06 June, 2025 06:57 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
BSE લિમિટેડમાં નવા શિખર જારી, અનલિસ્ટેડ માર્કેટમાં NSEનો શૅર ૨૩૩૩ના નવા શિખરે : આઇટી અને ઈડીના દરોડા વચ્ચે પણ લોકપ્રકાશનના શૅરનો ભાવ ૧૫ લાખ રૂપિયાએ યથાવત્ : ગાર્ડન રિચ તગડા ઉછાળે નવી ટોચે, સિકા ઇન્ટર પ્લાન્ટમાં સાડાતેર ટકાની તેજી, કોચીન શિપયાર્ડ ૧૧૨ રૂપિયા ઊંચકાયો : વૉલટેમ્પ ૭૪૯ના જમ્પમાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર, યસ બૅન્ક ૧૦ ટકા લથડીને વર્સ્ટ પર્ફોર્મર બની : બૅન્ક નિફ્ટી નવા બેસ્ટ લેવલે જઈ પ્રૉફિટ બુકિંગમાં ઘટ્યો, બૅન્કિંગના ૪૧માંથી ૩૫ શૅર ડાઉન : પ્રોસ્ટર્મ ઇન્ફોનું પ્રોત્સાહક લિસ્ટિંગ, નિકિતા પેપર્સમાં ૧૪ ટકાની લિસ્ટિંગ લૉસ મળી : માર્કેટ બ્રેડ્થ નબળી
એશિયા ખાતે મંગળવારે સાઉથ કોરિયા અને થાઇલૅન્ડ રજામાં હતાં. ઇન્ડોનેશિયા સાધારણ તો જપાન નજીવું નરમ હતું. સામે હૉન્ગકૉન્ગ દોઢ ટકો, તાઇવાન અને ચાઇના અડધો ટકો તથા સિંગાપોર સામાન્ય સુધારામાં હતું. યુરોપ રનિંગમાં અતિ સાંકડી વધઘટે મિશ્ર વલણ દર્શાવતું હતું. મતલબ કે ગઈ કાલે વિશ્વબજારોમાં નબળાઈ જેવું કાંઈ નહોતું. બિટકૉઇન છેલ્લા ૨૪ કલાકમાં ૧,૦૬,૫૨૩ ડૉલરની ટૉપ પછી રનિંગમાં ૧,૦૫,૩૩૦ ડૉલર દેખાયો છે. બ્રેન્ટ ક્રૂડ ૬૫ ડૉલરની અંદર જોવાયું છે. પાકિસ્તાનનું કરાચી શૅરબજાર ૧,૧૮,૮૭૮ના આગલા બંધ સામે ગઈ કાલે ઉપરમાં ૧,૨૦,૬૯૪ બતાવી રનિંગમાં ૧૬૪૯ પૉઇન્ટ કે ૧.૪ ટકા વધી ૧,૨૦,૫૨૭ જોવા મળ્યું છે. લાગે છે કે ૧.૨૦ લાખ પૉઇન્ટ ઉપર બંધની રીતે ત્યાં નવો વિક્રમ સર્જાશે.
બે દિવસની કમજોરી બાદ ઘરઆંગણે બજાર પૉઝિટિવ ઝોનમાં ખૂલવાના વરતારા હતા એ મુજબ મંગળવારે સેન્સેક્સ આગલા બંધથી ૧૧૮ પૉઇન્ટ પ્લસમાં, ૮૧,૪૯૨ ખૂલી તરત ૮૧,૭૭૪ થયો હતો. જોકે આ ક્ષણિક સુધારો તદ્દન છેતરામણો નીવડ્યો છે. શૅરઆંક નીચામાં ૮૦,૫૭૫ થઈ ૬૩૬ પૉઇન્ટની ખરાબીમાં ૮૦,૭૩૭ ગઈ કાલે બંધ આવ્યો છે. નિફ્ટી ૧૭૪ પૉઇન્ટ બગડીને ૨૪,૫૪૨ રહ્યો છે. રિયલ્ટી સવા ટકો અને નિફ્ટી મીડિયા પોણો ટકો વધ્યા છે. આ સિવાય બન્ને બજારનાં તમામ સેક્ટોરલ લાલ થયાં છે. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૨૨૪ શૅર સામે ૧૬૯૬ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ પ્રોવિઝનલ ફીગર પ્રમાણે ૨.૨૬ લાખ કરોડ રૂપિયા ઘટીને ૪૪૩.૧૬ લાખ કરોડ રૂપિયા નોંધાયું છે. સેન્સેક્સ અને નિફ્ટીની પોણા ટકાની નરમાઈ સામે પાવર યુટિલિટીઝ બેન્ચમાર્ક દોઢ-દોઢ ટકા, ઑઇલ-ગૅસ એક ટકો, એનર્જી ઇન્ડેક્સ ૦.૯ ટકા, કૅપિટલ ગુડ્સ ૦.૯ ટકા, આઇટી અને ફાઇનૅન્સ પોણા ટકા આસપાસ ડાઉન હતા.
