અમેરિકી ડૉલરની તેજી અટકતાં સોનામાં મંદીએ બ્રેક લીધો

07 November, 2014 05:19 AM IST  | 

અમેરિકી ડૉલરની તેજી અટકતાં સોનામાં મંદીએ બ્રેક લીધો


બુલિયન બુલેટિન-મયૂર મહેતા

અમેરિકી ડૉલર પાંચ વર્ષની ઊંચાઈએથી પાછો ફરતાં સોનાની મંદીએ બ્રેક લીધો હતો. વળી સોનાનો ૧૪ દિવસનો રિલેટિવ સ્ટ્રેન્ગ્થ ઇન્ડેક્સ સતત પાંચમા દિવસે ૩૦ પૉઇન્ટથી નીચે રહેતાં ફૉરેન-ઍનલિસ્ટોએ સોનામાં મંદી અટકવાના કૉલ આપવા માંડતાં નીચા મથાળે લેવાલી શરૂ થઈ હતી. જોકે શુક્રવારે જાહેર થનારા અમેરિકી જૉબડેટામાં ૨.૩૫ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની શક્યતા અને જૉબલેસ-રેટ ૬ વર્ષની નીચી સપાટીએ ૫.૯ ટકા પહોંચવાની ધારણાએ મોટી લેવાલી જોવા મળી નહોતી. વળી યુરો ઝોન સ્ટિમ્યુલસ પૅકેજની જાહેરાત પણ તોળાઈ રહી છે.

પ્રાઇસ-મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ બુધવારે સતત ઘટતો રહ્યો હતો. કૉમેક્સ ગોલ્ડ ડિસેમ્બર વાયદો ૦.૩ ટકા ઘટીને ૧૧૪૫.૭૦ ડૉલર સેટલ થયો હતો જે એક તબક્કે ઘટીને ૧૧૩૭.૧૦ ડૉલર થયો હતો. આ ભાવ એપ્રિલ ૨૦૧૦ પછીના સૌથી નીચા ભાવ છે. કૉમેક્સ સિલ્વર ડિસેમ્બર વાયદો ૦.૭ ટકા ઘટીને ૧૫.૩૩ ડૉલર સેટલ થયો હતો જે ઇન્ટ્રાડે ૧૫.૧૨ ડૉલર એક તબક્કે થયો હતો. આ ભાવ ફેબ્રુઆરી ૨૦૧૦ પછીના સૌથી નીચા ભાવ હતા. સ્પૉટ માર્કેટમાં સોનાનો ભાવ ૧૧૪૪.૫૦ ડૉલર ખૂલ્યા બાદ ડૉલરની નરમાઈથી ધીમો સુધારો જોવા મળ્યો હતો. ચાંદીનો ભાવ ૧૫.૩૨ ડૉલર ખૂલ્યા બાદ ઘટયો હતો. પ્લૅટિનમ ૧૨૧૦ ડૉલરનો ભાવ ખૂલ્યા બાદ ૧૨૦૮ ડૉલર થયો હતો. પેલેડિયમનો ભાવ ૭૬૦ ડૉલર ખૂલ્યા બાદ ઘટીને ૭૫૫ ડૉલર થયો હતો.

લેહમૅન પ્રકરણની યાદ


અમેરિકાની બહુચર્ચિત લેહમૅન બ્રધર્સ નામની કંપની ૨૦૦૮માં ઊઠી ગયાના પ્રકરણની યાદ તાજી થઈ રહી છે. ૨૦૦૮માં લેહમૅન બ્રધર્સ કંપની ઊઠી ગઈ ત્યારે જે સ્થિતિ હતી એવી જ સ્થિતિ અત્યારે સોના-ચાંદીની ઝડપી મંદીથી જોવા મળી રહી છે. વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ)નું હોલ્ડિંગ ઘટીને ૭૩૮.૮૦ ટને પહોંચ્યું છે જે સપ્ટેમ્બર ૨૦૦૮ પછીની સૌથી નીચી સપાટીએ છે. સપ્ટેમ્બર ૨૦૦૮માં લેહમૅન બ્રધર્સ કંપની ઊઠી ગઈ હતી. વિશ્વના તમામ ગોલ્ડ ETP (એક્સચેન્જ ટ્રેડેડ પ્રોડP)ના હોલ્ડિંગમાં ૨૦૧૪ના આરંભથી અત્યાર સુધીમાં ૧૧૯.૪ ટનનો ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર ૨૦૧૨માં ગોલ્ડ ચ્વ્ભ્નું કુલ હોલ્ડિંગ ૨૬૩૨.૫ ટન હતું જે અત્યારે ઘટીને ૧૬૪૩.૪ ટને પહોંચ્યું છે.

