કિચનની એકેએક આઇટમ મેં બનાવી અને બધાને સાથે બેસાડીને જમાડી પણ ખરી

28 October, 2020 12:51 PM IST  |  Mumbai | Rashmin Shah

કિચનની એકેએક આઇટમ મેં બનાવી અને બધાને સાથે બેસાડીને જમાડી પણ ખરી

આગ્રહ- પપ્પા-મમ્મીને પોતાના હાથનાં થેપલાં પીરસતા પરેશ ગણાત્રા.

અઢળક ગુજરાતી નાટક, અનેક હિન્દી સિરિયલ અને ફિલ્મો કરનારા ઍક્ટર પરેશ ગણાત્રા હમણાં સુપરહિટ થયેલી ધ સ્કૅમ ૧૯૯૨ – ધ હર્ષદ મહેતા સ્ટોરીમાં વખાણ મેળવી રહ્યા છે. પરેશભાઈ ખાવાના અદ્ભુત શોખીન પણ તેમની એક નબળાઈ છે, તેમને ખાવામાં કોઈની ને કોઈની કંપની જોઈએ જ જોઈએ. રશ્મિન શાહને પરેશ ગણાત્રા કહે છે, લૉકડાઉન પહેલાં થોડું બનાવતાં આવડતું હતું પણ લૉકડાઉનમાં માસ્ટર શેફની જેમ બધું શીખ્યો ને ઘરમાં બધાને એકેએક આઇટમ બનાવીને જમાડી પણ ખરી