અનલિસ્ટેડ માર્કેટમાં NSEના શૅરનો ભાવ વધીને હાલ ૨૩૩૩ની નવી વિક્રમી સપાટીએ આવી ગયો છે. ભાવ મહિના પહેલાં ૧૫૯૯ તથા ૨૧ મેએ ૧૭૧૫ ચાલતો હતો. ગુજરાત સમાચારવાળી લોકપ્રકાશન લિમિટેડના શૅરનો ભાવ ઇન્કમ ટૅક્સ તથા EDના દરોડાના હાઈ પ્રોફાઇલ એપિસોડ પછી આજે પણ ૧૫ લાખ રૂપિયે અનલિસ્ટેડ માર્કેટમાં ટકેલો છે. શૅરની ફેસવૅલ્યુ ૨૦૦ની છે. નવેમ્બર ૨૦૨૪થી જાન્યુઆરી ૨૦૨૫ના ગાળામાં ભાવ ૧૭ લાખના શિખરે ચાલતો હતો. મે ૨૦૨૪માં રેટ ૧૨ લાખનો હતો.
ડિફેન્સ ઇન્ડેક્સ ૮૮૬૧ની ઑલટાઇમ હાઈ બનાવી ગઈ કાલે ૧૮માંથી ૧૨ શૅરના સથવારે એક ટકો વધી ૮૭૯૩ બંધ થયો છે. ગાર્ડન રિચ ૩૧૮૯ના શિખરે જઈ ૧૮૪ રૂપિયા કે સવાછ ટકાની તેજીમાં ૩૧૫૦ બંધ થઈ છે. કોચીન શિપયાર્ડ ૧૧૨ રૂપિયા કે પોણાછ ટકા તથા માઝગાવ ડૉક દોઢ ટકો મજબૂત હતી. આઇડિયા ફોર્જ સવાછ ટકા ઊચકાઈ ૫૬૨ નજીક સરકી છે. સિકા ઇન્ટર પ્લાન્ટ ૯૫૯ના બેસ્ટ લેવલ બાદ ૧૧૨ રૂપિયા કે સાડાતેર ટકા ઊછળી ૯૩૭ વટાવી ગઈ છે. વૉલટેમ્પ ટ્રાન્સફૉર્મર્સ બમણા વૉલ્યુમે નવ ટકા કે ૭૪૯ના જમ્પમાં ૯૦૫૯ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બની છે. દૂડલા ડેરી ૭ ટકા ઊછળી ૧૩૨૧ થઈ છે. ઇન્ડિયા સિમેન્ટ્સ સાડાછ ટકા ઊચકાઈ ૩૫૧ હતી. MRF બે ટકા કે ૨૮૩૩ રૂપિયા બગડીને ૧,૩૭,૮૩૪ બંધ થઈ છે. એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ જે ૨૦૨૪ની ૮ નવેમ્બરે ૩,૩૨,૪૦૦ રૂપિયાના સર્વોચ્ચ શિખરે હતી એ ઘટતી રહી ગઈ કાલે ૦.૪ ટકા કે ૫૪૭ની નરમાઈમાં ૧,૨૯,૩૦૦ બંધ હતી.
