અમે કાબૂ મેળવ્યો છે ડાયાબિટીઝ પર

18 November, 2020 02:36 PM IST  |  Mumbai | Bhakti Desai

અમે કાબૂ મેળવ્યો છે ડાયાબિટીઝ પર

પ્રતીકાત્મક તસવીર

‍પહેલાં લૉકડાઉન, ઘરમાં જ કોઈ પ્રવૃત્તિ વિનાનું જીવન અને સાથે તહેવારોમાં મીઠાઈની મજાની સ્વાભાવિક આડઅસર બ્લડશુગર
પર તો પડવાની જ એમ છતાં સ્વાસ્થ્ય માટે જાગૃત એવાં ડાયાબેટિક દાદા-દાદીઓએ કઈ રીતે પોતાની સ્વાદેન્દ્રિયો પર કન્ટ્રોલ રાખ્યો અને કસરતને પ્રાધાન્ય આપીને શુગરને કન્ટ્રોલમાં રાખી એ કાબિલેદાદ છે...

કોરોનાનું લૉકડાઉન અને ઘરમાં બેઠા-બેઠા જાતજાતનાં વ્યંજનોની જયાફત, આ બન્નેની આડકતરી અસર ડાયાબિટીઝના દરદીઓ પર ખૂબ વધારે પ્રમાણમાં પડે છે. ૬૦ વર્ષથી મોટી વયના લોકોને બહાર જવાની મનાઈ હોવાથી ચાલવાની આદત છૂટી ગઈ, મંદિરો બંધ હોવાથી દર્શન માટે પણ નીકળવાનું બંધ થઈ ગયું, ગાર્ડનમાં સમવયસ્કો સાથે બેસીને બેઘડી આનંદપ્રમોદને પણ સ્થાન ન રહ્યું એવામાં છેલ્લા બે મહિનાથી લગાતાર તહેવારો દરમ્યાન મીઠાઈ અને અન્ય વાનગીઓના સેવનથી પણ વડીલોના બ્લડશુગર લેવલ પર જબરું જોખમ તોળાઈ રહ્યું હતું. માનસિક નિયંત્રણની અસલી કસોટી એ જ છે કે જ્યારે બાહ્ય સંજોગો અનુકૂળ ન હોય અને દરેક પ્રતિકૂળતા અને પ્રલોભનો સામે મનની મક્કમતા અને શિસ્તબદ્ધતા જાળવવી. આજે મળીએ આ વાતને સાર્થક કરનારા મનના મક્કમ વડીલોને, જેમણે પોતાની જાતે લૉકડાઉન અને તહેવારોમાં પણ શિસ્તસભર જીવનશૈલીનું પાલન કરીને ડાયાબિટીઝને કન્ટ્રોલમાં રાખ્યો છે.

તનને સ્વસ્થ રાખવા મનનું વ્યસ્ત અને પ્રફુલ્લિત રહેવું જરૂરી છે : કિશોર મોદી

બોરીવલીમાં રહેતા ૬૫ વર્ષના કિશોર મોદી કહે છે, ‘મને છેલ્લાં ૧૨ વર્ષોથી ડાયાબિટીઝ છે અને શરૂઆતથી મને એક વાતની જાણ રહી છે કે આ રોગને નિયંત્રણમાં રાખવા તનને સ્વસ્થ રાખવું જેટલું જરૂરી છે એનાથી પણ વધુ આવશ્યક છે મનનું વ્યસ્ત અને પ્રફુલ્લિત રહેવું. હું દરરોજ સવારે ફણગાવેલી મેથીનું સેવન કરું છું અને સાકર અથવા કોઈ પણ જાતની મીઠી વસ્તુઓ ખૂબ જ વિચારપૂર્વક ખાઉં છું. આનાથી હું મારી શુગરને નિયંત્રણમાં રાખવામાં સફળ રહ્યો છું. આ સિવાય પહેલેથી જ હું એક કલાપ્રેમી છું અને ચિત્રકળા તથા સંગીત આ બે મારા રુચિના વિષય રહ્યા છે, તેથી મન પરોવાયેલું રહે છે અને એક સંગીતપ્રેમી અને ગાયક તરીકે લૉકડાઉનમાં પણ મેં સંગીત માટે ખૂબ સમય ફાળવ્યો. કોવિડ-19ની શરૂઆત થઈ ત્યારે બધાને એમ થયું કે મારે વધારે સાચવવું જોઈએ પણ મારો માસ્કની ઍક્સેસરીઝનો વેપાર છે. છેલ્લાં છ વર્ષોથી છે તેથી કોવિડ-19 દરમ્યાન લૉકડાઉનમાં મારે ઑફિસ અને ફૅક્ટરી પર જવાની ફરજ પડતી, પણ હું દરેક ગાઇડલાઇનનું ખૂબ કાળજીપૂર્વક પાલન કરતો અને સાથે જ એનો ડર, તનાવ આ બધું મનમાં જરાય ન રાખતો તેથી આજેય હું ઈશ્વરકૃપાથી સ્વસ્થ છું અને મારા અનુભવથી એક વાત કહીશ કે ડાયાબિટીઝનો દરદી એનાથી મુક્તિ ભલે ન મેળવી શકે, પણ જો આનો દરદી નિયમિત જીવન જીવે તો એને નિયંત્રણમાં તો સરળતાથી રાખી જ શકે.’