હું ફૂડી પણ સાથોસાથ એટલો જ ચૂઝી પણ અને ખાસ કરીને ટેસ્ટની બાબતમાં. જમવાનું મને તીખું જ જોઈએ. સામાન્ય બટાટાનું શાક હોય કે પછી પાંઉભાજી હોય, મને એમાં તીખાશ જોઈએ એટલે જોઈએ જ. તીખાશ માટે મેં ઘણી વખત અખતરાઓ પણ કર્યા છે. જેમ કે બહારનું કંઈ ફૂડ આવ્યું હોય અને ભૂલથી પણ એમાં તીખાશ ન હોય તો હું એ શાકમાં પીત્ઝા સાથે આવે એ ચિલી ફ્લેક્સ નાખીને કે પછી મરી નાખીને એને સ્પાઇસી બનાવું પણ મને જોઈએ તીખું જ. મારી બીજી મહત્ત્વની રિક્વાયરમેન્ટ કે પ્યૉર વેજ ફૂડ જ જોઈએ. આપણે ત્યાં તો વેજ ફૂડ માટે એવો કોઈ પ્રૉબ્લેમ નથી થતો, પણ ઇન્ડિયા બહાર જવાનું બને ત્યારે ફૂડનો થોડો પ્રૉબ્લેમ થાય. થોડો, કારણ કે ગુજરાતી છીએ એટલે સાથે ખાખરા અને થેપલાં તો હોય જ એટલે ગાડું ગબડી જાય અને લાંબી ટૂર હોય તો બીજા રસ્તા પણ શોધી લેવાયા હોય. ઓટ્સ પર દિવસ નીકળી જાય કે પછી ફ્રૂટ્સ શોધી લેવાનાં.
વર્ષો સુધી નાટક કર્યાં છે એટલે નાટકની ટૂરનો પણ લાભ મળ્યો છે. ટૂર પહેલાં જ મેં જે-તે સિટીનું સારામાં સારું ફૂડ શોધી લીધું હોય અને અચૂક ટ્રાય કરવા ગયો હોઉં. અહીં તમને હું મારી ફૂડને લગતી ત્રીજી શરત કહું. હું ક્યારેય એકલો કોઈ જગ્યાએ ખાવા માટે જાઉં નહીં. એટલે બને એવું કે મેં કોઈ જગ્યા શોધી કાઢી હોય એટલે પછી હું બધાને તૈયાર કરવામાં લાગી જાઉં. બધાને તૈયાર કરવાના અને પછી તેમને લઈને જમવા જવાનું. તમે માનશો નહીં, પણ જો કોઈ આવે નહીં તો હું જવાનું કૅન્સલ કરું પણ હું એકલો તો ન જ જાઉં. મને યાદ નથી કે મેં છેલ્લે ક્યારેય એકલા ઊભા રહીને કશું ખાધું હોય. સેટ પર પણ હું રાહ જોઉં કે કોઈ ફ્રી થાય એટલે હું તેમની સાથે જમવા માટે જાઉં.
ખાવાની બાબતમાં મને ગુજરાત અને પંજાબ બહુ ગમે. ગુજરાતની વાત કરું તો અમદાવાદનો આખો માણેક ચોક હું ફર્યો છું અને ત્યાં મળતી એકેક આઇટમ મેં ટ્રાય કરી છે. મારું એવું છે કે મને આપણું ટિપિકલ ફૂડ વધારે પસંદ પણ એ એકની એક જગ્યાએ મને ગમે નહીં એટલે સૅન્ડવિચ, પાણીપૂરી, ઢોસા માટે પણ હું નવી-નવી જગ્યા શોધ્યા કરું. અમદાવાદના માણેક ચોક ઉપરાંત રાયપુરનાં ભજિયાં અને ગોટા પણ અચૂક ખાવાનાં. ભરૂચ જઈએ એટલે સિટીમાં દાખલ થતાંની સાથે જ પહેલું કામ શિંગ લેવાનું કરવાનું. જો સૌરાષ્ટ્ર બાજુએ ગયા હોઈએ તો બપોર અને રાતના જમવામાં કાઠિયાવાડી ફૂડ જ લેવાનું. કાઠિયાવાડી ફૂડ મારું ફેવરિટ છે. સેવ-ટમેટાનું શાક, સેવ-ગાંઠિયાનું શાક, તુવેરની દાળ, પરાઠાં, ફુલ્કા રોટલી, સંભારિયું, ભરેલા બટાટા, ઘી-ગોળ અને બાજરાનો રોટલો. આ આઇટમ મને જ્યાં પણ મળે મારે મન સ્વર્ગ જમીન પર આવી ગયું કહેવાય.
