માર્કેટબ્રેડ્થમાં વ્યાપક નબળાઈ સાથે શૅરબજાર આરંભથી અંત સુધી નરમ

01 September, 2026 07:58 AM IST  |  Mumbai | Anil Patel

અદાણીના તમામ શૅર ગગડ્યા, અદાણી એન્ટરપ્રાઇઝિસ ૩૦૯ રૂપિયા તૂટી નિફ્ટીમાં તો અદાણી પોર્ટ્‍સ ૪ ટકા લથડી સેન્સેક્સમાં ટૉપ લૂઝર બની

પ્રતીકાત્મક તસવીર

અદાણીના તમામ શૅર ગગડ્યા, અદાણી એન્ટરપ્રાઇઝિસ ૩૦૯ રૂપિયા તૂટી નિફ્ટીમાં તો અદાણી પોર્ટ્‍સ ૪ ટકા લથડી સેન્સેક્સમાં ટૉપ લૂઝર બની : મુકેશ અંબાણીની નેટવર્ક૧૮ સાડાછ વર્ષ તો આલોક ઇન્ડસ્ટ્રીઝ ૭૭ માસના નવા તળિયે : સનફાર્મા સેન્સેક્સમાં ૩૬ રૂપિયા તો નિફ્ટીમાં ૬૫ રૂપિયા ઊંચકાઈને બેસ્ટ ગેઇનર બની : HDFC બૅન્ક, હિન્દુસ્તાન યુનિલીવર અને ITC નવાં મલ્ટિયર બૉટમ દેખાડી ઘટાડામાં બંધ: શેફાલી-વિપુલ શાહની સનશાઇન બૅક-ટુ-બૅક તગડા ઉછાળે નવા શિખરે : GDP ગ્રોથ ૭.૮ ટકા આવ્યો