જીવનમાં નિયમિતતા અને ડાયટમાં નો કૉમ્પ્રોમાઇઝ : પરેશ કોઠારી

નેપિયન્સી રોડ, મલબાર હિલ પર રહેનાર ૭૬ વર્ષના પરેશ કોઠારી કહે છે, ‘હું છેલ્લાં ચાલીસ વર્ષોથી ડાયાબિટીઝનો દરદી છું. હું ઘણી વાર લોકોને
હસતાં-હસતાં કહું છું કે મને ‘સ્વીટ ટૂથ’ હતો, પણ મેં સ્વીટ બાજુએ મૂકી માત્ર ટૂથ જ રાખ્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે મને મીઠાઈ પસંદ હોવા છતાં મીઠાઈઓ ખાવાનું ટાળવું એ મારી એક આદત બની ગઈ છે. મને વર્ષોથી ડાયાબિટીઝ હોવાથી મારી જીવનશૈલી ખૂબ નિયમિત રહી છે. વ્યાયામ અને પ્રાણાયામ જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયા છે અને મારા દૈનિક આહારમાં કાર્બોહાઇડ્રેટ્સ ટાળવા હું ઘઉંના લોટની રોટલીની જગ્યાએ જુવારની રોટલી ખાઉં છું. ભાત પણ રોજ નથી ખાતો. હું એક વેપારી છું અને મારી દમણમાં પણ ફૅક્ટરી છે. મારાં પત્ની કલ્પનાને પણ ડાયાબિટીઝ છે અને કાળજી રાખવામાં સૌથી મહત્ત્વનું ધ્યાન મેં એ રાખ્યું છે કે કોવિડ-19 આવ્યો ત્યારથી એટલે કે 19 માર્ચથી આજ સુધી હું ઘરેથી જ કામ કરું છું અને અમે બન્ને જીવનમાં નિયમિતતા જાળવવામાં ચોક્કસ છીએ.’
૭૩ વર્ષનાં કલ્પનાબહેન આ વિશે કહે છે, ‘મને આશરે પંદર વર્ષથી ડાયાબિટીઝ છે અને મારા જીવનમાં પ્રાણવાયુ જેટલું મહત્ત્વ પ્રાણાયામ અને યોગનું છે. લૉકડાઉનમાં પણ મેં નિયમિત યોગ અને પ્રાણાયામ કર્યા. આમાં શરીરને અને મનને તંદુરસ્ત રાખવું ખૂબ જરૂરી હોય છે, જે બન્ને કામ માત્ર યોગથી જ થઈ શકે છે. હું મીઠાઈ ખાવાનું ટાળું છું અને જો મીઠાઈ ખાવાનું મન થાય તો ઘરમાં અમારે માટે શુગર-ફ્રીનો ઉપયોગ થાય છે. અમે બન્ને શિસ્તનાં આગ્રહી હોવાથી અમારે ક્યારેક બ્લડ-શુગરનો સ્તર વધારવા મીઠાઈ ખાવાનો વારો આવે, પણ એ નિયંત્રણમાં રહે એનું ધ્યાન અમે રાખીએ છીએ.’

ઘરમાં જ પાવર યોગ કરીને સ્વસ્થતા
જાળવી : ગૌરાંગ દરુ

બોરીવલીમાં રહેતા ૬૭ વર્ષના ગૌરાંગ દરુને આશરે વીસ વર્ષથી ડાયાબિટીઝ છે. તેઓ કહે છે, ‘હું બૅન્કમાંથી ૨૦૧૩માં નિવૃત્ત થયો. મારી જીવનશૈલીમાં નિયમિત સવારે યોગનો સમાવેશ છે અને સાથે જ પાવર યોગના ક્લાસમાં પણ હું જતો હતો. જોકે લૉકડાઉનમાં ક્લાસમાં નહીં જઈને ઘરમાં જ હું પાવર યોગ કરતો હતો. મને પહેલેથી જ ચાલવાની આદત છે અને જ્યારે સમય અને મોકો મળે ત્યારે હું નજીકમાં ક્યાંક જાઉં હોય તો રિક્ષામાં જવાનું ટાળું અને ચાલતાં જ જતો રહું છું. આમાં મગજને નવરાશ ન આપવી જોઈએ, કારણ કે માનસિક રીતે કોઈ પણ ટેન્શન અને તનાવથી પણ ડાયાબિટીઝની સમસ્યા વધી શકે છે. તેથી નિવૃત્તિ પછી હું સતત કોઈને કોઈ રીતે વ્યસ્ત રહું છું. હું રામકૃષ્ણ ચૅરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલો છું અને ત્યાં એક ટ્રસ્ટી છું તેથી ઘણી પ્રવૃત્તિઓમાં કાર્યરત હોઉં છું. આ સિવાય બૅન્કનાં કામ, ઘરમાં કંઈ જોઈતું હોય અથવા કોઈ પણ કામ હોય તો હું જ ઊતરી જાઉં.’


