July, 2020 09:36 PM IST  |  Mumbai | Raj Goswami

'પૅનિક ઇન ધ સ્ટ્રીટ્સ' ફિલ્મમાં જ્યારે વુહાનવાળી થઈ હતી

‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ (૧૯૫૧) અને ‘ઑન ધ વૉટરફ્રન્ટ’ (૧૯૫૪) જેવી ઑસ્કર નૉમિનેટેડ ફિલ્મો બનાવનાર ડિરેક્ટર એલિયા કઝાને ૧૯૫૦માં ‘પૅનિક ઇન ધ સ્ટ્રીટ્સ’ બનાવી ત્યારે તેમને કલ્પના પણ નહીં હોય કે ફિલ્મમાં તેમણે જેમ દર્શાવેલું કે સરકારના વિભાગો ભીનું સંકેલવાના જે પ્રયાસો કરે છે એવા જ પ્રયાસો વાસ્તવમાં ચીનના અધિકારીઓ વુહાનમાં કરશે! ‘પૅનિક ઇન ધ સ્ટ્રીટ્સ’ને લુઇઝિયાના રાજ્યમાં મિસિસિપી નદીના કિનારે આવેલા ન્યુ ઑર્લિયન્સ શહેરમાં અસલી લોકેશન્સ પર ફિલ્માવવામાં આવી હતી.

એક વર્ષ પછી એલિયા કઝાને માર્લન બ્રૅન્ડોને લઈને એ જ શહેરમાં ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ બનાવી હતી. બ્રૅન્ડોની બહેતરીન ફિલ્મોમાંથી એ એક છે. એ તો ‘ધ આફ્રિકન ક્વીન’માં હમ્ફ્રી બોગાર્ટનો શાનદાર અભિનય આડે આવી ગયો, બાકી એ વર્ષનો ઑસ્કર બ્રૅન્ડોના નામે  જ હતો. બ્રૅન્ડો એલિયા કઝાનનો ફેવરિટ હતો. ચાર વર્ષ પછી બ્રૅન્ડોને લઈને તેણે ‘ઑન ધ વૉટરફ્રન્ટ’ બનાવી ત્યારે એની ક્લાઇમૅક્સનું શૂટિંગ પણ એ જ વૉટરફ્રન્ટ પર કરવામાં આવ્યું હતું જ્યાં ‘પૅનિક ઇન ધ સ્ટ્રીટ્સ’નો ક્લાઇમૅક્સ શૂટ કરવામાં આવ્યો હતો.

‘પૅનિક ઇન ધ સ્ટ્રીટ્સ’ બુબોનિક પ્લેગનો

ફાસ્ટ-પેસ્ડ ડ્રામા હતો. ન્યુ ઑર્લિયન્સમાં મિસિસિપીના ધક્કામાં પત્તાંની રમતમાં મારામારી થાય છે, જેમાં કોચક (લેવિસ ચાર્લ્સ) નામના એક બીમાર માણસને બ્લૅકી (જૅક પાલંસ) નામનો ગૅન્ગસ્ટર અને તેના બે પન્ટરો, પોલ્ડી (જે કોચકનો માસિયાઈ છે) અને ફિચ મારી નાખે છે. ત્રણે જણ કોચકનું શરીર ત્યાંથી છોડીને પલાયન થઈ જાય છે.

આ બિનવારસી મૃતદેહને શહેરના મડદાઘરમાં લાવવામાં આવે છે. ત્યાં મડદાઘરના ઇન્સ્પેક્ટરને મૃતદેહના લોહીમાં અને કોષોમાં બૅક્ટેરિયા પર શંકા જાય છે. તે યુએસ પબ્લિક હેલ્થ સર્વિસના સૈનિક ઑફિસર લેફ્ટનન્ટ કમાન્ડર રીડ (રિચાર્ડ વીડમાર્ક)ને જાણ કરે છે. રીડ તેની પત્ની નૅન્સી (બાર્બરા બેલ જેદ્દેસ) અને દીકરા સાથે વેકેશન પર છે છતાં મૃતદેહ જોવાની હા પાડે છે.

