બન્નીમાં રાતે દેખાતો રહસ્યમય પ્રકાશ શું છે ?

24 November, 2020 04:09 PM IST  |  Mumbai | Mavji Maheshwari

બન્નીમાં રાતે દેખાતો રહસ્યમય પ્રકાશ શું છે ?

કચ્છના બહુ ચર્ચિત રણ વિસ્તારના બન્નીમાં, ખાસ કરીને ભાદરવો અને આસો મહિનામાં એક રહસ્યમય પ્રકાશ દેખાય છે

વિચારો કોઈ વિસ્તારમાં માઇલો સુધી રણ વિસ્તરીને પડ્યું હોય, સૂમસામ રાત્રી હોય, નિશાચરોના આછા સંચાર અંધકારને ડરામણું બનાવતા હોય એવા સમયે અચાનક જ આગના ભડકા ઊઠે, નીલા અને કેશરી રંગના આગના ગોળા તમારી આગળ-પાછળ ઘૂમવા માંડે અને અચાનક અદશ્ય થઈ જાય ત્યારે જોનારની હાલત શું થાય ? બરાબર એવું જ કચ્છના ઘાસિયા વિસ્તાર બન્નીમાં થતું હોવાની વાત સદીઓથી લોકમુખે ચર્ચાતી રહે છે. સરહદે પૅટ્રોલિંગ કરતા આર્મીના જવાનો પણ આ વાતને પુષ્ટિ આપે ત્યારે એ માનવું પડે કે ‘કશુંક’ તો છે જ. કચ્છના બહુ ચર્ચિત રણ વિસ્તારના બન્નીમાં, ખાસ કરીને ભાદરવો અને આસો મહિનામાં એક રહસ્યમય પ્રકાશ દેખાય છે. ત્યાંના સ્થાનિક લોકો એને ‘છિરબત્તી’ કહે છે. કચ્છીભાષામાં ‘છિર’નો અર્થ ભૂત થાય છે. જગતમાં અન્યત્ર પણ આવી Ghost light દેખાતી હોવાના બનાવ બને છે.
જગત અજાયબીઓથી ભર્યું પડ્યું છે. આમ તો આ જગતનું સર્જન પણ એક અજાયબી જ છે. તેમ છતાં, માનવીનો બૌદ્ધિક વિકાસ થયો પછી તેને ન સમજાતાં રહસ્યો ઉકેલવામાં અનેક પેઢીઓનાં આયખાં ખર્ચાઈ ગયાં છે. અવકાશી પદાર્થોની ઘટનાઓ અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો ભેદ ઉકેલાયા પછી ઘણું બધું સ્પષ્ટ થઈ શક્યું છે. તેમ છતાં, હજી પણ રસાયણોનો ખેલ પૂરેપૂરો ઉકેલાયો નથી. આપણી આખીય પૃથ્વી, એના ઉપર સૂક્ષ્મ જીવાણુઓથી માંડીને મહાકાય જીવો સહિત તમામ વનસ્પતિનું હોવું અને નાશ થવું એ રાસાયણિક ખેલ છે. વિજ્ઞાન એને અમુક હદે અચલ માને છે. તેમ છતાં, ક્યારેક વૈજ્ઞાનિકોને છક્કડ ખવડાવે એવા બનાવો બનતા રહ્યા છે અને બનતા રહેશે. બર્મ્યુડા ત્રિકોણ અને જ્વાળામુખી ફાટવાના બનાવ હજી પણ અચંબિત કરે છે. ત્યારે એવી જ અચંબામાં નાખી દેતી ઘટના કચ્છના રણમાં આવેલા બન્ની વિસ્તારમાં બનતી હોવાનું ત્યાંના સ્થાનિક રહેવાસીઓ કહે છે. બન્નીના લોકો એને ચમત્કાર માને છે. બન્ની વિસ્તારમાં ચોમાસાના પાછલા દિવસોમાં એક રહસ્યમય પ્રકાશ દેખા દે છે. એ પ્રકાશ હેરત પમાડે એવો છે. એ પ્રકાશ સામાન્ય રીતે લાગતી આગની જ્વાળા જેવો નથી. એ નીલા, કેશરી અને વાદળી રંગના ગોળા જેવો છે. એ ગોળા એક કે વધુ સંખ્યામાં હોય છે. કેટલીયે વાર એ ગોળા કતારમાં ગોઠવાઈને નૃત્ય કરતા હોય