04 March, 2024 07:26 AM IST | Mumbai | Mayur Mehta
ખાંડની તસવીર
ભારતીય રાજકારણમાં ખાંડ હમેશા સંવેદનશીલ કૉમોડિટી રહી છે. ઇન્દિરા ગાંધી અને મોરારજી દેસાઈ સહિત અનેક સરકારોને ખાંડના ઊંચા ભાવે પરેશાન કર્યા છે, પણ શરદ પવાર જેવા વિચક્ષણ રાજકારણીએ શેરડી અને ખાંડમિલોને પ્રોત્સાહન મળે એવી પૉલિસી બનાવ્યા બાદ છેલ્લાં દસ વર્ષથી ભારત ખાંડનું સરપ્લસ ઉત્પાદન કરે છે અને બે વર્ષ સુધી ભારતે વિક્રમજનક નિકાસ કરીને વિશ્વના નકશામાં ખાંડના મોટા નિકાસકાર તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. નરેન્દ્ર મોદી સરકારની બૅલૅન્સ પૉલિસીને કારણે ખાંડના ઉત્પાદનમાં ઘટાડો છતાં ખાંડના ભાવ નિયંત્રણમાં રહ્યા છે. ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે ખાંડનું ઉત્પાદન ઘટતાં સરકારે નિકાસ પર નિયંત્રણો નાખ્યાં તેમ જ ઇથેનૉલ બનાવવા માટે ખાંડના વધતા વપરાશને પણ બ્રેક લગાવીને બજારમાં ખાંડની સપ્લાય જળવાયેલી રહે એવી પૉલિસી બનાવી છે. ખાંડના ભાવની વધ-ઘટ આમ તો છેલ્લાં ચારથી પાંચ વર્ષથી એકદમ કાબૂમાં છે. ચાલુ વર્ષે ચૂંટણીનું વર્ષ હોવાથી સરકારે શેરડીના ખેડૂતોને પ્રોત્સાહન આપવા શેરડીની એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)માં પણ વધારો કર્યો છે. વિશ્વના નકશામાં શેરડી, ખાંડ, ઇથેનૉલના ઉત્પાદનમાં હવે ભારત બીજા ક્રમે પહોંચીને મહત્ત્વનું સ્થાન બનાવ્યું છે. આગામી વર્ષોમાં ભારત ખાંડનું એક મોટું નિકાસકાર તરીકે નિયમિત સ્થાન લેશે એ નક્કી છે.
ખાંડના ઉત્પાદનના અંદાજો
દેશમાં સીઝનની શરૂઆતથી અત્યાર સુધી ખાંડના ઉત્પાદનમાં ગયા વર્ષની તુલનાએ ઘટાડો જ થયો છે અને ૧૫મી ફેબ્રુઆરી સુધીના છેલ્લા આંકડાઓ મુજબ વાવેતર ૨.૫૦ જેવું ઘટ્યું છે. દેશમાં ઓછા વરસાદને કારણે ચાલુ સીઝન વર્ષમાં ખાંડના એકંદર ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા છે, જેને કારણે આ વર્ષે શેરડીનું વાવેતર ઓછું થયું છે, એમ ઉદ્યોગે જણાવ્યું હતું. ‘ઓછા વરસાદને કારણે આ વર્ષે ખાંડનું એકંદર ઉત્પાદન ગયા વર્ષની સરખામણીમાં ઘટવાની ધારણા છે જેને કારણે શેરડીનું વાવેતર ઓછું થયું છે. જોકે આ વર્ષે ખાંડનું નીચું ઉત્પાદન ચિંતાજનક નથી, કારણ કે ગયા વર્ષની સરખામણીમાં તફાવત મોટો ન હોઈ શકે, કારણ કે પિલાણની સીઝન ચાલી રહી છે અને હજી પણ પૂરી થઈ નથી, એમ ઑલ ઇન્ડિયા શુગર ટ્રેડ અસોસિએશન (એઆઇએસટીએ)ના ચૅરમૅન પ્રફુલ વિઠ્ઠલાનીએ જણાવ્યું હતું. ટ્રેડ સંગઠન દેશમાં ૩૨૯ લાખ ટનની સરખામણીએ આ વર્ષે ૩૧૬ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાનો અંદાજ મૂકે છે. ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશન (ઇસ્મા)ના જણાવ્યા અનુસાર ચાલુ ખાંડની સીઝનમાં ૧૫ ફેબ્રુઆરી સુધીમાં ઉત્પાદન ૨૨૩.૬૮ લાખ ટન સુધી પહોંચી ગયું છે, જે ગયા વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૨૨૯.૩૭ લાખ ટન હતું.
