રતન તાતાની લીડરશિપમાં તાતા ગ્રુપની આવક અને નફામાં ૫૦૦૦ ટકાનો જમ્પ

30 December, 2012 05:46 AM IST  | 

રતન તાતાની લીડરશિપમાં તાતા ગ્રુપની આવક અને નફામાં ૫૦૦૦ ટકાનો જમ્પ



તાતા ગ્રુપના ચૅરમૅન તરીકે રતન તાતા ૧૯૯૧માં જોડાયા હતા. ૨૮ ડિસેમ્બરે તેમણે નિવૃત્તિ લીધી છે. ૨૮ ડિસેમ્બરે રતન તાતા ૭૫ વર્ષના થયા હતા. રતન તાતાના નેતૃત્વ હેઠળ તાતા ગ્રુપની કંપનીઓએ દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે એને કારણે તાતા ગ્રુપની કંપનીઓના શૅરહોલ્ડરોને પણ ફાયદો થયો છે.

૨૧ વર્ષના સમયગાળામાં તાતા ગ્રુપની આવક, ચોખ્ખો નફો, માર્કેટ-વૅલ્યુ વગેરેમાં કેટલો વધારો થયો એની વિગતો જોઈએ. ૧૯૯૧થી ૨૦૧૨ દરમ્યાન તાતા ગ્રુપની આવક ૮૮૮૪ કરોડ રૂપિયાથી ૫૦૦૦ ટકા વધીને ૪,૫૨,૮૫૭ કરોડ રૂપિયા થઈ છે. ઑપરેટિંગ પ્રૉફિટ ૧૬૪૩ કરોડ રૂપિયાથી ૩૯૦૦ ટકા વધીને ૬૬,૩૯૯ કરોડ રૂપિયા, ચોખ્ખો નફો ૫૮૦ કરોડ રૂપિયાથી ૫૦૦૦ ટકા વધીને ૨૯,૩૬૯ કરોડ રૂપિયા, ઇક્વિટી ડિવિડન્ડ ૧૯૫૦ કરોડ રૂપિયાથી ૩૪૫ ટકા વધીને ૮૬૬૯ કરોડ રૂપિયા, નેટવર્થ ૩૫૩૫ કરોડ રૂપિયાથી ૪૦૦૦ ટકા વધીને ૧,૪૩,૮૫૮ કરોડ રૂપિયા, ઍસેટ્સ ૮૬૩૮ કરોડ રૂપિયાથી ૪૦૦૦ ટકા વધીને ૩,૪૯,૯૪૧ કરોડ રૂપિયા અને માર્કેટ-વૅલ્યુ ૨૯,૦૬૮ કરોડ રૂપિયાથી ૫૦૦૦ ટકા વધીને ૪,૫૪,૬૪૫ કરોડ રૂપિયા થઈ છે.

૧૯૯૧થી ૨૦૧૨ દરમ્યાન તાતા ગ્રુપનો સંકલિત વાર્ષિક વૃદ્ધિદર કેટલો રહ્યો એની વિગત જોઈએ. તાતા ગ્રુપની આવકનો કુલ વાર્ષિક વૃદ્ધિદર ૨૧.૭૦ ટકા, ઑપરેટિંગ પ્રૉફિટનો ૨૦.૩૦ ટકા, નેટ પ્રૉફિટનો ૨૧.૭૦ ટકા, ઇક્વિટી ડિવિડન્ડનો ૨૦.૯૦ ટકા, નેટવર્થનો ૨૦.૪૦ ટકા, ઍસેટ્સનો ૨૦.૩૦ ટકા અને બજારમૂલ્યનો ગ્રોથરેટ ૧૪.૭૦ ટકા જેટલો રહ્યો છે.