એવું જણાય છે. તો ક્યારેક જોનારની સામે ધસી આવે છે. બન્નીના રહેવાસીઓએ અનેક વાર આ પ્રકાશ જોયો હોવાનું કહે છે. તેઓ આ પ્રકાશને ભૂતિયો પ્રકાશ કહે છે તો કેટલાક પૂર્વજોના આશીર્વાદ પણ માને છે. સામાન્ય રીતે તેઓ આ પ્રકાશને ‘છિરબત્તી’ કહે છે. બન્નીમાં દેખાતા અજાણ્યા પ્રકાશને સમજવામાં દેશની સુરક્ષા એજન્સીઓને પણ રસ પડ્યો છે, કેમ કે બન્ની વિસ્તાર આંતરરાષ્ટ્રીય સરહદને સ્પર્શે છે. ત્યાં આવી ઘટનાઓ બનવી એ સુરક્ષાની દષ્ટિએ ગંભીર ગણાય છે. જોકે બન્નીના આ પ્રકાશની ઘટનાનાં વૈજ્ઞાનિક સત્યો બહાર નથી આવ્યાં, માત્ર તર્કને આધારે એ પ્રકાશનું કારણ આપી દેવામાં આવ્યું છે. તેમ છતાં, ત્યાંના સ્થાનિક રહેવાસીઓ એ સત્યોને માનતાં નથી. જોકે આ ઘટનાનો અભ્યાસ કરવા મહિનાઓ સુધી બન્નીમાં રહેવું પડે. તેમ છતાં, એ પ્રકાશ ન દેખાય એવું પણ બને. એટલે જ્યાં સુધી એનું વિડિયો રેકૉર્ડિંગ ન થાય અને એનો શાસ્ત્રીય અભ્યાસ ન થાય ત્યાં સુધી વિજ્ઞાન પણ સાચું છે અને રહેવાસીઓ પણ સાચા છે એમ માનવું પડે.
આમ તો આખું કચ્છ એક ચમત્કારી પ્રદેશ છે. કચ્છનું રણ અજોડ છે, તો રણની જીવસૃષ્ટિની ખાસિયતો પણ વિશિષ્ટ છે. એટલે જ કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓ કચ્છના સામાન્ય વિસ્તાર કરતાં રણ વિસ્તારને જોવાનું વધારે પસંદ કરે છે. કચ્છની ભૂગોળ વિશ્વ માટે એક પ્રયોગશાળા જ છે. અહીં રહસ્યો છે, કુતૂહલો છે અને ખોવાઈ જવાય એવી સૃષ્ટિ છે. કચ્છના બન્ની વિસ્તારમાં દેખાતો પ્રકાશ અનેક વાર ચર્ચામાં આવ્યા પછી પણ હજી કોઈ ચોક્કસ નિર્ણય પર આવી શકાયું નથી કે એ પ્રકાશ ખરેખર શું છે. કચ્છ વિશેની આવી ઘટનાઓ જ પ્રવાસીઓ અને અભ્યાસુઓને કચ્છમાં ખેંચી લાવે છે. થોડા સમય પહેલાં અખબારી અહેવાલ એવો પણ આવ્યો હતો કે કચ્છના નાના રણ વિસ્તારમાં મીઠું પકવતા આગરિયાઓ એકબીજા સાથે વાત કરવા અરીસા દ્વારા પ્રકાશ ફેંકીને સંદેશાની આપ-લે કરે છે. એ ઘટનાને બન્નીની ઘટના સાથે કોઈ સંબંધ નથી, છતાં આગરિયાની ઘટના પ્રત્યાયનનું રણવાસીઓની એક આગવી પદ્ધતિ હોવાનું સાબિત કરે છે.
‘છિરબત્તી’ પણ કોઈ માનવીય પ્રવૃત્તિ હશે એવું પહેલે તબક્કે માનવામાં આવ્યું હતું, પરંતુ બન્નીમાં દેખાતો પ્રકાશ સામાન્ય માણસ દ્વારા ઉત્પન્ન કરવો શક્ય નથી. એ એક ભેદી ઘટના છે. જોકે એ કોઈ ચમત્કાર કે ભૂત-પ્રેતની માયા તો નથી જ. તેમ છતાં, જ્યાં સુધી વિજ્ઞાન છાતીઠોકીને ન કહે, ત્યાં સુધી દંતકથાઓ ચાલતી રહેવાની. અહીં આ ઘટનાને સમજવા માટે સૌ પહેલાં એનો સમયગાળો સમજવો પડે અને એ કયા વિસ્તારમાં