વિપ્રોનો ત્રીજા ક્વૉર્ટરનો નફો 31.8 ટકા વધીને 2544.5 કરોડ થયો

19 January, 2019 10:36 AM IST  | 

વિપ્રોનો ત્રીજા ક્વૉર્ટરનો નફો 31.8 ટકા વધીને 2544.5 કરોડ થયો

ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી સર્વિસિસ ક્ષેત્રની બૅન્ગલોરસ્થિત અગ્રણી કંપની વિપ્રોએ ગઈ કાલે ઑક્ટોબર-ડિસેમ્બર 2018ના ત્રીજા ક્વૉર્ટરનાં નાણાકીય પરિણામો જાહેર કર્યા હતાં, જે મુજબ કંપનીએ એક વર્ષ પહેલાંના સમાન ગાળાની તુલનાએ કૉન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 31.8 ટકાનો વધારો નોંધાવ્યો છે. કંપનીનો કૉન્સોલિડેટેડ ચોખ્ખો નફો આ સમયગાળા દરમ્યાન 1930.10 કરોડથી વધીને 2544.10 કરોડ રૂપિયા થયો છે.

કંપનીના ર્બોડે પ્રત્યેક ત્રણ શૅરદીઠ એક બોનસ શૅર્સ ઇશ્યુ કરવાની ભલામણ કરી છે, એમ કંપનીએ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જને મોકલેલા ફાઇલિંગમાં જણાવ્યું હતું. કંપનીએ શૅરદીઠ એક રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ડિવિડન્ડની ચુકવણીની રેકૉર્ડડેટ 30 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે. કંપનીની કામકાજની આવક પાછલા વર્ષના સમાન ગાળાના 13,669 કરોડથી 10.17 ટકા વધીને ડિસેમ્બર 2018 ક્વૉર્ટરના અંતે 15059.50 કરોડ રૂપિયા થઈ છે. કંપની બે રૂપિયાની મૂળ કિંમતના પ્રત્યેક ત્રણ શૅરદીઠ એક બોનસ શૅર ઇશ્યુ કરશે, જે શૅરધારકોની મંજૂરીને આધીન હશે એમ કંપનીએ ફાઇલિંગમાં જણાવ્યું હતું.