13 July, 2024 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
જર્મનીની સરકારે બિટકૉઇનની વેચવાલી કરતાં વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૨.૨૮ ટકા (૧૬૯૭ પૉઇન્ટ) ઘટીને ૭૨,૭૮૨ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૭૪,૪૭૯ ખૂલીને ૭૫,૮૯૦ની ઉપલી અને ૭૨,૨૫૫ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી સોલાના, પોલકાડૉટ, શિબા ઇનુ અને ચેઇનલિન્ક ૩થી ૬ ટકાની રેન્જમાં ઘટ્યા હતા. એક્સઆરપી પાંચ ટકા વધ્યો હતો.
દરમ્યાન અમેરિકન સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશને બૅન્કો અને બ્રોકરેજિસ માટેની ક્રિપ્ટો રિપોર્ટિંગને લગતી જરૂરિયાતો હળવી બનાવી છે. બૅન્કો ગ્રાહકોના ક્રિપ્ટો હોલ્ડિંગ્સને તેમની બૅલૅન્સશીટમાં દર્શાવે નહીં તો ચાલશે એવી છૂટ આપવામાં આવી છે. બીજી બાજુ યુનાઇટેડ કિંગડમમાં લૉ કમિશન ઑફ ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સનું કહેવું છે કે ડિસેન્ટ્રલાઇઝ્ડ ઑટોનોમસ ઑર્ગેનાઇઝેશન્સ (DAO) માટે અલગથી કાયદો ઘડવાની જરૂર નથી. હાલના નાણાકીય વિષય સંબંધિત કાયદાઓ DAOને લાગુ કરી શકાય છે એવું તેમણે કહ્યું છે.