ધી ગઝલ સિમ્ફનીઃ સંગીત સાથે સેવાની સાધના

18 November, 2020 02:57 PM IST  |  Mumbai | Pankaj Udhas

ધી ગઝલ સિમ્ફનીઃ સંગીત સાથે સેવાની સાધના

થૅલેસેમિયા બાળકોની સૂરત પર સુંદરમજાનું સ્મિત લાવવા માટે તમારું દાન, તમારું ડોનેશન ખૂબ મહત્ત્વનો ફાળો ભજવશે માટે આપ સૌને હાથ જોડીને વિનંતી કે કાર્યક્રમને ખાસ જોજો અને તમારી યથાશક્તિ યોગદાન બાળકોની સારવાર માટે આપશો.

ગયા બુધવારે આપણે વાત કરતા હતા થૅલેસેમિયાની, આ સમસ્યા બહુ ગંભીર છે. દુઃખની વાત એ છે કે બે થૅલેસેમિયા કૅરિયરનાં લગ્ન થાય અને તેમને જે બાળકો આવે એમાંથી પચીસ ટકા બાળકો થૅલેસેમિયા મેજર સાથે જન્મે છે. એ બાળકને જન્મના થોડા જ મહિનાઓમાં બ્લડની જરૂર પડવા માંડે અને તેનું આયુષ્ય, તેનું જીવન ૨૦-૨૫ વર્ષ કે ૩૦ વર્ષ છે એ કહેવું મુશ્કેલ છે એટલે આ દુખદ ઘટના છે. પણ મૉડર્ન સાયન્સને કારણે એવું બન્યું છે કે જો આ બાળકનો બોનમેરો પાંચ-છ વર્ષની ઉંમરે ટ્રાન્સફર થઈ જાય તો એ બાળક થૅલેસેમિયાથી કાયમ મુક્ત થઈ જાય અને એ સહેલાઈથી ૫૦-૬૦ વર્ષ જીવી શકે, કોઈ પણ જાતની દવા વિના, કોઈ પણ જાતની બીજી સારવાર લીધા વિના.
આ વિશે ખબર પડી એટલે અમે સૌ આ કાર્ય કરવા માટે કટિબદ્ધ થયા અને અમે નક્કી કર્યું કે આપણે એવો પ્રોગ્રામ કરીએ જે યાદગાર પણ હોય અને સાથોસાથ આપણે એના થકી ફન્ડ પણ ઊભું કરી શકીએ. વર્ષોથી અમે આ કરતા હતા, પણ કોરોના પછી આ કાર્ય અટકી ગયું હતું અને મારી ઇચ્છા હતી કે આ ભગીરથ કાર્યને કોરોના પણ નડી ન શકવું જોઈએ, એ અટકવું ન જોઈએ. વિચારણા ચાલતી હતી એ દરમ્યાન મને યાદ આવ્યું કે ૨૦૧૮માં ષણ્મુખાનંદ હૉલમાં સિમ્ફનીનો જે કાર્યક્રમ કર્યો હતો એ અભિનવ ઉપાધ્યાય અને તેની કંપની પર્ફેક્ટ હાર્મનીએ કરેલો. એ કાર્યક્રમને પાંચ કૅમેરા સાથે શૂટ કરેલો તો અમારા યંગ અને ટૅલન્ટેડ સાઉન્ડ એન્જિનિયર આશિષ ચૌબેએ આખા પ્રોગ્રામનું મલ્ટિટ્રૅક રેકૉર્ડિંગ કર્યું હતું. હું કહીશ કે એ પ્રોગ્રામ એવો તે ખાસ હતો કે એને લાઇબ્રેરીમાં રાખી શકાય.
ષણ્મુખાનંદ હૉલના એ પ્રોગ્રામ પછી મારી વ્યસ્તતા ખૂબ હતી. ફૉરેનની ટૂર પણ હતી અને એ જ વર્ષના અંત ભાગમાં મેં ‘નાયાબ લમ્હેં’ નામનું આલબમ ગુલઝારસાહેબ સાથે કર્યું, એ વાત અગાઉ મેં તમને કરી છે. આ ‘નાયાબ લમ્હેં’નું મ્યુઝિક-અરેન્જમેન્ટ પણ દીપક પંડિતે કર્યું હતું. મારું કમ્પોઝિશન અને સંગીત આખું દીપક પંડિતનું. એ આલબમ પણ લોકોને ખૂબ ગમ્યું અને આજે પણ ગઝલચાહકોને એ આલબમ માટે ક્રેઝ છે. આ દીપક પંડિત અને હું તો ષણ્મુખાનંદ હૉલના કાર્યક્રમ પછી અમારા કામમાં લાગી ગયા અને ભૂલી ગયા કે સિમ્ફનીનો આવો કાર્યક્રમ અમારી પાસે રેકૉર્ડ થયેલો તૈયાર છે. યાદ આવ્યું એટલે મેં અભિનવને ફોન કર્યો કે અભિનવ આપણે આ પ્રોગ્રામ રેકૉર્ડ કરેલો. અભિનવે તરત જ હા પાડીને કહ્યું કે એ બધો ડેટા મારી પાસે છે, પાંચ ઍન્ગલથી શૂટ થયેલો એ આખો કાર્યક્રમ લાઇવ મારી પાસે હાર્ડ ડિસ્કમાં છે. આશિષને પૂછ્યું તો તેણે કહ્યું કે મારી પાસે પણ આખું સાઉન્ડ રેકૉર્ડિંગ હાર્ડ ડિસ્કમાં છે. નિરાંત થઈ એટલે મેં ફરી હંગામા ડિજિટલના નીરજ રૉયને ફોન કર્યો કે આપણે આવો કોઈ કાર્યક્રમ રજૂ કરીએ.
