રિયાઝ માત્ર સાધના નહીં, ઈશ્વરની પ્રાર્થના પણ છે

01 July, 2020 04:24 PM IST  |  Mumbai | Pankaj Udhas

રિયાઝ માત્ર સાધના નહીં, ઈશ્વરની પ્રાર્થના પણ છે

હરિપ્રસાદ ચૌરસિયા

થોડા સમય પહેલાં મેં સરોદવાદક અમજદઅલી ખાનના પિતાશ્રી અને ગ્વાલિયર ઘરાનાના ઉત્કૃષ્ટ સરોદવાદક હાફિઝઅલી ખાંસાહેબની તમને વાત કરી હતી. સરોજ વાંજિત્ર જેમણે શોધ્યું કે બનાવ્યું એ બંગાસ કુટુંબ સાથે તેમનો સીધો સંબંધ એટલે સરોદ પર તેમની માસ્ટરી અને સરોદના એકેક સૂરને ખૂબ જ સારી રીતે સમજવાનું તેમનામાં કૌશલ. હાફિઝઅલી ખાંની વાત કરતી વખતે સરસ્વતીની કૃપાને પામવા માટે જે સાધના કરવામાં આવતી હોય છે એની વાતો પણ થઈ હતી અને એ વાતો કરતી વખતે જ મને અબ્દુલ કરીમ ખાંસાહેબની વાત પણ યાદ આવી હતી, પરંતુ કોઈક કારણસર એ વાત એ સમયે નહોતી થઈ શકી, પણ આજે એ જ વાત મારે કહેવી છે.
એક ઉચ્ચ કોટિના કલાકાર માત્ર જન્મતા જ નથી, પણ એ ઊંચા સ્થાને પહોંચવા માટે તેઓ મહેનત પણ એટલી જ અથાક કરતા હોય છે. રિયાઝ માટે તેઓ એક ક્ષણ પણ ચૂકતા નથી અને આ રિયાઝ જ તેમને મહાનતમ સ્થાન પર લઈ જવાનું કામ કરે છે. મેં એવા-એવા તબલાંના કલાકારો જોયા છે જે દિવસમાં ૨૦-૨૦ કલાક સુધી રિયાઝ કરે અને આ રિયાઝ દરમ્યાન ઝોકું ન આવી જાય એ માટે પોતાના વાળની ચોટલી બાંધીને એ ચોટલીને દોરીથી બાંધી દઈ એ દોરીનો બીજો છેડો ઉપર છત પર બાંધી દે જેથી રિયાઝ દરમ્યાન જો ભૂલથી પણ થાકને લીધે ઝોકું આવે અને મસ્તક આગળના ભાગ તરફ ખેંચાય તો પેલી દોરીને લીધે વાળ ખેંચાય અને તરત જ તે ઝબકીને જાગી જાય. રિયાઝ માટે આ કલાકારોએ ક્યારેય કોઈ જાતની આળસ નથી કરી કે નથી એને માટે તેમણે ક્યારેય તબિયતની પરવા પણ કરી. જે આવી નિષ્ઠા દેખાડે અને આવી શ્રદ્ધાથી પોતાનું કાર્ય કરે એને આદર મળે જ મળે. કહે છે કે અથાક મહેનતથી જ ટોચ પર પહોંચી શકાય અને જે કોઈ ટોચ પર પહોંચ્યું છે તેમણે આ વાતને ગાંઠે બાંધી રાખી છે. આજે પણ એવા કલાકારો ભારત પાસે છે જેમની કલાની આ સાધના જોઈને આદરથી મસ્તક નમી જાય અને માનથી છાતી ગજગજ ફુલાઈ જાય.
