તુવેર-અડદ અને બટાટાનો વાયદો ફરી શરૂ થાય તેવી સંભાવના

04 April, 2019 09:56 AM IST  | 

તુવેર-અડદ અને બટાટાનો વાયદો ફરી શરૂ થાય તેવી સંભાવના

ઍગ્રી કૉમોડિટી વાયદામાં વધુ નવી પ્રોડક્ટ લૉન્ચ થાય તેવી સંભાવના છે અને બંધ થયેલા જૂના વાયદા ફરી શરૂ કરવાની તૈયારીઓ નવાં એક્સચેન્જો દ્વારા થઈ રહી છે. એનએસઇ (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ)ને કૉમોડિટી વાયદા શરૂ કરવાની મંજૂરી મળ્યા બાદ હવે એક્સચેન્જ ઍગ્રી કૉમોડિટી સેગમેન્ટમાં તુવેર, અડદ અને બટાટાનો વાયદો શરૂ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે.

આ ઘટના સાથે સંકળાયેલાં એક્સચેન્જનાં સૂત્રોએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે અમે ઍગ્રી કૉમોડિટી વાયદા શરૂ કરવા માટેની તૈયારીઓ કરી લીધી છે અને ઉપરોક્ત વાયદા માટે સેબીની મંજૂરીની પ્રક્રિયા શરૂ કરી છે. કઈ કૉમોડિટી માટે વાયદા શરૂ કરવાની પ્રાથમિકતા રહેશે તેનો આધાર સેબીની મંજૂરી ઉપર રહેલો છે.

બજારસૂત્રોનું કહેવું છે કે એનએસઈ દ્વારા હાલમાં જે એક્સચેન્જમાં વાયદા ચાલતા નથી એવા તુવેર, અડદ ને બટાટાના વાયદા શરૂ કરવા માટે મન મનાવ્યું છે. આ ઉપરાંત એક્સચેન્જ સોયાબીન અને સોયાતેલ વચ્ચે પણ બદલો થઈ શકે એ હેતુથી ભવિષ્યમાં તેના વાયદા શરૂ કરવાનું પણ આયોજન ઘડી રહ્યું છે.

એનએસઈ દ્વારા એપ્રિલ મહિનામાં જ આમાંથી કેટલાક ઍગ્રી વાયદા લૉન્ચ કરવામાં આવે તેવી સંભાવના છે. ચાલુ ત્રિમાસિક ગાળા દરમ્યાન કુલ ત્રણથી પાંચ ઍગ્રી વાયદા આ એક્સચેન્જમાં શરૂ થાય તેવું આયોજન છે.

દેશમાં તુવેર અને અડદના વાયદા ઉપર વર્ષ ૨૦૦૭માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યાર બાદ થોડાં વર્ષ પહેલાં બટાટા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાલમાં વાયદા બંધ હોવા છતાં તુવેર અને અડદના ભાવ સરકારે નક્કી કરેલી મિનિમમ સર્પોટ પ્રાઇઝ કરતાં ૧૫થી ૪૦ ટકા જેટલા નીચા છે.

આ પણ વાંચોઃ  અમેરિકાના ડ્યુરેબલ ગુડ્ઝના ડેટા નબળા આવતાં સોનામાં ઘટાડાને બ્રેક

સેબીના ચૅરમૅન અજય ત્યાગીએ ગત સપ્ટેમ્બર મહિનામાં એવું કહ્યું હતું કે જો એક્સચેન્જો ઇચ્છશે તો સેબી તુવેર-અડદ સહિતા બીજા બંધ થયેલા વાયદા ફરી શરૂ કરવા અંગે વિચારણા કરશે.


સેબી દ્વારા હાલ કૉમોડિટી વાયદાનું વૉલ્યુમ વધે એ દિશામાં નર્ણિયો લઈ રહ્યું હોવાથી નવા વાયદાને પણ મંજૂરી આપે એવી પૂરી સંભાવના રહેલી છે.