કૉમોડિટી વાયદા બજારોનું કોઈ ભાવિ જ નથી : જુગારી સટ્ટા તાત્કાલિક અસરથી બંધ કરો

27 October, 2014 05:15 AM IST  | 

કૉમોડિટી વાયદા બજારોનું કોઈ ભાવિ જ નથી : જુગારી સટ્ટા તાત્કાલિક અસરથી બંધ કરો



કૉમોડિટી અર્થકારણ-મયૂર મહેતા

કૉમોડિટી એક્સચેન્જો ચલાવનારા અને એનું નિયંત્રણ કરનારાઓની બૂરી દાનત અને ભયંકર બેદરકારીને કારણે અત્યારે ભારતમાં કૉમોડિટી વાયદા બજારો માત્ર ને માત્ર જુગારી સટ્ટા બની ચૂક્યાં છે. માત્ર સટોડિયાને કમાવવા ખેડૂતો અને નાના વેપારીઓને લૂંટવાનું માધ્યમ કૉમોડિટી વાયદા બજારો બની ચૂક્યાં છે. આવાં કૉમોડિટી વાયદા બજારો ચાલુ રાખીને દેશની જનતાને, અર્થતંત્રને કે બજારોને કોઈ લાભ થતો નથી. ઊલટું ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે.

નર્યા જુગારી સટ્ટા

કૉમોડિટી વાયદા બજારો અત્યારે જે રીતે ચાલી રહ્યાં છે એ માત્ર ને માત્ર નર્યા જુગારી સટ્ટા છે. હેજિંગ નામની બહુ ઉપયોગી અને લાભકર્તા યંત્રણાને નામે કૉમોડિટી એક્સચેન્જો અને એનું નિયમન કરનારાઓ દેશના કરોડો ખેડૂતોને, મંડીઓના નાના વેપારીઓને અને પ્રોસેસિંગ ઉદ્યોગને સરેઆમ લૂંટી રહ્યા છે. તાજેતરમાં ઓપન પોઝિશન પર ચાર્જ લગાડવામાં આવ્યો છે એ બતાવે છે કે તમારે ડે ટ્રેડિંગ કરીને માત્ર જુગાર રમવો હોય તો તમને કોઈ ચાર્જ નહીં લાગે, પણ તમારે હેજિંગ કરવું છે તો તમારે ચાર્જ ભરવો પડશે. કૉમોડિટી વાયદા બજારોનો મૂળ ઉદ્દેશ હેજિંગ ઉપરાંત પ્રાઇસ ડિસ્કવરી છે. અહીં વાયદા બજારોમાં બે દિવસ તેજીની સર્કિટ લાગે તો પછીના બે દિવસ સુધી મંદીની સર્કિટો લાગ્યા કરે છે. આવું તો છાશવારે બને છે. આમાં પ્રાઇસ ડિસ્કવરી કયાં થઈ? હાલનાં કૉમોડિટી વાયદા બજારો જૂની વાર્તાની જેમ ચાલે છે. જૂની વાર્તા એવી હતી કે કોઈ એક ગરીબ માથા પર કૂતરું બેસાડીને એક ગામથી બીજા ગામ જાય છે ત્યારે તેને એક રાહદારી મળે છે અને કહે છે કે શું માથા પર  બિલાડી લઈને નીકળ્યા છો. પેલો કહે છે કે બિલાડી નથી, કૂતરું છે. બીજો રાહદારી મળે છે તે પણ એમ જ કહે છે કે શું માથા પર બિલાડી લઈને નીકળ્યા છો. પેલો ગરીબ પોતાની સગી આંખે જે જોઈ રહ્યો છે એના પરનો તેનો વિશ્વાસ ડગવા લાગ્યો. ત્રીજો રાહદારી મળ્યો તેણે પણ એવું જ કહ્યું કે શું બિલાડીને માથે લઈને નીકળ્યા છો. પેલો ગરીબ માનવા લાગ્યો કે મારા માથા પર કૂતરું નથી, બિલાડી જ છે. મારી આંખ પણ ખોટી છે. મને બિલાડીને બદલે કૂતરું દેખાય છે.

