સ્ટેટ બૅન્ક સતત ૫ દિવસ બંધ રહેશે?

05 November, 2011 07:43 PM IST  | 

સ્ટેટ બૅન્ક સતત ૫ દિવસ બંધ રહેશે?

 

મૅનેજમેન્ટ અને તેમની વચ્ચે હજી મંત્રણાઓ ચાલી રહી છે, પણ જો મંત્રણાઓ પડી ભાંગશે તો હડતાળ નિશ્ચિત છે. સામે પક્ષે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ)ના મૅનેજમેન્ટ દ્વારા પણ એસબીઆઇના લાખો ગ્રાહકોને અગવડ ન પડે એ માટે જાહેરાત આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે એસબીઆઇના ગ્રાહકો ૮ અને ૯ નવેમ્બરે એટીએમ (ઑટોમેટેડ ટેલર મશીન)માંથી તેમના પૈસા કઢાવી શકશે. એ ઉપરાંત તેઓ ઇન્ટરનેટ-બૅન્કિંગ અને ફોન-બૅન્કિંગની સુવિધાનો પણ લાભ લઈ શકે છે. જોકે બહુ જ મહત્વનું કામ હોય તો એ આજે જ પતાવી લેજો, કારણ કે સોમવારે પણ ઈદને કારણે બૅન્ક-હૉલિડે છે અને ત્યાર બાદ ૧૦ નવેમ્બરે ગુરુનાનક જયંતી છે એટલે ૬ નવેમ્બરના રવિવારથી શરૂ કરીને બૅન્ક સતત પાંચ દિવસ બંધ રહી શકે છે.

આ રાષ્ટ્રવ્યાપી સ્ટ્રાઇકનું આયોજન ઑલ ઇન્ડિયા સ્ટેટ બૅન્ક ઑફિસર્સ ફેડરેશન દ્વારા કરવામાં આવ્યું છે. બૅન્કના ઑફિસરોએ તેમની માગણીઓ વિશે કહ્યું હતું કે ‘ઑફિસરોને લીઝ પર ઘર મળવાં જોઈએ. ક્લેરિકલ કૅડરથી ઑફિસર બનાવવાની પ્રક્રિયા ફેર હોવી જોઈએ. ટ્રાન્સફરની પૉલિસીમાં સુધારો લાવવો જોઈએ. ઑફિસરોના વર્કિંગ અવર્સ ફિક્સ હોવા જોઈએ અને જો તેઓ એક્સ્ટ્રા અવર્સ અથવા રજાના દિવસે કે પબ્લિક હૉલિડેના દિવસે કામ કરે તો તેમને એનું પૂરતું વળતર મળવું જોઈએ અને પાંચ દિવસનું વીક હોવું જોઈએ.’

આ સહિત અન્ય માગણીઓ પણ તેમના દ્વારા કરવામાં આવી છે. ચર્ચાનો દોર ગઈ કાલે પણ ચાલુ રહ્યો હતો, પરંતુ ગઈ કાલ સાંજ સુધી મડાગાંઠ યથાવત્ રહી હતી.