સ્કોડા ટ્યુબ્સ સહિત આજે કુલ નવ મૂડીભરણાંનું લિસ્ટિંગ થશે
મંગળવારે ૪ ભરણાં લિસ્ટેડ થયાં એમાં મેઇન બોર્ડની પ્રોસ્ટર્મ ઇન્ફો સિસ્ટમ્સ ૧૦ના શૅરદીઠ ૧૦૫ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રે માર્કેટમાં છેલ્લે બોલાતા ૧૨ના પ્રીમિયમ સામે ૧૨૫ ખૂલી ઉપરમાં ૧૩૦ બતાવી ૧૨૬ બંધ થતાં ૨૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. SME સેગમેન્ટ ખાતે એસ્ટોનિઆ લૅબ્સ ૧૦ના શૅરદીઠ ૧૩૫ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૩૭ ખૂલી ઉપરમાં ૧૪૦ થયા બાદ ૧૩૭ બંધ રહેતાં એમાં દોઢ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. બ્લુવૉટર લૉજિસ્ટિકસ શૅરદીઠ ૧૩૫ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૪૧ ખૂલી નીચામાં ૧૩૫ અને ઉપરમાં ૧૪૮ વટાવી ૧૪૮ બંધ આવતાં એમાં ૯.૭ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. નિકિતા પેપર્સ ૧૦ના શૅરદીઠ ૧૦૪ની ઇશ્યુ પ્રાઇસ સામે ડિસ્કાઉન્ટમાં ૯૦ ખૂલી નીચામાં ૮૫ અને ઉપરમાં ૯૨ બતાવી ૮૯ બંધ થતાં એમાં ૧૪ ટકાની લિસ્ટિંગ લૉસ મળી છે. આજે, બુધવારે SME કંપની નૅપ્ચ્યુન પેટ્રોકેમિકલ્સ તથા એનઆર વંદના ટેક્સટાઇલ અને મેઇન બોર્ડની સ્કોડા ટ્યુબ્સનું લિસ્ટિંગ થવાનું છે. ગ્રે માર્કેટ ખાતે હાલ સ્કોડા ટ્યુબ્સમાં ૧૮ રૂપિયા તથા એન.આર. વંદના ટેક્સટાઇલમાં ૯નું પ્રીમિયમ બોલાય છે. SME સેગમેન્ટમાં થ્રી-બી ફિલ્મ્સનો ૧૦ના શૅરદીઠ ૫૦ના ભાવનો ૩૩૭૫ લાખનો BSE SME IPO ગઈ કાલે કુલ ૧.૮ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં કામકાજ પહેલેથી નથી. બુધવારે ગંગા બાથ ફિટિંગ્સ ૧૦ના શૅરદીઠ ૪૯ના ભાવથી ૩૨૬૫ લાખ રૂપિયાનો SME ઇશ્યુ કરવાની છે. એમાંય ગ્રે માર્કેટમાં કામકાજ નથી. શ્લોષ બૅન્ગલોર કે લીલા હોટેલ્સ સોમવારે ફ્લૅટ લિસ્ટિંગ ગેઇનમાં બંધ થયા બાદ ગઈ કાલે નીચામાં ૪૧૬ થઈ ૪૩૫ના આગલા લેવલે બંધ રહી છે. જ્યારે એજીસ વોપેક ટર્મિનલ્સ ૨૬૪ની નવી ટૉપ બતાવી પોણાછ ટકા વધીને ૨૫૬ થઈ છે. યુનિફાઇડ ડેટા ટેક ૩૧૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૨૯૦ થઈ ત્યાં જ બંધ હતી. બોરણા વીવ્ઝ અડધો ટકો ઘટીને ૨૧૯ નજીક હતી તો બેલરાઇઝ ઇન્ડ. પણ અડધા ટકા જેવી નબળાઈમાં ૯૨ દેખાઈ છે.
