આ પરિવારમાં ચાર પેઢીથી થાય છે કુટુંબ પ્રાર્થના

23 September, 2020 06:57 PM IST  |  Mumbai | Bhakti Desai

આ પરિવારમાં ચાર પેઢીથી થાય છે કુટુંબ પ્રાર્થના

રોજ સાંજે આખો પરિવાર સમૂહ પ્રાર્થના કરવાનો નિયમ વર્ષોથી પાળે છે.

કહેવાય છે કે જીવનમાં જે પણ મળ્યું છે એ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી આનંદ અને સંતોષમાં વધારો થાય છે. વર્માપરિવારની ચારે પેઢી દરરોજ રાત્રે કુટુંબ પ્રાર્થનાના માધ્યમથી ઈશ્વરનો આભાર માને છે તો મળીએ આવા અનુપમ સંસ્કારનો વારસો ધરાવનાર આ પરિવારને...

વાલકેશ્વરમાં રહેતા ૭૪ વર્ષના મળતાવડા સ્વભાવના અને બીએસસી એલએલબી સુધી ભણેલા પ્રકાશભાઈ વર્માના પરિવારમાં તેમનાં પત્ની પ્રજ્ઞા, મોટા પુત્ર નિશ્ચલ, પુત્રવધૂ મેધા, પૌત્ર અદ્વૈત પૌત્રી પ્રતીતિ, નાના પુત્ર સત્યેન, વહુ મેઘના, પૌત્રી નિષ્ઠા અને પૌત્ર ભવ્ય આમ ૧૦ સભ્યો સંયુક્ત પરિવારમાં રહે છે. વર્માપરિવારમાં છેલ્લાં સો વર્ષોથી દરરોજ રાત્રે દરેક સભ્ય સૂતાં પહેલાં સાથે મળીને કુટુંબ પ્રાર્થના કરે છે, જેમાં ગીતાના અને અન્ય શ્લોક દ્વારા તેઓ પોતાને મળેલા જીવન અને એમાં પ્રાપ્ત થયેલી દરેક વસ્તુ માટે ઈશ્વરનો આભાર માને છે.
એક વ્યક્તિના વ્યક્તિત્વ પર જન્મ સમયના સમાજ અને સામાજિક પરિસ્થિતિની છાપ હોય જ છે. પ્રકાશભાઈના પરિવારમાં ગીતાના વિચાર અને શ્લોક ગળથૂથીમાં કેવી રીતે મળ્યા છે એ તેમના જન્મસ્થળ અને બાળપણની સામાજિક પૃષ્ઠભૂમિ પરથી ખ્યાલ આવે છે. મુંબઈના નળબજાર પાસેના ગોળ દેવળ નજીક એક મકાનમાં જન્મેલા પ્રકાશભાઈ કહે છે, ‘અમે ત્રીજે માળે રહેતા અને આખા મકાનનાં ૧૦૮ ઘરોમાં અમારું ૪૦૦ સ્ક્વેર ફીટનું ઘર આ મકાનના દીવાનખાના તરીકે ઓળખાતું. એ સમયે લોકો પણ ગાંધીજીની જેમ સાદું જીવન, ઉચ્ચ વિચારવાળા હતા. મારા બાપુજી રમણલાલભાઈ શ્રીમદ ભગવદ્ગીતા પાઠશાળામાં દરરોજ સાંજે પાંડુરંગશાસ્ત્રી આઠવલેના ગીતાનાં પ્રવચનો સાંભળવા જતા. અમે બે ભાઈ અને એક બહેન. ગીતાના શ્લોક શીખવવા અમારા બાપુજી અમને માધવબાગના બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલતા હતા. અમે મોટા થયા પછી પણ બાળપણના આ સંસ્કાર અમારા દૈનિક જીવનનો હિસ્સો બની ગયા અને પ્રજ્ઞા સાથે લગ્ન થયા પછી તે અમારી વિચારધારામાં દૂધમાં સાકરની જેમ ભળી ગઈ. તેથી જ અમારાં દીકરા તથા પૌત્ર અને પૌત્રીઓ પણ આ વારસો બખૂબી અને પોતાના મનથી નિભાવી રહ્યાં છે.’
સાસરે આવ્યા પછી એક સૌથી સારી વાત જે શીખવા મળી એ વિશે પત્ની પ્રજ્ઞાબહેન કહે છે, ‘આખો દિવસ બધા કામમાં વ્યસ્ત હોય છે, પણ કુટુંબ પ્રાર્થનાના માધ્યમથી રાત્રે આખો પરિવાર મળીને ઈશ્વરની કૃપા માટે તેમના પ્રત્યે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવો એ આદત અહીં આવીને પડી. સારા વિચારોના સિંચન માટે સારું વાંચન, શ્લોક, ગીતા પઠન કરીએ છીએ.’