આવી જ વાર્તાની જેમ કૉમોડિટી વાયદા બજારો ચાલે છે. ખેડૂત કે વેપારીને બધા એમ કહે કે પાકમાં બગાડ છે એટલે તમામ લોકો પાકમાં બગાડ છે એમ માનીને વાયદામાં તેજી કરવા લાગે છે, પણ વાસ્તવમાં પાકમાં કોઈ બગાડ હોતો જ નથી. પાકમાં બગાડ છે કે નહીં એ નક્કી કઈ રીતે કરવું? સરકાર કે બજાર પાસે આવી કોઈ યંત્રણા જ નથી એથી કહીસૂની વાતોના પ્રચાર પર જ વાયદા બજારો ચાલે છે. જ્યારે સામે સાચી વાસ્તવિકતા આવે ત્યારે તો નાના વેપારીઓ, ખેડૂતો અને જે-તે ઉદ્યોગમાં પડેલાઓ લૂંટાઈ ચૂક્યા હોય છે. જુગારી અને સટ્ટાકીય માનસ ધરાવતા જ અહીં કમાય છે. આવાં વાયદા બજારો ચલાવવાથી વેપારઉદ્યોગને કે દેશના અર્થતંત્રને કોઈને ફાયદો થતો નથી તો શું કામ કૉમોડિટી વાયદા બજારો ચલાવવાં જ જોઈએ?

ટ્રેડ કમિટમેન્ટ કયાં?

મરીના વાયદામાં કામ કરી ચૂકેલા અને મોટી નુકસાની ભોગવી ચૂકેલા કોચીના નિકાસકારોની વાત સાંભળવા જેવી છે. તેઓ કહે છે કે અમે ફૉરેનમાં કોઈ પણ કૉમોડિટીની નિકાસ કરીએ અને વાયદામાં બે મહિના પછી અમને નિકાસ માટેના મરીનો જથ્થો મળે એ માટે લેણનો સોદો કરીએ એટલે અમને નિશ્ચિતપણે બે મહિના પછી વાયદામાંથી મરી મળવાં જોઈએ, પણ ભારતીય કૉમોડિટી વાયદા બજારોમાં એવું નથી. અમે વાયદામાં જેમની પાસેથી મરી ખરીદ્યાં હોવાથી એ માત્ર બે કે ચાર ટકા ભરીને એવું કહી શકે કે હું માલની ડિલિવરી નહીં આપું. આવા વખતે અમે જે નિકાસ-કમિટમેન્ટ કર્યું હોય તો એનું શું થાય? કહેવાનું તાત્પર્ય એ છે કે ભારતીય કૉમોડિટી વાયદા બજારોમાં કોઈ વેપાર કરો અને તમને માલ મળશે જ એવી કોઈ ખાતરી જ નથી. વિદેશમાં હેજિંગ કર્યું હોય અને વેચનારા એમ કહે કે ડિલિવરી નહીં આપું તો તેની મેમ્બરશિપ રદ થઈ જાય છે ત્યારે અહીં માત્ર બેથી ચાર ટકા પેનલ્ટી ભરીને કોઈ કહી શકે કે જાઓ તમારાથી થાય એ કરી લો, મારે તમને ડિલિવરી નથી કરવી. બિચારો નિકાસકાર ફૉરેનમાં માલ આપવાનું કમિટમેન્ટ કરી ચૂક્યો હોય અને તેને વાયદા બજારમાંથી માલ ન મળે ત્યારે તેને બજારમાં એ વખતે માલ ખરીદવો પડે છે અને એને એના વધારે ભાવ ચૂકવવા પડે છે. આમ ભારતીય કૉમોડિટી વાયદા બજારોમાં જેમને માત્ર સટ્ટો અને જુગાર રમવો છે તેને માટે જ વ્યવસ્થા છે. નિકાસ-કમિટમેન્ટ કે લોકલ માલની ડિલિવરીના કમિટમેન્ટવાળા માટે હેજિંગ કરવું હોય તો તેઓ વાયદા બજારમાં લૂંટાય જ છે. આવા વાયદા શું કામ ચલાવવા જોઈએ?