પહેલાં તો હું પર્સનલી અમારા નાટકના ઑર્ગેનાઇઝરને કહીને મસ્ત ઢાબા શોધી રાખવાનું કહેતો અને પછી મોડી રાતે શો પૂરો કરીને અમે ત્યાં ખાવા માટે ઊપડતા. હવે તો નાટક કરવાનો ટાઇમ નથી મળતો પણ જ્યારે નાટકો કરતો ત્યારે જે ખાવાની મજા આવતી એ આજે પણ યાદ આવે ત્યારે મોઢામાં પાણી આવી જાય. રાજકોટમાં સૂર્યકાંતનાં થેપલાં અને બટાટાની સૂકી ભાજી. આખી રાત મળે અને આખું વર્ષ મળે. સૂર્યકાંત એવી હોટેલ છે જે ક્યારેય બંધ નથી થઈ. આ વખતે લૉકડાઉનમાં સિત્તેર-એંસી વર્ષનો રેકૉર્ડ તૂટ્યો અને હોટેલનાં શટર પહેલી વાર બંધ થયાં. અમદાવાદમાં લો ગાર્ડન પાસે મળતો આદુંનો આઇસક્રીમ. હવે તો આ આઇસક્રીમ બધે મળે છે, પણ અમદાવાદના એ લો ગાર્ડનવાળાના આદુંના આઇસક્રીમનો ટેસ્ટ આજે પણ એ બધાને બીટ કરે એવો છે.
એક ઍક્ટર તરીકે મારે ફિટનેસનું સતત ધ્યાન રાખવું પડે. માત્ર વજનનું જ નહીં, અવાજ અને એનર્જીનું પણ ધ્યાન રાખવું પડે. દરરોજ સવારે જાગીને સૌથી પહેલાં રાતે જ પાણીમાં પલાળેલી મેથીના દાણા લેવાના. મેથી બ્લડ સર્ક્યુલેશન કન્ટ્રોલમાં રાખવાનું કામ કરે છે તો વજન કન્ટ્રોલમાં રાખવા પણ લાભદાયી છે. નાનો હતો ત્યારે જ મારાં દાદી લક્ષ્મીબહેન મને સવારના નરણા કોઠે મેથી ગળાવતાં, જે આદત આજે પણ કન્ટિન્યુ રાખી છે. મેથી પછી બે ગ્લાસ હૂંફાળું પાણી પીવાનું અને એ પછી ફ્રેશ થઈ નાસ્તો કરવાનો. નાસ્તામાં સૌથી પહેલાં તો આખો બાઉલ ભરીને ફ્રૂટ્સ હોય અને એની થોડી વાર પછી આપણો રેગ્યુલર નાસ્તો આવે. નેચરોપેથી કહે છે કે દિવસમાં મિનિમમ ચારસો ગ્રામ ફ્રૂટ્સ અને ફ્રેશ વેજિટેબલ્સ ખાવાં જોઈએ.
રેગ્યુલર નાસ્તામાં ચા હોય. ચા સાથે થેપલાં, ભાખરી હોય તો કોઈ વાર ઉપમા, પૌંઆ પણ હોય. મારો નાસ્તો હેવી હોય. બ્રેકફાસ્ટ આખા દિવસનું મેઇન ફૂડ છે. જો એ હેવી અને પ્રૉપર હોય તો દિવસ દરમ્યાન ક્યારેય એનર્જીની અછત ન આવે. નવ વાગ્યાની આસપાસ બ્રેકફાસ્ટ પૂરો કરી હું વૉક કરું. એકાદ કલાકનું વૉક હોય અને એ પછી અગિયાર વાગ્યાની આસપાસ ડ્રાયફૂટ લેવાનાં જેમાં પાંચ બદામ અને થોડા અખરોટ હોય. બપોરે બે વાગ્યે લંચ, જેમાં ઓટ્સની રોટલી, શાક, બ્રાઉન રાઇસ અને ફ્લેક્સ સીડ્સ નાખેલી છાશ હોય. કહ્યું એમ, શાક તીખું જ હોય. લંચ હંમેશાં મારા ઘરેથી જ આવે પણ જો સાંજે મને વડાપાંઉ કે પાંઉભાજી ખાવાની ઇચ્છા થઈ આવે અને કંપની હોય તો હું બિન્દાસ એ ખાઈ લઉં. મારો નિયમ છે કે ખાવામાં ક્યારેય અચાનક કંઈ બંધ નહીં કરવાનું. બૉડીને અચાનકથી જ કંઈ આપવાનું બંધ કરો તો એ રીઍક્શન આપે જ આપે, એના કરતાં બધું જ ચાલુ રાખવાનું પણ કન્ટ્રોલમાં અને જે ખાધું છે એના મુજબની એક્સરસાઇઝ કરવાની તૈયારી સાથે.