બ્રેન્ટ ક્રૂડ સાડાત્રણ ટકા વધી ૯૧.૫૦ ડૉલર નજીક પહોંચ્યું છે. ફેડ રેટ હવે પછી વધશે એવા વરતારા વધી પડ્યા છે. મધ્ય પૂર્વમાં રાબેતા મુજબ પ્રવાહી પરિસ્થિતિ છે, ક્યારે કંઈ પણ થઈ શકે છે. મોડી સાંજે ભારતના GDPના ડેટા જાહેર થવાના હતા એના પર નજર છે. બહુમતી માને છે કે જૂન ક્વૉર્ટરનો આર્થિક વિકાસદર ૭.૨ ટકા જેવો હશે. જોકે ન્યુ ઇન્ડિયાના 
અમૃત-કાળમાં સરકારી આંકડાની કશી અહેમિયત રહી નથી. એ ની વિશ્વસનીયતામાં સરકાર અને એના સમર્થકો સિવાય કોઈને વિશ્વાસ રહ્યો નથી. બહુમતી એશિયન બજાર ધીમા સુધારે બંધ થયાં છે. સિંગાપોર એકાદ ટકો અને ચાઇના પોણો ટકો પ્લસ હતું. જપાન, તાઇવાન અને હૉન્ગકૉન્ગ સાધારણ નરમ હતાં. યુરોપ ખાતે રનિંગમાં નહીંવતથી સામાન્ય ઘટાડો દેખાતો હતો. જર્મની પોણો ટકો માઇનસ હતું. લંડન બજાર રજામાં હતું. ડૉલર સામે રૂપિયો બાવીસ પૈસાના સુધારામાં ૯૫.૧૭ ચાલતો હતો. 
ઘરઆંગણે બજાર આગલા બંધથી ૧૩૩ પૉઇન્ટ નરમ, ૭૭,૧૩૧ ખૂલી આખો દિવસ માઇનસ ઝોનમાં રહી છેવટે ૩૦૭ પૉઇન્ટ ઘટી ૭૬,૯૫૭ તો નિફ્ટી ૯૫ પૉઇન્ટ ઘટી ૨૪,૦૮૦ બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં શૅરઆંક નીચામાં ૭૬,૭૫૧ તથા ઉપરમાં ૭૭,૧૭૭ થયો હતો. ખરાબ માર્કેટબ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૩૪૦ શૅર સામે ૨૨૦૪ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૨.૫૯ લાખ કરોડ ઘટી ૪૯૦.૨૩ લાખ કરોડ રહ્યું છે. સેન્સક્સ નિફ્ટીની ૦.૪ ટકા નજીકની પીછેહઠ સામે મેટલ ઇન્ડેક્સ ૨.૪ ટકા કે ૧૦૩૮ પૉઇન્ટ, પાવર ઇન્ડેક્સ ૧.૩ ટકા, યુટિલિટીઝ ૨.૬ ટકા, FMGC બેન્ચમાર્ક ૧.૧ ટકા, નિફ્ટી મીડિયા ૨.૮ ટકા ડૂલ થયો છે. ખાનગી બૅન્કોની હૂંફમાં બૅન્ક નિફ્ટી એક ટકા નજીક કે ૫૨૯ પૉઇન્ટ પ્લસ થયો છે. IT ઇન્ડેક્સ ૦.૯ ટકા નરમ હતો. 
સનફાર્મા દોઢા કામકાજે ૧.૯ ટકા વધીને ૧૯૫૬ના બંધમાં સેન્સેક્સ ખાતે તો ૩.૪ ટકા ઊછળી ૧૯૮૫ નજીકના બંધમાં નિફ્ટીમાં બેસ્ટ ગેઇનર બની છે. નિફ્ટીમાં નેસ્લે ૨.૯ ટકા, અૅક્સિસ બૅન્ક ૨.૮ ટકા, મેક્સ હેલ્થકૅર પોણાત્રણ ટકા મજબૂત હતી. સેન્સેક્સમાં અૅક્સિસ બૅન્ક દોઢ ટકો વધી છે, જ્યારે નેસ્લે સવા ટકો અને મેક્સ હેલ્થકૅર ૦.૬ ટકા BSEમાં પ્લસ હતી. અદાણી એન્ટરપ્રાઇઝ નિફ્ટીમાં અને અદાણી પોર્ટ્સ સેન્સેક્સમાં ટૉપ લુઝર બની છે. આ સિવાય અદાણીના અન્ય શૅરમાં અદાણી પાવર સાડાછ ટકા, અદાણી એનર્જી ૭.૪ ટકા કે ૧૧૭ રૂપિયા, અદાણી ગ્રીન સાતેક ટકા, અદાણી ટોટલ અઢી ટકા, એસીસી સવાબે ટકા, અંબુજા સિમેન્ટ્સ અઢી ટકા, NDTV પોણાત્રણ ટકા, PSP પ્રોજેક્ટ્સ દોઢ ટકો, સેમિન્ડિયા સાડાત્રણ ટકા ખરડાઈ છે. સુભાષ ગોએલની ઝી એન્ટરટેઇનમેન્ટ આઠ ટકા નજીક તૂટી ૯૩ ઉપર બંધ આવી છે. મુકેશ અંબાણીની આલોક ઇન્ડસ્ટ્રીઝ સવાઆઠ ટકા તૂટી સાડાઆઠ રૂપિયાના વર્સ્ટ લેવલે બંધ થઈ છે. નેટવર્ક૧૮માં ૨૭નું સવાછ વર્ષનું બૉટમ બન્યા પછી સવાચાર ટકા ઘટાડે ૨૭.૩૮નો બંધ આવ્યો છે. સ્ટરલિંગ વિલ્સન સવાત્રણ ટકા ગગડી ૧૮૯ બંધ હતી. 

