14 October, 2025 09:41 AM IST | Ukraine | Gujarati Mid-day Correspondent
કૉન્સ્ટૅન્ટિન ગૅલિશ
અમેરિકન પ્રેસિડન્ટે ચીન પર ૧૦૦ ટકા ટૅરિફ જાહેર કરતાં ક્રિપ્ટો માર્કેટમાં અચાનક ૧૬૦૦ અબજ રૂપિયાનો કડાકો બોલાયો હતો. સતત નફો કરીને ચડતું રહેલું માર્કેટ અચાનક અત્યાર સુધીની હિસ્ટરીની સૌથી મોટી પછડાટનો સામનો કરી રહ્યું છે ત્યારે ક્રિપ્ટો સાથે સંકળાયેલા અનેક લોકો ચિંતામાં છે. એવામાં યુક્રેનનો ક્રિપ્ટો ટ્રેડર, ઑન્ટ્રપ્રનર અને ક્રિપ્ટોલૉજી કી ટ્રેડિંગ ઍકૅડેમીનો કો-ફાઉન્ડર ૩૨ વર્ષનો કૉન્સ્ટૅન્ટિન ગૅલિશ શનિવારે પોતાની લમ્બોર્ગિની કારમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે ટેલિગ્રામ પોસ્ટમાં કહ્યું હતું કે ‘કૉન્સ્ટૅન્ટિનનું મૃત્યુ જાતે જ ગોળી મારવાને કારણે થયું છે. તેની પાસેથી મળેલી ગન તેના જ નામનું લાઇસન્સ ધરાવે છે એટલે આ આત્મહત્યા હોઈ શકે છે. આનું કારણ ક્રિપ્ટો માર્કેટમાં આવેલી અચાનક ઓટ હોવાની પૂરી સંભાવના છે.’
કૉન્સ્ટૅન્ટિને પોતાના મૃત્યુ પહેલાં સગાંસંબંધીઓ સાથે આર્થિક મુશ્કેલીઓને કારણે ડિપ્રેશન આવી રહ્યું હોવાની વાત શૅર કરી હતી અને આખરી સંદેશો કહી શકાય એવો મેસેજ પણ મોકલ્યો હતો.
રશિયા-યુક્રેન વૉર શરૂ થઈ ત્યારથી કૉન્સ્ટૅન્ટિન ગૅલિશે યુક્રેનને સેના અને માનવીય રાહત પરિયોજનાઓ માટે મહત્ત્વપૂર્ણ આર્થિક યોગદાન આપ્યું હતું. તેના મૃત્યુના કારણની તપાસ કરી રહેલા અધિકારીઓએ આત્મહત્યા માટે વૈશ્વિક ક્રિપ્ટો કરન્સી બજારમાં આવેલો સેટબૅક કારણભૂત હોવાની સંભાવના જતાવી છે, કેમ કે આ ફૉલ દરમ્યાન કૉન્સ્ટૅન્ટિને તેના રોકાણકારોના ૩૦ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૨.૬૬ અબજ રૂપિયા ગુમાવી દીધા હતા.