ખાતર ઉદ્યોગના ૨૪માંથી ૧૮ શૅર વધ્યા, ફેક્ટમાં ૧૩૭ રૂપિયાની તેજી
મૉન્સૂનના આગમનની અસર હોય કે પછી ગમે એ, પરંતુ ગઈ કાલે નબળા બજારમાં ખાતર ઉદ્યોગના શૅર એકંદર ફેન્સીમાં હતા. અત્રે કુલ ૨૪માંથી ૧૮ શૅર વધ્યા હતા. સરકારની ૯૦ ટકા માલિકીની ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સ (ફેક્ટ) ૨૪ ગણા જંગી કામકાજમાં ૧૫.૫ ટકા કે ૧૩૭ રૂપિયાની તેજીમાં ૧૦૨૫ બંધ રહી મોખરે હતી. મદ્રાસ ફર્ટિલાઇઝર્સ ૪ ગણા કામકાજે ઉપરમાં ૧૦૭ નજીક ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારી ૮.૪ ટકા ઊચકાઈ ૯૬ રહી છે. નૅશનલ ફર્ટિલાઇઝર્સ છ ગણા વૉલ્યુમે ૧૧૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ આઠ ટકાની મજબૂતીમાં ૧૦૭ તથા RCF આઠ ગણા વૉલ્યુમે ૧૬૪ વટાવ્યા બાદ સવાછ ટકા વધીને ૧૬૦ રહી છે. અન્યમાં નોવા એગ્રીટેક ૬.૩ ટકા, મેંગ્લોર કેમિકલ્સ પોણાપાંચ ટકા, જીએસએફસી ૪.૫ ટકા, એરિસ ઍગ્રો ૪.૩ ટકા, સ્પીક ત્રણ ટકા, ઝુખારી ઍગ્રો ૨.૮ ટકા, કોરોમાંડલ ઇન્ટર. સવા ટકો પ્લસ હતા. પેસ્ટિસાઇડ્સ/ઍગ્રોકેમ સેક્ટરના ૨૫માંથી ૧૦ શૅર વધ્યા હતા. ધર્મરાજ ક્રૉપ ગાર્ડ ઉપરમાં ૨૯૫ થઈ છ ગણા કામકાજે ૧૧.૩ ટકા વધી ૨૭૮ હતી. ધાનુકા એગ્રીટેક ૩.૩ ટકા, એસ્ટેક લાઇફ ૩.૫ ટકા, મેઘમણિ ઑર્ગેનિક્સ દોઢ ટકા અપ હતી.
રેપો રેટમાં એક વધુ કટની અપેક્ષા સાથે રિઝર્વ બૅન્કની નાણાનીતિ માથે છે ત્યારે બૅન્ક નિફ્ટી ૫૬,૧૬૧ની સર્વોચ્ચ સપાટી બનાવી પ્રૉફિટ બુકિંગમાં ૩૦૩ પૉઇન્ટ કે અડધો ટકો ઘટી ૫૫,૬૦૦ બંધ થયો છે. એના ૧૨માંથી ૯ શૅર નરમ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી તમામ ૧૨ શૅરના બે દિવસના તગડા જમ્પ બાદ ગઈ કાલે ૧૨માંથી ૧૧ શૅરના ઘટાડામાં ૦.૬ ટકા માઇનસ હતો. બૅન્કિંગ ક્ષેત્રની ૪૧માંથી ૩૫ જાતો ગઈ કાલે ઘટી છે. ફેડરલ બૅન્ક સર્વાધિક સવાબે ટકા, સિટી યુનિયન બૅન્ક સવા ટકો અને ફીનો પેમેન્ટ બૅન્ક એક ટકો પ્લસ હતી. યસ બૅન્ક ૧૦ ટકા તૂટી ૨૧ નીચે રહી છે. કામકાજ ૩૭ ગણું હતું. સૂર્યોદય બૅન્ક, ઉત્કર્ષ બૅન્ક, આઇઓબીઆઇ, IDFC ફર્સ્ટ બૅન્ક, ઇસફ બૅન્ક, ઇન્ડિયન બૅન્ક સવાબેથી સાડાત્રણ ટકાની નજીક ખરડાઈ હતી.
