અમેરિકી ફેડરલના નિર્ણય પૂર્વે સોનામાં ઝડપી ઘટાડો

30 October, 2014 05:38 AM IST  | 

અમેરિકી ફેડરલના નિર્ણય પૂર્વે સોનામાં ઝડપી ઘટાડો

સોનામાં ફિઝિકલ બાઇંગ સતત વધી રહ્યું હોવા છતાં અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા બૉન્ડ-બાઇંગ પ્રોગ્રામ પૂરો કર્યા બાદ ઇન્ટરેસ્ટ-રેટ વધારવા વિશે કોઈ સંકેતો મળે એવી શક્યતાએ સોનામાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસની મીટિંગ બાદ બૉન્ડ-બાઇંગ, ઇકૉનૉમિક ગ્રોથ અને ઇન્ટરેસ્ટ-રેટ વધારવાના નિર્ણયો જાહેર થાય એ પૂર્વે સોનામાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. જોકે રશિયાએ સતત છઠ્ઠા મહિને ગોલ્ડ રિઝર્વ વધારી હોવાથી તેમ જ અમેરિકી ઈગલ ગોલ્ડ કૉઇન્સનું વેચાણ આઠ મહિનાની ઊંચાઈએ હોવાથી સોનામાં મોટો ભાવઘટાડો આવવાની શક્યતા બહુ જ ઓછી દેખાઈ રહી છે.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવમાં મંગળવારે મોટી વધ-ઘટ જોવા મળી હતી. ડૉલરની મજબૂતીથી ભાવ ઘટીને ૧૨૨૨.૨૦ ડૉલર થયા બાદ વધીને ૧૨૩૪ ડૉલર થયા હતા. ઓવરનાઇટ કોમેક્સ ગોલ્ડ ડિસેમ્બર વાયદો ૧૦ સેન્ટ વધીને ૧૨૨૯.૪૦ ડૉલર સેટલ થયો હતો. ઓવરનાઇટ અમેરિકાના ઑક્ટોબર મહિનાના કન્ઝ્યુમર કૉન્ફિડન્સના ડેટા સાત વર્ષની ઊંચી સપાટીએ પહોંચતાં ગઈ કાલે સવારે સોનું ઘટીને ૧૨૨૮ ડૉલર ખૂલ્યું હતું. અન્ય મેટલમાં ચાંદીનો ભાવ ૧૭.૨૦ ડૉલર ખૂલીને છેલ્લે ૧૭.૨૬ ડૉલર, પ્લૅટિનમનો ભાવ ૧૨૭૦ ડૉલર ખૂલીને છેલ્લે ૧૨૫૭ ડૉલર અને પૅલેડિયમના ભાવ ૭૯૬ ડૉલર ખૂલીને ૭૭૪ ડૉલર રહ્યો હતો.

અમેરિકાના મિક્સ ડેટા

અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસની મીટિંગ ચાલી રહી છે ત્યારે જ અમેરિકાના ઇકૉનૉમિક ડેટા મિક્સ આવ્યા હતા. અમેરિકાનો કન્ઝ્યુમર કૉન્ફિડન્સ ઇન્ડેક્સ ઑક્ટોબરમાં વધીને ૯૪.૫ થયો હતો જે સપ્ટેમ્બરમાં ૮૯ પૉઇન્ટ હતો. કન્ઝ્યુમર કૉન્ફિડન્સ ઇન્ડેક્સ સાત વર્ષની ઊંચી સપાટીએ પહોંચતાં ડૉલર વધુ સ્ટ્રૉન્ગ થયો હતો, પણ સપ્ટેમ્બર મહિનાના કન્ઝ્યુમર ડ્યુરેબલ ડેટાનો ઇન્ડેક્સ ૧.૭ ટકા ઘટ્યો હતો. સપ્ટેમ્બરનો ઘટાડો છેલ્લા આઠ મહિનાનો સૌથી મોટો ઘટાડો હોવાથી અમેરિકી ડૉલર ઘટ્યો હતો જેને લીધે સોનાને મજબૂતી મળી હતી.