વધારે દેખાય છે એ પણ જાણવું પડે. કચ્છનો રણ વિસ્તાર બે જાતની જમીન ધરાવે છે. એક જમીન જ્યાં ચોમાસામાં પાણી ભરાઈ રહે છે અને એ પાણી સુકાઈ જતાં મીઠા (નમક)ના થર પથરાઈ રહે છે. બીજી જમીન, જ્યાં ઘાસ અને વૃક્ષો પણ થાય છે. જ્યાં માનવ વસવાટ છે. એ વિસ્તારમાં ઊંચા કદનું ઘાસ પણ થાય છે. વિશ્વ ભૂગોળમાં એ વિસ્તારને grass land કહેવાય છે. બન્નીમાં દેખાતો ભૂતિયો પ્રકાશ રણના મીઠાવાળા વિસ્તારમાં કે ખુલ્લી જમીન પર દેખાતો નથી. એ માનવ વસ્તીવાળા કે ડુંગરાળ વિસ્તારમાં પણ દેખાતો નથી. એ માત્ર ઘાસિયા વિસ્તારમાં દેખાય છે. વળી, આ પ્રકાશ માત્ર ચોમાસાના પાછલા દિવસોમાં જ દેખાય છે. એ સિવાયના સમયમાં દેખાતો હોવાનો કોઈ કહેતું નથી. આના પરથી સામાન્ય ભાષામાં એવું કહી શકાય કે આ પ્રકાશને બન્નીના ઘાસિયા વિસ્તાર અને ચોમાસાની ઋતુ સાથે કોઈ વૈજ્ઞાનિક સંબંધ છે. જો એવું ન હોત તો એ પ્રકાશ નમકવાળા વિસ્તાર (સફેદ રણ)માં પણ દેખાતો હોત અથવા શિયાળા કે ઉનાળામાં પણ દેખાતો હોત. વિજ્ઞાનના એક તર્ક અનુસાર મિથેન, ફોસ્ફાઇન અને ડાયફોસ્ફેટના મિશ્રણના કારણે આવો પ્રકાશ ઉદ્ભવે છે. કચ્છના પેટાળમાં વિવિધ પ્રકારના કુદરતી વાયુનો ભંડાર હોવાની વાત પ્રસ્થાપિત થઈ ચૂકી છે. એથી આ તર્ક બન્નીના પ્રકાશ માટે સુસંગત છે. ડાયફોસ્ફેટ અને ફોસ્ફાઇનનું મિશ્રણ હવાના ઑક્સિજન સાથે પ્રક્રિયા કરીને સ્વયંભૂ સળગે છે. આ ચીનગારી મિથેન સાથે ભળીને આગનો ગોળો બનાવે છે. હવામાં રહેલો મિથેન મળી જાય એટલે આગનો ગોળો નાશ પામે છે. થોડા સમય માટે જ એનું અસ્તિત્વ હોય છે. ઉપરાંત ફોસ્ફાઇન એક ઉપપેદાશ તરીકે ફોસ્ફોરસ પેન્ટોક્સાઇડ ઉત્પન્ન કરે છે, જે પાણીની વરાળ સાથે સંપર્કમાં આવતાં ફોસ્ફોટિક ઍસિડ ઉત્પન્ન કરે છે અને એટલે જ ચોમાસામાં રહસ્યમય રંગીન પ્રકાશ દેખાય છે. અમેરિકાના કૅલિફૉર્નિયા અને ઇન્ડોનેશિયાના જકાર્તા જેવા રણ કે સપાટ પ્રદેશોમાં આવો જ ગેબી પ્રકાશ દેખાય છે. ત્યાં પણ લોકો એ પ્રકાશ વિશે જુદી-જુદી માન્યતાઓને જોડે છે. અમેરિકાના મારફા વિસ્તારના કચ્છના રણ જેવા જ પ્રદેશમાં પણ ગેબી પ્રકાશ દેખાતો હોવાના કિસ્સા બન્યા છે. મારફા વિસ્તારમાં દેખાતા આ પ્રકાશને અમેરિકામાં મારફા લાઇટ નામ અપાયું છે. અમેરિકામાં એના વિશે સચોટ સંશોધન થયું છે, પરંતુ કચ્છના બન્નીમાં દેખાતા રહસ્યમય પ્રકાશ વિશે હજી સુધી કોઈ ખાસ સંશોધન થયાં નથી. ગુજરાત સરકારનું સંબંધિત ખાતું આ પ્રકાશ વિશે આધારભૂત સંશોધન કરે તો સત્યો બહાર આવશે.
mavji018@gmail.com

kutch columnists mavji maheshwari