આજે ત્રણ નવાં ભરણાં, દીપા જ્વેલર્સનો ઇશ્યુ મોંઘા ભાવે

પ્રાઇમરીમાં નવાં ભરણાંમાં ભરતી ચાલુ છે. આજે, મંગળવારે ત્રણ ઇશ્યુ ખૂલશે જેમાંથી મેઇન બોર્ડ ખાતે હૈદરાબાદની દીપા જ્વેલર્સ બેના શૅરદીઠ ૧૭૭ની અપરબેન્ડમાં કુલ ૪૬૦ કરોડનો ઇશ્યુ કરવાની છે. ઇશ્યુમાં ઑફર ફૉર સેલ પેટે પ્રમોટર્સ ૨૧૦ કરોડ લઈ જવાના છે. QIB પોર્શન ૫૦ ટકા છે. ૨૦૧૬માં સ્થપાયેલી આ કંપની ગોલ્ડ તથા ડાયમન્ડ જ્વેલરીનું રીટેલ અને હોલસેલમાં ટ્રેડિંગ કરે છે. ગત વર્ષે ૩૮ ટકા વધારામાં ૧૯૨૮ કરોડની આવક ઉપર ૧૫૮ ટકા વધારામાં ૧૦૫ કરોડ નેટ નફો બતાવી દીધો છે. દેવું ૧૧૨ કરોડ પ્લસનું છે. બે વર્ષ પૂર્વે આવક ૧૦૨૬ કરોડ તથા નફો ૨૪ કરોડ આસપાસ હતો. ઇશ્યુમાંથી કંપની ૨૧૫ કરોડ વર્કિંગ કૅપિટલમાં વાપરશે. સારા-સારા લિસ્ટેડ જ્વેલરી શૅર હાલ ૨૦ કરતાં નીચા પીઈમાં મળે છે ત્યારે આ કંપનીની ઇશ્યુ પ્રાઇસ ૩૦નો પીઇ બતાવે છે. ગ્રેમાર્કેટમાં ૪૭થી શરૂ થયેલું પ્રીમિયમયમ ઉપર ૫૩ થઈ અત્યારે ૩૯ ચાલે છે. તાજેતરમાં મુંબઈની શાંકેશ જ્વેલર્સ પાંચના શૅરદીઠ ૯૩ના ભાવે ૩૬૭ કરોડનો ઇશ્યુ લાવી હતી. ભાવ લિસ્ટિંગ બાદ ૮૭ના વર્સ્ટ લેવલે જઈ હાલ ૯૩ છે. લલિતા જ્વેલરી માર્ટનો ઇશ્યુ ૫ના શૅરદીઠ ૨૦૧ના ભાવે આવ્યો હતો. ભાવ નીચામાં ૨૪૦ના તળિયે ગયા પછી અત્યારે ૨૫૮ છે. અદ્વેત જ્વેલ્સ ૧૦ના શૅરદીઠ ૧૩૮ના ભાવે ભરણું લાવી હતી. શૅર નીચામાં ૧૬૧ના વર્સ્ટ લેવલે ગયા બાદ અત્યારે ૨૪૦ ચાલે છે. 
બીજી કંપની રેઝ ઑફ બિલીફ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૨૩૯ની અપરબેન્ડમાં ૧૨૫ કરોડનો નાનકડો ઇશ્યુ મેઇન બોર્ડમાં મંગળવારે લાવશે. QIB પોર્શન ૭૫ ટકા હોઈ રીટેલ માટે ઇશ્યુમાં ૧૦ ટકાની જોગવાઈ છે. આ નૉન-પ્રોફિટ સોશિયલ કંપની ૨૦૧૭માં સ્થપાઈ હતી તે ઓટિઝમ સહિત બાળકોમાં જોવા મળતા ન્યુરોડેવલપમેન્ટ્સ ડીસ ઑર્ડરની સારવારના ક્ષેત્રે કામ કરે છે. કંપનીએ ગત વર્ષે ૧૨૫ ટકા વધારામાં ૮૨૦૬ લાખની આવક ઉપર ૧૬ ટકા ઘટાડામાં ૪૯૬ લાખ નેટ નફો કર્યો છે. દેવું ૩૬૧ લાખ છે. કંપની નવી દિલ્હીની છે. ગ્રેમાર્કેટમાં ૧૮થી શરૂ થયેલું પ્રીમિયમ નીચામાં ૧૦ થયા પછી હાલમાં ૨૫ ચાલે છે. 
SME સેગમેન્ટમાં આજે અમદાવાદની ફાર્મ પીસ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૫૯ના ભાવથી ૩૨ કરોડનો BSE SME IPO કરવાની છે. QIB પોર્શન ઝીરો છે. રીટેલ પોર્શન ૫૦ ટકા છે. ૨૦૨૧માં સ્થપાયેલી આ કંપની કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગ સેક્ટરમાં છે. તે વિવિધ પ્રકારના પ્રોસેસ્ડ ગ્રેડ બટાટાનું કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગ કરે છે. ગત વર્ષે ૧૪ ટકાના વધારામાં ૯૦૮૪ લાખની આવક ઉપર ૧૩ ટકા વધારામાં ૭૫૩ લાખ નેટનફો કર્યો છે. દેવું વર્ષમાં ૨૪૬ લાખથી વધી ૧૧૨૮ લાખ થયું છે. ઇશ્યુમાંથી ૨૩ કરોડ વર્કીંગ કૅપિટલમાં વપરાશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી. 

