ટ્રિપલ મુસીબતઃ જીડીપી ઘટી, નાણાખાધ વધી ને કોર સેક્ટર સાવ તળિયે

30 November, 2019 07:58 AM IST  |  Mumbai

ટ્રિપલ મુસીબતઃ જીડીપી ઘટી, નાણાખાધ વધી ને કોર સેક્ટર સાવ તળિયે

નિર્મલા સીતારમણ

બે દિવસ અગાઉ દેશનાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રાજ્યસભામાં દેશની આર્થિક પરિસ્થિતિ અને મંદ પડી રહેલા વિકાસની ચર્ચાનો જવાબ આપતાં એવું પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો હતો કે કૉન્ગ્રેસની યુપીએ સરકાર કરતાં એનડીએ સરકારના શાસનમાં દેશની આર્થિક હાલત ઘણી સારી છે, પણ મુસીબત આવે ત્યારે એકસાથે આવે છે. આજે કેન્દ્ર સરકાર માટે એકસાથે ત્રણ ડેટા એવા આવ્યા હતા જે આંખો ફાડીને જણાવી રહ્યા છે કે ભલે મંદી (સતત બે ક્વૉર્ટર કે બે વર્ષમાં નેગેટિવ વિકાસદર) ન હોય, પણ આર્થિક વિકાસદર ઘટી તો રહ્યો જ છે અને એની અસર હવે કેન્દ્ર સરકારની તિજોરી પર પણ જોવા મળી રહી છે.
ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-’૨૦ના પ્રથમ ત્રણ મહિનામાં દેશનો આર્થિક વિકાસદર ૬ વર્ષમાં સૌથી નીચો પાંચ ટકા રહ્યો હતો જે બીજા ક્વૉર્ટર એટલે કે જુલાઈથી સપ્ટેમ્બરમાં વધુ ઘટીને ૪.૫ ટકા રહ્યો હોવાના સત્તાવાર આંકડા જાહેર થયા છે. આર્થિક વિકાસ નબળો પડી રહ્યો હોવાનાં કારણો પણ એ જ છે – માગ નથી, મૂડીરોકાણ નથી અને ઉત્પાદનક્ષેત્ર નબળું પડી રહ્યું છે. આ વિષચક્ર જેવી સ્થિતિ છે. ગ્રાહકો પાસે નાણાં ખૂટી રહ્યાં છે, રોજગારી ઘટી રહી છે અને ગ્રામીણ ભારતની હાલત ખરાબ હોવાથી ગ્રાહકો ખરીદી કરતા અટકી ગયા છે. ઘટેલી માગને કારણે ઉત્પાદન ઘટી રહ્યું છે, ઇન્ડસ્ટ્રીઝમાં ક્ષમતા ફાજલ પડી છે એટલે તેઓ નવું મૂડીરોકાણ કરી રહ્યા નથી. સરકારે સપ્ટેમ્બરના અંતે કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડો કરી નવું મૂડીરોકાણ કરવાનું પ્રોત્સાહન ચોક્કસ આપ્યું છે, પણ ગ્રાહકો જો બજારમાં ખરીદી કરવા નહીં નીકળે તો માગ પણ નહીં વધે અને નવું મૂડીરોકાણ પણ નહીં.
બીજી સમસ્યા છે દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં અડધો હિસ્સો ધરાવતા કોર સેક્ટરની. કોલસો, સ્ટીલ, સિમેન્ટ, ક્રૂડ ઑઇલ, ખાતર જેવા પાયાના ઉદ્યોગો સપ્ટેમ્બરમાં ૮૯ મહિનાના સૌથી નીચા દરે પટકાયા હતા, તો ઑક્ટોબરમાં પણ એમાં વૃદ્ધિની જગ્યાએ સંકોચન જોવા મળી રહ્યું છે. આથી ઑક્ટોબરમાં પણ હાલત સુધરી નથી એવું સ્પષ્ટ થાય છે. સ્થિતિ એટલી ખરાબ છે કે કોલસો અને વીજળીનું ઉત્પાદન પણ નેગેટિવ જોવા મળી રહ્યું છે.
ત્રીજો ધક્કો એ છે કે કેન્દ્ર સરકારની નાણાખાધ ૨૦૧૯-’૨૦ના ૧૨ મહિનામાં જેટલી આંકવામાં આવી હતી ત્યાં એપ્રિલથી ઑક્ટોબરના ૭ મહિનામાં પહોંચી ગઈ છે. એનું સીધું કારણ છે કે દેશમાં ઉત્પાદન અને માગ બન્ને નબળાં હોવાથી સરકારની કરની આવક ઘટી રહી છે. જીડીપીના આંકડા દર્શાવે છે કે વૃદ્ધિ માટે સરકારી ખર્ચ બધો બોજ વેઠી રહ્યા છે એટલે જો સરકાર આ ટ્રેન્ડમાં ખર્ચ ચાલુ રાખે અને આવક વધે નહીં તો નાણાખાધ બજેટના અંદાજ કરતાં પણ વધારે રહેશે. જેથી સરકાર નહીં કરની રાહત આપીને લોકોની માગ વધારી શકે કે નહીં ભવિષ્યમાં વધારે ખર્ચ કરી દેશનું અર્થતંત્ર ધમધમતું રાખી શકે.

nirmala sitharaman business news