રશિયાની ગોલ્ડ રિઝર્વ

રશિયાએ સતત છઠ્ઠા મહિને ગોલ્ડ રિઝર્વમાં વધારો કર્યો હતો. ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડના રિપોટ અનુસાર રશિયાએ સપ્ટેમ્બરમાં ૩૭ ટન સોનું ખરીદીને એની રિઝર્વ ૧૧૪૯ ટને પહોંચાડી હતી, જ્યારે અઝરબૈઝાને પણ સતત બીજા મહિને એની ગોલ્ડ રિઝર્વમાં ચાર ટનનો વધારો કર્યો હતો. કઝાખસ્તાને ૨.૧ ટનનો અને તુર્કીએ ગોલ્ડ રિઝર્વમાં ૧૨ ટનનો વધારો કર્યો હતો. મેક્સિકોએ સપ્ટેમ્બરમાં ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો કર્યો હતો.

ફિઝિકલ બાઇંગ


ચીનની ગોલ્ડ ઇમ્ર્પોટ સપ્ટેમ્બરમાં વધ્યાના રિપોટ બાદ અમેરિકન મિન્ટ દ્વારા ઑક્ટોબરમાં ૬૦ હજાર ઔંસ ઈગલ કૉઇન્સનું વેચાણ થયું હતું જે જાન્યુઆરી પછીનું સૌથી હાઇએસ્ટ હતું. જોકે સૌથી મોટા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ SPDR ટ્રસ્ટના હોલ્ડિંગમાં મંગળવારે ૧.૮ ટનનો ઘટાડો થયો હતો. એશિયાના સૌથી મોટા બાયર ભારત અને ચીનની ફિઝિકલ ડિમાન્ડ ધીમે-ધીમે વધી રહી છે. ઉપરાંત અનેક દેશોની ગોલ્ડ રિઝર્વ વધી રહી છે અને અમેરિકામાં ગોલ્ડ કૉઇન્સનું વેચાણ પણ વધી રહ્યું છે. ઓવરઑલ ફિઝિકલ ડિમાન્ડ વધી રહી હોવાથી ગોલ્ડને સર્પોટ મળતો રહેશે.

દિવાળીના તહેવારોમાં બ્રૅન્ડેડ જ્વેલરીનું વેચાણ ઘટયું

દિવાળીના તહેવારો દરમ્યાન ભારતમાં સોનાનું વેચાણ ગયા વર્ષ કરતાં ૨૦ ટકા વધ્યું હોવાનું વિવિધ બુલિયન ટ્રેડ અસોસિએશનોને જાહેર કર્યું હતું, પણ ભારતના ટૉપમોસ્ટ બ્રૅન્ડેડ જ્વેલરોનાં સૂત્રોના જણાવ્યા અનુસાર દિવાળીના તહેવારો દરમ્યાન ગયા વર્ષ કરતાં સોનાનું વેચાણ ૮થી ૧૦ ટકા ઘટયું હતું. બ્રૅન્ડેડ જ્વેલરીની ટોચની કંપનીઓ તનિષ્ક, ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી, સેન્કો વગેરે કંપનીનાં સૂત્રોના દેશભરમાં ફેલાયેલા શોરૂમોમાં દિવાળીના તહેવારો દરમ્યાન ગયા વર્ષની દિવાળી કરતાં ડિમાન્ડ ઓછી રહી હોવાનું અસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું, પણ કેટલીક બ્રૅન્ડોનાં સૂત્રો દિવાળી દરમ્યાન એમની રીટેલ ચેઇન્સમાં ડિમાન્ડ વધી હોવાનું પણ જણાવે છે. ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલરી અસોસિએશનના સ્પોકપર્સનના કહેવા પ્રમાણે ઇક્વિટી માર્કેટની તેજીને કારણે તેમ જ ઊંચા ફુગાવાને કારણે દિવાળીના તહેવારોમાં જ્વેલરી ખરીદનારા લોકોમાં ઉત્સાહનો અભાવ જોવા મળ્યો હતો.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૭,૧૦૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૬,૯૫૫
ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) :  ૩૮,૯૨૫
(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)