18 February, 2025 06:59 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
ભારતની આમજનતા માટે ફેબ્રુઆરી મહિનાના આરંભથી એકધારા સારા સમાચારોની લહાણી થઈ રહી છે. ખાસ કરીને ભારતની કરોડરજ્જુ ગણાતા મિડલ ક્લાસને માટે ‘રિયલ અચ્છે દિન’ શરૂ થયા હોવાનો અહેસાસ થયો છે. ફેબ્રુઆરીના પ્રથમ દિવસે બજેટમાં આશ્ચર્યચકિત રીતે આવકવેરાની લિમિટ ૭ લાખથી વધારીને ૧૨ લાખ કરવાની જાહેરાત થઈ. ભારતના આઝાદીના ઇતિહાસમાં મિડલ ક્લાસને આટલી મોટી રાહત કોઈ સરકારે આપી હોય એવો પહેલો બનાવ બન્યો છે. ફેબ્રુઆરીમાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરીને આમ પ્રજાને લોન સસ્તી મળે એવો નિર્ણય કર્યો છે. આયકરની લિમિટમાં વધારો અને લોન સસ્તી થવી, આ બે રાહતભર્યા નિર્ણય બાદ ગયા સપ્તાહે રીટેલ મોંઘવારી અને હોલસેલ મોંઘવારીમાં ઘટાડો થયાના સમાચાર આવ્યા છે. ખાસ કરીને રીટેલ મોંઘવારી ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી. આમ, અનેક પ્રકારે રાહત આપતા સમાચારથી આમ પ્રજા માટે વિકાસના નવા દ્વાર ખુલ્યા હતા. ભારતીય પ્રજાએ છેલ્લી ત્રણ ચૂંટણીમાં એક જ પક્ષની સરકારને ચૂંટીને સ્થિર સરકારનો જે લોકચુકાદો આપ્યો છે એનાં મીઠાં ફળ મળવાનાં હવે ચાલુ થયાં છે. આમ પ્રજાની મુશ્કેલીમાં રાહતની સાથે સુખ-સુવિધા વધે એ માટે રસ્તાઓ, રેલવે-સ્ટેશનો, ઍરપોર્ટ વગેરે માળખાકીય સવલતો ઝડપથી આધુનિક બની રહી છે.
મોંઘવારી ઘટતાં હવે કયાં પગલાં આવી શકે?
મોંઘવારી દરમાં ઘટાડો થવાની સાથે દેશમાં શિયાળુ પાકો રાયડો, ચણા, ઘઉં, અન્ય કઠોળ અને મસાલા પાકોનું જંગી ઉત્પાદન થવાનાં અનુમાનો માર્કેટમાં આવી રહ્યાં હોસાથી હવે ખેડૂતોને સારા ભાવ મળે એ માટે કેટલીક ચીજોની આયાતના દ્વાર બંધ કરવામાં આવશે તેમ જ જીવનજરૂરી ૭ ચીજોના વાયદા છેલ્લાં ત્રણ વર્ષથી બંધ છે એને મંજૂરી આપવામાં આવે એવી શક્યતા વધી છે. સરકારે ત્રણ વર્ષ પહેલાં મૂકેલો પ્રતિબંધ ડિસેમ્બરમાં પૂરો થતો હતો એ પહેલાં એક મહિનો લંબાવ્યો હતો અને ત્યાર બાદ બે મહિના લંબાવીને ૩૧ માર્ચ સુધી લંબાવ્યો છે. મોંઘવારી દર ઘટતાં સરકારે ૭ ચીજો ઘઉં, ચણા, રાયડા-રાયડાતેલ, સોયાબીન-સોયાતેલ, ચોખા, પામતેલના વાયદાને ૧ એપ્રિલથી મંજૂરી આપે એવી શક્યતા વધી છે. કેન્દ્રીય બજેટમાં સરકારે તેલીબિયાં અને કઠોળના ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવા અનેક ઉપાયોની ચર્ચા કરી હતી. હવે આ દિશામાં વધુ અસરકારક પગલાંની જાહેરાત આગામી દિવસોમાં સરકાર તરફથી થઈ શકે છે. કેટલીક જીવનજરૂરી ચીજોના વ્યાપારમાં લાગેલાં નિયંત્રણો હળવાં થશે. આમ, હવે સરકાર પ્રબળ જુસ્સા સાથે દેશ ખાદ્યાન્નની બાબતમાં આત્મનિર્ભર બને એ માટે પગલાં લઈ શકશે.
