09 April, 2025 06:56 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
ડોનલ્ડ ટ્રમ્પે લાદેલી ટૅરિફને પગલે ઇક્વિટી માર્કેટની સાથે-સાથે ક્રિપ્ટોકરન્સી માર્કેટ પર પણ અવળી અસર થઈ છે. આ અસર હેઠળ બિટકૉઇન સોમવારે ૮૦,૦૦૦ ડૉલરની સપાટીની નીચે પહોંચી ગયો હતો. સોમવારે સાંજે પૂરા થયેલા ૨૪ કલાકના ગાળામાં બિટકૉઇન ૪.૭૪ ટકાના ઘટાડા સાથે ૭૮,૭૩૩ ડૉલરના સ્તરે પહોંચી ગયો હતો. એકંદર માર્કેટના કૅપિટલાઇઝેશનમાં ૫.૦૪ ટકાનો ઘટાડો થવાની સાથે મૂલ્ય ૨.૫ ટ્રિલ્યન ડૉલર થઈ ગયું હતું. ઇથેરિયમને મોટો ફટકો પડતાં એમાં ૧૧.૭૪ ટકાનો ઘટાડો થઈને ભાવ ૧૫૫૮ ડૉલર થઈ ગયો હતો. ટોચના ઘટેલા કૉઇનમાં એક્સઆરપી (૯.૭૫ ટકા), સોલાના (૭.૫૯ ટકા), ડોઝકૉઇન (૯.૦૨ ટકા), ટ્રોન (૪.૯૯ ટકા), કાર્ડાનો (૮.૪૨ ટકા) અને ચેઇનલિન્ક (૮.૧૫ ટકા) સામેલ હતા.
ટૅરિફ લદાવાને પગલે વૈશ્વિક સ્તરે મંદી આવશે એવી ભીતિને લીધે રોકાણકારોએ જોખમ ધરાવતી ઍસેટ્સ વેચવાનું શરૂ કરી દીધું છે અને ક્રિપ્ટો પણ એ જ શ્રેણીમાં આવે છે. હજી હાલમાં જ બિટકૉઇનના ભાવમાં વૃદ્ધિની સંભાવના દર્શાવવામાં આવી હતી, પરંતુ હવે અનિશ્ચિતતાના વાતાવરણમાં રોકાણકારો સચેત થઈ ગયા છે.