વોડાફોન-આઇડિયા વહેલી તકે કરશે એજીઆરની ચુકવણી

16 February, 2020 08:11 AM IST  |  New Delhi

વોડાફોન-આઇડિયા વહેલી તકે કરશે એજીઆરની ચુકવણી

સુપ્રીમ કોર્ટ

છેલ્લા કેટલાક સમયથી દેશના ટેલિકૉમ સેક્ટર પર ઍડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)ની ચુકવણીના મામલે સુપ્રીમ કોર્ટની તવાઈ ચાલી રહી હતી ‍એવામાં વોડાફોન આઇડિયા લિમિટેડે કહ્યું કે એ ટૂંક સમયમાં એજીઆરની ચુકવણી કરી દેશે. હાલમાં એજીઆર પેટે કેટલા રૂપિયા ચૂકવવાના રહે છે એ વિશે કંપની સમીક્ષા કરી રહી છે.

એજીઆર બાબતે માહિતી આપતાં વોડાફોન આઇડિયા લિમિટેડે કહ્યું કે ‘સુપ્રીમ કોર્ટે ૨૦૧૯ની ૨૪ ઑક્ટોબરે આપેલા ઑર્ડર સંદર્ભમાં કંપની ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશને બાકી રહેલા એજીઆરમાંથી કેટલા રૂપિયા ચૂકવી શકશે એની સમીક્ષા કરી રહી છે. કંપની આ નાણાં થોડા દિવસોમાં ભરી દેશે.’

આ ઉપરાંત કંપનીએ જણાવ્યું છે કે ભારતમાં એનું ભવિષ્ય સુપ્રીમ કોર્ટના ઑર્ડર પર આધાર રાખે છે. નોંધનીય છે કે ટેલિકૉમ કંપનીઓના કુલ ૧.૪૭ લાખ કરોડ રૂપિયા ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશનને ચૂકવવાના બાકી છે જેમાંથી સૌથી વધારે દેણું ૫૩,૦૩૮ કરોડ રૂપિયા વોડાફોન આઇડિયાના નામે છે. આ ૫૩,૦૩૮ કરોડ રૂપિયામાં કંપનીના ૨૪,૭૨૯ કરોડ રૂપિયા સ્પેક્ટ્રમના છે, જ્યારે બાકી રહેલા ૨૮,૩૦૯ કરોડ રૂપિયા લાઇસન્સ-ફીના છે.

ભારતી ઍરટેલ આ યાદીમાં બીજા ક્રમે છે જેને માથે ૩૫,૫૮૬ કરોડ રૂપિયાનું દેણું છે. જોકે ભારતી ઍરટેલે થોડા દિવસ અગાઉ જણાવ્યું હતું કે એ ૨૦ ફેબ્રુઆરીએ ૧૦,૦૦૦ કરોડ રૂપિયા જમા કરાવી દેશે. સુપ્રીમ કોર્ટે ટેલિકૉમ કંપનીઓને એજીઆરની ચુકવણી કરવા માટે ૧૭ માર્ચ સુધીનો સમય આપ્યો છે.

vodafone idea airtel business news supreme court