મુંબઈની ઑગમૉન્ટ એન્ટરપ્રાઇઝિસનું ધારણા કરતાં નબળું લિસ્ટિંગ

મુંબઈના લોઅર પરેલની ઑગમૉન્ટ એન્ટરપ્રાઇઝિસ પાંચના શૅરદીઠ ૭૮૮ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૧૯૦થી શરૂ થઈ ઉપરમાં ૩૯૫ થયા બાદ છેલ્લે ચાલતા ૨૯૦ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૯૫૬ ખૂલી ૯૦૮ બંધ રહેતાં ૧૫.૨ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૮૨૫ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૩૨.૬ ગણા સહિત કુલ ૧૧૧ ગણો ભરાયો હતો. આજે, મંગળવારે સિમ્બાયોટેક ફાર્માલૅબ, સ્કાયવેઝ અૅર સર્વિસિસ, હાઇટેક એન્જિનિયર્સ, મધુર નીટ ક્રાફ્ટ્સ તથા ABH હેલ્થકૅરનું લિસ્ટિંગ થવાનું છે. હાલમાં સ્કાયવેઝમાં ૩૬, સિમ્બાયોટેકમાં ૨૦૫, હાઇટેકમાં ૪૩, મધુર નીટમાં બે તથા ABH હેલ્થકૅરમાં ઝીરો પ્રીમિયમ બોલાય છે. બરોડાની ટેમ્પસેન્સ ઇન્શ્યુમેન્ટ્સ ૯૫.૬ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૫૮૭ નજીક બંધ થયા પછી ગઈ કાલે નીચામાં ૫૫૭ થઈ ૪ ટકા ઘટી ૫૬૩ રહી છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલા અન્ય શૅરમાં શેફાલી શાહ-વિપુલ એ. શાહની સનશાઇન પિક્ચર્સ ગઈ કાલે ૪૬૮નું શિખર બતાવી સવાછ ટકા ઊછળી ૪૫૬, ગજા ઑલ્ટરનેટિવ અૅસેટમૅનેજમેન્ટ ૧૪૯ના વર્સ્ટ લેવલે જઈ ૪ ટકા તૂટી ૧૫૨, શાંકેશ જ્વેલર્સ નીચામાં ૮૯ બનાવી દોઢ ટકો સુધરીને ૯૩, હોરાઇઝોન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ ૫૫ના નવા તળિયે જઈ સવાબે ટકા ઘટી ૫૭, લલિતા જ્વેલરી માર્ટ ઉપર ૨૭૨ વટાવીને ૨.૭ ટકા ઘટી ૨૫૮, મોપશૉપ ડિસ્ટ્રિબ્યુશન ૧૧૧નું નવું બૉટમ બતાવી પાંચ ટકા તૂટી ત્યાં જ, ધનવેલ હાઇબ્રિડ સીડ્સ ૮૫ નીચે નવા તળિયે જઈ પાંચ ટકા લથડી ત્યાં જ બંધ થઈ છે. 