મરેલા શરીરને તપાસીને તે નિદાન કરે છે કે તે માણસને બુબોનિક પ્લેગની શ્વાસોચ્છ્વાસની બીમારી ન્યુમોનિક પ્લેગ હતો. રીડને હવે ચિંતા પેસે છે અને મૃતદેહના સંપર્કમાં આવેલા દરેક માણસને રસી મૂકવાની સૂચના આપે છે અને એ પણ આદેશ કરે છે કે આ મૃતદેહની ઓળખાણ નક્કી કરવામાં આવે અને નજીકના દિવસોમાં તેની ક્યાં અવરજવર હતી એ જાણવામાં આવે. રીડ શહેરના મેયર, પોલીસ-કમિશનર અને અન્ય અધિકારીઓને મળીને પરિસ્થતિની જાણ કરે છે. શરૂઆતમાં એ લોકો રીડની શંકાને ગંભીરતાથી લેતા નથી, પરંતુ રીડ તેમને આગ્રહભરી વિનંતીઓ કરીને કૈંક પગલાં ભરવા માટે મનાવે છે. ન્યુ ઑર્લિયન્સને પ્લેગની મહામારીમાંથી બચાવવા માટે તેમની પાસે ૪૮ કલાક છે! રીડ પોલીસ કૅપ્ટન વારેન (પૉલ ડગ્લસ) અને અન્યોને સમજાવવામાં સફળ રહે છે કે ન્યુ ઑર્લિયન્સમાં અફરાતફરી ના મચી જાય તે માટે આ સમગ્ર બાબતની પ્રેસને જાણ થવી ના જોઈએ.

પેલો અજાણ્યો મૃતદેહ કોઈક આર્મેનિયન, ઝેક કે એવા કોઈ મિશ્રિત માણસનો લાગે છે એટલે વારેન અને તેના માણસો ન્યુ ઑર્લિયન્સમાં રહેતા યુરોશિયાના સ્લાવ માઇગ્રન્ટ લોકોને પૂછપરછ શરૂ કરે છે. મડદાઘરના ઇન્સ્પેક્ટર રીડને એવી શંકા જાય છે કે આવી રીતે સેંકડો લોકોની પૂછપરછથી તો કોઈ પરિણામ નહીં આવે. વારેન અને તેની ટીમ જોખમને ગંભીરતાથી લઈ નથી રહ્યા એવા આરોપ સાથે રીડ જાતે જ પરિસ્થિતિને હાથમાં લે છે.

રીડને શંકા છે કે પેલો માણસ ગેરકાયદે શહેરમાં આવ્યો હોવો જોઈએ એટકે તે નૅશનલ મૅરિટાઇમ યુનિયનની ઑફિસ પર જઈને મરેલા માણસના ફોટો બતાવે છે. ત્યાં કામ કરતા લોકો રીડને કહે છે કે નાવિકો ક્યારેય વાત નથી કરતા એટલે રીડ નજીકની કૅફેમાં એવી આશામાં જાય છે કે કદાચ ત્યાં કોઈક ભટકાઈ જાય જે મરનારની ઓળખાણ આપે. ત્યાં તેને એક સ્ત્રી મળે છે જે રીડને તેના એક મિત્ર પાસે લઈ જાય છે જે અચકાતાં-અચકાતાં એકરાર કરે છે કે તે એક નાઇલ ક્વીન નામના જહાજ પર કામ કરે છે જેના મારફત આ બીમાર માણસને શહેરમાં ઘુસાડવામાં આવ્યો હતો.

દરમિયાનમાં પોલીસ કૅપ્ટન વૉરેનની ઊલટતપાસમાંથી છૂટેલો પેલો પન્ટર ફિચ, ગૅન્ગસ્ટર બ્લૅકીને જઈને કહે છે કે પોલીસ જબરદસ્ત રીતે હત્યાની તપાસ કરી રહી છે. તેને ખબર નથી કે કોચકને પ્લેગ હતો. બ્લૅકી શહેર છોડી જવાની યોજના બનાવે છે, પણ તેને શંકા જાય છે કે કોચકે તેના બીજા પન્ટર પોલ્ડીને દાણચોરીની મોંઘી ચીજો ભેટમાં આપી હતી એટલે પોલીસને હત્યામાં રસ પડ્યો છે.