અબ્દુલ કરીમ ખાંસાહેબ પણ એવી જ વ્યક્તિ હતા. અથાક પરિશ્રમ અને મહેનત કરવાની ભાવનાને લીધે જ તેઓ પણ એક અનોખી ઊંચાઈ સુધી પહોંચી શક્યા અને તેમણે પણ આ જગતમાં અદ્ભુત નામના મેળવી. અબ્દુલ કરીમ ખાંસાહેબનો જન્મ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં થયો હતો, પણ એ પછી તેઓ દિલ્હી, વડોદરા અને મુંબઈ જેવાં અનેક રાજ્યો અને શહેરોમાં રહ્યા. એક સમય એવો હતો કે ખાંસાહેબ પોતાને ત્યાં રહે એ સમયનાં રાજા-રજવાડાંઓ તેમને ખાસ વિનંતી કરતા અને રૂબરૂ આવીને પણ તેમને સમજાવતા. ખાંસાહેબની એક વાત કહું તમને. ખાંસાહેબ કિરાના ઘરાનાના કલાકાર હતા. તેમનો સૂર એટલી હદે સાચો હોય કે તેમના સૂર સાથે તાનપૂરો મેળવી શકાય અને એમાં ક્યાંય ભૂલ પણ ન થાય, જેની ખાતરી તમને જગતનું કોઈ પણ આપી શકે. ખાંસાહેબ એટલા મહાન આત્મા હતા કે તેમનું આખું જીવન ભક્તિમય રહ્યું. તેમના જીવનની અંતિમ ક્ષણો વિશે મારે તમને કહેવું છે.
એક વખત તેઓ ટ્રેનમાં સફર કરતા હતા. ટ્રેન મહારાષ્ટ્રના મિરજ સ્ટેશને પહોંચી અને તેમને કોઈ વાતનો સાક્ષાત્કાર થયો. તેમણે તો આગળ જવાનું હતું, પણ એમ છતાં મિરજ સ્ટેશને નીચે ઊતરી ગયા અને પ્લૅટફૉર્મ પર જ જાજમ બિછાવીને નમાઝ પઢવા માટે બેસી ગયા. તેમને સાક્ષાત્કાર થઈ ગયો હતો કે હવે તેમનું જીવન અહીં પૂરું થઈ રહ્યું છે એટલે તેમણે ખુદાની બંદગી સાથે એ અંતને આવકારવાનું શરૂ કરી દીધું હતું. આ નમાઝ પછી અબ્દુલ કરીમ ખાંસાહેબે ત્યાં જ, મિરજ સ્ટેશન પર જ પોતાનો દમ તોડ્યો હતો. ખાંસાહેબની મઝાર આજે પણ એ પ્લૅટફૉર્મ પર છે અને કલાકારોથી માંડીને શાસ્ત્રીય સંગીતના પ્રેમીઓ આ મહાન કલાકારની મઝારનાં દર્શન કરે છે. અબ્દુલ કરીમ ખાંસાહેબનું નિધન ૧૯૩૭ની ૨૭ ઑક્ટોબરે થયું હતું. એ સમયે તેઓ મુંબઈ સ્થાયી થઈ ગયા હતા પણ ખાંસાહેબને ત્યારે પણ ત્રણ રાજપરિવાર તરફથી સાલિયાણું આપવામાં આવતું હતું. આ સાલિયાણું આપવા પાછળ તેમને મદદ કરવાની ભાવના નહોતી, પણ રાજાઓને તેમની સાથે સંબંધ છે એ વાતનો ગર્વ લેવો હતો એટલે એ આપવામાં આવતું હતું. અબ્દુલ કરીમ ખાંસાહેબના એ જૂના ગાયનોની લૉન્ગપ્લે રેકૉર્ડ અને એ પછી કૅસેટ પણ માર્કેટમાં આવી અને અત્યારે પણ તેમની કેટલીક અદ્ભુત રચના ઇન્ટરનેટ પર સાંભળવા મળે છે.