શિક્ષણપદ્ધતિ માટે ત્રણે પેઢીના વિચારો


પ્રજ્ઞાબહેન કહે છે, ‘હું જામનગરમાં મોટી થઈ અને બીએ સુધી ભણી, પણ મેં એક વાત જોઈ કે પહેલાં સ્કૂલમાં જવું, ભણવું કે ઘરમાં વાંચવું અને લખવું આમાં મન એવી રીતે કેન્દ્રિત થઈ જતું હતું કે આજ સુધી એ સમયનો કોઈ પણ પ્રશ્ન પૂછો તો પણ યાદ છે અને આજની પેઢીને પંદર દિવસ પછી પણ યાદ નથી હોતું.’
અદ્વૈત દાદી સાથે સહમત થતાં કહે છે, ‘અમે લોકો સાચે જ એવું ભણીએ છીએ જેનો ડિગ્રી અને નોકરી લેવા ઉપયોગ થાય છે. એક નાનું ઉદાહરણ આપું તો મારા દાદા ગુજરાતી, કચ્છી, હિન્દી, મરાઠી, અંગ્રેજી અને ભોજપુરી આ તમામ ભાષાઓ પર પ્રભુત્વ ધરાવે છે. પપ્પા પણ બૅન્ગલોર ગયા હતા તો માત્ર છ જ મહિનામાં કન્નડ ભાષા શીખી ગયા, પણ અમે મુંબઈમાં રહીને પણ મરાઠી નથી બોલી શકતા. તેથી પહેલાંના વડીલો જે કહેતા એ સાચું લાગે છે કે મગજ જેટલું વપરાય અને કસાય એટલી એની ક્ષમતા વધે છે. પહેલાંની તુલનામાં અમારી ક્ષમતા ઘટી ગઈ છે.’
નિશ્ચલ આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓને ભણાવે છે. તેઓ ખર્ચાળ શિક્ષણપદ્ધતિ માટે કહે છે, ‘મેં જ્યારે આર્કિટેક્ચર કર્યું તો એનો પાંચ વર્ષોનો કુલ ખર્ચો ફક્ત ૨૫ હજાર થયો હતો અને હવે આર્કિટેક્ચરની કૉલેજમાં બાળકોની એક વર્ષની ફી રૂપિયા સવાલાખ જેટલી છે. હવે આ બધો પૈસાનો ખેલ થઈ ગયો છે.’ મેધા તેમના જેઠને સહમતી આપતાં કહે છે, ‘હવે તો સ્કૂલનું શિક્ષણ પણ આટલું જ મોંઘું થઈ ગયું છે. બાળકોને સ્કૂલમાં ભણાવ્યા પછી પણ બહાર ટ્યુશન માટે પણ મોકલવાં જ પડે છે, જેમાં દરેક વિષય માટે મોટી કિંમત ચૂકવવી પડે છે.’
સત્યેન પોતાનો મત વ્યક્ત કરતાં કહે છે, ‘બાળકોમાં ભણવા સિવાયની બીજી પ્રવૃત્તિ માટે પણ સ્પર્ધા વધી ગઈ છે. દેખાદેખી કરતા બાળકોની ઇચ્છા પૂરી કરવી જ પડે છે.’
મેધા ત્રણે પેઢીના શિક્ષણમાં કેમ આ તફાવત આવ્યો એ વર્ણવતાં કહે છે, ‘પહેલાંનું ભણવાનું જીવનમાં કામ આવે એવું હતું. અમારા જમાનામાં પરિવારના સભ્યો ભણેલા હોવાથી એનું મહત્ત્વ વધી ગયું હતું અને એક વૈજ્ઞાનિક પદ્ધતિસર શિક્ષણ આપવાની પ્રથા શરૂ થઈ અને ભણતર, વાંચન વગેરેથી જ જીવનમાં પ્રગતિ થઈ શકશે એ પ્રેરણા મળવા લાગી. હવેનાં બાળકોના ભણતરમાં માત્ર પરીક્ષાનો દૃષ્ટિકોણ રહી ગયો છે. વાંચવાની ભૂખ પણ તેમનામાં છે જ નહીં. જ્યારે જોઈએ ત્યારે માહિતી નેટ પર મળી જાય છે અને મગજમાં કંઈ રાખવાની તસ્દી તેઓ લેતાં જ નથી તેથી જ આટલો મોટો તફાવત પહેલાંના અને હવેના ભણતરમાં દેખાઈ રહ્યો છે.’