કૅપ્ટન વૉરેનને હવે મહામારીની ગંભીરતા સમજાય છે એટલે તે રીડ સાથે નાઇલ ક્વીન જહાજ પર જાય છે અને જહાજીઓને બીવડાવે છે કે એ બીમાર માણસ જો ખરેખર જહાજ પર હતો તો તમે બધા ચેપમાં મરી જશો. જહાજીઓ જણાવે છે કે કોચક અલ્જિરિયાના ઓરાન શહેરથી જહાજમાં ચડ્યો હતો અને તેને શીશ કબાબ નામના આહારનો શોખીન હતો. રીડ અને વૉરેન હવે ન્યુ ઑર્લિયન્સની એક ગ્રીક રેસ્ટોરાંમાં છાનબીન કરે છે જ્યાં કોચક જમવા ગયો હતો, પણ એનો માલિક જૉન ના પાડે છે. બન્ને ત્યાંથી જાય છે પછી પેલો ગૅન્ગસ્ટર બ્લૅકી તેના પન્ટર પોલ્ડીને મળવા ત્યાં આવે છે, જે ગંભીર રીતે બીમાર છે. થોડા સમય પછી આરોગ્ય અધિકારી રીડને સમાચાર મળે છે કે રેસ્ટોરન્ટના માલિકની પત્ની તાવમાં મરી ગઈ છે.

રીડ તેની ઑફિસ પહોંચે છે ત્યારે એક રિપોર્ટર ત્યાં બેઠો હોય છે, જેને શંકા છે કે શહેરમાં કશુંક રંધાઈ રહ્યું છે. તે ધમકી આપે છે કે ન્યુ ઑર્લિયન્સના માથે પ્લેગનું જોખમ છે એવા સમાચાર તે જાહેર કરી દેશે. રીડ પોલીસને જાણ કરે છે અને કૅપ્ટન વૉરેન પેલા રિપોર્ટરનું મોઢું બંધ રાખવા તેને જેલમાં નાખી દે છે. મોડી સાંજે થાકેલો રીડ આરામ કરવા ઘરે જાય છે ત્યાં તેની પત્ની સમાચાર આપે છે કે તે બચ્ચે કી માં બનનેવાલી હૈ.

થોડા કલાકો પછી રીડ અને વૉરેનને ખબર પડે છે કે રિપોર્ટરને જેલમાં બંધ કરી દેવાની ફરિયાદ મેયર પાસે પહોંચી છે અને તેમને રિપોર્ટરને છોડવાની ફરજ પડે છે. રિપોર્ટર હિંમત નથી હાર્યો અને તે કહે છે કે આવતી કાલના પેપરમાં તે શહેરના લોકોને જણાવશે કે તેમના માથા પર કેવું મોત ભમે છે અને કેવી રીતે તેમને અંધારામાં રાખવામાં આવ્યા છે. રીડ અને વૉરેન પાસે હવે ચાર જ કલાકનો સમય છે. રિપોર્ટર તેની ઑફિસમાં જઈને સમાચાર લખે અને સમાચારપત્ર લોકોના હાથમાં આવે એ પહેલાં તેમણે પ્લેગનો ખેલ ઊંચો મૂકવો પડે અને એ માણસને શોધવો જ પડે જેણે કોચકનું ખૂન કર્યું હતું.

દરમિયાનમાં ગૅન્ગસ્ટર બ્લૅકી તેના પન્ટર પોલ્ડી પાસે જઈને તેને ધમકાવે છે અને જાણવા માગે છે કે કોચક તેના માટે કઈ ચીજવસ્તુઓની દાણચોરી કરીને લાવ્યો હતો, પણ પોલ્ડી તાવમાં લવારીએ ચડી ગયો હોય છે અને અનાપશનાપ બોલતો હોય છે. બ્લૅકીને કશી સમજ પડતી નથી એટલે તે ખુદના ડૉક્ટરને બોલાવે છે અને પોલ્ડીની દાદીને સધિયારો આપે છે કે તે બે જણ પોલ્ડીને ઠીક કરી દેશે.

