યુટિલિટી વેહિકલ્સના વેચાણમાં ઉછાળો

23 September, 2012 05:31 AM IST  | 

યુટિલિટી વેહિકલ્સના વેચાણમાં ઉછાળો

આ ઉપરાંત કાર અને ટૂ-વ્હીલરનું વેચાણ ઘટી રહ્યું છે. એની સામે યુટિલિટી વેહિકલ્સનું વેચાણ વધી રહ્યું છે. અફૉર્ડેબલ પ્રાઇસ અને ડીઝલના વિકલ્પને કારણે હવે ગ્રાહકો મિડિયમ કારને બદલે યુટિલિટી વેહિકલ્સની પસંદગી કરે છે. આ ઉપરાંત અગાઉની સરખામણીએ યુટિલિટી વેહિકલ્સની રેન્જ પણ વધી છે એટલે ગ્રાહકોને સિલેક્શન માટે પૂરતો સ્કોપ ઉપલબ્ધ થયો છે.

મિડિયમ કાર

યુટિલિટી વેહિકલ્સને કારણે સૌથી મોટી અસર ૭ લાખથી ૧૪ લાખ રૂપિયાની રેન્જમાં વેચાતી મિડિયમ કારના વેચાણને થઈ છે. આ ઉપરાંત પેટ્રોલને બદલે ડીઝલના વિકલ્પને કારણે પણ યુટિલિટી વેહિકલ્સનું વેચાણ વધી રહ્યું છે. જે ભાવમાં મિડિયમ કાર મળે છે એ જ ભાવમાં વધુ સિટિંગ કૅપેસિટી ધરાવતું યુટિલિટી વેહિકલ બજારમાં ઉપલબ્ધ છે.

સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરર્સના રિપોર્ટ મુજબ ઇન્ડિયન ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં સૌપ્રથમ વાર યુટિલિટી વેહિકલ્સનું કુલ વેચાણ મિડિયમ કારના વેચાણ કરતાં વધી ગયું છે. એપ્રિલ-ઑગસ્ટ ૨૦૧૨ દરમ્યાન યુટિલિટી વેહિકલ્સનું વેચાણ ૫૭ ટકા વધીને ૨,૦૭,૬૫૧ નંગ થયું છે જે આગલા વર્ષે આ સમયગાળામાં ૧,૩૨,૨૩૬ થયું હતું. મિડિયમ કારનું વેચાણ ૧,૭૦,૮૮૯ નંગથી માત્ર ૧૫ ટકા વધીને ૧,૯૬,૬૫૨ નંગ થયું છે.

મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર

યુટિલિટી વેહિકલ્સની માર્કેટમાં મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનું વર્ચસ રહ્યું છે. આ રેન્જમાં મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનાં જે વાહનો છે એમાં બોલેરો, સ્કૉપિયો, Xylo અને XUV ૫૦૦નો સમાવેશ છે. આ બધાં જ વાહનોને બજારમાં સારો પ્રતિસાદ મળ્યો છે.

આ ઉપરાંત મારુતિ સુઝુકી ઇન્ડિયાની અર્ટિગાને પણ ઘણો સારો રિસ્પૉન્સ મળ્યો છે. અત્યારે હ્શ્સ્ ૫૦૦ અને અર્ટિગા માટે ચારથી છ મહિનાનું વેઇટિંગ છે. આગામી સમયમાં અન્ય ઉત્પાદકો પણ યુટિલિટી વેહિકલ્સમાં વધુ ફોકસ કરવા માગે છે અને અફૉર્ડેબલ ભાવનાં નવાં મૉડલ્સ રજૂ કરવાનો પ્લાન ધરાવે છે.

પૅસેન્જર વાહનોનું વેચાણ

એપ્રિલ-ઑગસ્ટ ૨૦૧૨ દરમ્યાન પૅસેન્જર વાહનોનું કુલ વેચાણ માત્ર ૭.૪૦ ટકા વધીને ૧૦.૫૦ લાખ વાહનોનું થયું છે. સ્મૉલ કારનું વેચાણ ૩.૩૬ ટકા ઘટ્યું છે. પૅસેન્જર વાહનોના કુલ વેચાણમાં સ્મૉલ કારનો હિસ્સો ૫૯ ટકાથી ઘટીને ૫૩ ટકા થયો છે.

ઑગસ્ટ ૨૦૧૧ની સરખામણીએ ઑગસ્ટ ૨૦૧૨માં કારનું વેચાણ ૧૯ ટકા ઘટીને ૧,૧૮,૧૪૨ નંગ થયું છે. છેલ્લા ૧૦ મહિનામાં આ સૌથી મોટો ઘટાડો છે. નિકાસ ૨૭ ટકા ઘટીને ૩૬,૧૦૪ નંગ થઈ છે જે છેલ્લાં ૧૧ વર્ષમાં સૌથી મોટો ઘટાડો છે.