યસ બૅન્ક : ઈડીએ અનિલ અંબાણીની પૂછપરછ કરી

20 March, 2020 10:07 AM IST  |  Mumbai | Agencies

યસ બૅન્ક : ઈડીએ અનિલ અંબાણીની પૂછપરછ કરી

અનિલ અંબાણી

યસ બૅન્કની કટોકટીના મામલે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ની ઑફિસે રિલાયન્સ ગ્રુપના ચૅરમૅન અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી હાજર થયા હતા. યસ બૅન્કની કટોકટીના મામલે તપાસ-એજન્સી દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ઈડીએ યસ બૅન્કના પ્રમોટર રાણા કપૂર વિરુદ્ધ મની-લૉન્ડરિંગની તપાસ કરી રહી છે. નોંધનીય છે કે અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની ૯ કંપનીઓ પર હાલ નાણાકીય કટોકટીમાં ફસાયેલી યસ બૅન્કનું ૧૨,૮૦૦ કરોડ રૂપિયાનું લેણું બાકી છે.

નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં જ યસ બૅન્કની કટોકટીના મામલે ઈડીએ અનિલ અંબાણી સહિત ઘણા ઉદ્યોગપતિઓને ગુરુવારે હાજર થવા માટે સમન્સ બજાવ્યા હતા. હાલ રાણા કપૂર ઈડીની કસ્ટડીમાં છે.

અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના એડીએજી ગ્રુપે ગયા સપ્તાહે સ્પષ્ટતા કરી હતી કે રાણા કપૂર, તેમનાં પત્ની અને દીકરીઓ કે તેમના અંકુશ હેઠળની કોઈ કંપની સાથે અમારા ગ્રુપની કોઈ સાઠગાંઠ નથી. ઉપરાંત એવું પણ કહ્યું કે યસ બૅન્કનું સંપૂર્ણ દેવું સુરક્ષિત છે.

ઈડીએ યસ બૅન્કના મોટા લોનધારકો હોય એવાં કૉર્પોરેટ્સને થોડા દિવસ પૂર્વે સમન્સ બજાવ્યા હતા, જેમાં એસ્સેલ ગ્રુપના ચૅરમૅન સુભાષચંદ્ર, જેટ ઍરવેઝના સ્થાપક નરેશ ગોયલ, ડીએચએફએલના પ્રમોટર કપિલ વાધવાન, અવંતા રિયલ્ટીના પ્રમોટર ગૌતમ થાપર પણ સામેલ છે. નોંધનીય છે કે ૧૦ મોટા બિઝનેસ-ગ્રુપની ૪૪ કંપનીઓમાં યસ બૅન્કની ૩૪,૦૦૦ કરોડ રૂપિયાની લોન ફસાયેલી છે.

anil ambani yes bank yes bank crisis business news