એ જ વખતે પોલ્ડીની દેખભાળ કરતા ડૉક્ટરની નર્સ રીડને કહી દે છે કે તમે જેને શોધો છો તે બ્લૅકી પોલ્ડીના ઘરમાં છે. રીડ ત્યાં આવે છે ત્યારે બ્લૅકી અને બીજો પન્ટર ફિચ બીમાર પોલ્ડીને સીડી પરથી નીચે લાવતા હોય છે. રીડને જોઈએ બન્ને જણ પોલ્ડીને પડતો મૂકીને ભાગી છૂટે છે. રીડ અને વૉરેન બન્નેનો ધક્કા સુધી પીછો કરે છે અને રીડ ત્યાં બન્નેને સમજાવે છે કે લોકો પ્લેગના કેવા ગંભીર ખતરામાં છે. પેલા બે વધુ ગભરાય છે અને નાસભાગ કરે છે. બ્લૅકી તેની પિસ્તોલથી રીડ પર નિશાન તાકે છે, પણ તે ગોળી ચલાવે એ પહેલાં વૉરેન તેને ગોળી મારીને જખમી કરે છે. એમાં બ્લૅકીથી ગોળી છૂટી જાય છે જે ફિચને વાગી જાય છે. બ્લૅકી જહાજ પર ચડી જઈને નાસી જવા પ્રયાસ કરે છે, પણ એમાં તે પાણીમાં પડી જાય છે. કામ પૂરું થતાં રીડ અને વૉરેન ઘરે પાછા જાય છે. રસ્તામાં વૉરેન રીડને પર્ફ્યુમ આપે છે જે તેને પોલ્ડી પાસેથી મળ્યું હતું અને જેને કોચક દાણચોરી કરીને લાવ્યો હતો. રીડ ઘરે જાય છે અને તેની પત્ની ગૌરવથી તેને આવકાર આપે છે, બરાબર એ જ વખતે રેડિયો પર જાહેરાત થાય છે કે શહેરના માથેથી ઘાત જતી રહી છે.

અજાણતાં જ ચીનની આપખુદ સરકારે એ જ કર્યું હતું જે ‘પૅનિક ઇન ધ સ્ટ્રીટ્સ’માં બતાવવામાં આવ્યું હતું. વુહાનમાં કોરોના વાઇરસ ફેલાયો એની માહિતી તેમણે દુનિયાથી છુપાવી હતી અને જ્યારે વાઇરસની ખબર પડી ત્યાં સુધીમાં તો એ દુનિયાભરમાં પહોંચી ગયો હતો. ચીનની કેન્દ્ર સરકારને છ દિવસ પહેલાંથી વુહાનની સ્થિતિની ખબર હતી, પરંતુ ત્યાં ચાલતા નવા વર્ષના મેળાવડામાં ખલેલ ન પડે અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં ધાંધલી ન થાય એ માટે ચુપ્પી સાધી રાખવામાં આવી હતી.

આપખુદ સરકારો સચ્ચાઈને છુપાવવા માટે જાત સાથે અને દુનિયા સાથે જૂઠ બોલતી હોય છે પછી ભલેને એમાં લાખો લોકોનો જીવ દાવ પર લાગેલા હોય. સાર્વજનિક સ્વાસ્થ્ય અધિકારીઓને ખબર છે કે મહામારીથી બચવાની એક મહત્ત્વની ચાવી એને લગતી જાણકારી છે. ડિરેક્ટર એલિયા કઝાને આ ફિલ્મમાં સામાજિક નૈતિકતાનો આ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જનતાને એમનો અને એમના પરિવારોનો જીવ બચાવવા માટે મહામારીના સંભવિત ખતરા વિશે જાણવાનો અધિકાર છે કે પછી લોકોમાં ગભરાટ ન ફેલાય અને દોષિત છટકી ન જાય એ માટે સત્તાવાળાઓએ એને છુપાવી રાખવો જોઈએ?

સાહિત્યના રસિકો માટે એક વધારાનું આકર્ષણ. ફ્રેન્ચ અસ્તિત્વવાદી વિચારક અને લેખક આલ્બર્ટ કામુએ ૧૯૪૭માં ‘ધ પ્લેગ’ નામની પ્રસિદ્ધ નવલકથા લખી હતી. એની વાર્તાના પ્લૉટમાંથી બે બાબતો આ ફિલ્મમાં સમાવવામાં આવી હતી; એક આખા શહેરના માથે પ્લેગનું જોખમ છે અને બે, એક સ્વાસ્થ્ય અધિકારી પર એની જવાબદારી છે. કામુની વાર્તામાં આખા શહેરમાં ધીમે-ધીમે પ્લેગ ફેલાય છે અને લોકો વચ્ચે બેસી જાય છે. લોકો પણ હતાશ થઈને લૉકડાઉનની એ ‘સજા’ સ્વીકારી લે છે. કઝાનની ફિલ્મમાં પ્લેગ માથા પર ભમે છે અને દર્શકોમાં એક અદૃશ્ય ચિંતા પેદા કરે છે.

સમય મળે તો ફિલ્મ જોજો અથવા નવલકથા વાંચજો.

coronavirus covid19 china columnists raj goswami