ઉત્તર પ્રદેશની શુગરમિલોને બૅન્કોએ લોનની ના પાડી દેતાં ખાંડમાં અછત થવાની ધારણા

08 October, 2014 05:08 AM IST  | 

ઉત્તર પ્રદેશની શુગરમિલોને બૅન્કોએ લોનની ના પાડી દેતાં ખાંડમાં અછત થવાની ધારણા


કૉમોડિટી કરન્ટ-મયૂર મહેતા


બૅન્કો અને શુગર મિલધારકોના અધિકારીઓનું કહેવું છે કે રાજ્ય સરકારની શેરડીના ભાવ વિશેની નીતિને કારણે મિલો ચાલુ થઈ શકે એમ નથી. રાજ્યમાં ૯૫ શુગરમિલોમાંથી ૭૦ મિલોને સસ્પેન્શનની નોટિસ મળી છે. પરિણામે એ આગામી મહિનાથી શરૂ થતી સીઝનમાં મિલો ચાલુ કરી શકશે નહીં. ઇન્ડિયન શુગર મિલ અસોસિએશનનું કહેવું છે કે ‘રાજ્યની આ મિલોએ ગઈ સીઝનમાં કુલ ૪૭ લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું, જે ઉત્તર પ્રદેશના કુલ ઉત્પાદનમાં ૯૨ ટકા હિસ્સો ધરાવે છે. ખાંડમિલો ડિસેમ્બર પછી પણ બંધ રહે તો માત્ર સરપ્લસ સ્ટૉકમાં ૨૦ લાખ ટનનો ઘટાડો થશે એટલું જ નહીં, નવી સીઝનમાં પણ ૨૦ લાખ ટનની ખાધ રહી શકે છે.’

ઉત્તર પ્રદેશમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ સરકારને પત્ર લખીને કહ્યું છે કે બૅન્ક રાજ્યની મિલોને ધિરાણ આપીને કોઈ જોખમ લેવા માગતી નથી. અન્ય સરકારી બૅન્કોએ પણ આ જ પ્રકારની સરકારને જાણ કરી છે. રાજ્યમાં અનેક મિલો બૅન્કના ચોપડે નેગેટિવ લિસ્ટમાં છે. પરિણામે બૅન્કો એમને લોન આપવા સક્ષમ નથી. મોટા ભાગની શુગર કંપનીઓ નૉન-પર્ફોમિંગ ઍસેટ્સમાં ચાલી ગઈ છે. જાણકારો કહે છે કે બૅન્ક દ્વારા લોન મળે તો પણ મિલો ચલાવવી મુશ્કેલ છે. છેલ્લાં ચાર વર્ષમાં ખાંડની ઉત્પાદન પડતરમાં ૭૦ ટકાનો વધારો થયો છે, જેની સામે ખાંડના ભાવમાં માત્ર આઠ ટકાનો જ વધારો થયો છે.