વિપ્રો નૉન-આઇટી બિઝનેસ ડિવિઝન્સનું ડીમર્જર કરશે

02 November, 2012 05:45 AM IST  | 

વિપ્રો નૉન-આઇટી બિઝનેસ ડિવિઝન્સનું ડીમર્જર કરશે



સૉફ્ટવેર સેક્ટરની અગ્રણી કંપની વિપ્રો લિમિટેડે ગઈ કાલે જાહેરાત કરી હતી કે કંપની એનાં ત્રણ નૉન-આઇટી બિઝનેસ ડિવિઝન્સનું ડીમર્જર કરશે. આ ત્રણ નૉન-આઇટી બિઝનેસ ડિવિઝન્સ માટે નવી કંપની વિપ્રો એન્ટરપ્રાઇઝિસની સ્થાપના કરવામાં આવશે. આ કંપની અનલિસ્ટેડ રહેશે. ત્રણ નૉન-આઇટી બિઝનેસ ડિવિઝન્સમાં વિપ્રો કન્ઝ્યુમર કૅર ઍન્ડ લાઇટિંગ (ફર્નિચર બિઝનેસ સહિત), વિપ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ (હાઇડ્રોલિક અને વૉટર બિઝનેસિસ) અને મેડિકલ ડાયગ્નોસ્ટિક પ્રોડક્ટ ઍન્ડ સર્વિસિસ બિઝનેસનો સમાવેશ છે.

આઇટી પર ફોકસ

વિપ્રો લિમિટેડ પબ્લિકલી લિસ્ટેડ કંપની રહેશે અને એક્સક્લુઝિવલી આઇટી પર ફોકસ કરશે. વિપ્રોના બોર્ડમાં કોઈ જ ફેરફાર નહીં થાય અને મૅનેજમેન્ટ સ્ટ્રક્ચર પર પણ કોઈ જ અસર નહીં પડે. અઝીમ પ્રેમજી વિપ્રોના એક્ઝિક્યુટિવ ચૅરમૅન અને વિપ્રો એન્ટરપ્રાઇઝિસના નૉન-એક્ઝિક્યુટિવ ચૅરમૅન રહેશે. ડીમર્જરની તારીખ ૧ એપ્રિલ ૨૦૧૨ નક્કી કરવામાં આવી છે. ડીમર્જરની કામગીરી આગામી નાણાકીય વર્ષ સુધી પૂરી થઈ જવાની અપેક્ષા છે.

શૅરહોલ્ડર્સ

સૂચિત રીસ્ટ્રક્ચરિંગ સ્કીમ હેઠળ વિપ્રો લિમિટેડના રેસિડન્ટ ઇન્ડિયન શૅરહોલ્ડરોને ત્રણ વિકલ્પ મળશે. વિપ્રોના બે રૂપિયાની મૂળ કિંમતના પાંચ ઇક્વિટી શૅર સામે વિપ્રો એન્ટરપ્રાઇઝિસનો ૧૦ રૂપિયાની મૂળ કિંમતનો એક શૅર મળશે. બીજા વિકલ્પમાં વિપ્રોના પાંચ શૅર સામે ૫૦ રૂપિયાની મૂળ કિંમત ધરાવતા વિપ્રો એન્ટરપ્રાઇઝિસનો એક ૭ ટકા રિડીમેબલ પ્રેફરન્સ શૅર મળશે. રિડીમેબલ પ્રેફરન્સ શૅરની મૅચ્યોરિટી ૧૨ મહિનાની હશે અને ૨૩૫.૨૦ રૂપિયામાં રિડીમ કરી શકાશે. ત્રીજો વિકલ્પ વિપ્રો એન્ટરપ્રાઇઝિસના શૅર્સના બદલામાં વિપ્રો લિમિટેડના પ્રમોટર્સ હોલ્ડિંગના શૅર મેળવવાનો છે. વિપ્રો એન્ટરપ્રાઇઝિસના ૧.૬૫ ઇક્વિટી શૅર સામે વિપ્રોનો એક શૅર મળશે.