અમેરિકી ફેડરલ રિઝર્વે બૉન્ડ-બાઇંગ બંધ કરવાથી સોનામાં કડાકો બોલાયો

31 October, 2014 04:58 AM IST  | 

અમેરિકી ફેડરલ રિઝર્વે બૉન્ડ-બાઇંગ બંધ કરવાથી સોનામાં કડાકો બોલાયો


બુલિયન બુલેટિન-મયૂર મહેતા


અમેરિકી ફેડરલ રિઝર્વે મન્થ્લી ૧૦ અબજ ડૉલરનું બૉન્ડ-બાઇંગ બંધ કરવાની જાહેરાત કરતાં સોનામાં ભાવમાં કડાકો બોલીને ભાવ સાડાત્રણ સપ્તાહની નીચી સપાટીએ ૧૨૦૦ ડૉલર નજીક પહોંચ્યો હતો. અમેરિકી ફેડરલ રિઝવર્‍નાં ચૅરપર્સન જેનેટ યેલેને લો ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી હજી લાંબો સમય ચાલુ રાખવાની જાહેરાત કરતાં સોનાના ભાવનો ઘટાડો પ્રમાણમાં મર્યાદિત રહ્યો હતો. ૨૦ નવેમ્બરે સ્વિટ્ઝરલૅન્ડ રેફરન્ડમ અને રશિયા સહિતના દેશોની સેન્ટ્રલ બૅન્કોની સતત વધી રહેલી સોનાની ખરીદીને કારણે આવનારા દિવસોમાં સોનું વધુ નહીં ઘટે એવું ઍનલિસ્ટો માની રહ્યા છે.

 
પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસની મીટિંગનું આઉટકમ આવ્યા બાદ ઝડપથી તૂટ્યા હતા. બુધવારે ઓવરનાઇટ કોમેક્સ વાયદો ૪.૫૦ ડૉલર ઘટીને ૧૨૨૪.૯૦ ડૉલર થયો હતો. સ્પૉટ માર્કેટમાં સોનાનો ભાવ તૂટીને ૧૨૦૮.૨૬ ડૉલર થયો હતો. બુધવારે ઓવરનાઇટ મોટો કડાકો બોલી જતાં ગઈ કાલે સવારે સોનાનો ભાવ ૧૨૧૦.૨૦ ડૉલર ખૂલ્યો હતો, જે દિવસ દરમ્યાન એક તબક્કે ઘટીને ૧૨૦૧.૨૧ ડૉલર થયા બાદ સાંજે છેલ્લે ૧૨૦૫ ડૉલર રહ્યો હતો. અન્ય મેટલમાં ચાંદીનો ભાવ ૧૭.૦૪ ડૉલર ખૂલીને છેલ્લે ૧૬.૬૫ ડૉલર, પ્લૅટિનમનો ભાવ ૧૨૫૫ ડૉલર ખૂલીને છેલ્લે ૧૨૪૬ ડૉલર અને પૅલેડિયમનો ભાવ ૭૯૧ ડૉલર ખૂલીને ૭૮૮ ડૉલર રહ્યો હતો.

અમેરિકી ફેડનો નિર્ણય

અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસની મીટિંગ બાદ થયેલી જાહેરાત અનુસાર સ્ટિમ્યુલસ પૅકેજ અંતર્ગત થઈ રહેલું બૉન્ડ-બાઇંગ ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પણ ઇન્ટરેસ્ટ રેટ ઝીરો નજીક હજી લાંબા સમય સુધી જાળવી રાખવાનો સંકેત મળ્યો હતો. અમેરિકી જૉબમાર્કેટના વિકાસ માટે ફેડરલ રિઝર્વ અગાઉની મીટિંગ કરતાં વધુ ઉત્સાહી હતું. જોકે ફેડરલ ચૅરપર્સન જેનેટ યેલેને જણાવ્યું હતું કે હજી ઘણા અમેરિકીનો પાર્ટટાઇમ જૉબ કરી રહ્યા છે અને તેઓ ફુલ ટાઇમ જૉબ શોધી રહ્યા છે. અમેરિકી જૉબમાર્કેટમાં હજી ઘણા સુધારા થવાની બાકી છે છતાં હાલની જૉબ સેક્ટરની પ્રગતિ ઘણી જ પ્રોત્સાહક છે. ફેડરલ રિઝર્વે બૉન્ડ-બાઇંગ ખતમ કરતાં સોનામાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો.