મોંઘવારીના દરમાં મોટો ઘટાડો
જાન્યુઆરી મહિનાનો રીટેલ મોંઘવારી દર ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૪.૩ ટકાએ પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૫.૨ ટકા હતો અને ગયા વર્ષે જાન્યુઆરીમાં ૫.૧ ટકા હતો. રૂરલ ઇન્ડિયાનો મોંઘવારી દર ૪.૬ ટકા હતો અને અબર્ન ઇન્ડિયાનો મોંઘવારી દર ૩.૯ ટકા હતો. ફૂડ પ્રાઇસનો મોંઘવારી દર છ ટકા હતો જે ડિસેમ્બરમાં આઠ ટકા હતો. સૌથી મોટી રાહત પ્રજાને શાકભાજીના ભાવમાં થઈ હતી. શાકભાજીના ભાવનો દર ઘટીને ૧૧.૪ ટકા જ રહ્યો હતો જે ડિસેમ્બરમાં ૨૬.૬ ટકા હતો. ફ્રૂટ્સના ભાવનો દર પણ ઘટીને ૧૨.૨ ટકા રહ્યો હતો, જ્યારે તેજાના-મસાલાના ભાવનો દર ઘટીને ૬.૯ ટકા જ રહ્યો હતો. સાકરના ભાવનો દર ઘટીને માત્ર ૦.૩ ટકા જ રહ્યો હતો આથી સાકરના ભાવ જાન્યુઆરીમાં ખાસ્સા એવા ઘટ્યા હતા. ચોખાના ભાવનો દર થોડો ઊંચો ૧૫.૬ ટકા હતો, જ્યારે ફ્યુઅલ અને ઇલેક્ટ્રિસિટીના દર ઘટીને માત્ર ૧.૪ ટકા જ રહ્યા હતા. રીટેલ મોંઘવારી દર જાહેર થયા બાદ આવેલો હોલસેલ મોંઘવારીનો દર પણ જાન્યુઆરીમાં ઘટીને ૨.૩૧ ટકા જ રહ્યો હતો જે ડિસેમ્બરમાં ૨.૩૭ ટકા હતો. હોલસેલ મોંઘવારી નક્કી કરવામાં ખાદ્યાન્ન ચીજોના ભાવનો હિસ્સો ૨૪.૩૮ ટકા હોય છે. ખાદ્યાન્ન ભાવનો દર ઘટીને ૭.૪૭ ટકા રહ્યો હતો જે ડિસેમ્બરમાં ૮.૮૯ ટકા હતો. હોલસેસ માર્કેટમાં પણ શાકભાજીના દર ઘટીને ૮.૩૫ ટકા રહ્યા હતા જે ડિસેમ્બરમાં ૨૮.૬૫ ટકા હતા. અનાજ અને કઠોળના ભાવ જાન્યુઆરીમાં વધ્યા હતા, અનાજના ભાવનો દર ૭.૩૩ ટકા હતો જે ડિસેમ્બરમાં ૬.૮૨ ટકા હતો અને કઠોળના ભાવનો દર વધીને ૫.૦૮ ટકા હતો જે ડિસેમ્બરમાં ૫.૦૨ ટકા હતો.
આયકર લિમિટ વધી, વ્યાજદર ઘટ્યા
કેન્દ્રીય બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મિડલ ક્લાસને અત્યંત ખુશ કરી દીધાં હતાં. કોઈએ ધાર્યું નહોતું કે આયકર લિમિટમાં આટલો મોટો ફાયદો કરવામાં આવશે. બજેટ પહેલાં ૧૦ લાખ રૂપિયાની છૂટની ચર્ચા થતી હતી એમાં પણ મોટા પંડિતો આવી કોઈ જ રાહતનો ઇનકાર કરીને આટલી મોટી ૧૨ લાખ રૂપિયાની રાહત આપવામાં આવે તો સરકારી તિજોરીને નુકસાન થાય અને અર્થતંત્ર વિકાસના રાહથી ભટકી જાય એવી દલીલો કરતા હતા, પણ નરેન્દ્ર મોદી સરકારે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની જીતની ગિફ્ટ આપવાની હતી અને આમ પ્રજાએ પણ ખુશ થઈને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી આપીને રિટર્ન ગિફ્ટ આપી હતી. બજેટ બાદ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની ધિરાણનીતિમાં નવા વરાયેલા ગવર્નર સંજય મલ્હોત્રાએ તેમના કાર્યકાળની પહેલી જ મીટિંગમાં રેપો-રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરીને આમ પ્રજાને સસ્તી લોનની સુવિધા આપી હતી. વિશ્વની કેન્દ્રીય બૅન્કો છેલ્લા છ મહિનાથી શ્રેણીબદ્ધ વ્યાજદરોમાં ઘટાડો કરી રહી છે. રિઝર્વ બૅન્કના અગાઉના ગવર્નર શશિકાન્ત દાસ મોંઘવારી વધવાના ડરથી વ્યાજદરમાં ઘટાડો કરતા નહોતા, પણ રિઝર્વ બૅન્કની ધિરાણનીતિ જાહેર થયા બાદ મોંઘવારીના બન્ને દરો ઘટીને આવતાં આગામી રિઝર્વની બૅન્કની જાહેર થનારી ધિરાણનીતિમાં પણ વધુ વ્યાજદરમાં ઘટાડો કરાશે એવી ધારણા છે.