ગોલ્ડ-સિલ્વર રેશિયો

૨૦૧૨ના એન્ડથી અત્યાર સુધીમાં ગોલ્ડ પ્રાઇસમાં ૩૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે એની સામે સિલ્વર પ્રાઇસ ૪૯ ટકા ઘટી છે. ગોલ્ડ-સિલ્વર રેશિયો અત્યારે છેલ્લાં પાંચ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. સિલ્વરનો ઇન્ડસ્ટ્રિયલ મેટલ તરીકે વધારે વપરાશ થઈ રહ્યો છે. ઇન્ડસ્ટ્રિયલ ઍક્ટિવિટીમાં ટોચ પર રહેલા દેશો યુરોપ, ચીન અને જપાનની ઇકૉનૉમી અત્યારે નબળા તબક્કામાંથી પસાર થઈ રહી હોવાથી સિલ્વરમાં ગોલ્ડ કરતાં વધારે ઝડપી મંદી થઈ છે. ઍનલિસ્ટોના મતે ગોલ્ડ-સિલ્વર વચ્ચેનો હાલનો રેશિયો ગોલ્ડમાં વધુ મંદીના સંકેત આપે છે.

સેવ અવર સ્વિસ ગોલ્ડ 

સ્વિટ્ઝરલૅન્ડમાં આજકાલ નવી મૂવમેન્ટ ‘સેવ અવર સ્વિસ ગોલ્ડ’ ચાલી રહી છે. સ્વિટ્ઝરલૅન્ડની જનતા સરકારની ગોલ્ડ રિઝર્વ વધારવા માટે ૩૦ નવેમ્બરે મતદાન કરવાની છે. આ મતદાનમાં જો જનતા ‘યસ’ વોટ કરશે તો અત્યારે સોનામાં ચાલી રહેલી મંદી ઘડીના છઠ્ઠા ભાગમાં તેજીમાં પલટાઈ જશે. સ્વિટ્ઝરલૅન્ડને અત્યારની એની ગોલ્ડ રિઝવર્‍ને ૮ ટકાથી વધારીને ૨૦ ટકા કરવી પડશે અને એ માટે સ્વિસ બૅન્કે ૧૫૦૦થી ૧૮૦૦ ટન સોનું ખરીદવું પડશે જે વર્લ્ડની ગોલ્ડ ડિમાન્ડનું ૭ ટકા છે. ઍનલિસ્ટોના મતે જો સ્વિટ્ઝરલૅન્ડની જનતાનો પૉઝિટિવ રેફરન્ડમ આવે તો સોનાના ભાવમાં ૧૮ ટકાનો સુધારો જોવા મળે એટલે કે સોનાનો ભાવ ઝડપથી ઊછળીને ૧૩૫૦ ડૉલરની સપાટીએ પહોંચી શકે છે. છેલ્લાં બે વર્ષમાં સોનાના ભાવમાં ૩૨ ટકાનો ઘટાડો નોંધાયો છે.

ગોલ્ડના સ્મગલરોની સૌથી પહેલી પસંદગી બનેલું અમદાવાદ


અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનૅશનલ ઍરર્પોટ પર ગોલ્ડ સ્મગલિંગ પકડવાના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૧૦ મહિનામાં અમદાવાદ ઍરર્પોટ પરથી ૧૫ કરોડ રૂપિયાનું ગોલ્ડ પકડાયું હતું. કસ્ટમ ડિપાર્ટમેન્ટના ઍર ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના કમિશનરના જણાવ્યા અનુસાર ગોલ્ડ સ્મગલિંગના અનેક નવા નુસખાઓ સામે આવી રહ્યા છે. કેટલાક નુસખાઓમાં ગોલ્ડ સ્મગલિંગ પકડવું હવે મુશ્કેલ બની ગયું છે. દુબઈથી ગોલ્ડ ખરીદીને અહીં લાવવામાં તગડો નફો મળતો હોવાથી ગોલ્ડના સ્મગલરો નવા-નવા નુસખા શોધી કાઢીને તગડી કમાણી કરવાનો મોકો ગુમાવવા માગતા નથી. દુબઈમાં અત્યારે ૧૦ ગ્રામ સોનું ૨૨,૦૦૦ રૂપિયામાં પડે છે જેનો અહીં ૨૬,૫૦૦ રૂપિયા ભાવ છે. ૧૦ ટકા કસ્ટમ ડ્યુટી અને બેથી ત્રણ ટકા વૅટની ગણતરી કરતાં દુબઈથી એક કિલો સોનું લઈ આવો તો દોઢથી બે લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે. આટલો તગડો નફો મળતો હોવાથી ગોલ્ડ સ્મગલરો હવે નાનાં-નાનાં સેન્ટરોના ઍરર્પોટ પરથી સોનું બહાર લાવતા હોય છે, કારણ કે નાનાં સેન્ટરોમાં સિક્યૉરિટી અને ચેકિંગની સવલત મેટ્રો અને મોટા ઍરર્પોટના પ્રમાણમાં ઘણી નબળી હોવાથી સ્મગલરોનું કામ સહેલાઈથી પાર પડી શકે છે.

ભાવ-તાલ


સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૫,૬૦૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૫,૪૫૫
ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) :  ૩૫,૩૬૦
(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)