ખાંસાહેબની જેમ જ આ દેશના અનેક કલાકારો એવા છે જેમની મહાનતા પાછળ એક જ રિયાઝ મહત્ત્વનો છે, સાધના અને સૂરોની પૂજા પાછળ તેમણે ક્યારેય કોઈ જાતની કચાશ નથી રાખી. આ એક અજબ ઘેલછા છે. આવા જ કલાકારોમાં શિવકુમાર શર્મા અને પંડિત હરિપ્રસાદ ચૌરસિયાનો પણ સમાવેશ છે. પોતે પ્રવાસ કરતા હોય, ઘરે હોય કે પછી હોટેલમાં હોય, તેમણે ક્યારેય રિયાઝને ટાળવા માટે કોઈ કારણ નથી શોધ્યું અને એનું જ પરિણામ છે કે એ કલાકારો મહાનતાને પામી શક્યા છે.
પંડિત હરિપ્રસાદ ચૌરસિયાનું નામ કોણે ન સાંભળ્યું હોય. સંગીત વિશે જાણનાર એકેએક વ્યક્તિ તેમના નામથી પરિચિત છે. પંડિતજીની હું તમને એક વાત કહું.
પંડિત હરિપ્રસાદ ચૌરસિયા જ્યારે પ્લેનમાં ટ્રાવેલ કરતા હોય અને એ ટ્રાવેલિંગ ૧૦-૧૨ કલાકનું હોય તો પણ પંડિતજી પોતાની ફ્લ્યુટની રિયાઝ ભૂલશે નહીં. તેઓ કપડું કાઢીને ફ્લ્યુટમાં જે કાણાં હોય એ કાણાંમાં ખોસી દેશે અને એ રીતે ફ્લ્યુટને મ્યુટ કરી દે અને પછી પંડિતજી ૧૦થી ૧૨ કલાક રિયાઝ કરે. આવી ઘેલછા અને આવી ભાવના જ તમને મહાન બનાવી શકે. ઈશ્વરે તમને જે કલા આપી છે એ કલાની કદર કરવાનું કામ જો કોઈ હોય તો એ રિયાઝ છે. એ કલાને જો તમારું સંપૂર્ણ જીવન સમર્પિત કરી શકો તો જ તમે આવા કલાકાર બની શકો. આ કલાકારોનું નામ લેતી વખતે આજે પણ એટલે જ આપણું મસ્તક ઝૂકી જાય છે. આવા અનેક કલાકારો આ દેશમાં છે જેમણે પોતાની કલાને ભગવાનનો દરજ્જો આપીને થાક્યા-હાર્યા વિના એની સાધના કરી છે અને એ સાધના થકી જ પોતાનું સ્થાન ઊભું કર્યું છે. અનેક ગાયક કલાકારોએ તો પોતાના સૂરને સાચવી રાખવા માટે સ્વાદનો પણ ભોગ આપ્યો છે અને કેટલાંક ફૂડ આજીવન ક્યારેય ખાધાં પણ નથી. આ જે નીતિ છે, આ જે આત્મબળ છે એ જ તેમને સર્વોચ્ચ બનાવે છે. મુકેશજી, લતા મંગેશકરજી, રફીસાહેબ, હેમંતદા જેવા અનેક કલાકારોએ પોતાના જીવનનો બહોળો સમય રિયાઝને આપ્યો હતો અને એ જ કારણે આજે પણ આપણે તેમને યાદ કરીએ છીએ અને તેમનું નામ સાંભળતાં જ આપણે ગદ્ગદ થઈ જઈએ છીએ.
આ બધા મહાન કલાકારોને હું વંદન કરું છું અને હું તમામ ઊગતા અને નવી પેઢીના કલાકારોને એ જ પ્રાર્થના કરું છું કે મહેનત કરો, સંગીતને તમારું જીવન સમર્પણ કરી દો અને સંગીતને, તમારી કલાને ભગવાન માનીને એની રજૂઆત કરો.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

pankaj udhas columnists