દરમ્યાન ગઈ કાલે લ્યુમિનો ઇન્ડસ્ટ્રીઝનો પાંચના શૅરદીઠ ૮૨ના ભાવનો ૭૦૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૩૮ ગણા સહિત કુલ ૧૧૯ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ બાવન ચાલે છે. નાશિકની ESDS સૉફ્ટવેરનો એકના શૅરદીઠ ૪૨૯ના ભાવનો ૭૨૦ કરોડનો ઇશ્યુ આજે, મંગળવારે બંધ થશે. ભરણું અત્યાર સુધીમાં કુલ ૨૪ ગણું ભરાયું છે. પ્રીમિયમ ૩૨૩ બોલાય છે. મુંબઈના અંધેરી-ઈસ્ટની પ્રાયોરિટી જ્વેલ્સનો ૧૦ના શૅરદીઠ ૨૦૦ની અપરબેન્ડમાં ૯૨ કરોડનો IPO બીજા દિવસના અંતે કુલ ૨૮ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૪૫નું છે. મુંબઈના વિલે પાર્લે ઈસ્ટની પર્પલ સ્ટાઇલ લૅબ્સનો ૧૦ના શૅરદીઠ ૫૭૫ની અપરબેન્ડમાં ૬૮૦ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૫૫ ટકા સહિત કુલ ૧૪ ટકા ભરાયો છે. પ્રીમિયમ ઘટીને ૧૨ બોલાય છે. 
SME સેગમેન્ટમાં ૩ ભરણાં ગઈ કાલે ખુલ્યાં છે. એ માં ફીકેમ ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૫૪ના ભાવનો ૧૫ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૫ ટકા સહિત કુલ સવા ગણો, શાંતિ ઇનઑર્ગેનિક્સનો ૧૦ના શૅરદીઠ ૮૩ના ભાવનો ૪૭ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧.૭ ગણા સહિત કુલ ૧.૩ ગણો તથા આશુતોષ ફાઇબરનો ૧૦ના શૅરદીઠ ૯૨ના ભાવનો ૫૬ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૨.૨ ગણા સહિત કુલ ૧.૭ ગણો ભરાયો છે. અત્યારે ફીકેમમાં એકનું, શાંતિ ઇનઑર્ગેનિક્સમાં ૩૧ તથા આશુતોષમાં ૩૭ પ્રીમિયમ ચાલે છે. પાલક ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૪૮ના ભાવનો ૩૩ કરોડનો ઇશ્યુ કુલ ૬૮ ગણો તથા કમ્પ્લેટ સ્પોર્ટ્સ અૅન્ડ મૅનેજમેન્ટનો ૧૦ના શૅરદીઠ ૧૩૫ના ભાવનો ૭૫ કરોડનો ઇશ્યુ કુલ ૧૫ ટકા ભરાયો છે. આ બન્ને ભરણાં આજે બંધ થવાનાં છે. હાલ પલક ટેક્નૉલૉજીઝમાં ૨૫નું પ્રીમિયમ છે. ક્વીક ફૉરેન્સિક સૉલ્યુશન્સનો ૧૦ના શૅરદીઠ ૯૦ના ભાવનો ૫૧ કરોડનો BSE SME IPO રીટેલમાં ૩૧૦ ગણા સહિત કુલ ૨૮૭ ગણો ભરાઈ ગઈ કાલે પૂરો થયો છે. પ્રીમિયમ વધતું રહી અત્યારે ૭૦ બોલાય છે. 

