ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન ૧૦૫ લાખ ટન થવાનો અંદાજ

12 May, 2023 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧૦૩.૦૩ લાખ ટનનું ઉત્પાદન થયું

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

દેશમાં ખાંડના ટોચના ઉત્પાદક રાજ્ય એવા ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન ચાલુ સીઝનમાં કુલ ૧૦૫ લાખ ટન થવાનો અંદાજ છે અને સીઝન હવે ટૂંકમાં પૂરી થવાની તૈયારીમાં છે. મોટા ભાગની મિલો બંધ થઈ ગઈ છે અને જે ચાલુ છે એ પણ ટૂંકમાં બંધ થઈ જશે.

સરકારી આંકડાઓ મુજબ ઉત્તર પ્રદેશમાં આઠમી મે સુધીમાં ખાંડનું કુલ ઉત્પાદન ૧૦૩.૦૩ લાખ ટનનું થયું છે, જે ગયા વર્ષે આજ સમયગાળામાં ૧૦૧.૯૮ લાખ ટનનું થયું હતું. રાજ્યની શુગર મિલોએ આ વર્ષે કુલ ૧૦૭૧.૪૮ લાખ ટન શેરડીનું પિલાણ કર્યું છે, જે ગયા વર્ષે આ જ સમયે ૧૦૧૬.૨૬ લાખ ટનનું પિલાણ કર્યું હતું.

શેરડીના ખેડૂતો પાસેથી શેરડીની ખરીદી પેટે શુગર મિલો સમય પહેલાં પૈસા ચૂકવી આપે એ માટે પ્રયાસ કરી રહી છે. રાજ્યની શુગર મિલોએ અત્યાર સુધીમાં શેરડીની ખરીદી પેટે કુલ રકમમાંથી ૭૫.૧૧ ટકા એટલે કે કુલ ૨૭,૦૧૧.૪૩ કરોડ રૂપિયા ચૂકવી આપ્યા છે.

યોગી સરકારે વર્ષ ૨૦૨૧-’૨૨માં કુલ ૩૫,૧૧૬ કરોડ, વર્ષ ૨૦૨૦-’૨૧માં ૩૩,૦૦૭ કરોડ અને વર્ષ ૨૦૧૯-’૨૦માં ૩૫,૮૯૮ કરોડ રૂપિયાની ચુકવણી કરી છે. યોગી સરકાર આવી ત્યારથી કુલ ૨.૧૦ લાખ કરોડ રૂપિયાની ચુકવણી ખેડૂતોને મિલો મારફતે કરાવી છે અને પેન્ડિંગ રકમનો આંકડો વર્ષોવર્ષ ઘટતો જાય છે. 

business news commodity market