અમેરિકા- ચીન વચ્ચે સંભવિત વ્યાપાર સંધિએ સોના-ચાંદીની તેજીની હવા નીકળી

07 November, 2019 11:27 AM IST  |  Mumbai

અમેરિકા- ચીન વચ્ચે સંભવિત વ્યાપાર સંધિએ સોના-ચાંદીની તેજીની હવા નીકળી

ટ્રમ્પ અને જિનપિંગ

સોનામાં મંગળવારે અમેરિકન સત્રમાં જોરદાર વેચવાલી આવી હતી. ભાવ ૧.૭ ટકા ઘટી ગયા હતા જે સપ્ટેમ્બર પછી પ્રથમ વખત એક જ દિવસમાં પડેલો સૌથી મોટો ઘટાડો છે. સોનાની સાથે ચાંદીના ભાવ પણ ઘટ્યા હતા. અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર સમજૂતી આગળ વધી રહી હોવાના અહેવાલ વચ્ચે જોખમી ચીજો ખરીદવા નીકળેલા રોકાણકારોએ સોનામાં વેચવાલી કરી હતી. જોકે બુધવારે ભાવ સ્થિર થવા પ્રયત્ન કરી રહ્યા હતા, કારણ કે ફરી એક વાર વ્યાપાર સંધિમાં મડાગાંઠના સમાચાર આવી રહ્યા છે. પણ ભાવ ૧૫૦૦ ડૉલરની નીચે સરકી ગયા હોવાથી મોટી તેજીની અપેક્ષા જણાતી નથી.
મંગળવારે વૈશ્વિક હાજર બજારમાં સોનાના ભાવમાં કડાકો બોલી ગયો હતો. ૧૫૦૬.૬ ડૉલર પ્રતિ ઔંસના બંધ સામે ભાવ ૨૨ ડૉલર ઘટી ૧૪૮૪.૨ ડૉલરની સપાટીએ બંધ આવ્યા હતા. બુધવારે દિવસ દરમ્યાન ભાવ સાંકડી વધ-ઘટે જોવા મળી રહ્યા છે, પણ આગલા બંધથી આંશિક વધી ૧૪૮૫.૨ ડૉલરની સપાટી પર છે. ન્યુ યૉર્ક કૉમેક્સ ડિસેમ્બર વાયદો મંગળવારે ૧૪૮૩.૭ ડૉલરની સપાટીએ બંધ આવ્યો હતો જે આજે થોડો મજબૂત બની ૧૪૮૬.૫૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. ચાંદીનો વાયદો આગલા બંધ ૧૭.૫૬૮ ડૉલર પ્રતિ ઔંસ સામે અત્યારે ઘટીને ૧૭.૪૬૨ની સપાટી પર છે.
વિદેશી બજારમાં આવેલા ઘટાડાના પગલે અને હાજરમાં ઘરેણાંની માગ સતત ઘટી રહી છે ત્યારે ભારતમાં પણ ભાવ ઘટ્યા હતા. મુંબઈમાં હાજરમાં સોનું ૨૮૫ ઘટી ૩૯,૫૦૫ રૂપિયા અને અમદાવાદમાં ૨૪૦ ઘટી ૩૯,૬૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટીએ હતું. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭૯૦૬ ખૂલી, ઉપરમાં ૩૮૧૨૯ અને નીચામાં ૩૭૯૦૬ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૭૦ વધીને ૩૮૦૫૧ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૦૬ વધીને ૮ ગ્રામદીઠ ૩૦૬૬૯ અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૬ વધીને ૧ ગ્રામદીઠ ૩૮૮૩ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૫૨ વધીને બંધમાં ૩૮૦૫૨ રૂપિયાના ભાવ રહ્યા હતા.
મુંબઈ હાજર ચાંદી ર૧૦૨૦ ઘટી ૪૬,૮૨૦ અને અમદાવાદમાં ૧૦૪૦ ઘટી ૪૬,૯૦૦ રૂપિયાપ્રતિ કિલો બંધ આવી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૫૪૯૪ ખૂલી, ઉપરમાં ૪૫૬૨૦ અને નીચામાં ૪૫૩૧૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૨ ઘટીને ૪૫૪૭૮ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૩૩ ઘટીને ૪૫૪૮૦ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૨૬ ઘટીને ૪૫૪૮૫ રૂપિયા બંધ રહ્યા હતા.
રૂપિયો ડૉલર સામે નબળો
ત્રણ દિવસથી ડૉલર સામે સતત મજબૂત બની રહેલો રૂપિયો આજે ઘટીને બંધ આવ્યો હતો. ક્રૂડ ઑઇલના ભાવમાં ત્રણ દિવસ સુધી ચાલેલી તેજી અને અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર સમજૂતી આગળ વધી રહી હોવાની આશાએ ભારતીય ચલણ નબળું પડ્યું હતું. રૂપિયો આજે ૭૦.૮૦ની સપાટીએ નરમ ખૂલી ઘટીને ૭૧.૦૧ થઈ દિવસના અંતે ૭૦.૯૭ બંધ આવ્યો હતો. મંગળવારે ૭૦.૬૯ની પાંચ સપ્તાહની ઊંચી સપાટી સામે આજે ભાવમાં ૨૮ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.

donald trump xi jinping