સાંજે જો કંઈ ખાધું ન હોય તો ચા સાથે ખાખરા કે ટોસ્ટ હોય. રાત્રે નવ વાગ્યે મારું ડિનર. ડિનરમાં ભાખરી, થેપલાં કે પરાઠાં હોય અને સાથે શાક. અમે જૉઇન્ટ ફૅમિલી છીએ, ત્રણ જનરેશન સાથે રહે છે. મારાં ભાઈ-ભાભી, અમારા બન્ને ભાઈઓનાં બાળકો, મમ્મી-પપ્પા એમ બધાં. જૉઇન્ટ ફૅમિલી હોવાને લીધે કોઈ દિવસ એવો નથી ગયો કે ઘરમાં એક જ શાક બન્યું હોય. ઘરમાં બધા મારી જેમ તીખું ખાવાવાળા અને ખાવાના શોખીન એટલે પસંદ મુજબ રોજ મિનિમમ બે શાક તો બને જ, જેને લીધે બધાની ફરમાઈશ ક્યાંકને ક્યાંક સચવાઈ જાય. ડિનર પછી મોડી રાત્રે જો ભૂખ લાગે તો ખજૂર કે પછી બનાના વેફર્સ ખાવાની. ચા દિવસમાં બે જ વાર લેવાની. એ પછી જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે ગ્રીન ટી પીવાની.
મમ્મી વર્ષાબહેન અને વાઇફ લીના બહુ સારાં કુક, મને શીખવાનું સૌભાગ્ય પણ તેમની પાસેથી જ મળ્યું છે. થેપલાં, પરાઠાં, બટાટાના શાકથી માંડીને ચા, દાળ, ભાત અને સુધ્ધાં બનાવતાં મને આવડે. બટાટાનું શાક એટલે માત્ર સૂકી ભાજી જ નહીં, રસાવાળા બટાટાના શાકથી માંડીને ભરેલા બટાટાનું શાક પણ ફાવે. લૉકડાઉન દરમિયાન હું ઘરે ઘણુંબધું શીખ્યો અને ઘણી નવી વરાઇટી બનાવવામાં ફાવટ મેળવી. તમે માનશો નહીં પણ લૉકડાઉન દરમ્યાન તો બે રવિવાર એવા પણ ઊજવ્યા કે જેમાં કોઈએ કિચનમાં આવવાનું નહીં અને બધા માટે જમવાનું મારે બનાવવાનું. તમે વિચારો મારી હિંમત કે બધાને મેં સાથે જમવા પણ બેસાડી દીધાં અને એ બધાંને પીરસવાનું કામ પણ મેં જ કર્યું, પણ હા, શરૂઆતમાં નાનામોટા ગોટાળાઓ થયા હતા. અમુક ચીજવસ્તુ ઓળખી ન શકાય એટલે ગોટાળાઓ થાય એ સ્વાભાવિક છે. ખાંડ અને નિમકમાં ઘણી વાર ગોટાળા થાય તો એક વાર તો ચા બનાવતી વખતે મેં દૂધને બદલે છાશ પણ નાખી દીધી હતી. અમને છાશ ઘાટી જોઈએ અને કલર તો બન્નેનો વાઇટ. ખબર જ ન પડી કે કયું દૂધ છે અને કઈ છાશ છે. એ તો થોડી વાર પછી વાઇફ કિચનમાં આવી કે એ છાશની તપેલી ઓળખી ગઈ એટલે ભાંડો ફૂટી ગયો. પણ હા, બધાને બહુ હસવું આવ્યું હતું અને મેં તો ગરમ થયેલી છાશ ચાખી પણ હતી.
ચાની જેમ જ રોટલી, થેપલાં કે પરાઠાં બનાવો ત્યારે લોટ બાંધતી વખતે એમાં મોણ નાખવાનું હોય. મોણ ઓછું પડી જાય કે પાણી પણ ઓછું થઈ જાય તો પણ થેપલાં કે પરાઠાં કડક બને અને પછી એ ખાઈ ન શકાય. એક-બે વાર એવું પણ બન્યું છે અને પછી એ બધું જવા પણ દીધું છે પણ હા, આવું બનતું એટલે વાઇફ અને મમ્મીનું સર્વેલન્સ ગોઠવી દેવાનું. એ લોકો ઇન્સ્ટ્રક્શન આપતાં રહે એટલે ગોટાળામાંથી બચી જવાય.

મરચામાં હાથ મોટોઃ ઘરમાં બધાને તીખું ખાવાની આદત હોવાથી મરચું વધારે નખાઈ જવાની બીક પરેશભાઈને રહેતી નથી.

મને આપણું ટિપિકલ ફૂડ વધારે પસંદ પણ એ એકની એક જગ્યાએ મને ગમે નહીં એટલે સૅન્ડિવચ, પાણીપૂરી, ઢોસા માટે પણ હું નવી-નવી જગ્યા શોધ્યા કરું. અમદાવાદના માણેક ચોક ઉપરાંત રાયપુરનાં ભજિયાં અને ગોટા પણ અચૂક ખાવાનાં. ભરૂચ જઈએ એટલે સિટીમાં દાખલ થતાંની સાથે જ પહેલું કામ શિંગ લેવાનું કરવાનું. જો સૌરાષ્ટ્ર બાજુએ ગયા હોઈએ તો બપોર અને રાતના જમવામાં કાઠિયાવાડી ફૂડ જ લેવાનું.

Rashmin Shah columnists Gujarati food