નીરજને મારી વાત ગમી, તેને પણ થયું કે આપણે કંઈક નવું લોકો સમક્ષ રજૂ કરી શકીશું અને નવા પ્રકારનો કાર્યક્રમ લોકોને મળશે.
મારી દીકરી નાયાબ ઉધાસ કેટલાંક વર્ષોથી ઇવેન્ટનું કામ કરે છે અને થૅલેસેમિક બાળકો માટે પણ ઘણાં વર્ષોથી મારી સાથે જોડાયેલી છે. મેં તેને વાત કરી એટલે નાયાબ તો કહીએ કે એકદમ વૉર-ફ્રન્ટ પર આવી ગઈ અને કહે કે વ્યવસ્થા અને કો-ઑર્ડિનેશનથી માંડીને બધી તૈયારી હું કરી આપીશ. દેખાવે સરળ લાગતી આ વાત હકીકતમાં ઘણી જહેમત માગી લે એવી છે. નાયાબે હંગામા ડિજિટલ સાથે કો-ઑર્ડિનેશન કર્યું અને હંગામા ડિજિટલના તમામ સોશ્યલ મીડિયા માટે પ્રેઝન્ટેશન અને ટ્રેલર તૈયાર કર્યાં. અમારા એડિટર છે લોકેશ, ખૂબ જ ટૅલન્ટેડ અને સંગીતના પણ ખૂબ મોટા ચાહક. લોકેશને અમે પાંચેપાંચ કૅમેરાનાં અલગ-અલગ ફુટેજ મોકલી આપવામાં આવ્યાં. આશિષને પણ તરત જ કહી દેવામાં આવ્યું કે જે બધા સાઉન્ડ-ટ્રૅક છે આપણે હવે એ મિક્સ કરવાનું શરૂ કરીએ.
મારો પોતાનો ખારમાં સ્ટુડિયો છે, નામ એનું ‘સ્ટુડિયો 17’. સ્ટુડિયોમાં આશિષે ગીતોનું પ્રોગ્રામિંગ, સાઉન્ડનું બૅલૅન્સિંગ, મિક્સિંગ શરૂ કર્યું. લગભગ દોઢ-બે મહિનાથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે અને દિવસ-રાત ફોન પર નાયાબ બધા ક્રીએટિવ સાથે કો-ઑર્ડિનેટ કરે છે. વિડિયો એડિટર, સાઉન્ડ એન્જિન્યિર, અભિનવ ઉપાધ્યાય જે આ કાર્યક્રમના ષણ્મુખાનંદ હૉલના આયોજક હતા એ, હંગામાની ટીમ અને એવા જ બીજા લોકો, જે બધા આ શો સાથે જોડાયેલા છે એ બધા સાથે નાયાબ ગોઠવ્યા કરે.
સવારે ૯ વાગ્યાથી તે લૅપટૉપ લઈને બેસી જાય તે છેક રાતે નવ વાગ્યા સુધી કામ કરે. આ દરમ્યાન સ્પૉન્સર્સ પણ શોધવાના. અમારા ટ્રસ્ટનાં શ્રીમતી જાસ્મિન મજીઠિયા છે. તેમનું વ્યક્તિત્વ કમાલનું છે, તેમના પર પણ એક આખો આર્ટિકલ લખી શકું. આજે તેમની ઉંમર ૮૦ વર્ષની પણ થૅલેસિમિક બાળકો માટે હજી પણ ઊભાં જ હોય. તેમણે તેમનું જીવન થૅલેસેમિયાનાં બાળકોને સમર્પિત કરી દીધું છે. સ્પૉન્સરની વાત આવી એટલે જાસ્મિનબહેન મને કહે કે તમે ચિંતા ન કરતા, સ્પૉન્સર્સ હું લઈ આવીશ. તેમનું વ્યક્તિત્વ એવું, તેમનો પ્રભાવ એવો કે તેઓ કોઈ પણ ડોનરને કહે તો ક્યારેય ના ન પાડે. જાસ્મિનબહેન એકદમ ટ્રાન્સપરન્ટ અને બહુ જ સરસ કામ કરે છે એટલે સ્વાભાવિક ફરક પડે. જાસ્મિનબહેને સ્પૉન્સરર્સની જવાબદારી સ્વીકારી લીધી. વાત કરું અમારાં સેક્રેટરી રશ્મિ શાહની. તેઓ ચાર્ટડ અકાઉન્ટન્ટ છે અને છેલ્લા દોઢ મહિનાથી