સ્વિટ્ઝરલૅન્ડ રેફરેન્ડમ

સ્વિટ્ઝરલૅન્ડમાં ૨૦ નવેમ્બરે યોજાનારા રેફરેન્ડમમાં જો ગોલ્ડ રિઝર્વ વધારવાતરફી ચુકાદો આવશે તો સ્વિસ બૅન્કને વલ્ર્ડના કુલ ગોલ્ડના માઇન્સ સપ્લાયમાંથી અડધોઅડધ જથ્થો ખરીદવાની નોબત આવશે. આ ઉપરાંત રશિયન ગવર્નમેન્ટ છેલ્લા છ મહિનાથી ગોલ્ડ રિઝર્વ વધારી રહી છે. ગયા વર્ષે ચીનના ગોલ્ડ ઈમ્પોર્ટ, કન્ઝમ્પ્શન અને પ્રોડક્શનના ફિગરમાં ૫૦૦ ટન સોનાનું રિપોર્ટિંગ મળતું નહોતું. ચીન પણ અંદરખાને ગોલ્ડ રિઝર્વ વધારી રહ્યું છે, પણ ૨૦૦૯ પછી ચીને ઑફિશ્યલી ગોલ્ડ રિઝર્વ વિશે કોઈ માહિતી જાહેર કરી નથી. ઓવરઑલ સ્વિસ બૅન્કનો નિર્ણય અને રશિયા, ચીન, તુર્કી, કઝાખસ્તાનની સેન્ટ્રલ બૅન્કોની ખરીદી લાંબા ગાળે ગોલ્ડમાં તેજીનો સંકેત આપે છે.

બે અલગ-અલગ ટ્રેન્ડ

ગોલ્ડમાં અત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બે અલગ-અલગ ટ્રેન્ડ ચાલી રહ્યા છે. ઇકૉનૉમિક ફ્રન્ટ પર મંદીનાં કારણો સતત વધી રહ્યાં છે, જ્યારે ફિઝિકલ અને સેન્ટ્રલ બૅન્કોનું બાઇંગ ગોલ્ડમાં તેજીના સંકેતો પૂરા પાડે છે. અમેરિકી ઇકૉનૉમી સ્ટ્રૉન્ગ બની રહી છે. ક્રૂડ તેલના ભાવ તળિયે હોવાથી ઇન્ફ્લેશનનો કોઈ ભય નથી. ગ્લોબલ ગ્રોથ પ્રોજેક્શન ઘટી રહ્યું હોવા છતાં અમેરિકી ઇકૉનૉમી સ્ટ્રૉન્ગ થઈ રહી હોવાથી ડૉલરની મજબૂતી સોનાને મંદીતરફી દોરી જશે. એની સામે સ્વિસ રેફરેન્ડમ, એશિયામાં શરૂ થયેલા ગ્લોબલ ગોલ્ડ કૉન્ટ્રૅP અને રશિયા સહિતના અનેક દેશોની સેન્ટ્રલ બૅન્કોનું સતત વધી રહેલું બાઇંગ સોનાને તેજીતરફી દોરી જશે. આ પ્રકારના વાતાવરણમાં સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા લૉન્ગ ટર્મ વ્યુને બદલે ડે-ટુ-ડે અપડેટ દ્વારા શૉર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ વધારે કમાણી કરાવી શકે છે.

સોનાની ઈમ્પોર્ટ પર વધુ નિયંત્રણોની શક્યતાએ પ્રીમિયમ ઊછળ્યું

સોનાની ઈમ્પોર્ટ પર વધુ નિયંત્રણો આવવાની શક્યતાએ પ્રીમિયમ ઊછળીને ૧૫ ડૉલર થયું હતું જે બે દિવસ અગાઉ ૧૦ ડૉલર હતું. નાણાપ્રધાને દિવાળી અગાઉ કહ્યું હતું કે સોનાની ઈમ્પોર્ટ પર વધુ નિયંત્રણો લાદવા વિશે દિવાળી પછી વિચારણા કરવામાં આવશે. આ નિવેદનને પગલે સોના પર એકાદ-બે દિવસમાં નવાં નિયંત્રણો આવશે એવી જોરશોરથી બજારમાં ચર્ચા શરૂ થતાં એની અસર પ્રીમિયમ પર થઈ હતી. ખાસ કરીને સ્ટાર અને પ્રીમિયમ હાઉસોને ઈમ્પોર્ટની છૂટ અગાઉ આપવામાં આવી છે એના પર ૮૦:૨૦ રૂલ લાગુ પાડવામાં આવે એવી શક્યતા બજારમાં ચર્ચાઈ રહી છે. હાલ સોનાની જનરલ ઈમ્પોર્ટમાંથી ફરજિયાત ૨૦ ટકા જ્વેલરીની એક્સર્પોટ કરવાનો રૂલ છે. આ રૂલ સ્ટાર અને પ્રીમિયમ હાઉસો માટે લાગુ પડાયો નથી. ચાલુ નાણાકીય વર્ષના સાત મહિનામાં ઈમ્પોર્ટ ૫૦૦ ટનને પાર કરી જતાં આખા વર્ષની ઈમ્પોર્ટ ૨૧ અબજ ડૉલર થવાનો અંદાજ મુકાઈ રહ્યો છે જે ગયા વર્ષે ૨૮ અબજ ડૉલર નોંધાઈ હતી.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૬,૭૨૫

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૬,૫૮૦

ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) :  ૩૮,૩૩૫

(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)