દિવાળીથી દિવાળી : રોકાણકારોની સંપત્તિ ૩૭ ટકા વધી

24 October, 2014 04:19 AM IST  | 

દિવાળીથી દિવાળી : રોકાણકારોની સંપત્તિ ૩૭ ટકા વધી


ગઈ દિવાળીથી આ દિવાળી સુધીમાં શૅરબજારે રોકાણકારોને રાજી કર્યા છે. ખાસ કરીને કેન્દ્રમાં સત્તાપરિવર્તન બાદ બજારમાં બુલિશ ટ્રેન્ડ શરૂ થયો અને છેલ્લાં ૬ વર્ષમાં આ વિક્રમ સંવત વર્ષ માર્કેટ માટે સૌથી વધુ ફળદાયી બની ગયું છે. એક અભ્યાસ મુજબ આ એક વર્ષમાં રોકાણકારોની સંપત્તિ ૩૭ ટકા વધી છે. ૨૦૦૮માં એમાં ૫૫ ટકા જેવો ધરખમ ઘટાડો થયો હતો. ગઈ દિવાળીથી આ દિવાળી સુધીમાં સેન્સેક્સ ૨૬ ટકા ઊંચે ગયો છે અને માર્કેટ કૅપ ૩૭ ટકા ઊંચું ગયું છે. માર્કેટ કૅપ ૯૪ લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગયું છે.

નવા વિક્રમ સંવત વર્ષ ૨૦૭૧માં સેન્સેક્સ વધુ ઊંચે જવાની આશા પુરજોશમાં છે. રોકાણનો અવિરત પ્રવાહ બજારની તેજીને જાળવી રાખશે અને વધુ વેગ આપશે એવી ધારણા વ્યક્ત થઈ રહી છે. ગયા સપ્તાહના ગ્લોબલ ઘટાડાના કારણ બાદ છેલ્લા ચાર દિવસમાં બજારે નવેસરથી બુલ રન શરૂ કર્યું છે.

માર્કેટ ફન્ડામેન્ટલ્સથી મજબૂત થવા લાગ્યું છે. દેશની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ઘટી છે. ફુગાવો નીચે આવ્યો છે તેમ જ કરન્સી પણ સ્થિર થઈ છે. બીજી બાજુ જેની લાંબા સમયથી પ્રતીક્ષા હતી એ આર્થિક સુધારા ઝડપથી અમલમાં મુકાઈ રહ્યા છે; જેણે બજારની, બ્રોકરોની અને રોકાણકારોની દિવાળી સુધારી છે.

નિષ્ણાતો કહે છે કે તેજીની ગાડી સતત ચાલતી રહેશે

ટોચનાં બ્રોકરેજ હાઉસિસ-નિષ્ણાતો-ઍનલિસ્ટોનો માર્કેટ વિશે એકસૂર છે. તેઓ કહે છે કે બજારની તેજી ગાડી ચાલતી રહેશે. નવા વર્ષે નવી ઊંચાઈ ચોક્કસ હાંસલ થશે. ઇન્ડેક્સ વિશે જુદા-જુદા મત છે, જે ૩૦,૦૦૦થી લઈ ૩૪,૦૦૦ સુધી જવાની આશા છે. સરકાર દ્વારા લેવાઈ રહેલાં દરેક પગલાં સુધારાના સંકેત સમાન ગણાવતાં તેઓ કહે છે કે ‘આર્થિક વિકાસને આગળ ધપાવવા માટેનું વાતાવરણ સર્જા‍ઈ રહ્યું છે. રોકાણકારો લાંબા ગાળાના અભિગમ સાથે અને સિલેક્ટિવ શૅરોની ખરીદી કરી લેશે તો તેમની આવનારી દિવાળીઓ પણ સુધરી શકે છે.