મ્યુચ્યુઅલ ફન્ડ ક્યારે સહી બને છે?

11 February, 2019 09:33 AM IST  |  | ખ્યાતિ મશરૂ

મ્યુચ્યુઅલ ફન્ડ ક્યારે સહી બને છે?

પ્રતીકાત્મક તસવીર

વેલ્થ મૅનેજમેન્ટ 

જાન્યુઆરી મહિનામાં અનેક રીટેલરોએ ડિસ્કાઉન્ટ અને સેલ રાખ્યાં હતાં. ધારો કે તમે પુરુષોનાં વસ્ત્રોની દુકાનમાં ગયા. ત્યાં તમને અનેક પૅટર્ન, પ્રિન્ટ, રંગ અને સાઇઝનાં કપડાં જોવા મYયાં. તમે દુકાનમાં મૂકેલાં પૂતળાં પર શોભતાં કપડાં ખરીદશો કે તમારા પર શોભતાં? તમને પૂતળા પર શોભતું કપડું એક વખત જરૂર આકર્ષશે, પરંતુ તમે પોતાની સાઇઝનું અને પોતાના પર સારું લાગતું કપડું જ ખરીદશો.

કપડાંની દુકાનમાં તો તમે પોતાને માફક આવતાં વસ્ત્રો ખરીદો છો, પણ શું મ્યુચ્યુઅલ ફન્ડના રોકાણમાં એવું કરો છો? ’પર્સનલ ફાઇનૅન્સ’માં જ ‘પર્સનલ’ શબ્દ આવી જાય છે, છતાં એમાં લોકો પર્સનલ એટલે કે અંગત પસંદગીને બદલે પાડોશીએ, સંબંધીએ કે સહકર્મચારીએ સૂચવેલા ફન્ડમાં જ રોકાણ કરતા હોય છે.

ખરી રીતે મ્યુચ્યુઅલ ફન્ડ તમારાં પોતાનાં નાણાકીય લક્ષ્યો, નાણાકીય જોખમ ખમવાની ક્ષમતા વગેરે બાબતોની સાથે બંધબેસતું હોય એ આવશ્યક છે. મ્યુચ્યુઅલ ફન્ડની દરેક સ્કીમનો એક ઉદ્દેશ નક્કી કરવામાં આવેલો હોય છે. એ જ રીતે તમે જે સ્કીમ પસંદ કરો એ તમારા ઉદ્દેશ સુધી પહોંચવામાં મદદ કરે એવી હોવી જોઈએ.

આ પણ વાંચો : વૈશ્વિક બૉન્ડ યીલ્ડમાં કડાકો : ડૉલેક્સ અને રૂપિયામાં સુધારો

ભારતમાં ૪૪ ઍસેટ મૅનેજમેન્ટ કંપનીઓ, ૨૫૯૯ કરતાં વધુ ફન્ડ અને ફન્ડની સાત વિશાળ શ્રેણીઓ છે. અત્યાર સુધી જો તમે મ્યુચ્યુઅલ ફન્ડનો ઉપયોગ કર્યો હોય તો શું તમે જાણો છો કે તમારી પાસે કયા ફન્ડની કઈ સ્કીમ છે? એ સ્કીમ તમે કેમ પસંદ કરી? તમારી પાસે એ સ્કીમ કેટલા વખતથી છે? ‘મ્યુચ્યુઅલ ફન્ડ સહી હૈ’ એવું કહેવાય છે, પણ શું એ તમારા માટે પણ ‘સહી’ છે?