ઇસ્મા અનુસાર મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને તામિલનાડુમાં ખાંડનું ઉત્પાદન ચાલુ માર્કેટિંગ વર્ષની ૧૫ ફેબ્રુઆરી સુધી ઓછું રહ્યું હતું. દેશનું સૌથી મોટું ખાંડઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં ઉત્પાદન આ માર્કેટિંગ વર્ષની ૧૫ ફેબ્રુઆરી સુધી ઘટીને ૭૯.૪ લાખ ટન થયું હતું જે એક વર્ષ અગાઉના સમયગાળામાં ૮૫.૯ લાખ ટન હતું. એવી જ રીતે દેશનું ત્રીજું સૌથી મોટું ઉત્પાદક કર્ણાટકમાં ઉત્પાદન આ સમયગાળામાં ૪૬ લાખ ટનથી ઘટીને ૪૩.૨ લાખ ટન થયું હતું. આ માર્કેટિંગ વર્ષમાં ૧૫ ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં ખાંડનું ઉત્પાદન ૬.૮૫ લાખ ટન અને તામિલનાડુમાં ૪.૫૦ લાખ ટન સુધી પહોંચી ગયું છે. દેશમાં ખાંડના ઉત્પાદનને લઈને ઊંચા અંદાજો આવી રહ્યા છે. વૈશ્વિક કૉમોડિટી ટ્રેડિંગ કંપની વિલ્મરે જણાવ્યું હતું કે ભારતમાં અત્યાર સુધી ઉત્પાદનની સ્થિતિ જોતાં સમગ્ર વર્ષ દરમ્યાન ખાંડનું કુલ ઉત્પાદન ૩૩૦ લાખ ટન કે એનાથી પણ વધુ થવાની સંભાવના છે.
સિંગાપોર સ્થિત કૉમોડિટીઝ ટ્રેડિંગ કંપની વિલ્મરના ખાંડ-વિશ્લેષણના વડા કરીમ સૅલ્મોને જણાવ્યું હતું કે ભારતનો પાક ઊલટું આશ્ચર્ય કરવા માટે તૈયાર છે. ગયા વર્ષે આ સમયે ૪૪૧ મિલની સરખામણીએ દેશમાં આ વર્ષે ૪૬૨ મિલ હજી પણ કાર્યરત છે. ચોમાસું નબળું ગયું હોવા છતાં ભારતીય ખાંડનું ઉત્પાદન ૩૨૫ લાખ ટનથી વધુ અને ૩૩૦ લાખ ટનથી ઓછું થવાની સંભાવના છે જે લગભગ ગયા વર્ષની જેમ જ છે.’
વિલ્મરના વિશ્લેષકે જણાવ્યું હતું કે એપ્રિલમાં શરૂ થનારી નવી બ્રાઝિલ ખાંડની સીઝન અગાઉની જેટલી મોટી હોઈ શકે છે, જેમાં સામાન્ય કરતાં વધુ સૂકા હવામાન હોવા છતાં રેકૉર્ડ-ઉત્પાદન જોવા મળ્યું હતું. તેમનું માનવું છે કે દેશમાં ઉત્પાદન ક્ષમતાને વિસ્તૃત કરવા માટે નવા રોકાણને પરિણામે ૨૦૨૪-’૨૫માં ૪૨૫થી ૪૪૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થશે. તેમને અપેક્ષા છે કે થાઇલૅન્ડમાં શેરડીનું પિલાણ ૮૫૦ લાખ ટન સાથે ખાંડનું ઉત્પાદન ૮૫થી ૯૦ લાખ ટન વચ્ચે થવાનો અંદાજ છે. એ માત્ર ત્રણ અઠવાડિયાં પહેલાંનાં મોટા ભાગનાં પ્રિવિઝન્સની તુલનામાં ૧૦ લાખ ટન વધારાની ખાંડ આવશે.