વર્ષોથી વર્મા પરિવારમાં સાઇડ-કારવાળું સ્કૂટર છે. એમાં પરિવારની દરેક પેઢી ફરી છે. પહેલાં બાળકો આમાં બેસીને સ્કૂલે જતાં અને હવે વહુઓ પણ આ જ સ્કૂટર વાપરે છે

મૂલ્યોનું સિંચન

ભવ્ય અહીં કહે છે, ‘મારા દાદાના સમયથી અમારા ઘરમાં બે જણ ઘરનું અને અમારું ધ્યાન રાખે છે, બાળુદાદા અને સોનુદાદા. લૉકડાઉનના સમયમાં તેમને કારણે અમારા ઘરના દરેક જણને આરામ મળ્યો અને બધાં કામ સરળ થઈ ગયાં. તેઓ અમારે માટે ઘરના વહાલા સદસ્યો છે. મૂળ મરાઠીભાષી થઈને પણ કુટુંબ પ્રાર્થનામાં તેઓ અમારી સાથે જોડાય છે.’
ખરેખર આ પરિવાર માટે તેઓ દાદા અને વડીલ સમાન જ છે.

પરિવારની સ્ત્રીઓની પ્રગતિની વિચારધારાનાં સ્રોત સુમિત્રાબહેન

વર્માપરિવારમાં સ્ત્રીઓનું ખૂબ જ ઊંચું સ્થાન અને માન છે. હાલાઈ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના પ્રકાશભાઈ કહે છે, ‘મારાં બા સુમિત્રાબહેન ખૂબ જ હોશિયાર અને વેપારી બુદ્ધિવાળાં એક મજબૂત વ્યક્તિત્વ ધરાવનાર સ્ત્રી હતાં. મારા બાપુજી મારા જન્મ સમયે નોકરી કરતા અને પછી ૧૯૫૬માં પૉલિથીન થેલીઓ ઘરેથી બનાવવાની અમે શરૂઆત કરી હતી. મારાં બાના શારીરિક, માનસિક અને બૌદ્ધિક યોગદાનથી આ ધંધાને સફળતારૂપી પાંખો મળી અને આજે એ આટલા ઊંચા મકામે પહોંચ્યો છે. ઘર અને વેપાર સંભાળતાં–સંભાળતાં બાએ અમારી જ્ઞાતિના મહિલા મંડળની સ્થાપના કરી અને એમાં પણ ૩૫ વર્ષો સુધી તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયાં અને આ પદ સંભાળ્યું.’ મેધા કહે છે, ‘જ્યારે હું લગ્ન કરીને આવી ત્યારે અમે લગભગ ૧૩ જણ સાથે રહેતાં હતાં અને આટલો મોટો પરિવાર હોય તો મોટી વહુ બનીને આવતાં ડર લાગે કે જવાબદારી કેવી રીતે સંભાળીશું. અહીં તો મારાં માં, મમ્મીજી અને કાકીજીએ મને સંભાળી લીધી. હું આર્કિટેક્ટ છું અને મારું સર્જનાત્મક કામ છે. રસોઈનું કામ મેં ક્યારેય નહોતું કર્યું, પણ મમ્મીજી અને કાકીજીએ મને ઘરની જવાબદારીઓ માથે ન નાખતાં નિશ્ચલના આર્કિટેક્ચરના કામમાં જોડાવા પ્રેરણા આપી. ધીરે-ધીરે હું ઉત્સાહથી ઘરનું કામ પણ શીખી ગઈ.’
આ ઘરમાં પુત્રવધૂઓની ઇચ્છાઓને પણ ખૂબ માન મળે છે એમ જણાવતાં નાનાં પુત્રવધૂ મેઘના કહે છે, ‘મને સંગીતનો ખૂબ શોખ હતો. મારાં સાસુ જાણતાં હતાં તેથી સાસરે આવ્યા પછી મારાં સાસુએ જ મને શાસ્ત્રીય સંગીત શીખવા માટે પ્રેરિત કરી. મેં પાંચ વર્ષ પૂરાં કર્યાં અને હજી શીખી રહી છું. વિશારદ કરવાની ઇચ્છા છે. હું ગાઉં છું અને પર્ફોર્મન્સ પણ આપું છું. પરિવારનો મને ખૂબ જ સહકાર મળ્યો છે.’
મોટાં પુત્રવધૂ મેધા કહે છે, ‘મારા પપ્પાજીએ પ્રતીતિના જન્મ પછી મને ખૂબ સહકાર આપ્યો. અદ્વૈતના સાત વર્ષ પછી જ્યારે પ્રતીતિનો જન્મ થયો ત્યારે ઘરે બેસીને ઇન્ટીરિયરનું કામ તો હું નહોતી કરી શકતી તેથી મારી ક્રીએટિવિટીને એક દિશા મળે એ હેતુથી મારાં મમ્મીજી, મા એટલે દાદીજી સાસુ અને કાકીજી આ બધાંએ મળીને મને કામ કરવાની પ્રેરણા આપી. મેં ફૅબ્રિકમાંથી તકિયાના કવર, ચાદર વગેરે વિવિધ વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી અને છ મહિનાની પ્રતીતિને લઈને મારી બનાવવેલી વસ્તુઓના એક્ઝિબિશન અને વેચાણ માટે હું ભારતભરમાં જવા લાગી. અહીં મારી સાથે પપ્પાજી પ્રતીતિને સંભાળવા આવતા.’

bhakti desai columnists