બધા ઍડ્મિનિસ્ટ્રેટિવ કામો તેમણે ઉપાડી લીધાં છે. ખૂબ મહેનત કરી છે. હું તમને વારંવાર કહીશ કે આ પ્રકારનો કાર્યક્રમ કરવો એ સહેલી વાત નથી, કારણ કે એમાં કેટલી બધી વાતોનું ધ્યાન રાખવું પડે છે, કેટલાં લાઇસન્સ હોય છે, પરમિશન લેવાની અને બીજાં ઘણાં કામ કરવાનાં. એ બધું કરતાં આજે આપણે નવેમ્બરની ૧૮ તારીખ પર આવી ગયા છીએ અને હજી પણ દોડાદોડ ચાલુ જ છે. ઘણું કરવાનું બાકી છે.
અમારા ટ્રેડની ભાષામાં જેને ફર્સ્ટ કટ કહીએ, એમાં પણ ઘણા સુધારા-વધારા કરવાના છે પણ એ પહેલો કટ મેં બે દિવસ અગાઉ જોયો અને એ જોયા પછી મારો અનુભવ છે કે આખો કાર્યક્રમ આઉટસ્ટૅન્ડિંગ છે. હું ખાતરી સાથે કહું છું કે બધાને બહુ પસંદ આવશે. આ પ્રોગ્રામના વિઝ્‍યુલ્સ એટલા સરસ છે, જે રીતે એડિટ થયો છે એ રીતે તમને ખૂબ જ પસંદ આવશે.
હવે અમારી તૈયારી ચાલુ છે ૨૧ નવેમ્બરના શોની. હંગામા ડિજિટલના ફેસબુક-પેજ પર, પંકજ ઉધાસ યુટ્યુબ ચૅનલ પર, મારા ફેસબુક-પેજ પર અને આ સિવાય પણ બેત્રણ ચૅનલ પર એ બતાવવામાં આવશે એ વિશે હું તમને આગળ જતાં માહિતી આપીશ. અમે એવું નક્કી કર્યું છે કે આ કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની ટિકિટ રાખવી નહીં, ઑનલાઇન ટિકિટ રાખવી નહીં, પણ અમે આ કાર્ય માટે યોગ્ય કહેવાય એવી સંસ્થા કેટો સાથે ટાઇઅપ કર્યું જે અમારા વતી ડોનેશન, યોગદાન સ્વીકારી રહી છે. કેટો પર એવી વ્યવસ્થા છે કે તમારી પાસે કોઈ પણ પેમેન્ટ ગેટવે  જેમ કે પેટીએમ,  ફોનપે કે ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પૈસા ડોનેટ કરી શકો. હું આપ સૌને બે વિનંતી કરીશ.
પહેલી વિનંતી ૨૧ નવેમ્બરની સાંજે ૮.૩૦ વાગ્યે આ કાર્યક્રમ જોવાનું ભૂલતા નહીં, નામ છે એનું ‘ધ ગઝલ સિમ્ફની’, જેમાં હું સિમ્ફની ઑર્કેસ્ટ્રા સાથે ગઝલ રજૂ કરીશ. બીજી વિનંતી, તમારી જે યથાશક્તિ અને ઇચ્છા હોય એ મુજબ તમે આ કાર્યક્રમમાં દાન કરજો, પ્લીઝ. કેટોની લિન્ક અહીં તમને શૅર કરી છે, એના પર જઈને તમે ૫૦-૧૦૦ રૂપિયાથી લઈને તમારા દિલમાં જે આવે, જે તમારી ઇચ્છા હોય એ મુજબ ડોનેટ કરજો.
નિદા ફાઝલીનો એક શૅર છે...
ઘર સે મસ્જિદ હૈ બહોત દૂર, તો ચલો યું કર લે
કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાય.
થૅલેસેમિયા બાળકોની સૂરત પર સુંદરમજાનું સ્મિત લાવવા માટે તમારું દાન, તમારું ડોનેશન ખૂબ મહત્ત્વનો ફાળો ભજવશે માટે આપ સૌને હાથ જોડીને વિનંતી કે કાર્યક્રમને ખાસ જોજો અને તમારી યથાશક્તિ યોગદાન બાળકોની સારવાર માટે આપશો. કિટ્ટો ડૉટ ઑર્ગેનાઇઝેશનની વેબસાઇટ પર જઈ શકો છો, લિન્ક આ મુજબ છેઃ

https://www.ketto.org/fundraiser/ghazal-symphony-by-pankaj-udhas-in-aid-of-thalassemic-children

Crowdfunding Platform Websites in India

https://www.ketto.org

pankaj udhas columnists