ઇથેનૉલ માટે ખાંડના વપરાશ પર નિયંત્રણ
ઇથેનૉલ બનાવવા હવે વધુ ખાંડ નહીં ફાળવાય એવી વાત સરકારે સ્પષ્ટ કરી છે. ફૂડ સેક્રેટરી સંજીવ ચોપડાએ ગુરુવારે જણાવ્યું હતું કે ‘ચાલુ સીઝન વર્ષમાં ઇથેનૉલ બનાવવા માટે ખાંડના વધુ ડાયવર્ઝનને મંજૂરી આપવાની કોઈ દરખાસ્ત નથી. ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકારે વર્તમાન ૨૦૨૩-’૨૪ સપ્લાય વર્ષ (નવેમ્બર-ઑક્ટોબર) માટે ખાંડના ડાયવર્ઝનને ૧૭ લાખ ટન પર સીમિત કરી હતી. એણે ઇથેનૉલ બનાવવા માટે એકંદર કૅપમાં શેરડીના રસ અને બી હેવી મૉલાસિઝ બન્નેનો ઉપયોગ કરવાની મંજૂરી આપી. ઇથેનૉલના ઉત્પાદન માટે ખાંડના વધુ ડાયવર્ઝનને મંજૂરી આપવાની કોઈ દરખાસ્ત નથી.’ ઇથેનૉલ માટે ખાંડના ડાયવર્ઝનને મર્યાદિત કરવામાં આવ્યું હતું, કારણ કે સરકારને અપેક્ષા છે કે ચાલુ ૨૦૨૩-’૨૪ સીઝન (ઑક્ટોબર-સપ્ટેમ્બર)માં ખાંડનું ઉત્પાદન ઘટીને ૩૨૩થી ૩૩૦ લાખ ટન થશે, જે અગાઉની સીઝનમાં ૩૭૩ લાખ ટન હતું. સરકાર ઇથેનૉલના ઉત્પાદનમાં વધારો કરવા અને બજારમાં ખાંડનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા ખાંડના વિકલ્પ તરીકે મકાઈના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે.
મહારાષ્ટ્રમાં ખાંડની સીઝન લંબાશે
મહારાષ્ટ્રમાં શુગર મિલોની પિલાણ સીઝન આ સીઝનમાં લંબાવવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં ૮૮.૪૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન કરવા માટે ૮૮૪.૪૬ લાખ ટન શેરડીનું પિલાણ કરવામાં આવ્યું છે. ગઈ સીઝનના ૯૫૩.૦૬ લાખ ટન શેરડીનું પિલાણ કરીને ૯૪.૪ લાખ ટન ખાંડના ઉત્પાદનના આંકડા કરતાં આ નોંધપાત્ર ઘટાડો છે, જે આ વર્ષે એપ્રિલના અંત સુધી લાંબી સીઝનનો સંકેત આપે છે. મહારાષ્ટ્ર શુગર કમિશનરની ઑફિસ દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા દર્શાવે છે કે જ્યારે આ સીઝનમાં માત્ર આઠ મિલે પિલાણની કામગીરી બંધ કરી દીધી છે, ૪૫ મિલે ગયા વર્ષે સમાન સમયે પિલાણ કરવાનું બંધ કરી દીધું હતું. વિસ્તૃત સીઝન શેરડી કટરની અછતને આભારી છે, જે શેરડીની અસરકારક લણણી કરવાની મિલોની ક્ષમતાને અસર કરે છે.