28 September, 2026 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે ટેલિકૉમ કંપનીઓને પ્રી-પેઇડ ગ્રાહકો માટે વધુ અનુકૂળ રીચાર્જ વિકલ્પો આપવા નવા નિયમો લાગુ કર્યા છે. ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI) દ્વારા બહાર પાડવામાં આવેલા ટેલિકૉમ કન્ઝ્યુમર પ્રોટેક્શન (થર્ટીન્થ અમેન્ડમેન્ટ) રેગ્યુલેશન્સ 2026 અંતર્ગત હવે તમામ કંપનીઓએ ૩૦ દિવસની વૅલિડિટીવાળા પ્લાન ફરજિયાત આપવા પડશે. અત્યાર સુધી કંપનીઓ મોટા ભાગે ૨૮ દિવસની વૅલિડિટી આપતી હતી જેને કારણે ગ્રાહકોએ વર્ષમાં ૧૩ વખત રીચાર્જ કરાવવું પડતું હતું. હવે ૩૦ દિવસના પ્લાનથી વર્ષમાં માત્ર ૧૨ વખત રીચાર્જ કરાવવું પડશે.
આ ઉપરાંત TRAIએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે જે ગ્રાહકોને ઇન્ટરનેટ ડેટાની જરૂર નથી તેમના માટે માત્ર વૉઇસ-કૉલ અને SMSની સુવિધાવાળા શૉર્ટ વૅલિડિટી પ્લાન પણ આપવા પડશે. સાથે જ ગ્રાહકોને દર મહિને એક જ તારીખે રીચાર્જ રિન્યુ કરવાનો વિકલ્પ પણ મળશે. જો કોઈ મહિનામાં એ તારીખ ન આવે તો મહિનાના છેલ્લા દિવસે રીચાર્જ રિન્યુ થશે.આ નવા નિયમોનો સૌથી મોટો ફાયદો સિનિયર સિટિઝનો અને ફીચર ફોન વાપરતા ગ્રામીણ વિસ્તારોના લોકોને થશે. BJPના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢાએ ૧૧ માર્ચે સંસદમાં આ મુદ્દો ઉઠાવીને ગ્રાહકો માટે સસ્તા વિકલ્પોની માગણી કરી હતી. ગઈ કાલે તેમણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આ નવા નિયમો વિશે સરકારનો આભાર માન્યો હતો. આ નવા નિયમો ગૅઝેટમાં પ્રસિદ્ધ થયાના ૩૦ દિવસમાં લાગુ થઈ જશે.