ફક્ત દવા જ નહીં, શારીરિક વ્યાયામની પણ ખૂબ જરૂર હોય છે : વિમલ કામદાર

મલાડમાં રહેતા ૬૧ વર્ષના વિમલ કામદાર કહે છે, ‘હાલમાં દિવાળીનું પર્વ ગયું અને મીઠાઈઓ તો ઘરમાં હોય જ, પણ એક ડાયાબિટીઝના દરદી તરીકે સ્વાદેન્દ્રિયને નિયંત્રણમાં રાખવી પડે છે. મને વીસ વર્ષ થયાં ડાયાબિટીઝ છે તેથી મારી દવા તો ચાલી જ રહી છે, પણ આ એવો રોગ છે જેમાં ફક્ત દવા અસર નથી કરતી અને શારીરિક વ્યાયામની પણ ખૂબ જરૂર હોય છે. આમાં આપણે પોતે ઘણું ધ્યાન રાખવું પડે છે. પહેલાં તો ચેક-અપમાં પણ કોઈ પણ રીતની આળસ ન કરવી જોઈએ. શુગર ટેસ્ટ કરવા ઘરમાં જ મશીન રાખ્યું છે અને હું દર છથી બાર મહિને મારી આંખ, કિડની આ બધું ચેક-અપ કરાવું છું. આમાં બૉડી ક્લૉકને સાચવવી જોઈએ. જમવાનો એક નિર્ધારિત સમય રાખવાથી પણ લાભ થાય છે. મારો જમવાનો સમય પણ દરરોજ એક જ હોય છે. સવારે પલાળેલી મેથીનું સેવન કરું છું, ચામાં સાકર નથી લેતો, શુગર-ફ્રી વાપરું છું. મને આદત છે કે હું કોઈ પણ વસ્તુ લેવા જાઉં તો દોઢ કિલોમીટર જેટલું ચાલી લઉં અને જે દિવસે મીઠાઈ થોડી પણ ખાઉં તો વધારે ચાલી લઉં. આમ ધ્યાન રાખવાથી એક સામાન્ય જિંદગી જીવી શકાય છે અને કોવીડ જેવી બીમારીથી પણ બચી શકાય છે.’

કોઈ પણ વાતનું ટેન્શન ન લેવું જોઈએ : ચેતન કામદાર

મલાડમાં રહેતા ૫૮ વર્ષના ચેતન કામદાર કહે છે, ‘મને આશરે પાંચેક વર્ષોથી ડાયાબિટીઝ છે. હું દરરોજ સવારે કડવાશ માટે લીમડાના પાણીનું અને આમળાં, હળદર અને સૂંઠ સાથે ગરમ પાણીનું સેવન કરું છું. સવારે ચાલવા તો જાઉં જ. ડાયાબિટીઝમાં એક ખૂબ જ મહત્ત્વની વાત છે કે દર બે-ત્રણ કલાકના અંતરે કંઈક ખાવું જોઈએ. તેથી જ્યારે પણ હું નાસ્તો લઉં અથવા જમવા બેસું તો એકસાથે પેટ ભરીને ન જમું, પણ થોડા-થોડા હિસ્સામાં ખાઉં. આનાથી સ્વાસ્થ્ય ઘણું સારું રહે છે. હું સૂવામાં પણ એટલી જ નિયમિતતા જાળવું છું. રાત્રે સાડાદસ વાગ્યે હું સૂઈ જાઉં અને સવારે સાડાછ વાગ્યા સુધી ઊંઘ પૂરી કરી લઉં છું. ડાયાબિટીઝમાં એક મહત્ત્વની વાત છે કે કોઈ પણ વાતનું ટેન્શન ન લેવું જોઈએ. મેં ડાયાબિટીઝ પછી એક આદત જ કરી છે કે કોઈ પણ વાતને મગજમાં ન રાખીને ધ્યાન બીજી તરફ વાળી લેવાનું જેનાથી સ્વાસ્થ્ય ન બગડે. લૉકડાઉનમાં પણ હું રાત્રે જમ્યા પછી ઘરમાં જ આંટા મારતો હતો અને સવારે સોસાયટીમાં ચાલવા જતો. આમ સ્વસ્થ જીવનશૈલીને કારણે મને દવાની જરૂર નથી પડી.’

bhakti desai columnists health tips