દેશની પાંચ મોટી બેન્કો પોતાના શેર સંસ્થાકીય રોકાણકારોને વેચશે

26 August, 2020 07:26 AM IST  |  New Delhi | Agencies

દેશની પાંચ મોટી બેન્કો પોતાના શેર સંસ્થાકીય રોકાણકારોને વેચશે

એસબીઆઈ

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ), પંજાબ નૅશનલ બૅન્ક (પીએનબી) અને બૅન્ક ઑફ બરોડા (બીઓબી) સહિતની દેશની પાંચ મોટી બૅન્ક વર્તમાન નાણાકીય વર્ષના બીજા છ માસિક ગાળા દરમિયાન પોતાના શૅર સંસ્થાકીય રોકાણકારોને વેચશે. અર્થતંત્રને વિપરીત અસર કરી રહેલી કોરોના વાઇરસની મહામારી વચ્ચે આ બૅન્કો પોતાની મૂડી વધારવાના હેતુથી શૅરનું આ વેચાણ કરશે. આ બૅન્કોમાં યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા (યુબીઆઇ)નો પણ સમાવેશ હોવાનું મનાય છે.

ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (ક્યૂઆઇપી) સૌથી મોટી પસંદગીનું માધ્યમ ગણાય છે અને જાહેર ક્ષેત્રની આ બૅન્કો વર્ષના પોતાના બીજા ત્રૈમાસિક ગાળાના પરિણામો નક્કી કર્યા પછી ક્યૂઆઇપીનો માર્ગ અપનાવવા વિશેનો અંતિમ નિર્ણય લેશે, એવું મર્ચન્ટ બૅન્કિંગના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

સૂત્રોએ એવું પણ કહ્યું હતું કે બૅન્કોને ઑક્ટોબર મહિનાના અંત સુધીમાં પોતાની નૉન-પરફોર્મિંગ ઍસેટ્‌સ (એનપીએ), વન-ટાઇમ લોન સંબંધિત પુનર્રચના અને એને પગલે જાહેર થનારા રેટિંગ બાબતમાં વધુ સારું ચિત્ર મળી જશે. પોતાના શૅર વેચનારી આ બૅન્કો પોતાની મૂડી વધારવા એવી યોજના ઘડવા માગે છે જેમાં પ્રવાહિતા સંબંધમાં કોઈ ઘટાડો ન નોંધાય તેમ જ વિવિધ ક્યૂઆઇપીમાં ભાગ લેવા ઘરઆંગણાના તથા જાગતિક રોકાણકારોને પૂરતો સમય મળી રહે.

અહીં એ યાદ અપાવવાની કે આઇસીઆઇસીઆઇ, એક્સિસ બૅન્ક અને કોટક મહિન્દ્ર સહિતની પ્રાઇવેટ ક્ષેત્રની કેટલીક બૅન્કોએ છેલ્લા ત્રણ મહિનામાં ક્યૂઆઇપી મારફત મૂડી એકઠી કરી છે. જાહેર ક્ષેત્રોની બેંકને આગામી બે વર્ષમાં રૂ. ૨.૧ લાખ કરોડની બાહ્ય મૂડીની જરૂર પડશે અને આ ખામી પૂરી કરવા માટે તેમને સરકારના સહાયની જરૂર પડશે, એમ મૂડી ઇન્વેસ્ટર્સ સર્વિસે જણાવ્યું હતું.

state bank of india business news