HDFCની માઠી ગ્રહદશા, ભાવ ૩૧ માસના તળિયે જઈ ઘટાડે બંધ

HDFC બૅન્કની ગ્રહદશા ખરાબ છે. એક પછી એક માઠા સમાચાર ચાલુ જ છે. કંપનીના CEO એસ. જગદીશને હોદ્દો છોડી દેવાની જાહેરાત કરી છે. મઝાની વાત એ છે કે ભૂતકાળમાં જ્યારે બોર્ડ ઑફ ડિરેક્ટર્સ તરફથી જગદીશનને વિદાય લેવા કહેવાયું હતું ત્યારે તેમણે હોદ્દો છોડવાનો ઇનકાર કર્યો હતો. હવે રાજીનામું આપ્યું છે એટલે મામલો અવશ્ય ગરમાવાનો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૭૪૦ થઈ ૭૦૪ના નવા તળિયે જઈ છેવટે દોઢ ટકો ઘટી ૭૦૯ બંધ થયો છે. ૨૩ ઑક્ટોબર ૨૦૨૫માં આ કાઉન્ટર ૧૦૨૦ની વિક્રમી સપાટીએ ગયું હતું. દરમ્યાન મેકવાયર તરફથી ૧૧૫૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું ટેરિંગ જાળવી રખાયું છે. ITC લિમિટેડ નીચામાં ૨૫૬નું નવું તળિયું દેખાડી ૩.૭ ટકા તૂટી ૨૫૬ ઉપર રહી છે. મતલબ કે એમાં ૨૮ માર્ચ ૨૦૨૨ પછીની નવી બૉટમ બની છે. હિન્દુસ્તાન યુનિલીવર ૧૯૮૬ની ૨૧ માર્ચ ૨૦૨૨ પછીની સૌથી નીચી સપાટી બનાવી પોણો ટકો ઘટીને ૧૯૯૫ રહ્યા છે. સામે બજાજ ઑટો ૧૨,૧૦૦ ઉપર બે વર્ષના બેસ્ટ લેવલે જઈ દોઢ ટકા કે ૧૮૦ વધી ૧૨,૧૩૦ બંધ આવી છે. NSEમાં ૨૨૦ રૂપિયા વધી ૨૨,૧૩૦ બંધ હતી. 
ICICI બૅન્ક સવાયા કામકાજે ૧૪૫૧ની ઇન્ટ્રા-ડે ટૉપ બતાવી પોણાબે ટકા વધી ૧૪૫૦ બંધમાં બન્ને બજારમાં ઝળકી ૧૫૦ પૉઇન્ટ ફળી છે. રિલાયન્સ નીચે ૧૨૭૧ થઈ નહીંવત વધી ૧૨૮૫ બંધ થઈ છે. જિયો ફાઇનૅન્શિયલ સામાન્ય સુધારે ૨૩૯ રહી છે. નિફ્ટી ખાતે ગ્રાસિમ અઢી ટકા અને બજાજ ઑટો ૧.૯ ટકા પ્લસ હતી. સેન્સેક્સમાં અૅક્સિસ બૅન્ક દોઢ ટકો વધી છે. નિફ્ટી ખાતે અદાણી એન્ટરપ્રાઇઝિસ નીચામાં ૨૮૫૯ની અંદર જઈ ૩૦૯ રૂપિયા કે ૯.૮ ટકા તૂટી ૨૮૫૯ બંધમાં તથા સેન્સેક્સ ખાતે અદાણી પોર્ટ્સ ૧૬૩૫ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૪.૧ ટકાની ખરાબીમાં ૧૬૩૫ બંધ આપીને વર્સ્ટ પર્ફોર્મર બની છે. અન્યમાં તાતા સ્ટીલ સવા ટકો, ITC ૩.૭ ટકા, ઇન્ફોસિસ દોઢ ટકા, ભારતી અૅરટેલ ૩.૭ ટકા, JSW સ્ટીલ બે ટકા, તાતા મોટર્સ પૅસેન્જર ૩.૩ ટકા, કોટક બૅન્ક સવા ટકો, NTPC ૧.૨ ટકા, બજાજ ફાઇનૅન્સ ૧.૧ ટકા, ટેક મહિન્દ્રા પોણો ટકો, ટાઇટન એક ટકો, એશિયન પેઇન્ટ્સ એક ટકા, SBI લાઇફ ૧.૨ ટકા, આઇશર સવા ટકો, સિપ્લા સામાન્ય નરમ થઈ છે. HDFC બૅન્ક બજારને સર્વાધિક ૧૪૧ પૉઇન્ટ નડી છે. એ નું માર્કેટકૅપ ૧૧ લાખ કરોડની અંદર ૧૦.૯૨ લાખ કરોડ થઈ ગયું છે. બાય ધ વે, NSEમાં હિન્દુસ્તાન યુનિલીવર ૨.૧ ટકા ઘટીને ૧૯૬૭ બંધ થઈ છે. BSEમાં આ શૅર ૧૫ રૂપિયા તો NSEમાં ૪૩ રૂપિયા ઘટ્યો છે. આ સેબીની CASનો કમાલ છે યાર! અદાણી પોર્ટ્સ NSEમાં ૧૧૪ રૂપિયા ગગડી ૧૫૯૩ તો BSEમાં ૭૦ રૂપિયા બગડી ૧૬૩૫ બંધ થઈ છે. 

business news share market stock market national stock exchange bombay stock exchange nifty sensex adani group ipo icici bank