અમેરિકાના રડારમાં આવતા અદાણીના તમામ શૅર માઇનસ
ગઈ કાલે સેન્સેક્સના ૩૦ શૅરમાંથી એકમાત્ર મહિન્દ્ર અડધો ટકો સુધરી ૩૦૪૧ નજીક બંધ હતો. નિફ્ટીના ૫૦માંથી વધેલા ૪૩ શૅરમાં ગ્રાસિમ એક ટકાથી વધુના સુધારે ૨૫૫૨ના બંધમાં મોખરે હતો. શ્રીરામ ફાઇનૅન્સ ૦.૯ ટકા તથા બજાજ ઑટો અડધો ટકો અપ હતા. ઈરાન સાથેના વેપારી સંબંધોના મામલે અદાણી ગ્રુપ રડારમાં આવતાં અમેરિકન સતાવાળાઓએ તપાસ હાથ ધરતાં ગઈ કાલે અદાણી ગ્રુપના શૅર માયુસ હતા. અદાણી પોર્ટ્સ અઢી ટકા જેવા ઘટાડે ૧૪૩૩ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બની છે. અદાણી એન્ટરપ્રાઇઝ ૧.૯ ટકા બગડી ૨૪૭૧ હતી. અદાણી પાવર બે ટકા, અદાણી એનર્જી સવાબે ટકા, અદાણી ગ્રીન દોઢ ટકા, અદાણી ટોટલ દોઢ ટકાથી વધુ, NDTV સવાબે ટકા, સાંધી ઇન્ડસ્ટ્રીઝ સવા ટકો, અંબુજા સિમેન્ટ્સ પોણા ટકાથી વધુ તો એસીસી અને અદાણી વિલ્મર નહીંવત્ નરમ હતા. બજાજ ફીનસર્વ અને બજાજ ફાઇનૅન્સ પોણાબે ટકા ડૂલ થઈ છે. લાર્સન, તાતા સ્ટીલ, તાતા મોટર્સ, ઍક્સિસ બૅન્ક, અલ્ટ્રાટેક, TCS, એનટીપીસી, મારુતિ સુઝુકી, ઇન્ડસઇન્ડ બૅન્ક, એટર્નલ, પાવર ગ્રીડ, SBI લાઇફ, અપોલો હૉસ્પિટલ્સ, HDFC લાઇફ એકથી દોઢ ટકાની આસપાસ કપાયા છે. કૉલ ઇન્ડિયા પોણાબે ટકા માઇનસ હતી. રિલાયન્સ વધુ અડધો ટકો ઘટીને ૧૪૦૬ થઈ છે. ICICI બૅન્ક ૦.૯ ટકાના ઘટાડે ૧૪૩૮ બંધ આપી બજારને સર્વાધિક ૮૦ પૉઇન્ટ નડી છે. ઇન્ફી પોણો ટકો તો સ્ટેટ બૅન્ક અડધો ટકો ડાઉન હતી.
BSE લિમિટેડ નવી વિક્રમી સપાટીની હૅટ-ટ્રિકમાં ૨૭૮૮ થઈ અઢી ટકાની આગેકૂચમાં ૨૭૬૫ બંધ આવી છે. આગલા દિવસના ડબલ ડિજિટના ઉછાળાને પચાવી CDSL દોઢ ટકો વધી ૧૭૦૯ થઈ છે. MCX અઢી ગણા વૉલ્યુમે ૧૩૫ રૂપિયા કે બે ટકા વધીને ૬૮૪૦ વટાવી ગઈ છે. કેમ્સ સવા ટકો, કેફીન ટેક્નૉલૉજી પોણો ટકો, ઇન્ડિયન એનર્જી એક્સ. સામાન્ય સુધરી હતી. આનંદ રાઠી વેલ્થ દોઢ ટકા, જેએમ ફાઇનૅન્સ પોણાત્રણ ટકા, મોતીલાલ ઓસવાલ પોણાબે ટકા, એન્જલ વન દોઢ ટકો, નુવામા વેલ્થ દોઢ ટકા નજીક, એડલવાઇસ ૩ ટકા, જિયોજિત ફાઇનૅન્સ સવા ટકો ઘટી છે.