નૉન-એક્સપર્ટ લીડર

ગવર્નમેન્ટ હૉસ્પિટલમાં હાર્ટ સર્જરી કરવા માટે સરકાર કાર્ડિઍક-સર્જ્યનને બદલે IAS ઑફિસરને બેસાડે તો હાર્ટના દરદીની શું દશા થાય એ કલ્પના કરી જુઓ. આવી જ દશા અત્યારે ભારતીય કૉમોડિટી વાયદા બજારોની છે. કૉમોડિટી વાયદા બજારના રેગ્યુલેટર ફૉર્વર્ડ માર્કેટ કમિશનના ચૅરમૅનપદે IAS ઑફિસરને બેસાડવામાં આવે છે. કૉમોડિટી વાયદા બજારો એ એક વેપાર છે જેને રેગ્યુલેટ એવો માણસ કરે છે કે જેણે જીવનમાં કોઈ દિવસ વેપાર જ નથી કર્યો કે જેણે વેપાર કઈ રીતે થાય, વેપારમાં આંટીઘૂંટી કેવી હોય એ તમામ બાબતો જેણે કરી જ નથી, જેણે એનો અભ્યાસ પણ નથી કર્યો એવો ઑફિસર કૉમોડિટી વાયદા બજારોનો રેગ્યુલેટર હોય ત્યારે કૉમોડિટી વાયદા બજારો સુચારુરૂપે કઈ રીતે ચાલે? જેમ ડૉક્ટર સર્જરી કરે એ જ રીતે વાયદાનો વેપાર કરવો એ એક સર્જરી છે. એમાં અનેક પ્રકારની મેકૅનિઝમ અને આંટીઘૂંટી છે. આ વેપાર યંત્રણા જો કોઈ બિનઅનુભવી દ્વારા ચલાવાય કે રેગ્યુલેટ થાય તો એનાથી કરોડો લોકોને નુકસાન થઈ શકે છે અને થઈ રહ્યું છે. કૉમોડિટી વાયદા બજારો થકી દેશનું અર્થતંત્ર બરબાદ થઈ રહ્યું છે. ૨૦૦૩માં ચાલુ થયેલાં રાષ્ટ્રીય કૉમોડિટી એક્સચેન્જો થકી દેશના અર્થતંત્રને માટે કે વેપાર ઉદ્યોગને લાભ થવાને બદલે નુકસાન વધારે પહોંચ્યું છે. જો ખરેખર વાયદા બજારોથી ખેડૂતોને ફાયદો થતો હોત તો આપણે આજે આપણી જરૂરિયાતનું ૬૩ ટકા ખાદ્ય તેલ આયાત ન કરતા હોત, આપણું કૃષિ ઉત્પાદન એટલું મોટું હોત કે આપણે તેલીબિયાં કે કઠોળની આયાત કરવાની જરૂર જ ન હોત. ઊલટું વાયદા ચાલુ થયા બાદ ખેડૂત અને દેશનું કૃષિક્ષેત્ર બરબાદ થયું છે. ગુવાર-ગમના બેફામ સટ્ટાને કારણે ગુવારની પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ ખતમ થઈ ચૂકી છે. એરંડાની ઇન્ડસ્ટ્રીઝની હાલત પણ ધીમે-ધીમે ગુવાર ઇન્ડસ્ટ્રીઝ જેવી થવા લાગી છે. મરી-મસાલાના એક્સર્પોટરો વાયદાની બેફામ સટ્ટાખોરીને કારણે અન્ય ધંધા તરફ વળી ગયા છે. ભારતમાં હાલ ચાલતાં કૉમોડિટી વાયદા બજારોથી કોને લાભ થઈ રહ્યો છે એનો જવાબ જો સરકાર શોધશે તો વાયદા બજારો ચલાવવાં કે બંધ કરવાં એ નિર્ણય પણ સરકાર સહેલાઈથી લઈ શકશે.