લાઇફ કા ફન્ડા - ફરક

13 October, 2020 03:09 PM IST  |  Mumbai | Heta Bhushan

લાઇફ કા ફન્ડા - ફરક

એક ફકીરબાબા હતા. મંદિરની બહાર બેસી સતત ભગવાનનાં ભજન ગાતા રહેતા. અવાજ પણ સારો અને હલકથી ગાય એટલે આવતાં જતાં દરેક તેમના ભજનને સાંભળવા બેઘડી તો ઊભા રહી જ જાય. આ ફકીરબાબા વર્ષોથી અહીં મંદિરની બહાર બેસી સતત ભજન ગાતા. દિન-રાત, કોઈ પણ ઋતુકાળ હોય વહેલી સવારથી મોડી રાત સુધી તેમનાં ભજનો ચાલુ જ હોય. બધા તેમને ભજનવાળા બાબા કહેતા.
સતત ભગવાનનાં ભજન ગાતા રહેતા ફકીરબાબાની એક વાત વિચિત્ર હતી. ફકીરબાબા મંદિરની બહાર બેસી સતત ભગવાનનાં ભજનો ગાતા, પણ એકવાર પણ મંદિરની અંદર ભગવાનનાં દર્શન કરવા જતા નહીં. બધાને નવાઈ લાગતી કે આમ તો બાબા સતત હરિભજનમાં લીન રહે છે, તેમના ભજન સાંભળી લોકો બેઘડી સાંભળવા ઊભા રહી જાય છે. ઘણીવાર તો રાતે સત્સંગ જામે છે, પણ બાબા મંદિરમાં એકવાર પણ દર્શન કરવા કેમ નહીં જતા હોય...શું કામ ભગવાનનાં દર્શન નહીં કરતા હોય. શરૂઆતમાં તો ખાસ પૂજા અને ઉત્સવના દિને પૂજારી તેમને દર્શન માટે બોલાવવા જતા તો ફકીરબાબા મંદિરમાં દર્શન કરવા આવવાની ઘસીને ના પાડી દેતા! અને પૂજારીને અને આવતાં જતા બધાને કહેતા રહેતા-મંદિરમાં જવા કરતાં સત્સંગ કરો.
એક દિવસ પૂજારી મોડી સાંજે તેમની સાથે સત્સંગ કરવા આવ્યા અને સાથે પોતે પણ ભજન ગાવા લાગ્યા. સરસ સત્સંગ લાંબો ચાલ્યો. પૂજારીએ સત્સંગ બાદ ધીમેથી ફરી એકવાર કહ્યું, ‘બાબા હું તમારા સત્સંગમાં આવ્યો અને આપની સાથે સત્સંગ કર્યો, હવે તો તમે ચાલો મારી સાથે મંદિરમાં દર્શન કરવા.’ ફકીરબાબાએ ના પાડી. પૂજારીએ પૂછ્યું, ‘બાબા તમે આટલી ભક્તિ કરો છો તો પછી મંદિરમાં દર્શન કરવા કેમ નથી આવતાં? અને બધાને પણ મંદિરમાં જવા કરતાં સત્સંગ કરો એમ કેમ કહો છો?... આ મને સમજાતું નથી.’
ફકીરબાબા બોલ્યા, ‘પૂજારીજી, સાચું કહેજો, મેં આપની સાથે સત્સંગ કર્યો, તમારું મન હરિભજનમાં મસ્ત હતું પણ શું તમને કંઈ ઇચ્છા યાદ આવી કે પ્રભુ પાસે આ માગી લઉં...પણ જો આપણે મંદિરમાં જઈએ તો કંઈક ઇચ્છા તો યાદ આવે જ. મંદિરમાં લોકો ઇચ્છાપૂર્તિ માટે પ્રાર્થના કરવા, કંઈક માગવા જાય છે, જ્યારે સત્સંગમાં ભગવાનનું નામ લેતાં લેતાં તેમની સાથે જોડાઈ જવાય છે અને કંઈ માગવાનું યાદ જ નથી આવતું. સત્સંગમાં ઇચ્છાઓનો નાશ થાય છે અને આપણે પ્રભુ પાસે કંઈ માગતા નથી, પણ જાતને સમર્પિત કરીએ છીએ. આ જ ફરક છે. એટલે મંદિરમાં જવા કરતાં સત્સંગમાં જવું વધુ સારું.’

heta bhushan columnists