ઘઉંનું વાવેતર મધ્ય પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં વધ્યું

27 December, 2018 03:01 PM IST  |  | કૉમોડિટી કરન્ટ - મયૂર મહેતા

ઘઉંનું વાવેતર મધ્ય પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં વધ્યું

ટોચનાં ઉત્પાદક તમામ રાજ્યોમાં વાવેતર વિસ્તાર સરેરાશ વધીને આવ્યો છે

દેશમાં ઘઉંનું વાવેતર સરેરાશ ગયા વર્ષ જેટલું જ થયું હોવાના સરકારી આંકડાઓ આવી રહ્યા છે, પરંતુ રાજ્યવાર પૃથક્કરણ કરીએ તો ઘઉંનાં ટોચનાં ઉત્પાદક તમામ રાજ્યોમાં વાવેતરવિસ્તાર સરેરાશ વધીને આવ્યો છે. ખાસ કરીને પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિતનાં રાજ્યોમાં વાવેતરવિસ્તાર વધ્યો છે.

કેન્દ્રીય કૃષિમંત્રાલયના આંકડાઓ પ્રમાણે ૨૩ ડિસેમ્બર સુધીમાં સમગ્ર દેશમાં ઘઉંનું કુલ ૨૫૩.૫૨ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે જે ગયા વર્ષે ૨૫૭.૫ લાખ હેક્ટરમાં થયું હતું. આમ વાવેતરવિસ્તાર બે ટકા ઘટ્યો છે.

દેશમાં ઘઉંના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય એવા ઉત્તર પ્રદેશમાં ચાલુ વર્ષે વાવેતર એક ટકો વધીને ૮૪ લાખ હેક્ટરમાં થયું છે જે ગયા વર્ષે ૮૩ લાખ હેક્ટરમાં થયું હતું. મધ્ય પ્રદેશમાં ૧૭ ટકાનો વધારો થઈને ૪૭.૯૪ લાખ હેક્ટરમાં થયું હતું, જ્યારે પંજાબમાં ગયા વર્ષ જેટલું જ ૩૫ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. આમ ટોચનાં ઉત્પાદક રાજ્યોમાં વાવેતરવિસ્તાર વધ્યો હોવાથી કુલ વાવેતરવિસ્તાર સરેરાશ જળવાઈ રહ્યો છે.

દેશમાં જે રાજ્યોમાં દુષ્કાળની સ્થિતિ છે એવા ગુજરાત, રાજસ્તાન અને મહારાષ્ટ્રમાં વાવેતર ઘટ્યું છે. મહારાષ્ટ્રમાં ઘઉંના વાવેતરમાં ૪૬ ટકાનો જંગી ઘટાડો થયો છે, જ્યારે રાજસ્થાનમાં નવ ટકા ઘટ્યું છે. બિહારમાં ૧૮ ટકા અને ગુજરાતમાં ૩૧ ટકાનો ઘટાડો થયો છે.

આ ત્રણ રાજ્યોમાં આગામી બે મહિના દરમ્યાન જો વાતાવરણ સૂકું રહેશે અને ફેબ્રુઆરીનું તાપમાન સામાન્ય કરતાં વધી જશે તો ઉતારાને મોટી અસર પડે એવી પણ સંભાવના છે. સમગ્ર દેશમાં ઘઉંની સૌથી પહેલી આવકો સૌરાષ્ટ્રમાં થાય છે, પરંતુ ચાલુ વર્ષે આગોતરા વાવેતર ઓછા થયા છે. રાજ્યમાં ઠંડીની શરૂઆત મોડી થઈ હોવાથી એની મોટી અસર જોવા મળી છે. જોકે પાછોતરું વાવેતર પણ હજી ચાલુ હોવાથી સીઝન લાંબી ચાલે એવી પણ સંભાવના છે. મધ્ય પ્રદેશમાં માર્ચ મહિનાથી નવી આવકો શરૂ થઈ જાય એવી સંભાવના છે.

 

ઘઉંનું ઉત્પાદન સમગ્ર દેશમાં ભલે ગયા વર્ષ જેટલું જ હોય, પરંતુ પ્રતિકૂળ હવામાનને કારણે ઉત્પાદન ગયા વર્ષથી ઘટી જાય એવા અંદાજો વિવિધ એજન્સી, નિષ્ણાતો અને વેપારીઓ દ્વારા આવી રહ્યા છે. વેપારીઓના મતે ઘઉંનું ઉત્પાદન ૯૦૦ લાખ ટનથી વધે એવા સંજોગો ખૂબ જ ઓછા દેખાઈ રહ્યા છે. જો એનાથી વધુ ઉત્પાદન ઘટશે તો દેશમાં આયાતવેપારો પણ વધી જાય એવી ધારણા છે.